ભારતીયોને રશિયાની સેનામાં ભરતી કરવાનું નેટવર્ક કઈ રીતે ચાલી રહ્યું છે- ગુજરાતી યુવાનના મૃત્યુથી ઊઠી રહેલા સવાલો

 રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ
    • લેેખક, અમરેન્દ્ર યારલાગડ્ડા
    • પદ, બીબીસી સંવાદદાતા

કેટલાક ભારતીય યુવાનો રશિયા જઇને તેઓ લાખો રૂપિયા કમાઈ શકશે તેવી આશાને કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. તેમનો દાવો છે કે ઍજન્ટોએ તેમને નોકરીના નામે બોલાવ્યા અને તેમની ભરતી રશિયાની સેનામાં કરાવી દીધી.

હાલના દિવસોમાં જ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર અને તેલંગાણાથી 16 લોકો રશિયા ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં એવા સમાચારો પણ આવ્યા છે કે રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયાના સૈનિકો સાથે કેટલાક ભારતીય નાગરિકો પણ યુદ્ધના મેદાનમાં તહેનાત છે.

બીબીસી સંવાદદાતા અમરેન્દ્ર યારલાગડ્ડા સાથે વાત કરતાં દુબઈના એજન્ટ ફૈઝલ ખાને એ વાતની પુષ્ટિ કરી છે કે રશિયન આર્મીમાં કામ કરી રહેલા ગુજરાતના યુવાન હૅમિલનું ડ્રોન હુમલામાં મૃત્યુ થયું છે.

રશિયામાં ફસાયેલા લોકો અનુસાર ઍજન્ટોએ આ યુવાનોને કહ્યું હતું કે તેમને રશિયામાં હૅલ્પર અને સુરક્ષા સાથે જોડાયેલી નોકરીઓ આપવામાં આવશે, સેનામાં ભરતી નહીં કરવામાં આવે.

આ નેટવર્કમાં બે ઍજન્ટો રશિયામાં હતા અને બે ઍજન્ટો ભારતમાં હતા.

ફૈઝલ ખાન નામના એક અન્ય ઍજન્ટ દુબઈમાં હતા અને જે આ ચાર ઍજન્ટોના સંયોજક તરીકે કામ કરી રહ્યા હતા.

ફૈઝલ ખાન ‘બાબા વ્લોગ્સ’ના નામે એક યુટ્યૂબ ચેનલ ચલાવે છે. તેમના યુટ્યૂબ ચેનલ પર તેઓ જે વીડિયો પોસ્ટ કરે છે તેમાં તેઓ દાવો કરે છે કે રશિયામાં હૅલ્પર તરીકે કામ કરીને સારી કમાણી કરી શકાય છે.

આ રીતે યુવાનોને આ નોકરીઓ તરફ આકર્ષિત કરવામાં આવે છે. નોકરીની તલાશ કરી રહેલા યુવાનો માટે વીડિયોમાં ફોન નંબર આપવામાં આવ્યા છે જ્યાં તેઓ તેમનો સંપર્ક કરી શકે છે.

શું કરવામાં આવ્યો હતો વાયદો?

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ એજન્ટોએ કુલ 35 લોકોને રશિયા મોકલવાની યોજના બનાવી હતી. પ્રથમ બૅચમાં 9 નવેમ્બર, 2023 ના રોજ ત્રણ લોકોને ચેન્નાઈથી શારજાહ મોકલવામાં આવ્યા હતા.

શારજાહથી તેમને 12 નવેમ્બરે રશિયાની રાજધાની મોસ્કો લઈ જવામાં આવ્યા હતા. 16 નવેમ્બરના રોજ ફૈઝલ ખાનની ટીમે છ ભારતીયો અને ત્યારપછી સાત ભારતીયોને રશિયા પહોંચાડ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમણે સૈનિક તરીકે નહીં પણ હૅલ્પર તરીકે કામ કરવું પડશે.

આ ભારતીયોના પરિવારજનોએ કહ્યું છે કે તેમને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ 24 ડિસેમ્બર, 2023ના રોજ તેમને સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.

ફૈઝલ ખાને બીબીસી સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે જે નોકરીઓની વાત કરવામાં આવી છે તે સેનામાં હૅલ્પરની પોસ્ટ માટે છે સામાન્ય નોકરીઓ માટે નહીં.

તેમણે કહ્યું, "મેં નોકરી શોધી રહેલા ઉમેદવારોને કહ્યું હતું કે આ આર્મીમાં હૅલ્પરની નોકરી છે. તમે મારી યુટ્યુબ ચેનલ પર અગાઉ પોસ્ટ કરાયેલો વીડિયો જોઈ શકો છો. અમે રશિયન સત્તાવાળાઓને પણ જાણ કરી હતી કે આ આર્મી હૅલ્પરની નોકરી છે. હું લગભગ સાત વર્ષથી આ ક્ષેત્રમાં છું. અત્યાર સુધીમાં મેં લગભગ બે હજાર લોકોને અલગ-અલગ જગ્યાએ નોકરીએ લગાવ્યા છે."

બીબીસીએ કેટલાક લોકોના નામ શોધી કાઢ્યા છે જેઓ નોકરી માટે રશિયા ગયા છે.

જેમાં હૈદરાબાદના મોહમ્મદ અફસાન, તેલંગાણાના નારાયણપેટના રહેવાસી સુફિયાન, ઉત્તર પ્રદેશના અરબાન અહેમદ, કાશ્મીરના ઝહૂર અહેમદ, ગુજરાતના હેમિલ અને કર્ણાટકના ગુલબર્ગાના સૈયદ હુસૈન, સમીર અહેમદ અને અબ્દુલ નઈમનો સમાવેશ થાય છે.

મામલો સામે કઈ રીતે આવ્યો?

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ
ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશથી રશિયા પહોંચેલો શખ્સ

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રશિયા ગયેલા ભારતીય યુવકોનો લાંબા સમયથી તેમના પરિવારજનો સંપર્ક કરી શક્યા ન હતા. તાજેતરના દિવસોમાં તેમના કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં આ યુવકો હતાશામાં મદદ માગતા જોવા મળ્યા હતા.

બે વીડિયો પણ વાયરલ થયા હતા. એક વીડિયોમાં તેલંગાણાના સુફિયાન મોહમ્મદ, સમીર અહેમદ અને કર્ણાટકના સૈયદ ઇલ્યાસ હુસૈન કહે છે, "અમને સુરક્ષા સહાયક તરીકે નોકરી આપવામાં આવી હતી પરંતુ અહીં રશિયન સૈન્યમાં સામેલ કરવામાં આવ્યા હતા. રશિયન અધિકારીઓ અમને અહીં ફ્રન્ટલાઈન સુધી લઈ આવ્યા. અહીં યુદ્ધના મેદાનમાં જંગલમાં અમને તહેનાત કરી દેવામાં આવ્યા. બાબા વ્લોગના એજન્ટે અમારી સાથે દગો કર્યો છે."

અન્ય એક વીડિયોમાં ઉત્તર પ્રદેશના રહેવાસી અરબાઝ હુસૈન તેમના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં તેઓ બતાવે છે કે તેમના હાથને ઈજા થઈ છે.

તેમણે કહ્યું કે તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દેવામાં આવ્યો અને ઘણી મુશ્કેલીથી તેઓ ત્યાંથી ભાગીને નીકળ્યા છે. તેમણે વિનંતી કરી હતી કે તેમને કોઈપણ ભોગે બચાવી લેવામાં આવે.

‘બૉન્ડ પેપર પર હસ્તાક્ષર’

રશિયા ગયેલા ભારતીય યુવાનોનું કહેવું છે કે રશિયા પહોંચ્યા પછી ત્યાંના અધિકારીઓએ ટ્રેનિંગ પહેલાં એક બૉન્ડ પર હસ્તાક્ષર કરાવ્યા હતા. આ બૉન્ડ રશિયન ભાષામાં લખેલો હતો.

નામપલ્લીના મોહમ્મદ ઇમરાન કહે છે કે આ બૉન્ડ પેપર રશિયન ભાષામાં હતો. બધાએ બૉન્ડ પર હસ્તાક્ષર કરી દીધા કારણ કે તેમને ઍજન્ટ પર ભરોસો હતો.

મોહમ્મદ ઇમરાનના નાના ભાઈ મોહમ્મદ અફસાન પણ રશિયા ગયા હતા. તેમનું કહેવું હતું કે અફસાનના પરિવારમાં તેમના પત્ની સિવાય તેમનો બે વર્ષનો પુત્ર અને આઠ મહિનાની દીકરી છે.

રશિયા જતા પહેલા મોહમ્મદ અફસાને હૈદરાબાદમાં કપડાંની દુકાનમાં ક્લસ્ટર મૅનેજર તરીકે કામ કર્યું હતું. યુટ્યુબ પર ફૈઝલ ખાનનો વીડિયો જોયા બાદ સારા પગારની આશાએ તેમણે તેનો સંપર્ક કર્યો.

મોહમ્મદ ઈમરાન કહે છે કે તેમનો ભાઈ છેલ્લા બે મહિનાથી તેની સાથે સંપર્કમાં નથી, તેને ખબર નથી કે તેનો ભાઈ ક્યાં છે અને શું કરે છે. તેમને ભાઈની ચિંતા છે

મોહમ્મદ ઈમરાન કહે છે, "અફસાને છેલ્લીવાર ગત વર્ષે 31 ડિસેમ્બરે અમારી સાથે વાત કરી હતી. ત્યારથી તે અમારા સંપર્કમાં નથી. તેણે કહ્યું કે તેને જે ટ્રેનિંગ મળી રહી છે તે અલગ છે અને એવું લાગતું નથી કે આ ટ્રેનિંગ કોઈ હૅલ્પરના કામ માટેની હોય."

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ

ઇમરાન કહે છે, "જ્યારે અમે ઍજન્ટો સાથે વાત કરીએ છીએ તો તેઓ અમને કહે છે કે આ ટ્રેનિંગનો ભાગ છે, તેમાં ટેન્શન લેવાની જરૂર નથી. તેઓ એક દિવસ પાછા ફરશે."

મોહમ્મદ ઈમરાન કહે છે, "ઉત્તર પ્રદેશના એક યુવકે કહ્યું હતું કે મારા ભાઈને પગમાં બે ગોળી વાગી છે. તેને તાત્કાલિક પાછો બોલાવવો જોઈએ."

તેલંગાણાના નારાયણપેટના રહેવાસી સૈયદ સુફિયાનની માતા નસીબબાનોએ બીબીસીને જણાવ્યું કે 18 જાન્યુઆરીથી તેઓ તેમના પુત્રનો સંપર્ક કરી શક્યા નથી.

તેઓ તેમના પુત્ર વિશે વાત કરતી વખતે તેઓ રડી પડ્યાં હતાં. તેઓ કહે છે કે છેલ્લીવાર તેમણે તેમના પુત્ર સાથે વાત કરી ત્યારે તેણે તેમને કહ્યું કે તેની પાસે ફોન નથી. તેમણે કહ્યું, "મારી પાસે અહીં ફૉન નથી, જ્યારે મને મળશે ત્યારે હું તમને ફોન કરીશ. હું ઠીક છું."

તેમણે મોદી સરકારને તેમના પુત્રને દેશમાં પરત લાવવાની અપીલ કરી છે.

નસીમબાનો બે ઓરડાવાળા નાના ઘરમાં રહે છે. તેઓ કહે છે કે 24 વર્ષનો સુફિયાન છેલ્લાં બે વર્ષથી દુબઈમાં કામ કરતો હતો. તેના પરિવારમાં તેને એક બહેન અને એક મોટો ભાઈ છે.

સુફિયાન 16 નવેમ્બર, 2023ના રોજ અન્ય પાંચ લોકો સાથે રશિયા ગયો હતો. છેલ્લા એક મહિનાથી તે તેના પરિવારના સંપર્કમાં નથી.

‘અઠવાડિયામાં એકવાર ફોન પર વાત કરવાની પરવાનગી’

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ

ફૈઝલ ખાને બીબીસીને કહ્યું, "જો તમે યુદ્ધના મેદાનમાંથી ફોન પર કોઈની સાથે વાત કરો છો, તો યુક્રેનિયન સેના તમારા સિગ્નલને ટ્રેસ કરી શકે છે અને રશિયન સેનાનું સ્થાન શોધી શકે છે. ફોન સિગ્નલને શોધીને ડ્રોન હુમલા કરવામાં આવે છે. તેથી ફોનનો યુદ્ધના મેદાનમાં ઉપયોગ થતો નથી."

ફૈઝલ ખાનનું કહેવું છે કે રશિયા ગયેલા 16 ભારતીય યુવાનોમાંથી 10 લોકોના ઠેકાણા મળી આવ્યા છે, પરંતુ છ લોકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.

તેમણે બીબીસીને જણાવ્યું, "વાયરલ વીડિયો મોકલનાર ઉત્તર પ્રદેશના અરબાઝ હુસૈને મારો સંપર્ક કર્યો. અમે તેને માર્ગદર્શન આપીને મૉસ્કો લઈ આવ્યા. હવે તે સુરક્ષિત છે."

"અમે રશિયન સૈન્ય અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં છીએ જેથી તે લોકોને શોધી શકાય કે જેમના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી."

શું આ ભારતીયો વાગનર ગ્રૂપમાં સામેલ થઈ ગયા છે?

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતીયોને રશિયામાં પ્રાઇવેટ આર્મી ગણાતા વાગનર ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, અધિકૃત રીતે આ વિશે કોઈ જાણકારી મળી નથી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો રશિયન સેના માટે કામ કરી રહ્યા હતા.

બીબીસીએ આ મામલે ફૈઝલ ખાનને સવાલો કર્યા છે. પહેલાં તેમણે કહ્યું હતું કે આ લોકોને વાગનર ગ્રૂપ સાથે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે તેમને રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.

મોહમ્મદ ઇમરાન કહે છે, "બૉન્ડ પેપર રશિયન ભાષામાં હતું. મારા ભાઈએ મને બૉન્ડની માહિતી મોકલી હતી જેને મેં અનુવાદિત કરી હતી અને વાંચી હતી. તેને વાગનર ગ્રૂપમાં નહીં પરંતુ રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા."

બીબીસીને તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર મામલામાં અનેક ઍજન્ટો સામેલ છે. આ તમામ ભારતીય નાગરિક છે જે અલગ-અલગ દેશોમાં રહે છે.

રાજસ્થાનના મોઈન અને તમિલનાડુના પલાનીસામી રમેશ કુમાર રશિયામાં કામ કરે છે. ફૈઝલ ખાન દુબઈમાં રહે છે અને બાબા વ્લોગ નામની યુટ્યૂબ ચેનલ ચલાવે છે.

તેઓ આ વીડિયોનો ઉપયોગ જાહેરાત તરીકે કરે છે અને તેના દ્વારા યુવાનોને આકર્ષે છે. સુફિયાન અને પૂજા મુંબઈમાં એજન્ટ તરીકે કામ કરે છે.

તાજેતરના સમાચાર પછી, મુંબઈમાં એજન્ટોનો ફોન પર સંપર્ક થઈ શકતો નથી.

બીબીસીએ રશિયામાં મોઈનનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે અમારો સંપર્ક કરશે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો પરંતુ ત્યારથી અમે તેમનો સંપર્ક કરી શક્યા નથી.

‘દરેક લોકો પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા’

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

નોકરીની આશાએ રશિયા લઈ જનારા એજન્ટોએ લોકોને કહ્યું હતું કે ત્યાં તેમને દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.

રશિયા પહોંચ્યા બાદ આ લોકોને ટ્રેનિંગ દરમિયાન દર મહિને 40 થી 50 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. ફૈઝલ ખાને તેને વારંવાર કહ્યું કે તેનો પગાર હવે પછી વધશે.

ફૈઝલ ખાને તેમાંથી દરેક પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા.

નારાયણપેટના રહેવાસી સુફિયાનના મોટા ભાઈ સૈયદ સલમાને બીબીસીને કહ્યું, "જ્યારે મારો નાનો ભાઈ દુબઈમાં હતો, ત્યારે તે મને ખૂબ સારી રીતે પૈસા મોકલતો હતો. જો તે એક મહિનામાં પૈસા ન મોકલી શકે તો તે બીજા મહિને પણ પૈસા મોકલતો હતો. પરંતુ બીજા વર્ષે તેણે પૈસા ન મોકલ્યા."

"તેણે પૈસા પોતાની પાસે જમા કર્યા હતા અને એજન્ટને આપ્યા હતા. તેને લાગ્યું કે રશિયા જઈને તે સારા પૈસા કમાઈ શકશે અને પછી જીવનમાં સ્થાયી થઈ શકશે. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે."

ફૈઝલ ખાન કહે છે, "એ સાચું છે કે મેં ત્રણ લાખ રૂપિયા લીધા હતા, આ પૈસા પ્રક્રિયાનો એક ભાગ હતો. પરંતુ મેં તેમાંથી માત્ર 50 હજાર લીધા અને બાકીના રશિયામાં રહેલા એજન્ટોને ટ્રાન્સફર કર્યા હતા."

પરિજનોએ કરી અસદુદ્દીન ઔવૈસી સાથે વાત

રશિયા યુક્રેન યુદ્ધ ભારતીય યુવાનનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય વિદેશ મંત્રાલયે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુદ્ધના મેદાનમાં ભારતીય નાગરિકોની કથિત તહેનાતીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમને માહિતી મળી છે કે કેટલાક ભારતીય નાગરિકો રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે. ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી તેઓને ત્યાંથી જલદીથી છોડાવી શકાય."

તેમણે કહ્યું કે ભારતે રશિયન સૈન્યને મદદ કરી રહેલા ભારતીય નાગરિકોને જલદી છૂટા કરવા માટે રશિયન અધિકારીઓ સાથે વાત કરી છે.

તેમણે ભારતીય નાગરિકોને કોઈપણ પ્રકારની જાળમાં ફસાવાનું ટાળવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, "અમે તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ."

બીબીસીએ આ મુદ્દે વધુ જાણકારી માટે રશિયામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં રશિયન દૂતાવાસનો ઇ-મેઇલને આધારે સંપર્ક કર્યો. બંને તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

મોહમ્મદ ઇમરાને આ મામલે હૈદરાબાદના નામપલ્લી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી છે અને કહ્યું છે કે તેમના ભાઈ લાપતા છે.

તેમણે કહ્યું છે કે આ મામલે ફૈઝલ ખાન સામે કાર્યવાહી કરવામાં આવે. નામપલ્લી પોલીસે ફૈઝલ ખાન સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.