‘મારી પાસે બૅન્કમાં પૈસા પડ્યા છે, પરંતુ હું ભોજન નથી ખરીદી શકતો ’ યુદ્ધગ્રસ્ત ગાઝાના લોકોની વ્યથા

ચલણી નોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇનમાં ઇઝરાયલ, જોર્ડન અને અમેરિકાના ચલણ વપરાશમાં છે
    • લેેખક, અમિરા મોહદબી
    • પદ, બીબીસી અરેબિક

“મારા બૅન્ક એકાઉન્ટમાં પૈસા છે અને બ્રેડ પણ ઉપલબ્ધ છે, છતાં ઘણી વખત એવું થાય છે કે હું મારા સંતાનો માટે બ્રેડ ખરીદી નથી શકતો.”

ગાઝાના દેર અલ બલાહના એક પેલેસ્ટિનિયન મોહમ્મદ અલ-ક્લોબ આ કહે છે. તેઓ જણાવે છે કે તેમના બૅન્ક એકાઉન્ટમાં પડેલા પૈસા નકામા છે, કારણ કે તેઓ રોકડનો ઉપાડ કરી શકતા નથી અને ઘણા વેપારી ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી પૈસા સ્વીકારતા નથી.

ખાસ કરીને ઇઝરાયલે પેલેસ્ટાઇનની ટેક્સ રેવન્યૂમાંથી ગાઝા માટે થતી ફાળવણી અટકાવી દીધા પછી તાજેતરના મહિનાઓમાં ગાઝામાં રોકડ અતિ દુર્લભ બની ગઈ છે.

કૅશની કટોકટી કેવી રીતે સર્જાઈ

એટીએમ

ઇમેજ સ્રોત, Getty Images

ગાઝા યુદ્ધના પ્રારંભિક મહિનાઓ દરમિયાન વિસ્થાપિત લોકોની સંખ્યા વધવાની સાથે ગાઝાવાસીઓએ રોકડા પૈસા ઉપાડવા એટીએમ અને બૅન્કોની બહાર લાઇન લગાવી હતી.

કેટલાક લોકોએ પૈસા ઉપાડવામાં તેમનો વારો આવે ત્યાં સુધી, થોડા દિવસ રાહ જોઈ હતી.

સમય પસાર થતાંની સાથે સંખ્યાબંધ બૅન્કો યુદ્ધમાં નાશ પામી હતી. ગાઝાવાસીઓ જેને ‘મની-ઍક્સ્ચેન્જ માફિયા’ કહે છે તેવી ટોળકીઓનો ભોગ બન્યા હતા. આ ટોળકીઓએ અંધાધૂંધી વચ્ચે પૈસા કમાવાની તક ઝડપી હતી.

યુદ્ધ શરૂ થયાના છ મહિના પછી 24 માર્ચે પેલેસ્ટાઇન મોનેટરી ઑથોરિટીએ જાહેરાત કરી હતી કે “સતત બૉમ્બમારો ચાલતો હોવાથી, વીજ પૂરવઠો ન હોવાથી અને પરિસ્થિતિ મુશ્કેલ હોવાથી ગાઝા સ્ટ્રીપમાંની તમામ બૅન્કોની શાખાઓ ખુલ્લી રાખવાનું શક્ય નથી.”

તેના પરિણામે રોકડની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ છે અને મોટાભાગનાં એટીએમ કામ કરતાં બંધ થઈ ગયાં છે.

પેલેસ્ટાઇન મોનેટરી ઑથોરિટીએ ઓનલાઇન બૅન્કિંગ સર્વિસીસ, ઇલેક્ટ્રોનિક વૉલેટ્સ અને બૅન્ક કાર્ડ્ઝ દ્વારા 11, મેએ ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

જોકે, તેમાં ઇન્ટરનેટ આઉટેજ મુખ્ય સમસ્યા હતી અને લોકો આ સેવાનો વ્યાપક ઉપયોગ કરતા નથી.

મોહમ્મદ કહે છે, “યુદ્ધના આઠ મહિના દરમિયાન ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન સ્વીકારતો હોય એવો એકમાત્ર સ્ટોર હું શોધી શક્યો હતો. હવે બધી પ્રોડક્ટ્સ સ્ટોર્સને બદલે કૅમ્પ્સમાંના સ્ટોલમાં વેચવામાં આવે છે.”

બીબીસી ગુજરાતી

ગાઝાનું અર્થતંત્ર કેટલું ડામાડોળ થયું છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગાઝાની વર્તમાન રોકડની કટોકટીને સમજવા માટે ગાઝા સ્ટ્રીપમાંની નાણાકીય વ્યવસ્થાને નજીકથી જાણવાથી મદદ મળશે.

હમાસે 2007માં ગાઝા સ્ટ્રીપને પોતાના તાબામાં સંપૂર્ણપણે લઈ લીધી પછી લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ગાઝાના અર્થતંત્રને માઠી અસર થઈ છે.

ઇઝરાયલ કહે છે કે ઉગ્રવાદી જૂથના હુમલાઓને રોકવા માટે પ્રતિબંધો જરૂરી છે.

ગાઝા સ્ટ્રીપમાંની બૅન્કો પેલેસ્ટાઇન મોનેટરી ઑથોરિટી અને રામલ્લામાંની પેલેસ્ટાઇન સરકાર સાથે સંકળાયેલી છે અથવા તો ખાનગી માલિકીની અને હમાસ સરકાર સાથે સંકળાયેલી છે.

1994ના પેરિસ કરાર હેઠળ પેલેસ્ટાઇન મોનેટરી ઑથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી અને તે ઓસ્લો સંધિ સાથે જોડાયેલી આર્થિક વ્યવસ્થા છે.

આ કરાર હેઠળ પેલેસ્ટાઇનના અર્થતંત્ર અને તેના નાણાકીય વ્યવહારોને ઇઝરાયલની બૅન્કિંગ સિસ્ટમની સીધી દેખરેખ તથા નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ કરાર હેઠળ ઇઝરાયલે પેલેસ્ટિનિયન ઑથોરિટી વતી કર એકત્ર કરે છે અને માસિક ધોરણે મોનેટરી ઑથોરિટીને ટ્રાન્સફર કરે છે. ઇઝરાયલનું નાણાં મંત્રાલયની મંજૂરી અને અમુક ટકા નાણાં કાપ્યા પછી આ ટ્રાન્સફર કરવામાં આવે છે.

કરની આવક તરીકે ઓળખાતું આ ભંડોળ પેલેસ્ટિનિયન ઑથોરિટીની આવકનો સૌથી મોટો સ્રોત છે અને તેમાંથી અમુક હિસ્સો ગાઝા પટ્ટીને ફાળવવામાં આવે છે.

હમાસે 2007માં ગાઝા સ્ટ્રીપ પર નિયંત્રણ મેળવ્યું ત્યાર પછી પણ ગાઝાના હજારો સરકારી કર્મચારીઓને તેમનો પગાર પેલેસ્ટિનિયન ઑથોરિટી પાસેથી જ મળતો હતો. પગારના એ નાણાં મોનેટરી ઑથોરિટી સાથે સંકળાયેલી ગાઝામાંની બૅન્ક મારફત ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘની રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી ફોર રેફ્યુજીસ (યુએનઆરડબલ્યુએ) અને કતારી સહાય દ્વારા મદદના સ્વરૂપમાં પણ ગાઝામાં રોકડ આવતી હતી. તેને ગાઝામાં ડૉલરનો પ્રાથમિક સ્રોત માનવામાં આવતી હતી.

ગાઝાના એક પેલેસ્ટાઇની આર્થિક સંશોધક અહેમદ અબુ કમર આવકના આ પ્રવાહને “રોકડના સત્તાવાર માર્ગો” ગણાવે છે.

તેમણે બીબીસીને કહ્યું હતું કે “શેડો ઈકોનોમી” તરીકે ઓળખાતા બિનસત્તાવાર માર્ગો પણ છે. તેમાં માલનું રોકડમાં રૂપાંતર થાય છે.

જોકે, બિનસત્તાવાર માર્ગો દ્વારા સર્જાતી રોકડ મોનેટરી સાયકલ કે “મની સપ્લાય”માં દેખાતી નથી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાઝા સ્ટ્રીપના 20 લાખથી વધુ નાગરિકો સામાન્ય રીતે જીવન જીવી શકે એ માટે જરૂરી સ્વસ્થ આર્થિક ચક્ર સ્થાપિત કરવા ગાઝાના તમામ નાણાકીય સંસાધનો અપૂરતાં છે.

નાણાકીય વ્યવહારોમાં ત્રણ ચલણ વપરાય છે

ઇઝરાયલી શેકેલ : તે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ચલણ છે અને દૈનિક વ્યવહારોનો આધાર છે.

અમેરિકન ડૉલર : તેનો ઉપયોગ આયાત, આંતરરાષ્ટ્રીય વ્યવહારો અને કાર જેવી લક્ઝરી પ્રોડક્ટ્સની ખરીદી માટે કરવામાં આવે છે.

જોર્ડનિયન દિનાર : તેનો ઉપયોગ લગ્નનું દહેજ ચૂકવવા, પ્રોપર્ટી કે જમીન ખરીદવા અને યુનિવર્સિટીની ફી ચૂકવવા માટે પરંપરાગત રીતે થાય છે.

યુદ્ધ શરૂ થયા પછી ઇઝરાયલના સત્તાવાળાઓ ગાઝાને ફાળવવામાં આવેલી ટેક્સ રેવન્યૂ પેલેસ્ટાઇન મોનેટરી ઑથોરિટીને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

ઇઝરાયલની દલીલ એવી છે કે આ નાણાંથી હમાસની ચળવળને મદદ મળે છે.

પેલેસ્ટાઇનના નાણાં મંત્રાલયે નવેમ્બર, 2023માં જાહેરાત કરી હતી કે “ઇઝરાયલના નાણાં મંત્રાલયે કરની માસિક આવકમાંથી 60 કરોડ શેકેલ્સ કાપી લીધા હતા અને તે માટે એવું કારણ આપ્યું હતું કે તે રકમમાં પગાર, કર્મચારી ફાળવણી અને ગાઝા સ્ટ્રીપ માટેના ખર્ચનો સમાવેશ થાય છે.”

ગાઝાને એક શેકેલ સુદ્ધાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તો પેલેસ્ટાનિયન ઑથોરિટીને ટેક્સ રેવન્યૂથી વંચિત રાખવાની ધમકી ઇઝરાયલના નાણા પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચે આ વર્ષની શરૂઆતમાં આપી હતી.

જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું, “ગાઝામાં એક શેકેલ સુદ્ધાં પ્રવેશશે નહીં.”

રાફા ક્રોસિંગ મારફત નીકળતા લોકો દ્વારા ઍક્ઝિટ ઍરેન્જમૅન્ટ માટે ચૂકવવામાં આવતી ફી સ્વરૂપના રોકડના પૂરવઠામાં ઘટાડો થયો છે. આ ઍક્ઝિટ ફી સામાન્ય રીતે વ્યક્તિદીઠ હજારો ડૉલરની હોય છે. તેનાથી ગાઝા સ્ટ્રીપમાં ડૉલરના સપ્લાયમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ક્ષતિગ્રસ્ત બૅન્કનોટ્સને લીધે રોકડની અછત વકરી છે. અગાઉ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના એક કરાર હેઠળ ક્ષતિગ્રસ્ત બૅન્કનોટ્સ બદલી શકાતી હતી અને તેને બદલે નવી નોટ્સ મળતી હતી, પરંતુ યુદ્ધ શરૂ થયા પછી આ પ્રક્રિયા થંભી ગઈ છે. એ કારણે બૅન્કનોટ્સ નકામી થઈ ગઈ છે, કારણ કે વેપારીઓ એવી નોટ્સ સ્વીકારતા નથી.

ચલણી નોટોનાં કાળા બજાર થવા લાગ્યા

અગાઉ કમિશનના બદલામાં કૅશ વિડ્રોઅલ સેવા આપતા ઘણા સ્ટોર્સની બહાર હવે ‘નો કૅશ’ના પાટિયા જોવા મળે છે.
ઇમેજ કૅપ્શન, અગાઉ કમિશનના બદલામાં કૅશ વિડ્રોઅલ સેવા આપતા ઘણા સ્ટોર્સની બહાર હવે ‘નો કૅશ’ના પાટિયા જોવા મળે છે.

મોહમ્મદ અલ-ક્લોબે મજબૂરીમાં કાળા બજારનો સહારો લેવો પડ્યો છે. તેમાં તેઓ 10થી 20 ટકા કમીશન ચૂકવીને સ્ટોરમાંથી રોકડ ઉપાડી શકે છે, પરંતુ મહમૂદ બક્ર અલ-લોહ નામના એક કર્મચારી કહે છે કે આ રૂટ પણ જટિલ થઈ રહ્યો છે.

અગાઉ કમિશનના બદલામાં કૅશ વિડ્રોઅલ સેવા આપતા ઘણા સ્ટોર્સની બહાર હવે ‘નો કૅશ’ના પાટિયા જોવા મળે છે.

મહમૂદ કહે છે, જેમની પાસે રોકડ છે, તેઓ “તેમના દોસ્તોને મદદ કરી રહ્યા છે.”

અહમદે (નામ બદલ્યું છે) કમિશનના બદલામાં રોકડ આપવાના તેના કામ બાબતે બીબીસી સાથે વાત કરી હતી.

બૅન્ક એકાઉન્ટમાંથી 40 હજાર શેકેલ્સ ઉપાડતી વખતે પોતાને જે નુકસાન થયું હતું તેની ભરપાઈ કરવા માટે અહમદે આ સેવા શરૂ કરી હતી.

અહમદે જણાવ્યું હતું કે તેમણે 10 ટકા કમિશન ચૂકવવું પડ્યું હતું. અહમદ હવે ગ્રાહકોને રોકડ આપવાના બદલામાં 13 ટકા કમિશન વસૂલે છે.

તેનાથી અહમદને જે આવક થાય છે તેમાંથી તેમની દૈનિક જરૂરિયાતને આંશિક રીતે સંતોષી શકાય છે. પરંતુ ગાઝામાં જે લોકો બ્લૅક માર્કેટનો સહારો લઈ રહ્યા છે તેઓ “બળજબરીથી વસૂલી”ની ફરિયાદ કરે છે. એ કારણે તેમની રોજિંદી મુશ્કેલીઓમાં વધારો થાય છે.