આંતરરાષ્ટ્રીય કોર્ટનો આદેશ, 'ઇઝરાયલ રફાહમાં મિલિટરી ઑપરેશન બંધ કરે'

ઇઝરાયલ-ગાઝા, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે)એ ઇઝરાયલને ગાઝાના રફાહમાં ચાલી રહેલાં સૈન્ય અભિયાનોને રોકવાનો આદેશ આપ્યો છે.

આઈસીજેમાં દક્ષિણ આફ્રિકાએ એક અરજી કરી હતી જેના પર ચુકાદો આપતા કોર્ટે આમ કહ્યું છે.

આઈસીજેએ કહ્યું છે કે ઇઝરાયલે રફાહમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનને તરત જ રોકી દેવું જોઈએ, કારણ કે તેનાથી પેલેસ્ટિનિયનોને ખતરો છે.

આ સાથે જ આઈસીજેએ આજે આપેલા ચુકાદા સંબંધી શું પગલાં ભર્યાં તે અંગે એક મહિનામાં રિપોર્ટ આપવાનું પણ ઇઝરાયલને કહ્યું છે.

જોકે, કોર્ટે આપેલા ચુકાદાની થોડી મિનિટો પછી તરત જ યુદ્ધવિમાનોએ રફાહ સિટી સેન્ટરના શાબૌરા કૅમ્પ પર ઍરસ્ટ્રાઇક કરી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટે ચુકાદો આપતાં શું કહ્યું?

ઇઝરાયલ-ગાઝા, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ICJ

ચુકાદો સંભળાવતા ન્યાયાધીશ સલામે કહ્યું હતું કે, "આઇસીજે ઇઝરાયલને રફાહમાં તેના હુમલાને તત્કાળ રોકવાનો આદેશ આપી રહી છે."

તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગાઝામાં લોકોના અધિકારો પર એટલું મોટું જોખમ સર્જાયું છે કે જેની ભરપાઈ ક્યારેય થઈ શકશે નહીં.

તેમણે કહ્યું કે, “આઇસીજેએ તેના અગાઉના આદેશો કર્યા ત્યારથી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને આ કેસમાં તત્કાળ કટોકટીનાં પગલાં ભરવાની જરૂર ઊભી થઈ છે.”

કોર્ટે આ દરમિયાન એ વાત પણ લોકો સમક્ષ મૂકી હતી કે, વિવિધ અનુમાનો પ્રમાણે 18મી મે સુધીમાં ગાઝામાં લગભગ આઠ લાખથી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

ન્યાયાધીશ સલામે ચુકાદો આપતાં સમયે ઇઝરાયલી બંધકોની પરિસ્થિતિ વિશે પણ વાત કરી હતી. આ બંધકોને હજુ પણ ગાઝામાં હમાસ દ્વારા રાખવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "કોર્ટ બંધકોના ભવિષ્ય અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે અને તેમની તત્કાળ તથા બિનશરતી મુક્તિ માટે હાકલ કરે છે."

આઈસીજેના ચુકાદાની મુખ્ય વાતો:

  • રફાહમાં સૈન્ય અભિયાન બંધ થવું જોઈએ.
  • માનવસહાય માટે ઇજિપ્ત સાથેની રફાહની સરહદોને ખોલી દેવી જોઈએ.
  • તપાસકર્તાઓ અને ફેક્ટ-ફાઇન્ડિંગ ટુકડીઓ પણ ગાઝામાં આસાનીથી પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરવી
  • જે પગલાં ભરવામાં આવે તે અંગેનો એક રિપોર્ટ એક મહિનાની અંદર જમા કરવામાં આવે.

ઇઝરાયલે ચુકાદા પર તીવ્ર પ્રતિક્રિયા આપી

ઇઝરાયલ-ગાઝા, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇઝરાયલી સરકારના પ્રવક્તા ડેવિડ મૅન્સરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “વિશ્વની કોઈ તાકાત અમને જાહેર આત્મહત્યા કરવા માટે મજબૂર કરી શકે નહીં. હમાસ સામેનું યુદ્ધ રોકવું એ જાહેરમાં આત્મહત્યા કરવા બરાબર જ છે.”

ઇઝરાયલના કૅબિનેટ મંત્રીઓ આ ચુકાદાની ચર્ચા કરવા માટે બેઠક કરવાના છે, પરંતુ સરકારી અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે પૃથ્વી પરની કોઈ પણ શક્તિ ઇઝરાયલને તેના નાગરિકોનું રક્ષણ કરવા અને ગાઝામાં હમાસનો પીછો કરતા અટકાવી શકશે નહીં.

આ નિવેદનો પરથી એવું ફલિત થઈ રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પણ ઇઝરાયલ તેની કાર્યવાહી રોકવાના મૂડમાં નથી.

તો બીજી તરફ પેલેસ્ટિનિયન ઑથૉરિટી તથા હમાસે આ ચુકાદાને આવકાર્યો છે. જોકે, હમાસે કહ્યું છે કે માત્ર રફાહમાં જ નહીં પરંતુ સમગ્ર ગાઝાપટ્ટીમાં આ ઇઝરાયલના ઑપરેશન સ્થગિત કરવાનો આદેશ જરૂરી છે.

દક્ષિણ આફ્રિકાએ પણ આ ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમની એક સભામાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે, “આપણે ત્યાં સુધી મુક્ત નહીં ગણાઈએ કે જ્યાં સુધી પેલેસ્ટાઇનના લોકો સ્વતંત્ર ન થાય.”

અહીં ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પેલેસ્ટાઇનને રાષ્ટ્ર તરીકે જાહેર કરવાના મોટા પક્ષધર હતા.

દક્ષિણ આફ્રિકાએ કર્યો હતો કેસ

ઇઝરાયલ-ગાઝા, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

દક્ષિણ આફ્રિકાએ સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત એવી ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (આઈસીજે)માં ઇઝરાયલ સામે કેસ દાખલ કરી નરસંહારનો આરોપ લગાવ્યો છે.

દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે તે રફાહમાં સૈન્ય કાર્યવાહીને તરત રોકવા માટે ઇઝરાયલને આદેશ આપે.

દક્ષિણ આફ્રિકાએ આક્ષેપ કર્યો હતો કે જે રીતે ઇઝરાયલ યુદ્ધ કરી રહ્યું છે, તેની પ્રકૃતિ ‘નરસંહાર સમાન’ છે. કેમ કે કેસ અનુસાર તેની પાછળનો ઇરાદો ‘ગાઝામાં પેલેસ્ટાઈનવાસીઓને તબાહ’ કરવાનો છે.

તેણે જે પ્રકારનો કેસ દાખલ કર્યો હતો તેમાં ચુકાદો આવવા માટે લાંબો સમય લાગે તેમ હોવાથી દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વચગાળાનો ચુકાદો આપવા માટે વિનંતી કરી હતી અને પેલેસ્ટાઈનવાસીઓના અધિકારોને ધ્યાનમાં રાખીને કોર્ટમાં દલીલો કરી હતી.

ઇઝરાયલે હાલમાં જ રફાહમાં સૈન્ય અભિયાન છેડ્યું

ઇઝરાયલ-ગાઝા, પેલેસ્ટાઇન, આંતરરાષ્ટ્રીય કોર્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ હમાસને પરાજિત કરવા માટે રફાહ શહેરમાં સૈન્ય અભિયાન ચલાવવાને જરૂરી ગણાવ્યું હતું અને રફાહમાં ઝડપથી ઇઝરાયલ આગળ વધી રહ્યું છે.

અમેરિકા સહિત અનેક દેશો અને માનવાધિકાર સંગઠનો એ વાતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ઇઝરાયલના રફાહમાં ચાલી રહેલા અભિયાનથી હજારો પેલેસ્ટિનિયનોના જીવને ખતરો છે.

હાલમાં રફાહમાં 10 લાખથી વધુ પેલેસ્ટિનિયનોએ શરણ લીધેલી હતી. તેઓ હવે ફરીથી અન્ય પ્રદેશોમાં વિસ્થાપિત થઈ રહ્યા છે.

બીબીસી સંવાદદાતા ડેવિડ ગ્રિટેન અનુસાર, ઇઝરાયલના હુમલાઓને કારણે યુએને પણ રફાહમાં માનવસહાયને રોકી દેવી પડી છે.

હમાસ સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગાઝામાં ઇઝરાયલના હુમલાઓને કારણે 35640થી વધુ લોકોનાં અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.