ટ્રાન્સનિસ્ત્રિયા: યુક્રેનને બીજી બાજુથી ઘેરવા રશિયા યુરોપમાં વધુ એક મોરચો ખોલશે?

ટ્રાન્સનિસ્ત્રિયા રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

અલગતાવાદી ક્ષેત્ર ગણાતા પૂર્વીય મૉલદોવામાં આવેલા ટ્રાન્સનિસ્ત્રિયામાં રશિયા સમર્થિત નેતાઓએ રશિયા પાસેથી મદદ માંગી હતી.

તેમણે મદદ માંગવા માટે એવું કારણ આગળ ધર્યું હતું કે મૉલદોવાની સરકાર તરફથી પેદા થયેલી પરિસ્થિતિઓને કારણે તેઓ આર્થિક રીતે ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

ટ્રાન્સનિસ્ત્રિયાના નેતાઓએ રશિયાની માંગેલી મદદને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે રશિયા યુક્રેનની દક્ષિણ પશ્ચિમે આવેલા આ ક્ષેત્રથી યુક્રેન સામે બીજો મોરચો માંડશે. જેના કારણે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક નવો વળાંક આવવાની સંભાવના છે.

અલગતાવાદી વલણ ધરાવતા આ પ્રદેશના સત્તાધારી નેતાઓએ રાજધાની તિરાસ્પોલમાં યોજાયેલી અસાધારણ બેઠકમાં આ ઠરાવને મંજૂરી આપી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્ર કે તેની સરકારને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ‘સ્વતંત્ર’ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવતી નથી.

ટ્રાન્સનિસ્ત્રિયા રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રાન્સનિસ્ત્રિયાનો ધ્વજ

ટ્રાન્સનિસ્ત્રિયાના નેતાઓએ એવા આરોપો મૂક્યા હતા કે મૉલદોવાની સરકારે તેમની સામે આર્થિક યુદ્ધ છેડ્યું છે. તેમણે અગત્યની આયાતો પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ ક્ષેત્રને એક ‘અલગ પાડી દેવાયેલા પ્રદેશ’ માં રૂપાંતરિત કરી દીધો છે.

દેશના વિદેશી બાબતોના વડા વિતાલી ઇગ્નાતિવે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સમુદાય હાલની કૉંગ્રેસે લીધેલા આ નિર્ણયોને નકારી શકશે નહીં. અમે રાજકીય સહકાર માટે પણ વિનંતી કરી છે.”

ક્ષેત્રના પ્રમુખ વાદિમ ક્રાસ્નોસેલ્સ્કીએ તેમના સંસદસભ્યોએ કરેલી આ જાહેરાતથી પોતાને દૂર રાખ્યા હતા અને કહ્યું હતું કે તેઓ મૉલદોવાની સરકાર સાથે ‘શાંતિપૂર્ણ સંવાદ’ ઇચ્છે છે. મૉલદોવાની સરકાર યુરોપ તરફી મનાય છે.

પરંતુ મૉલદોવાના રાષ્ટ્રપતિ માઇયા સન્દુએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, “સરકાર જે કરી રહી છે તેનો હેતુ દેશને આર્થિક રીતે ફરી એક કરવાનો અને સદ્ધર બનાવવાનો છે.”

પરંતુ તેણે પોતાની સ્વઘોષિત સ્વતંત્રતા જાહેર કરી ત્યારથી જ ટ્રાન્સનિસ્ત્રિયા રશિયા સાથે તેના સંભવિત જોડાણને લઈને યુરોપમાં ચાલતા ભૂરાજકીય વિવાદોના કેન્દ્રમાં રહ્યું છે. આવું જ અન્ય ભૂતપૂર્વ સોવિયેત પ્રદેશો સાથે બન્યું છે.

યુક્રેન સાથેનું યુદ્ધ શરૂ થયું ત્યારથી જ વિશ્લેષકો એવું માનતા રહ્યા છે રશિયા ટ્રાન્સનિસ્ત્રિયાના સથવારે યુક્રેન સામે પશ્ચિમ દિશાએથી નવો મોરચો માંડી શકે છે.

ટ્રાન્સનિસ્ત્રિયા કેમ અગત્યનું છે?

પુતિન રશિયા

ઇમેજ સ્રોત, EPA-EFE

ટ્રાન્સનિસ્ત્રિયા એ પશ્ચિમી મૉલદોવામાં આવેલું એ ક્ષેત્ર છે જેની સરહદ યુક્રેન સાથે જોડાયેલી છે. આ દેશ યુએસએસઆર ( યુનિયન ઑફ સોશિયલિસ્ટ રિપબ્લિક્સ ) નો 1940થી ભાગ હતો. ત્યારબાદ નેવુંના દાયકામાં આ ક્ષેત્રમાં ઘણા બદલાવો થયાં.

ત્યાં રહેલી સામ્યવાદી સત્તા સંપૂર્ણપણે પડી ભાંગે તે પહેલાં એ સમયે તાજેતરમાં જ જન્મેલા રિપબ્લિક ઑફ માલદોવા અને ટ્રાન્સનિસ્ત્રિયાના અલગતાવાદી જૂથો વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો.

પરંતુ આ સિવિલ વૉર લાંબો સમય ચાલ્યું ન હતું. પરંતુ જ્યારથી જુલાઈ 1992માં યુદ્ધવિરામનું એલાન થયું ત્યારથી ત્યાં શાંતિ જળવાઈ રહે તે માટે ત્યાં 1500થી વધુ રશિયાના સૈનિકો રાખવામાં આવ્યા હતા.

એ સંઘર્ષના અંત બાદ ટ્રાન્સનિસ્ત્રિયાએ પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું.

પરંતુ અબખાઝિયા, નાગૉર્નો-કરબખ અને દક્ષિણ ઑસેટિયા જેવાં વિવાદિત ક્ષેત્રો સિવાય યુનાઇટેડ નેશન્સનો એકપણ સભ્યદેશ તેને માન્યતા આપતો નથી.

કેટલો સ્વતંત્ર છે આ દેશ?

આ ક્ષેત્રનું પોતાનું બંધારણ, સરકાર, સેના, ચલણ અને પાસપોર્ટ પણ છે પરંતુ વ્યાવહારિક રીતે આ બધું નકામું છે.

તે માત્ર એટલો સ્વાયત્ત છે કે મૉલદોવાના સત્તાધારીઓ કબૂલ કરે છે કે તેમનું આ દેશ પર કોઈ નિયંત્રણ નથી.

લગભગ પાંચ લાખની વસ્તી ધરાવતા આ ક્ષેત્રની વસ્તી બે દેશોની કે ત્રણ દેશોની રાષ્ટ્રીયતા ધરાવે છે. તેમાંના મોટાભાગના લોકો રશિયન, મૉલ્દોવન અથવા યુક્રેનિયન નાગરિકતા ધરાવે છે.

મૉલદોવાની રાજધાની ચિસિનાઉથી 70 કિમીથી ઓછા અંતરે દક્ષિણ-પૂર્વમાં તિરાસ્પોલ આવેલું છે જે એક લાખ 30 હજાર રહેવાસીઓ ધરાવે છે. આ નાનકડા શહેરને ‘યુએસએસઆરમાં અટવાયેલો દેશ’ વર્ણવવામાં આવે છે.

આ દેશમાં સામ્યવાદી ચહેરાઓ કે સોવિયત કાળની અગત્યની તવારીખોને નામે શેરીઓનાં નામ રાખવામાં આવ્યા હોય તેવાં ઉદાહરણોનો તોટો નથી. ત્યાંની સંસદની ઇમારત સામે જ લેનિનનું પૂતળું છે.

રશિયા સાથે જોડાણ

ટ્રાન્સનિસ્ત્રિયા રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોવિયેત કાળનાં કેટલાંક પ્રતીકો

ત્રણ દાયકા પહેલાં જ્યારે ટ્રાન્સનિસ્ત્રિયાએ પોતાની સ્વતંત્રતા જાહેર કરી ત્યારથી જ તિરાસ્પોલની વસ્તીમાં અંદાજે એક તૃતીયાંશ ઘટાડો નોંધાયો છે.

તેના જે રહેવાસીઓ આ દેશ છોડીને ગયા તેમાંના મોટાભાગના લોકો કામ ન મળવાને કારણે છોડીને ગયા હતા. ઘણા લોકો રશિયા પણ ગયા હતા. કારણ કે સોવિયેત યુનિયનના પતન સાથે જ આર્થિક શક્યતાઓ ધૂંધળી બની ગઈ હતી.

અહીંના લોકોનો પગાર મૉલદોવા ક્ષેત્ર કરતાં પણ ઓછો છે. મૉલદોવા યુરોપના સૌથી ગરીબ દેશોમાંનો એક છે.

ટ્રાન્સનિસ્ત્રિયામાં ત્રણ મુખ્ય વંશીય જૂથો (રશિયન, યુક્રેનિયન અને મોલ્દોવન્સ) કદમાં સમાન છે પણ રશિયન સૌથી વધુ બોલાતી ભાષા છે.

ત્યાં રશિયન ધ્વજ ટ્રાન્સનિસ્ત્રિયાના ધ્વજ સાથે ફરકે છે. આ ધ્વજ વિશ્વમાં એકમાત્ર એવો ધ્વજ છે, જેમાં હજુ પણ હથોડી અને દાંતરડાંનો સમાવેશ થાય છે. શહેરની ઘણી ઇમારતો પર આ ધ્વજ ફરકે છે.

મોટો શસ્ત્રભંડાર

ટ્રાન્સનિસ્ત્રિયા રશિયા યુક્રેન યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉલ્ડવોર દરમિયાન ટ્રાન્સનિસ્ત્રિયા સૌથી મોટો શસ્ત્રભંડાર ગણાતો હતો. આ ભંડારમાં 20 હજાર ટનનાં હથિયારો રાખવામાં આવ્યાં હતાં.

જોકે, વિવેચકોના મતે આ જગ્યાએ વિસ્ફોટ થાય તો તે હિરોશિમાની સમકક્ષનો વિસ્ફોટ પેદા કરી શકે છે. તો અન્ય નિષ્ણાતો નિર્દેશ કરે છે કે આ અસંભવ છે કારણ કે આ જૂનાં અને બિનઉપયોગી શસ્ત્રો છે.

યુક્રેનની સરહદ નજીક આવેલો કોલબાસ્ના શસ્ત્રોનો ડેપો 1940ના દાયકામાં બનાવવામાં આવ્યો હતો. ત્યારે મૉલદોવા હજુ પણ સોવિયેત સંઘનો ભાગ હતો.

સોવિયેત દળો જ્યારે પૂર્વ જર્મની, ચેકોસ્લોવેકિયા અને ભૂતપૂર્વ સામ્યવાદી જૂથોના અન્ય દેશોમાંથી પાછા ફર્યા ત્યારે તેમની સાથે લાવેલાં શસ્ત્રોનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો. શીતયુદ્ધના અંત સાથે તે આ પ્રકારનું સ્થાન બની ગયું હતું.

ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યુરિટી ઍન્ડ કૉ-ઓપરેશન ઇન યુરોપના એક સંમેલનમાં 1999માં થયેલી સમજૂતી પ્રમાણે રશિયા ટ્રાન્સનિસ્ત્રિયામાં રહેલાં તેનાં શસ્ત્રોના જથ્થાને લઈ લેવા માટે સહમત થયું હતું.

વર્ષ 2000 અને 2004 વચ્ચે તેણે કૉલાબાસ્ના ડૅપોમાંથી પોતાના સંપૂર્ણ જથ્થાને હઠાવવાનું નક્કી કર્યું ત્યારે તે 40 હજાર ટન જેટલો જથ્થો હતો.

જોકે, ટ્રાન્સનિસ્ત્રિયાના સત્તાધારીઓના નિર્ણયોને કારણે આ મંત્રણા પડી ભાંગી હતી અને ત્યારબાદ તે ફરીથી શરૂ થઈ શકી ન હતી.

સપ્ટેમ્બર, 2021માં યુનાઇટેડ નેશન્સમાં આપેલા વાર્ષિક ભાષણમાં મૉલદોવાના પ્રમુખે પોતાની એ માંગને ફરીથી રજૂ કરી હતી કે રશિયાનાં દળોને ટ્રાન્સનિસ્ત્રિયામાંથી હઠાવી લેવામાં આવે અને કૉલાબાસ્નામાં રહેલા શસ્ત્રોના જથ્થાને નષ્ટ કરવામાં આવે.

પરંતુ આ વિસ્તારમાં કોઈ અન્ય દળોને સુરક્ષા માટેની જવાબદારી આપવી કે શાંતિ સ્થાપવાની જવાબદારી આપવાનો પ્રસ્તાવ રશિયાએ નકારી કાઢ્યો છે.

મૉલદોવાનું મહત્ત્વ

મૉલદોવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૉલદોવાની રાજધાની

યુક્રેનની દક્ષિણ પશ્ચિમે આવેલા મૉલદોવાની સરહદો એક તરફ રોમાનિયા સાથે જોડાયેલી છે. 1991માં સોવિયેત યુનિયનના ભંગ પછી મૉલદોવા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્ત્વમાં આવ્યું હતું.

યુરોપના સૌથી ગરીબ ગણાતા દેશોમાં તેનો સમાવેશ થાય છે. આ દેશનું અર્થતંત્ર મોટેભાગે કૃષિ પર નિર્ભર છે.

આ દેશની પૂર્વ સરહદે આવેલું ટ્રાન્સનિસ્ત્રિયા ક્ષેત્ર 1940 પહેલા યુક્રેનમાં આવેલો સ્વતંત્ર વિસ્તાર હતો. ત્યારબાદ સોવિયેત યુનિયને બેસ્સાર્બિયા સાથે આ ક્ષેત્રને જોડી દીધું ત્યારથી તે મૉલદોવન સોવિયેત સોશિયલિસ્ટ રિપબ્લિક તરીકે ઓળખાયું.

ત્યારબાદ 1990માં ટ્રાન્સનિસ્ત્રિયાએ જાતે જ પોતાને મૉલદોવામાંથી સ્વતંત્ર જાહેર કરી દીધું હતું. જોકે, આંતરરાષ્ટ્રીય સમુદાય તેને માન્યતા આપતો નથી.

ટ્રાન્સનિસ્ત્રિયાની સરકાર કાયમ મૉલદોવા સાથે સંઘર્ષમાં રહે છે જેને રશિયા તરફથી આર્થિક, રાજકીય અને સૈન્ય સહયોગ મળતો રહે છે.