'પુતિનની હત્યાનો પ્રયાસ', યુક્રેને ક્રેમલિન પર ડ્રોનથી હુમલો કર્યો હોવાનો રશિયાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાએ જણાવ્યું કે તેણે ગત રાત્રે મૉસ્કૉમાં ક્રેમલિન પર લક્ષ્ય સાધી રહેલા બે ડ્રોન નષ્ટ કર્યા હતા. રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ પુતિનને મારવા માટે આ હુમલો કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
ક્રેમલિને જણાવ્યું કે સુરક્ષાબળો દ્વારા ઇલેક્ટ્રોનિક રડાર ઍસેટનો ઉપયોગ કરીને ડ્રોનને નિષ્ક્રિય કરી દેવાયા હતા.
સરકારી ન્યૂઝ એજન્સીને પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે હુમલા સમયે પુતિન ક્રેમલિનમાં હાજર નહોતા. તેમણે ઉમેર્યું હતું કે હુમલામાં ઇમારતને પણ ઝાઝું નુકસાન થયું નહોતું.
યુક્રેને આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
રશિયાના સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક પુષ્ટિ ન થઈ હોય તેવા ફૂટેજમાં બુધવારે વહેલી સવારે સેન્ટ્રલ મૉસ્કો તરફથી ધુમાડો ઊઠી રહ્યો હોવાનાં દૃશ્યો દેખાઈ રહ્યાં હતાં.
એક નિવેદનમાં ક્રેમલિને કહ્યું, “ગત રાત્રે, કિએવના શાસને રશિયન સંઘના પ્રમુખના ક્રેમલિન ખાતેના નિવાસે માનવરહિત ઍરિયલ વિહિકલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.”
આ નિવેદનમાં કહેવાયું હતું કે રશિયા આ હુમલાને “આયોજનબદ્ધ આતંકવાદી કૃત્ય અને રાષ્ટ્રપતિની હત્યા કરવાના પ્રયાસ” તરીકે ગણે છે. નિવેદનમાં આગળ કહેવાયું હતું કે, “રશિયા ગમે ત્યારે ગમે ત્યાં આ હુમલા સામે પ્રતિક્રિયા આપવાનો પોતાનો અધિકાર અનામત રાખે છે.”
નિવેદનમાં કહેવાયું હતું કે હુમલામાં પુતિન ઈજાગ્રસ્ત થયા નહોતા અને તેમનું કામકાજ સામાન્ય રીતે આગળ પણ ચાલતું રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદન અનુસાર ડ્રોનના ટુકડા ક્રેમલિન સાઇટ પર પડ્યા હતા પરંતુ કોઈને ઈજા થઈ નહોતી.
ક્રેમલિને એવું પણ નોંધ્યું કે આગામી 9 મેના રોજ 'વિક્ટરી ડે પરેડ' પહેલાં આ બનાવ બન્યો છે, જેમાં ઘણી વિદેશી હસ્તીઓ સામેલ રહેવાની શક્યતા હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિની ઑફિસે બીબીસીને હાલ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.














