ઇઝરાયલનાં યુદ્ધ અને નાકાબંધીએ ગાઝાવાસીઓને ગટર અને કચરાના ઢગલામાં રહેવા માટે મજબૂર કરી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પૌલા રોઝાસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
"ભયજનક પરિસ્થિતિ." "અસહ્ય દુર્ગંધ." "અમાનવીય પરિસ્થિતિ."
ઑક્ટોબરમાં હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલા બાદના નવ મહિનાના યુદ્ધ તથા નાકાબંધી પછી ગાઝાની પરિસ્થિતિનું વર્ણન કરવા માટે સહાય એજન્સીઓ પાસે આવા શબ્દો ખૂટી પડ્યા છે.
ઇઝરાયલના બૉમ્બમારાને લીધે વેરાયેલા વ્યાપક વિનાશ અને પાયાની માળખાકીય સુવિધાઓના સમારકામ માટે ગાઝા પટ્ટીમાં સામગ્રી લાવવાની અસમર્થતાને કારણે ગાઝાના લોકોને ગટર તથા કચરાના ઢગલામાં રહેવાની ફરજ પડી છે.
આસાનીથી અટકાવી શકાય અને સારવારથી સાજા કરી શકાય તેવા ચેપ તથા રોગોએ એક એવા પ્રદેશને પોતાના પાશમાં ઝકડી લીધો છે, જે ખબૂ જ ઓછા પાણી સાથે 35 ડિગ્રી તાપમાનનો સામનો રોજ કરી રહ્યો છે.
મધ્ય-પૂર્વમાંના પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી(યુએનઆરડબલ્યુએ)ના પ્રવક્તા લુઈસ વોટરિજે વર્તમાન પરિસ્થિતિને આ શબ્દોમાં વર્ણવી છે કે અહીં ઉંદરડા, વિંછી, માખીઓ, જૂ અને મચ્છરો 22 લાખ લોકોના અસ્તિત્વને પૃથ્વી પરના એક વાસ્તવિક નરકમાં બદલી રહ્યાં છે.
રોગચાળા અને ગંદકીનું સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલે પરિસ્થિતિ વિશેના માનવતાવાદી એજન્સીઓ અને સ્વયંસેવી સંગઠનોના અહેવાલોને ફગાવી દીધા છે તથા યુએનઆરડબલ્યુએના કેટલાક કર્મચારીઓ પર તેઓ હમાસ અને ઇસ્લામિક જેહાદ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આરોપ પણ મૂક્યો છે. તે આરોપો સ્વતંત્ર રીતે સાબિત થયા નથી, પરંતુ તેને કારણે દાતા દેશોના જૂથે આ એજન્સીને જાન્યુઆરીથી ભંડોળ આપવાનું જરૂર બંધ કર્યું હતું.
સેન્ટ્રલ ગાઝામાંની નુસીરાત શરણાર્થી શિબિરમાંથી વોટરિજે બીબીસીને કહ્યું હતું, "રોગ, જાહેર સ્વચ્છતા અને અંગત સ્વચ્છતાના સંદર્ભમાં પરિસ્થિતિ વિનાશક છે. સેંકડો લોકો અત્યંત ગીચ અવસ્થામાં, અસ્વચ્છ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે."
આ પરિસ્થિતિને કારણે ગાઝા પટ્ટી વિવિધ રોગના ચેપનું કેન્દ્ર બની ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિસ્તારમાં રહેતા લોકોમાં હિપેટાઇટિસ એ, સ્કેબીઝ, મરડો અને તીવ્ર અતિસાર સામાન્ય રોગો છે. ડૉક્ટરોને ડર છે કે તાપમાનમાં વધારા સાથે આ પરિસ્થિતિમાં કોઈ ધરખમ ફેરફાર નહીં થાય તો કોલેરા ફાટી નીકળવાની શક્યતા વધી જશે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, જોખમોની યાદીનો અંત આટલેથી આવતો નથી. ગાઝાના આરોગ્ય સત્તાવાળાઓએ આ વિસ્તારમાં તહેનાત તમામ સૈનિકોને રસીકરણ અથવા બૂસ્ટર ડોઝ લેવાનો આદેશ આપ્યો છે. આ અહેવાલને ઇઝરાયલે સમર્થન આપ્યું છે.
આ યુદ્ધગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓ કહે છે કે ટનબંધ કચરો અને કાટમાળની નીચે દટાયેલા મૃતદેહોમાંથી નીકળતી દુર્ગંધ અસહ્ય છે.
આ ઉપરાંત જે પાઇપ્સ દ્વારા ગંદું પાણી બહાર કાઢવામાં આવે છે તે પાઇપ્સ બૉમ્બમારાને કારણે ફાટી ગયા છે. ગંદું પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચી શકતું નથી, કારણ કે તેના પાઇપ્સ ઇઝરાયલી સેનાના હુમલામાં નાશ પામ્યા છે. ઇઝરાયલી હુમલામાં લગભગ 39,000 લોકો માર્યા ગયા છે.
વકરતી જતી પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાઝા પટ્ટીમાંનું પાણી તથા સ્વચ્છતા સંબંધી સંપૂર્ણ માળખું નાશ પામ્યું હોવાથી સમસ્યા વકરી છે. સ્વૈચ્છિક સંગઠન ઑક્સફામના તાજેતરના અહેવાલ મુજબ, ગાઝાના લોકોને પીવા, રસોઈ માટે કે સ્નાન કરવા માટે પ્રતિ વ્યક્તિ માત્ર 4.74 લીટર પાણી જ મળે છે. આટલા પાણીથી શૌચાલયમાં માત્ર ફ્લશ કરી શકાય.
ઑક્સફામના પાણી અને સ્વચ્છતાના નિષ્ણાત તથા ઉપરોક્ત અહેવાલના લેખક લામા અબ્દુલ સમદે બીબીસીને કહ્યું હતું, "આંતરરાષ્ટ્રીય સમુદાય માને છે કે કટોકટીની પરિસ્થિતિમાં પણ વ્યક્તિદીઠ કમસેકમ 15 લીટર પાણી મળવું જોઈએ, પરંતુ ગાઝામાં તેના ત્રીજા ભાગ કરતાં પણ ઓછું પાણી મળે છે અને તે યુદ્ધ પહેલાં મળતું હતું તેના કરતાં 94 ટકા ઓછું છે."
વિશ્વ આરોગ્ય સંગઠનની ભલામણ અનુસાર, સામાન્ય સ્થિતિમાં મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી બચવા માટે વ્યક્તિદીઠ 50થી 100 લીટર પાણી મળવું જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, ગાઝાની 90 ટકા વસ્તીને ભાગી છૂટવાની ફરજ પડી છે અને ઘણા લોકો પ્લાસ્ટિક, કાપડ અને પરિવારને કચરામાંથી જે કંઈ મળ્યું હોય તેનાથી બનાવવામાં આવેલા કામચલાઉ આશ્રયસ્થાનોમાં જીવે છે.
લુઈસ વોટરિજ વર્ણવે છે તેમ, આ આશ્રયસ્થાનોમાં ગરમી કે દુર્ગંધ સામે કોઈ રક્ષણ મળતું નથી. "ચોતરફ દોડતા ઉંદરો અને જંતુઓથી રક્ષણ મળતું નથી. અહીં જેની સાથે વાત કરીએ તે તમામ લોકો વીંછીના ડંઘ, મચ્છર અથવા માખીઓની વાતો કરે છે."

પાણીની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
સાતમી ઑક્ટોબરે હમાસે ઇઝરાયલમાં 1,200થી વધુ લોકોની હત્યા કરી અને અન્ય 152 લોકોનું અપહરણ કર્યું પછી યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયલ સરકારે ગાઝા પટ્ટીની સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યો છે.
સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે એ વખતે કહ્યું હતું, "અમે ગાઝાની સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યા છીએ. વીજળી, ખોરાક, પાણી અને ગેસ બધું બંધ કરી દેવાયું છે."
ગાઝામાં વપરાશમાં લેવાતા પાણી પૈકીનું માત્ર 12 ટકા ઇઝરાયલથી આવતું હતું, પરંતુ તે પાણી ઇઝરાયલની સરકારી પાણી કંપની મેકોરોટે નવમી ઑક્ટોબરથી બંધ કરી દીધું છે.
એ પછીના મહિનાઓમાં અમુક પાઇપલાઇન્સ પૂર્વવત કરવામાં આવી હતી, પરંતુ ઉત્તરને આપવામાં આવતો 95 ટકા પુરવઠો બંધ કરવામાં આવ્યો છે અને ખાન યુનિસ તરફ જતી લાઇન મારફત 81 ટકા પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે છે, એવું લામા અબ્દુલ સમદે કહ્યુ હતું.
યુદ્ધ પહેલાં ગાઝામાં વપરાતું મોટાભાગનું પાણી ગાઝા પટ્ટીમાંથી જ આવતું હતું, પરંતુ ઑક્સફામના જણાવ્યા મુજબ, ઇઝરાયલી બૉમ્બમારા પછી આ પ્રદેશના પાણી અને સ્વચ્છતાનું સમગ્ર માળખું નષ્ટ થઈ ગયું છે. ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું ઉલ્લંઘન કરીને "પાણીનો ઉપયોગ યુદ્ધના શસ્ત્ર તરીકે કરી રહ્યું છે," જેની ઑક્સફામ નિંદા કરે છે.
વૉટર પમ્પ્સ ચલાવવા માટે જરૂરી ઈંધણની ઍન્ટ્રી પર ઇઝરાયલે પ્રતિબંધ લાદતાં સમસ્યાઓ વકરી છે.
અબ્દુલ સમદના જણાવ્યા અનુસાર, પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રસંઘ સંકલિત માનવતાવાદી સહાય સંસ્થાઓની વિનંતી પછી ઇઝરાયલે કુલ જરૂરિયાતનું પાંચમા હિસ્સાનું ઈંધણ જ પૂરું પાડ્યું છે.
માત્ર પાઇપલાઇન્સ જ નાશ પામી નથી. ટાંકીઓ, કુવાઓ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ, જળ પરીક્ષણ લેબોરેટરીઝ અને પાઇપ્સ તથા સ્પેરપાર્ટ્સ રાખવામાં આવે છે તે ગોદામો પણ નાશ પામ્યાં છે. ઇઝરાયલે લાદેલી નાકાબંધીને કારણે અહીં પાઇપ્સ તથા સ્પેરપાર્ટ્સ લાવી શકાતા નથી.
વાત આટલેથી પૂર્ણ થતી નથી. સીવેજ પમ્પિંગ સ્ટેશન્શ પૈકીનાં 70 ટકા તેમજ તમામ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ નાશ પામ્યા છે, એમ જણાવતાં ઑક્સફામના નિષ્ણાત ઉમેરે છે, "તેથી જ પડોશના જબાલિયામાં પૂર આવ્યું છે અને ખાન યુનિસના પાડોશમાં ગટરો વહી રહી છે."
લામા અબ્દુલ સમદ સરખામણી માટે બે ઉદાહરણ આપે છે. "સીરિયામાં દસ વર્ષના યુદ્ધ પછી રેડક્રૉસની આંતરરાષ્ટ્રીય સમિતિના જણાવ્યા મુજબ, નુકસાન 50 ટકાના સ્તરે પહોંચ્યું હતું. યમનમાં નવ વર્ષ પછી તેઓ પાણી તથા સ્વચ્છતા વ્યવસ્થાને 40 ટકા સુધી નુકસાન કરી ચૂક્યા છે. અહીં ગાઝામાં નવ મહિનામાં 70 ટકાથી વધારે નુકસાન જોવા મળી રહ્યું છે અને ગાઝા સિટી જેવા વિસ્તારોમાં તો 100 ટકા નુકસાન થઈ ગયું છે."
જે નષ્ટ થઈ ગયું છે તેનું સમારકામ કરવું લગભગ અશક્ય છે.
લુઈસ વોટરિજનું કહેવું છે કે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં મિકેનિકલ પાર્ટ્સ લાવવાની મંજૂરી ન આપતું હોવાથી યુએનઆરડબલ્યુએના અધિકારીઓએ જૂનાં વાહનોમાંથી એવા પાર્ટ્સ કાઢવા પડે છે, જેનો ઉપયોગ કુવામાંથી પાણી કાઢવા માટેના પમ્પ્સ માટે કરી શકાય.
સંગઠનના મહિલા પ્રવક્તાએ કહ્યું હતું, "અહીં કાર્યરત લોકોનું કલ્પનાશીલ હોવું જરૂરી છે. તેમણે ગાઝા સ્ટ્રીપમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને ચીજો ઠીક કરવી જરૂરી છે."
કચરાના પહાડો

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર ગાઝામાં જોવા મળતી પરિસ્થિતિનું વર્ણન વોટરિજે કર્યું હતુઃ "હું મારી બારીની બહાર જોઉં છું કે મારા દરવાજાની બરાબર બહાર લગભગ એક લાખ ટન કચરાનો પહાડ છે. તેને કૂતરાંઓ ખોદી રહ્યા છે અને બાળકો ભોજન, આશ્રયસામગ્રી કે ઈંધણ માટે અહીંતહીં ભટકી રહ્યાં છે, કારણ કે ભોજન રાંધવા માટે ગૅસ નથી."
ચારે તરફ કચરો સડી રહ્યો છે, ગંધાઈ રહ્યો છે અને ઉંદરડાઓ તથા તમામ પ્રકારના જંતુઓનું પ્રજનન સ્થળ બની ગયો છે.
યુદ્ધ પહેલાં પણ ઇઝરાયલે 2007માં ગાઝા પટ્ટીમાં લાદેલી નાકાબંધીને કારણે અહીં પૂરતી ગાર્બેજ ટ્રક્સ ન હતી કે શહેરી કચરો વીણવા કે રિસાયકલ કરવાના સાધનો ન હતાં.
સાતમી ઑક્ટોબરથી ઇઝરાયલે સીમા ક્ષેત્ર સુધીની પહોંચને અવરોધિત કરી છે. ગાઝા પટ્ટીની બે મુખ્ય લૅન્ડફિલ જુહર અલ-ડિક અને અલ ફુજારી તે વિસ્તારમાં આવે છે. જુહર અલ-ડિક પ્રદેશના ઉત્તર માટે અને અલ ફુજારી મધ્ય તથા દક્ષિણ વિસ્તારો માટે કાર્યરત હતી.
યુએનઆરડબલ્યુએના અંદાજ મુજબ, દસમી જૂન સુધીમાં 3.30 લાખ ટનથી વધુ ઘન કચરો એકઠો થયો છે. આ કચરો 150 ફૂટબૉલ પીચને ભરી દેવા માટે પૂરતો છે. તેમાં રોજ સરેરાશ 2,000 ટન કચરો ઉમેરાતો રહે છે.
લુઈસ વોટરિજે કહ્યું હતું, "લૅન્ડફિલ્સ સુધી જવા દેવા અમે ઇઝરાયલના અધિકારીઓને રોજ કહીએ છીએ, પરંતુ અમારી માંગણીનો અસ્વીકાર કરવામાં આવે છે. એટલે દરેક જગ્યાએ કચરો એકઠો થઈ રહ્યો છે."
તાજેતરમાં પ્રકાશિત એક અભ્યાસમાં ડચ સ્વૈચ્છિક સંગઠન પેક્સે સમગ્ર ગાઝા સ્ટ્રીપમાં ઓછામાં ઓછી 225 ડમ્પિંગ સાઇટ્સની ભાળ મેળવી છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ નિર્મિત 14 ઇમરજન્સી ડમ્પિંગ સાઇટ્સનો પણ સમાવેશ થાય છે.
સંગઠન પોતે કબૂલે છે કે વાસ્તવિક આંકડો તેનાથી પણ વધારે હોવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તારના આકલન માટેની સૅટેલાઇટ ઇમેજમાં કચરાના નાના ઢગલા દેખાતા નથી.
પેક્સે ‘વૉર અને ગાર્બેજ ઇન ગાઝા’ નામના તેમના અહેવાલમાં જણાવ્યું છે કે પહેલેથી જ દયનીય હાલતમાં રહેતા લોકો પર પ્રચંડ જોખમ છે. કચરો સળગાવવાને કારણે બગડતી હવાની ગુણવત્તા અને સડતા કચરાની દુર્ગંધને કારણે શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ તેમના પર છે. કચરાના ઢગલામાં ખાંખાખોળા કરતા લોકો ઝેરી મેડિકલ અથવા ઔદ્યોગિક કચરાના સંપર્કમાં આવે છે.
એક જોખમ દ્રાવ્ય કાર્બનિક પદાર્થો, અકાર્બનિક ઘટકો, ભારે ધાતુઓ અને ઝેનોબાયોટિક કાર્બનિક સંયોજનાના ‘કેમિકલ સુપ’નું પણ છે. તેના પરિણામે ખેતીની જમીન તથા જળ પ્રદૂષિત થવાની શક્યતા છે. તેને લીધે ઝેરી પદાર્થો ફૂડ ચેઈનમાં અને આખરે માનવ શરીરમાં પ્રવેશી શકે છે, એવી ચેતવણી પેક્સે આપી છે.
કચરો હોય ત્યાં પરોપજીવીઓ અને જંતુઓ પણ હોય જ છે.
વાંદા, માખીઓ, મચ્છરો, કીડાઓ અને વીંછી બધા કચરાની મિજબાની માણે છે. પછી કામચલાઉ તંબુની તિરાડોમાંથી અંદર ઘૂસી જાય છે. એ તંબુમાં લાખો લોકો આશરો લઈ રહ્યા છે.
યુએનઆરડબલ્યુએના પ્રવક્તાએ ચેતવણી આપી હતી કે "જંતુઓ અને કીડાઓ દરેક જગ્યાએ છે. આસપાસ માખી બણબણતી હોય ત્યારે આપણે તેને દૂર ધકેલીએ છીએ."
"એ સતત આપણી પાસે આવતી રહે છે. મેં અહીંની હૉસ્પિટલમાં જોયું હતું કે બાળકોનાં માથાની આસપાસ 10-15 માખીઓ બણબણતી હતી. બાળકો એક ઊંહકારો પણ કરતાં નથી, કારણ કે તેઓ જંતુઓથી બહુ ટેવાયેલાં છે."
ગંદકીને કારણે થતાં રોગોની ભરમાર

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના બૉમ્બમારામાં લગભગ 39,000 લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ ગાઝા પટ્ટીમાં આરોગ્યની ભયંકર પરિસ્થિતિને લીધે વધુ લોકો મૃત્યુ પામી શકે છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં પ્રકાશિત એક પત્રમાં સંશોધકોના જૂથે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે અન્ય સંઘર્ષના આંકડાઓને ધ્યાનમાં લેતાં ગાઝામાં પરોક્ષ મૃત્યુઆંક 1,86,000 સુધી પહોંચી શકે છે.
આ અંદાજ સામે અન્ય વિજ્ઞાનીઓ શંકા વ્યક્ત કરી છે, પરંતુ અંદાજને બાજુ પર રાખીએ તો વાસ્તવિકતા પોતે જ હકીકતનું બયાન કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ડેટા અનુસાર, ગાઝાની પ્રત્યેક ચારમાંથી એક વ્યક્તિ એટલે કે ગાઝાના 26 ટકા લોકો સરળતાથી અટકાવી શકાય તેવા રોગથી ગંભીર રીતે બીમાર છે.
પાણી અને સ્વચ્છતા સંબંધી રોગના 7,29,909 કેસ 28 મે સુધીમાં નોંધાયા હતા.
તેમાંથી તીવ્ર અતિસારના 4,85,300 કેસ વધારે ચિંતાજનક હતા. તેમાં પાંચ વર્ષથી ઓછી વયનાં 1,12,882 બાળકો તેમજ લોહીના ઝાડા (શંકાસ્પદ મરડા)ના 9,700 અને શંકાસ્પદ હેપેટાઈટિસ એના 81,000 કેસનો સમાવેશ થતો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
મોટાભાગની વસ્તી પાસે જાતને સ્વચ્છ રાખવા માટે કશું જ નથી. તેમની પાસે કપડાં કે બીજો સામાન ધોવા માટે પણ કશું નથી, કારણ કે નાકાબંધીને કારણે સાબુ જેવું ભાગ્યે જ કશું ઉપલબ્ધ હોય છે.
લુઈસ વોટરિજે કહ્યું હતું, "અતિસાર, જૂ, ચામડીના રોગો અને અલ્સરથી પીડાતાં બાળકોની પોતે સતત સારવાર કરી રહ્યા હોવાનું યુએનઆરડબલ્યુએના ફાર્માસિસ્ટ્સ અમને કહે છે. આ બધું જાતને સ્વચ્છ ન રાખવાને કારણે થાય છે, પરંતુ બાળકો સાજા થતાં નથી, કારણ કે તેઓ જેના કારણે તેમને એ બીમારી થઈ હતી એ જ અસ્વચ્છ વાતાવરણમાં તેઓ પાછાં જાય છે."
હૉસ્પિટલોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ઇઝરાયલની નાકાબંધીને કારણે ત્યાં ક્લીનિંગ પ્રોડક્ટ્સ અને જંતુનાશકો ન મળતાં હોવાથી ગંભીર બીમારીના દર્દીઓ લોહીવાળા ગાદલા પર પડેલા જોવા મળે છે અથવા ડૉક્ટરોએ ખુલ્લી બારીવાળા ઇન્ટેન્સિવ કેર યુનિટ્સમાં ફરજિયાત કામ કરવું પડે છે. ઍર-કન્ડિશનર ચલાવવા માટે જરૂરી વીજળીની અછત હોવાથી એ ખુલ્લી બારીઓમાંથી માખીઓ અને મચ્છરો અંદર ઘૂસી આવે છે.
પેલેસ્ટિનિયન રેફ્યુજી એજન્સીના પ્રવક્તાએ પીડા સાથે કહ્યું હતું, "ગયા અઠવાડિયે નાસેર હૉસ્પિટલમાં ડૉક્ટરોએ બૉમ્બમારામાં ગંભીર રીતે ઘવાયેલા લોકોના ઘા પાણી વડે સાફ કર્યા હતા, કારણ કે તેમની પાસે બીજું કશું ન હતું. પોતાનું કોઈને કોઈ અંગ ગુમાવી ચૂકેલાં બાળકોથી હૉસ્પિટલ ભરચક હતી. આ તો અત્યાચાર છે."












