રશિયા-યુક્રેન યુદ્ધમાં શું થઈ રહ્યું છે? અમેરિકાનાં હથિયારો કેટલી મદદ કરશે?

ઇમેજ સ્રોત, EPA
યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ એક મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયું છે. રશિયાએ ઉત્તર-પૂર્વ યુક્રેન પર હુમલાઓની સંખ્યા વધારી છે.
રશિયાની સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવના બહારના વિસ્તારોમાં મોટા પાયે હુમલા કર્યા છે.
અહીંયાં સ્થિતિ એકદમ ખરાબ છે. ખારકીવના બહારના વિસ્તારમાં રશિયા તરફથી ગોળીબાર ચાલો રહ્યો છે. યુક્રેનની સેના હથિયારોની અછત છતાં મોર્ચો સંભાળી રહી છે.
અમેરિકાની સંસદે એપ્રિલમાં યુક્રેનને 60 અરબ ડૉલરની સૈન્ય મદદ માટે એક બિલ પાસ કર્યું હતું.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન હથિયારોના સપ્લાય સાથે જ યુક્રેન પહોંચ્યા હતા.
ઝેલેન્સ્કીએ બ્લિંકનને કહ્યું કે ઍર ડિફેન્સ સૌથી મોટા સમસ્યા છે અને અમારે ખારકીવ માટે બે પેટ્રિયટ્સ સિસ્ટમની જરૂર છે, કારણ કે ત્યાં લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે.
આ અહેવાલમાં જાણવાની કોશિશ કરીએ કે જો સમયસર યુક્રેનને અમેરિકાનાં હથિયાર મળી જશે તો એ રશિયાને જવાબ આપી શકશે?
હથિયારના ભંડારો નિશાના પર

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની સેના છેલ્લા કેટલાક મહિનાથી રશિયાની સેનાના મિસાઇલ હુમલા રોકવામાં અસફળ રહી હતી. રશિયાના મિસાઇલ હુમલાઓમાં યુક્રેનના પૂર્વ ક્ષેત્રમાં ખારકીવ શહેરની રેલવે સહિત કેટલીક ઢાંચાની સુવિધાઓને મોટા પાયે નુકસાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેનની સેનાની સ્થિતિ છેલ્લા કેટલાક મહિનામાં નબળી પડી છે તેનાં કેટલાંક કારણો છે.
એક કારણ છે કે યુક્રેનની સેનાએ ગયા વર્ષે જ્યારે રશિયા પર વળતો હુમલો કર્યો ત્યારે રશિયાની સેનાની સપ્લાય લાઇન તોડી ન શક્યા. રશિયા વધારે સેના અને હથિયાર આ વિસ્તારમાં લઈ આવવામા સફળ રહ્યું.
રશિયાની સેનાએ યુક્રેનની સેના પર હુમલાઓ કરવા માટે ગ્લાઇડ બૉમ્બનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આ હુમલાઓને રોકવાનો સૌથી પ્રભાવી રસ્તો એ વિમાનોને નિશાનો બનાવવો છે, જેમાંથી આ બૉમ્બ ફેંકવામાં આવે છે.
યુક્રેન પાસે આ પ્રકારના હુમલા કરવા માટે હથિયારોની અછત છે. આ કારણે યુક્રેનનાં શહેરો પર મિસાઇલ હુમલાનો ખતરો વધી ગયો છે.
સૈન્ય થિંક ટેન્ક યુરોપિયન કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન્સના બર્લિનસ્થિત સંશોધક ગુસ્તાવ ગ્રેસેલ માને છે કે યુક્રેનની સેના જ્યાં સુધી રશિયાની આ વિશાળ સેનાની સંખ્યાને ઓછી નહીં કરે ત્યાં સુધી આ હુમલાઓનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે યુક્રેનની સેના આ પ્રકારના હુમલાઓ કરવા માટે આવતા વર્ષ સુધી હથિયારોની સપ્લાયની ખાતરીની જરૂર છે.
ગ્રેસેલ માને છે કે યુક્રેનની સેના પાસે હથિયારોની અછત છે. આ કારણે રશિયાની સેનાને ઘણો ફાયદો થયો છે. રશિયાની સેના કેટલાક નાના વિસ્તારો પર કબજો કરવામાં સફળ રહી છે. આ કારણે યુક્રેનનું મનોબળ પર અસર થઈ રહી છે. ઉપરાંત રશિયા યુક્રેનના હથિયાર ઉત્પાદન કરતી જગ્યાઓ પર નિશાન બનાવવામાં સફળ રહી છે.
ગુસ્તાવ ગ્રેસેલે જણાવ્યું કે યુક્રેને પોતાના સૈન્ય હથિયારનાં કારખાનાંને રશિયાના હુમલાઓથી બચાવવા માટે અને હથિયારોની સપ્લાય ચાલુ રાખવા માટે સૈન્ય હથિયારનાં કારખાનાંને નાનાં કારખાનાંમાં બદલી નાખ્યાં છે. આ ઉપરાંત આ કારખાનાંને એવાં સ્થળો પર શિફ્ટ કરવામાં આવ્યાં છે, જ્યાં નિશાન બનાવવું મુશ્કેલ છે.
તેમણે કહ્યું, “રશિયા જ્યારે યુક્રેનના સૈન્ય હથિયારનાં કારખાનાંને ધ્વસ્ત ન કરી શક્યું ત્યારે તેને યુક્રેનની વીજળી ઉત્પાદનનાં સ્ટેશનો પર હુમલો કરવાનો શરૂ કર્યો. કારણ કે યુક્રેન પાસે વીજળી ઉત્પાદનનાં સ્ટેશનોની સુરક્ષા માટે જરૂરી હથિયારો નથી.”
ગ્રેસેલ કહે છે કે દુર્ભાગ્યપણે રશિયાએ માર્ચ અને એપ્રિલમાં યુક્રેનના વીજળી ઉત્પાદન પ્લાન્ટને નુકસાન પહોંચાડ્યું, કારણ કે યુક્રેન પાસે હવાઈ હુમલાઓ રોકવા માટે હથિયારો નથી.
વીજળીની અછતને કારણે યુક્રેનની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ તેની સૈન્ય હથિયાર ઉત્પાદન ક્ષમતા પર પણ ખૂબ જ ખરાબ અસર પડી હતી. રશિયાની રણનીતિ એ જ છે કે યુક્રેનને પશ્ચિમના દેશો પર વધારે નિર્ભર કરવામાં આવે.
અમેરિકાની સૈન્ય મદદ

ઇમેજ સ્રોત, EPA
મૈક્સ બર્ગમન વૉશિંગટન ડીસીમાં આવેલા સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં યુરોપ રશિયા અને યુરેશિયા પ્રોગ્રામના નિદેશક છે.
બર્ગમનનું માનવું છે કે અમેરિકાની 60 અરબ ડૉલરની સૈન્ય મદદ યુક્રેનના યુદ્ધ પર ગંભીર અસર કરશે.
તેમણે કહ્યું, “મને લાગે છે કે યુક્રેનના યુદ્ધની તસવીર મોટા પાયે બદલાઈ જશે, કારણ કે યુક્રેનની સેના પાસે હથિયાર અને દારૂગોળો ખતમ થઈ રહ્યાં હતાં, યુક્રેન પાસે હવાઈ હુમલાઓ રોકવા માટેનાં હથિયારોની અછત હતી. અમેરિકાની મદદથી આ અછત જલદી જ પૂર્ણ થશે.”
બર્ગમને કહ્યું, "એક વાર પૈસા મંજૂર થઈ ગયા બાદ એવું થશે કે અમેરિકી રાષ્ટ્રપતિ તેમની સેનાના ભંડારમાંથી હથિયારો અને દારૂગોળો લઈ શકે છે અને તેને પ્લેન અથવા દરિયાઈ માર્ગે યુક્રેન પહોંચાડી શકે છે. એવી આશા છે કે યુક્રેનને જલદી જ આ હથિયારો મળી જશે."
60 અરબ ડૉલરનું સૈન્ય મદદ પેકેજ ખૂબ જ મોટું છે. અમેરિકાએ છેલ્લાં બે વર્ષમાં યુક્રેનને 40 અરબ ડૉલરની મદદ કરી હતી. અમેરિકા આ વિશાળ પૅકેજની મંજૂરી થકી હથિયાર બનાવતી કંપનીઓ પાસેથી હથિયાર ખરીદીને યુક્રેનને સોંપી શકે છે.
મૈક્સ બર્ગમને કહ્યું, “સ્થિતિ અત્યારે એવી છે કે યુક્રેન માટે આપણે નવાં હથિયારો બનાવવાં પડશે અને આ હથિયારો કંપની પાસેથી ખરીદીને યુક્રેન મોકલવાં પડશે. અમેરિકાના પોતાના સૈન્ય હથિયાર ભંડારોમાંથી હથિયાર મોકલવાની જગ્યાએ આ હથિયારો મોકલવાં મોંઘાં પડશે.”
તેમણે કહ્યું, “અમેરિકા અને યુરોપના દેશો છેલ્લાં બે વર્ષથી પોતાના સૈન્ય ભંડારોમાંથી હથિયારો કાઢીને યુક્રેનને સપ્લાય કરી રહ્યા હતા. જોકે, અમે યુક્રેન માટે ખાસ પ્રકારનાં હથિયારો બનાવીશું જેને કારણે આવનારા સમયમાં યુક્રેનની સ્થિતિ ઘણી મજબૂત થશે.”
અમેરિકાની સૈન્ય મદદમાં પેટ્રિયટ મિસાઇલ અને હાયમાર રૉકેટ પણ સામેલ છે. આ ઉપરાંત યુક્રેન સોવિયત કાળના હથિયાર ટેકનોલૉજીને બદલે નેટો દેશ દ્વારા ઉપયોગમાં લેવાતી સૈન્ય ટેકનોલૉજીનો ઉપયોગ કરશે. અમેરિકાની આ સૈન્ય મદદને કારણે જ આ વાત શક્ય છે.
મૈક્સ બર્ગમને કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે અમેરિકા યુદ્ધને વધારે તીવ્ર ન બનાવવાના ડરથી યુક્રેનને આધુનિક ટેકનોલૉજીવાળાં ઍડવાન્સ હથિયારો આપી રહ્યું નથી, જે વાત સાચી નથી.
યુક્રેનની સામે હવે પડકાર છે કે આ અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવા માટે લોકોને પોતાની સેનામાં ભરતી કરે.
યુક્રેને આ વાતને ધ્યાનમાં રાખીને એક નવા કાયદાના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. આ કાયદા વડે સેનામાં ભરતી માટેની લઘુતમ વય 27થી ઘટાડીને 25 વર્ષ કરી દેવામાં આવશે. યુક્રેનને આશા છે કે આ કાયદા થકી પાંચ લાખ લોકોને સેનામાં ભરતી કરી શકશે.
મૈક્સ બર્ગમને કહ્યું કે યુક્રેનનું લક્ષ્ય હોવું જોઈએ કે વર્ષ 2024માં તે પોતાનું નિયંત્રણ કાયમ રાખે. આ ઉપરાંત નવા સૈનિકોને અત્યાધુનિક હથિયારોના ઉપયોગની તાલીમ આપે. યુક્રેન આવતા વર્ષે પોતાની જમીન પર ફરીથી કબજો કરવા માટે રશિયા પર મોટા જવાબી હુમલાઓ કરી શકે છે.
પુતિનની યોજના

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાએ યુક્રેન માટે સૈન્ય મદદ પૅકેજ મંજૂર કરવા માટે છ મહિના લગાવી દીધા અને આ જ કારણે યુક્રેનની સેના નબળી પડી હતી.
લંડનમાં આવેલી કિંગ્સ કૉલેજમાં યુદ્ધ રણનીતિ અભ્યાસ વિભાગના સંશોધક ડૉક્ટર મરીના મિરોનાએ કહ્યું કે રશિયાએ આ વાત (અમેરિકાની સૈન્ય મદદ પૅકેજની મોડી જાહેરાત)નો ફાયદો ઉઠાવ્યો.
તેમણે કહ્યું, “સૈન્ય મદદ પૅકેજને મંજૂરી મળવામાં મોડું થવાનો ફાયદો રશિયાને ચોક્કસ થયો છે. રશિયાના રણનીતિકારો જાન્યુઆરીથી જ જાણતા હતા કે અમેરિકા આ પૅકેજને મંજૂરી આપશે. તેમણે (રશિયન રણનીતિકારો) આ મોડું થવાને કારણે એ સમયનો ઉપયોગ પોતાની સૈન્ય તૈયારી માટે કર્યો હતો.”
મિરોને કહ્યું કે રશિયાની કોશિશ છે કે યુક્રેનને મદદ મળે તે પહેલાં જ યુક્રેનની સેનાને એટલી નબળી પાડવામાં આવે કે આ સૈન્ય મદદ પૅકેજને કારણે કોઈ ખાસ લાભ ન થાય.
રશિયાની સૈન્ય રણનીતિ શું છે?

ઇમેજ સ્રોત, EPA
ડૉક્ટર મરીના મિરોનનો મત છે કે રશિયા કેટલાય મોર્ચાઓ પર યુક્રેનની સેનાને ફસાવવા માગે છે. યુક્રેન પાસે સૌથી મોટી સમસ્યા આ સમયે સૈનિકોની અછત છે. પશ્ચિમથી મળી રહેલાં હથિયારોનો ઉપયોગ કરવા માટે લોકોની જરૂર તો પડશે.
આ જ કારણે રશિયાની સેના કેટલાય મોર્ચાઓ પર હુમલાઓ કરી રહી છે.
એવું અનુમાન છે કે રશિયાની સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ પર સતત બૉમ્બ હુમલાઓ પછી શહેર પર કબજો કરી શકે છે. જો આવું થશે તો યુક્રેનના સાથી દેશોની સામે આ યુદ્ધને લઈને ઘણા મુશ્કેલ સવાલો ઊભા થશે.
ડૉક્ટર મરીના મિરોનનું માનવું છે કે જો રશિયા ખારકીવ પર કબજો કરશે અને યુક્રેનની સેનાને અન્ય મોર્ચા પર નુકસાન પહોંચશે તો યુક્રેન પશ્ચિમી સૈનિકોની મદદ વગર આ પરિસ્થિતિમાંથી નીકળી નહીં શકે.
મરીન મિરોના માને છે કે આ યુદ્ધમાં યુક્રેન અને રશિયાનાં સૈન્ય ઉપકરણોને મોટું નુકસાન થયું છે. રશિયા ઉત્તર કોરિયાથી હથિયાર પ્રાપ્ત કરવાના અહેવાલોનું ખંડન કરે છે. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે રશિયાને ચીન તરફથી મોટી સંખ્યામાં ડ્રોન અને ઈરાન પાસેથી મિસાઇલો મળી રહી છે.
મિરોને કહ્યું કે રશિયા જીતી પણ જાય તો તેને જિતેલા વિસ્તારો પર નિયંત્રણ રાખવું પડશે. તે વિસ્તારોનું ફરીથી નિર્માણ કરવું પડશે, આ માટે પૈસાની જરૂર પડશે. સૈન્ય જીત મેળવવી રાજકીય જીતથી ઘણી અલગ છે. યુદ્ધ જીતવાનો અર્થ એ નથી કે શાંતિ પણ મળી જાય.
મદદમાં ભેદભાવનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
યુકેની માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં યુક્રેન રાજનીતિના પ્રોફેસર ઓલ્ગા ઓનુચનો મત છે કે મોટા ભાગના યુરોપીય સાથીઓ તેમની આ વાત સંપૂર્ણપણે સમજે છે. તેમણે આ મુદ્દો ઉઠાવતા રહેવું પડશે, પરંતુ તેમણે એકલા જ આ કામ ન કરવું પડે તો સારું રહેશે.
પ્રોફેસર ઓલ્ગા ઓનુચના મત પ્રમાણે લેટિન અમેરિકાના કેટલાક દેશો માને છે કે યુક્રેન રશિયાની ઉપનિવેશવાદી આક્રમણોનો શિકાર છે. બ્રાઝીલ અને ભારત અમેરિકાના સહયોગી હોવા છતાં પણ યુક્રેનના સમર્થનમાં નથી આવ્યા, પરંતુ હવે તેમની નીતિમાં પણ બદલાવ આવી રહ્યો છે. આ વાતનું શ્રેય યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળે છે.
તેમણે કહ્યું કે યુક્રેનમાં ચૂંટણી યુદ્ધને કારણે ટળી ગઈ છે. આવી સ્થિતિમાં તેમના નેતૃત્વની કાયદેસરતા પર સવાલો ઊભા થાય છે કે શું તેમને યુક્રેનના લોકોનું સમર્થન છે?
પ્રોફેસર ઓલ્ગા ઓનુચ માને છે કે ઝેલેન્સ્કીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેમ છતાં તેઓ એટલા લોકપ્રિય છે કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય તો તેઓ સરળતાથી જીતી જશે.
અમેરિકાના સહાય પૅકેજથી તેમને (ઝેલેન્સ્કી) થોડી રાજકીય મદદ મળશે, પરંતુ જો અમેરિકામાં ચૂંટણી પછી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્રપતિ બને છે તો ભવિષ્યમાં તેમને આવી મદદ ફરીથી નહીં મળે.
ઝેલેન્સકી પર કેટલો ભરોસો?

ઇમેજ સ્રોત, EPA
યુક્રેન યુદ્ધને અસર કરતી કેટલીક બાબતો વિશે ચર્ચા કરી, પરંતુ તેને વ્યાપક રાજકીય સંદર્ભમાં પણ જોવી જોઈએ.
ઈરાને 13 એપ્રિલે ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલો વડે એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલો રશિયા દ્વારા યુક્રેન પર કરવામા આવેલા મિસાઇલ અને ડ્રોન હુમલા કરતા ત્રણ ગણો હતો. જોકે, અમેરિકા, યુકે, જૉર્ડન અને ઇઝરાયલની સેના વચ્ચે સંકલનને કારણે આ હુમલાને લગભગ નિષ્ફળ બનાવી દીધો.
યુકેની માનચેસ્ટર યુનિવર્સિટીમાં યુક્રેન રાજનીતિનાં પ્રોફેસર ઓલ્ગા ઓનુચે કહ્યું કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ મુદ્દો ઉઠાવ્યો છે કે અમેરિકા અને યુકે જે રીતે ઇઝરાયલની મદદ કરે છે તે રીતે રશિયાના હુમલાઓથી બચવા માટે યુક્રેનની મદદ કરતા નથી.
તેમણે કહ્યું, “તેમની (ઝેલેન્સ્કી) વાત સાચી છે. ઇઝરાયલને મળેલી મદદ અને યુક્રેનને મળેલી મદદમાં અંતર છે. આ પ્રકારની કાર્યવાહી 24 ફેબ્રુઆરી 2022ના દિવસે પણ કરી શક્યા હોત, પરંતુ તે ન થયું, કારણ કે અમેરિકા અને યુકેએ વિચાર્યું કે તેઓ યુક્રેનની હવાઈ સીમાની સુરક્ષા કરવા માટે સક્ષમ નથી અથવા તો તે દિશામાં પગલાં લેવાં માગતાં નથી.”
ઓનુચે કહ્યું કે રશિયાના ડ્રોન અને મિસાઇલ હુમલાથી પરેશાન યુક્રેનના લોકો જાણે છે કે અમેરિકા, યુકે અને બીજા દેશો રશિયાના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ રોકી શકે છે, જેવી રીતે આ દેશોએ ઇઝરાયલ માટે કર્યું.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દલીલ આપે છે કે રશિયાનો યુક્રેન પર હુમલો માત્ર યુક્રેન જ નહીં પરંતુ આખા યુરોપ અને લોકતંત્ર માટે પણ ખતરો છે. શું તેઓ પશ્ચિમી દેશોને આ સંદેશ આપવામાં સફળ રહેશે, જેથી યુક્રેનને મદદ મળતી રહે?
યુદ્ધ પછીની શાંતિ

શું આ શક્યતાને કારણે યુદ્ધમાં કોઈ સમજૂતી થઈ શકે છે?
પ્રોફેસર ઓલ્ગા ઓનુચ પોતે યુક્રેનનાં છે અને તેમનો પ્રતિસાદ અન્ય દેશને તેમની જમીન સોંપવાની સંભાવના અંગે દેશના કોઈ પણ નાગરિકના પ્રતિભાવ સમાન છે.
તેમણે કહ્યું, “જે લોકો વિચારે છે કે પોતાની જમીન ખોઈને શાંતિ મળી શકે છે તે લોકો ખોટું વિચારે છે. બે વાત બની શકે છે. યુદ્ધ થોડાક સમય માટે રોકી શકાય છે, પરંતુ પૂર્ણ થશે નહીં. રશિયા ફરીથી જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કરશે, જે પહેલાં પણ કેટલી વખત થઈ ગયું છે.”
ઓનુચે કહ્યું કે યુક્રેન પર બળજબરીથી જમીનને બદલે કોઈ સમજૂતી થોપવામાં આવશે તો દેશમાં વિખવાદ ફાટી નીકળશે. રશિયાના કબજાવાળા વિસ્તારમાં આ પ્રકારનો સંઘર્ષ અત્યારે જ ચાલી રહ્યો છે. જો સમજૂતી ન્યાય પૂર્ણ નહીં હોય તો શાંતિ નહીં આવે.
આપણા મુખ્ય સવાલ પર પાછા ફરીએ. યુક્રેનને સમયસર અમેરિકાનાં હથિયારો મળે તો શું યુક્રેન રશિયાને જવાબ આપી શકશે?
અમેરિકાની મદદ મળવામાં મહદઅંશે મોડું થઈ ગયું છે. રશિયા તરફથી થઈ રહેલા સતત બૉમ્બમારાને કારણે યુક્રેનના લોકોના મનોબળ પર ભારે અસર પડી છે. યુક્રેનની સેનાને પણ મોટા પાયે નુકસાન થયું છે. જોકે, યુક્રેનના યુદ્ધ જીતવાની શક્યતાનો આધાર એ વાત પર છે કે આ હથિયારો કેટલી જલદી યુક્રેન પહોંચશે અને તેનો ઉપયોગ યુદ્ધમાં કેટલો અસરકારક રીતે કરવામાં આવશે.












