ગાઝા: 'મારા એકમાત્ર બાળકની ભૂખ સંતોષી શકતી નથી', ભૂખથી ટળવળતાં બાળકો અને માતાનો સંઘર્ષ

- લેેખક, અદનાન અલ બુર્શ
- પદ, ગાઝા સંવાદદાતા, બીબીસી અરબી, દોહાથી
ઉત્તરી ગાઝાની અલ અહલી હૉસ્પિટલના બિછાને પાંચ મહિનાનો અબ્દુલ અઝીઝ અલ-હુરૈની સૂઈ રહ્યો છે. હુરૈની સંપૂર્ણ કુપોષિત છે.
માત્ર ત્રણ કિલો વજન ધરાવતો અબ્દુલ અઝીઝ થોડા સમય પહેલાં જ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માંથી બહાર આવ્યો છે. આઈસીયુમાં તે કુપોષણ માટેની સારવાર લઈ રહ્યો હતો.
તેમનાં માતા કહે છે કે, ''હું ગાઝામાં મારા પુત્રની ભૂખ સંતોષી શકું તે માટે પૂરતો ખોરાક મેળવી શકતી નથી. અબ્દુલ અઝીઝ મારું એકમાત્ર સંતાન છે. તેનું વજન પાંચ કિલો હોવું જોઈએ. હું તેને લઈને ખૂબ જ ચિંતિત છું. બૉર્ડર બંધ હોવાના કારણે હું તેને અહીંથી બહાર પણ લઈ જઈ શકતી નથી.''
આ માત્ર અબ્દુલ અઝીઝની કહાણી નથી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ કહ્યું છે કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં આઠ હજારથી વધુ બાળકો કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આમાંથી 1600 બાળકો ગંભીર રીતે કુપોષણથી પીડાઈ રહ્યાં છે.
ગયા અઠવાડિયે ડબલ્યુએચઓના વડાએ કહ્યું હતું કે, "કુપોષણને કારણે અત્યાર સુધીમાં 32 બાળકોનાં મૃત્યુ થયાં છે, જેમાંથી 28 બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં છે."
સંયુક્ત રાષ્ટ્રની બાળકો માટે કામ કરતી સંસ્થાએ જૂન મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ગાઝામાં દર દસમાંથી નવ બાળકો ખાદ્ય કુપોષણથી પીડાઈ રહ્યાં છે. આ બાળકો એક દિવસમાં બે અથવા તેનાથી પણ ઓછા ભોજન પર જીવી રહ્યાં છે.
સંસ્થાનું કહેવું છે કે મહિનાઓથી ચાલતા સંઘર્ષ અને માનવીય સહાય પરના પ્રતિબંધોના કારણે ગાઝાની ભોજનના પુરવઠાની અને આરોગ્ય વ્યવસ્થાઓ પડી ભાગી છે, જેનાં વિનાશકારી પરિણામ આવ્યાં છે. તેના કારણે બાળકો પર જીવલેણ કુપોષણનું જોખમ રહેલું છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાલી બજાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હું ગાઝામાં જન્મ્યો છું અને મારા પરિવાર સાથે ત્યાં જ રહ્યો છું. ફેબ્રુઆરી મહિના સુધી હું ગાઝાની અંદરથી રિપોર્ટિંગ કરતો હતો. ઉત્તર ગાઝાના અલ-તુફાહ વિસ્તારને હું એક વ્યસ્ત બજાર તરીકે ઓળખું છું જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે.
આજે જ્યારે હું ત્યાં રહેતા લોકોને હાલની સ્થિતિ વિશે પ્રશ્ન કરું છું તો તેઓ આખી અને સૂમસામ બજારની તસવીરો મોકલે છે.
બજારમાં આવેલી વૃદ્ધ વ્યક્તિ સલીમ શબાકા કહે છે કે, "અહીં ન તો ટામેટાં છે, ન કાકડી અને ન ફળો અથવા રોટલી."
તેઓ કહે છે કે હાલમાં બજારમાં કેટલાંક જૂનાં કપડાં અને પૅક ભોજન જ વેચાણ માટે ઉપલબ્ધ છે.
રસ્તા પર દુકાન લગાવતી બીજી એક વ્યક્તિ કહે છે કે, "અમે અમારી જિંદગીમાં ક્યારેય આવી સ્થિતિ જોઈ નથી – ન વેચવા માટે કંઈ છે અને ન ખરીદવા માટે."
તેઓ વધુમાં કહે છે કે, "મારે સાત બાળકો છે અને મને કોઈ પણ પ્રકારની મદદ કે રાહતસામગ્રી મળી નથી."
મફત ભોજનનું વિતરણ કરતી નાની દુકાનો સામે દરરોજ લોકોની લાંબી લાઇનો લાગે છે. ખાવાની આ સ્ટૉલને સ્થાનિક ભાષામાં ‘ટિકેયા’ કહેવામાં આવે છે.
ઉત્તર ગાઝાના કેટલાક શ્રીમંત લોકો આ ટિકેયાને ભંડોળ પૂરું પાડી રહ્યા છે, પરંતુ સામગ્રીના અભાવના કારણે તેમના ભવિષ્ય સામે પણ જોખમ છે.
હાલમાં કેટલાંક બાળકો ગરમ ભોજન મેળવવાની આશામાં અહીં લાઇનમાં ઊભાં રહી જાય છે. બીજાં બાળકો પીવાનું પાણી મેળવવા માટે લાંબા અંતર સુધી ચાલીને જાય છે.
ભૂખ અને બીમારી

લગભગ દરરોજ હું ગાઝામાં રહેતા મારા મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરું છું. તેમની જે પણ તસવીરો હું જોઉં છું તેનાથી એ વાત તો સ્પષ્ટ છે કે તેમનું વજન ઘટી ગયું છે અને ચહેરામાં ફેરફાર આવી ગયો છે.
ડૉ. ટેડ્રોસે પણ ચેતવણી આપી છે કે, "ભોજન પુરવઠામાં વધારો કરવાના અહેવાલો વચ્ચે એવા કોઈ પુરાવા નથી, જેનાથી સાબિત થાય કે સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો સુધી પૂરતી માત્રામાં ભોજન પહોંચી રહ્યું છે."
તેઓ વધુમાં જણાવે છે કે અસુરક્ષા અને મર્યાદિત પહોંચના કારણે ગંભીર રીતે કુપોષિત લોકો માટે માત્ર બે કેન્દ્રો હાલમાં કાર્યરત્ છે. તેઓ ચેતવણી આપતા કહે છે કે આરોગ્ય સેવાઓ, ચોખ્ખું પાણી અને સ્વચ્છતાના અભાવે બાળકોમાં ગંભીર કુપોષણનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ સ્થિતિનો અર્થ એ પણ થાય છે કે હિપેટાઇટિસ જેવા ચેપી રોગો ફેલાવવાનું જોખમ વધારે છે. ગાઝામાં મોટા ભાગની હૉસ્પિટલો અને દવાખાનાં બંધ છે. જે કાર્યરત્ છે તે કાં તો ક્ષતિગ્રસ્ત છે અથવા ક્ષમતા કરતાં વધુ દર્દીઓને સારવાર આપી રહ્યાં છે.
ઉત્તર ગાઝાના જબાલિયામાં રહેતાં વૃદ્ધ મહિલા ઉમ્મ ફવાદ જાબિર કહે છે કે, અમે સુકાઈ ગયાં છીએ અને શક્તિહીન થઈ ગયાં છીએ. અમારે ઘણી વખત અમારું ઘર છોડવું પડ્યું છે અને અહીં દરરોજ લોકો મૃત્યુ પામી રહ્યા છે.
“અમે પ્રાણીઓનો ખોરાક ખાધો છે. બાળકો અને સ્ત્રીઓ કુપોષણને કારણે જીવ ગુમાવી રહ્યાં છે. બીમારી અમારાં શરીરને ખાઈ ગઈ છે.”
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયની ઇમરજન્સી કમિટીના પેલેસ્ટાઇન ડૉક્ટર મોઆતાસેમ સઈદ સલાહ દરરોજ કુપોષણના ડઝનેક કેસ સામે આવતા હોવાની પુષ્ટિ કરે છે. ખાસ કરીને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતામાં કુપોષણના વધારે કેસ સામે આવી રહ્યા છે.
તેઓ કહે છે કે પહેલેથી જ ગંભીર બીમારીઓથી પીડિત ઘણા લોકો હવે આરોગ્ય સંબંધિત બીજી સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે.
માનવીય મદદ પહોંચાડવામાં પડકારો
સાત ઑક્ટોબર 2023ના રોજ હમાસે અચાનક ઉત્તર ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય કહે છે કે યુદ્ધ શરૂ થયું ત્યારથી 37 હજારથી વધુ પેલેસ્ટાઇનવાસીનાં મોત થયાં છે અને લાખો લોકો ઈજાગ્રસ્ત અને વિસ્થાપિત થયા છે.
ગાઝાના લોકોને ટકી રહેવા માટે માનવતાવાદી સહાયની જરૂર છે પરંતુ ગાઝા સુધી પૂરતી સહાય પહોંચી રહી નથી.
એક સમયે દક્ષિણ ગાઝામાં ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહ ચેકપૉઇન્ટ ગાઝામાં સહાય માટેનો મુખ્ય માર્ગ હતો. પરંતુ હવે ગાઝાની તરફ જે ચોકી છે તેના પર ઇઝરાયલનો કબજો છે અને બંધ છે.
ઉપરાંત દક્ષિણ ગાઝામાં ઇઝરાયલની સરહદ પર કેરેમ શેલોમ ચેકપૉઇન્ટ ખુલ્લી છે, પરંતુ લડાઈની તીવ્રતાને કારણે ફક્ત મર્યાદિત સહાય જ અહીંથી ગાઝામાં પ્રવેશી શકે છે.
કેટલાક નવી ચેકપૉઇન્ટ્સ થકી ઉત્તર ગાઝામાં ભોજનસામગ્રી પહોંચાડાઈ રહી છે પણ સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર 7 મેથી પહોંચતી સહાયની માત્રામાં બે તૃતીયાંશ જેટલો ઘટાડો થયો છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મુજબ દક્ષિણ ગાઝામાં પણ પુરવઠો ખૂટી પડ્યો છે.
અમેરિકાએ ગાઝાના કિનારે તરતો પુલ બનાવ્યો છે જેથી રાહતસામગ્રી દરિયાઈ માર્ગે પહોંચી શકે. ખરાબ હવામાનને કારણે તે પણ ક્ષતિગ્રસ્ત થયો છે અને ઘણા દિવસોથી તે બંધ છે. હવે આ તેને અસ્થાયી રૂપે અહીંથી હટાવી દેવામાં આવ્યો છે.
20 આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓએ ચેતવણી આપી છે કે, “ગાઝામાં સહાયના અભૂતપૂર્વ પ્રવાહે એવો ભ્રમ પેદા કર્યો છે કે મદદ સારી રીતે પહોંચી રહી છે, પરંતુ માનવીય મદદ પડી ભાંગવાની આરે છે.”
ગયા અઠવાડિયે ગાઝામાં હમાસ સંચાલિત સરકારે કહ્યું હતું કે ગાઝામાં દરરોજ 35 જેટલી ટ્રક આવે છે અને આ આંકડો વધ્યો નથી. હમાસે કહ્યું કે ઉત્તર ગાઝામાં ખોરાક અને દવાઓનો આ એકમાત્ર સ્રોત છે.
જોકે, 13 જૂનના રોજ સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર ઇઝરાયલના માનવીય સમન્વય માટે જવાબદાર કોગેટ સંસ્થાએ કહ્યું કે યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એક અબજ પાઉન્ડથી પણ વધુની કિંમતની ભોજનસામગ્રી ગાઝામાં મોકલવામાં આવી છે.
"ગાઝામાં પ્રવેશી શકે તેવી તમામ પ્રકારની દવાઓ સહિત માનવીય મદદ પર કોઈ મર્યાદા નથી."

તે જ દિવસે કોગેટ સંસ્થાએ અન્ય એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આજે માનવીય મદદથી ભરેલી 220 ટ્રકોએ ગાઝામાં પ્રવેશ કર્યો હતો. સંસ્થાએ માનવતાવાદી સંગઠનો પર ખોરાક અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવ્યો છે.
સંસ્થાનું કહેવું છે કે લગભગ હજી 1400 ટ્રકોને લઈ જવા માટે રાહ જોવાઈ રહી છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યુદ્ધ, કાયદો અને વ્યવસ્થાનો અભાવ અને ઇઝરાયલના અન્ય પ્રતિબંધોના કારણે સામગ્રી વિતરણનું કામ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.
રવિવારે ઇઝરાયલી સૈન્યે જાહેરાત કરી કે તેણે માનવતાવાદી સહાયને પ્રવેશવાની મંજૂરી માટે દક્ષિણ ગાઝાના એક રસ્તા પર "દૈનિક લશ્કરી પ્રવૃત્તિ થોભાવી" દીધી છે. પરંતુ સેનાએ ભારપૂર્વક કહ્યું છે કે રફાહમાં લડાઈ ચાલુ રહેશે અને યુદ્ધવિરામ નહીં થાય.
ઇઝરાયલનું કહે છે કે હમાસને બહાર કાઢવા માટે રફાહમાં તેનું ઑપરેશન ખૂબ જ મહત્ત્વનું છે. ઇઝરાયલનું માનવું છે કે 'રફાહ હમાસનો છેલ્લો ગઢ છે.'
યુદ્ધને થોડા સમય માટે થોભાવી દેવાની શરૂઆત શનિવારથી થશે, જેનો સમયગાળો સવારે આઠથી સાંજના સાત વાગ્યા સુધીનો હશે. યુદ્ધવિરામ ફક્ત કેરોમ શલોમ ક્રૉસિંગથી ઉત્તર તરફ જતા માર્ગ પર લાગુ રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે પરંતુ રવિવારે તેમણે સ્વીકાર્યું હતું કે જમીન પરની સહાય હજુ સુધી વધારવામાં આવી નથી.
સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ પહેલેથી જ ચેતવણી આપી છે કે જો યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે તો ગાઝામાં આશરે એક મિલિયન પેલેસ્ટાઇનવાસીઓ જુલાઈના મધ્ય સુધીમાં ગંભીર ભૂખમરાનો ભોગ બની શકે છે.













