‘લિસ્ટ ઑફ શેમ’ શું છે જેમાં ઇઝરાયલ અને હમાસ બંનેને સામેલ કરવામાં આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમીરા મહઝબી
- પદ, બીબીસી અરબી સેવા
ઇઝરાયલ અને હમાસ એ ભલે હંમેશાં પોતાનાં અલગપણાને કારણે એકબીજાના વિરોધમાં રહેતા હોય, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ - યુએન)ની એક યાદીમાં આ બન્ને એક જ સાથે જોવા મળ્યા છે. આ યાદી છે શરમની યાદી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'લિસ્ટ ઑફ શેમ' એટલે કે જેમણે શરમ અનુભવવી જોઈએ તેમની યાદી જાહેર કરી છે, જેમાં ઇઝરાયલી સેના, હમાસ અને પેલેસ્ટાઇનના ઇસ્લામિક જેહાદના હથિયારબંધ સંગઠનોને મૂકવામાં આવ્યાં છે.
આ લિસ્ટમાં એ જૂથોને જોડવામાં આવ્યા છે કે જેમણે સંઘર્ષ કે યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન બાળકોને અતિશય નુકસાન પહોંચાડ્યું છે અને નિયમોના ગંભીર ઉલ્લંઘન કર્યા છે.
આ લિસ્ટને બાળકો અને હથિયારબંધ સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટમાં જોડવામાં આવી છે.
તાજેતરનો રિપોર્ટ જાન્યુઆરી અને ડિસેમ્બર 2023ના વચ્ચેના સમયગાળાનો છે, જેને 13મી જૂને જાહેર કરવામાં આવ્યો હતો.
26મી જૂને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ રિપોર્ટ પર ચર્ચા થઈ.

તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “વર્ષ 2023માં કોઈ હથિયારબંધ સંઘર્ષમાં બાળકો સામેની હિંસા તેની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. એ દરમિયાન નિયમોમાં ગંભીર ઉલ્લંઘન 21 ટકા સુધી વધી ગયું હતું.”
તે અનુસાર, “હત્યાઓ અને અપંગતાના મામલામાં પણ 35 ટકાની વૃદ્ધિ જોવા મળી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2024ના અહેવાલમાં ઇઝરાયલ અને તેના કબ્જાવાળા પેલેસ્ટાઇનના વિસ્તારને સૌથી વધુ હિંસાનું ક્ષેત્ર ગણાવવામાં આવ્યું છે.
ઇઝરાયલ મહત્તમ હિંસા માટે જવાબદાર

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રએ હિંસાના 5698 મામલાની પુષ્ટિ કરી છે જે ઇઝરાયલી સશસ્ત્ર દળો અને સેના સાથે સંબંધિત છે.
જ્યારે 116 મામલા એ હમાસના ઇજ્ઝ અલ-દીન અલ-કાસમ બ્રિગેડ્સ અને 21 મામલા પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ અલ-કુદ્સ બ્રિગેડ સાથે જોડાયેલા છે.
યુએનના આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સિવાય પણ બાળકો સામે થયેલી હિંસાના 2051 મામલાની તપાસ ચાલુ છે.
રિપોર્ટમાં વેરિફાઈ થયેલા મામલા
રિપોર્ટમાં જે મામલાની ખરાઈ કરવામાં આવી છે એ...
- સાત ઑક્ટોબર અને 31 ડિસેમ્બર વચ્ચે ત્યાં 2267 પેલેસ્ટિનિયનોના મૃત્યુ થયાં છે, જેમાં મોટાભાગના લોકો ગાઝાના છે. “મોટાભાગના મામલાઓ ગીચ વસ્તીમાં ઇઝરાયલી સેના અને સુરક્ષાદળો તરફથી ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક હથિયારોને કારણે થયો.”
- કુલ 43 ઇઝરાયલી બાળકોની હત્યા થઈ, જેમાં મોટાભાગની ઘટનાઓ સાત ઑક્ટોબરે થયેલા ગોળીબાર અને રૉકેટ હુમલાઓના કારણે બની.
- હમાસના ઇજ્ઝ અલ-દીન અલ-કાસમ બ્રિગેડ્સ અને અન્ય પેલેસ્ટિનિયન હથિયારબંધ સમૂહોએ 47 ઇઝરાયલી બાળકોનું અપહરણ કર્યું.
- ઇઝરાયલી સુરક્ષાદળોએ કથિત સુરક્ષા સાથે જોડાયેલા અપરાધો માટે 906 પેલેસ્ટિનિયનોની ધરપકડ કરી
- શાળાઓ અને હૉસ્પિટલો પર થયેલા 371 હુમલાઓ માટે ઇઝરાયલી સેના, સુરક્ષા દળો અને ઇઝરાયલના અજ્ઞાત લોકો જવાબદાર છે.
- ઇઝરાયલમાં શાળા અને હૉસ્પિટલો પર થયેલા 17 હુમલાઓ માટે અલ-કાસમ બ્રિગેડ્સ અને અન્ય પેલેસ્ટિનિયન હથિયારબંધ સંગઠનો અને અજ્ઞાત હુમલાખોરો જવાબદાર છે.
આ લિસ્ટમાં સામેલ કરવામાં આવેલા ગંભીર મામલામાં બાળકોની અપંગતા અને માનવીય સહાયતા રોકવાની વાત પણ સામેલ કરવામાં આવી છે.
જોકે, સંયુક્ત રાષ્ટ્રએ માન્યું છે કે, “આ દર્જ કરવામાં આવેલી માહિતી બાળકો સામેની હિંસાની સંપૂર્ણ તસવીર નથી દર્શાવતી કારણ કે જમીની સ્તરની તપાસ કરવી એ પડકાર છે.”
‘લિસ્ટ ઑફ શેમ’ શું છે અને તેમાં કોણ સામેલ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 1379માં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને ‘સંઘર્ષમાં સામેલ’ એ સંગઠનોને ચિન્હિત કરવા અને સૂચિબદ્ધ કરવા માટે કહેવામાં આવ્યું હતું કે જેઓ બાળકોની ભરતી કરે છે અને તેનો ઉપયોગ કરે છે.
ત્યારથી આ યાદી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની સુરક્ષા પરિષદના વાર્ષિક રિપોર્ટ સાથે જાહેર થાય છે.
વર્ષ 1996માં બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ ઉપર કામ કરવા માટે મહાસચિવના સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવની વ્યવસ્થા બનાવવામાં આવી હતી. સંઘર્ષ કે યુદ્ધો દરમિયાન બાળકો પર થઈ રહેલી અસરોનું આકલન કરવા માટે છ ગંભીર અપરાધોને ચિન્હિત કરવામાં આવ્યા છે.
આમાં પાંચ અપરાધો કરનાર વ્યક્તિ કે સંસ્થા આપમેળે આ ‘લિસ્ટ ઑફ શેમ’ની યાદીમાં સામેલ થઈ જાય છે.
- સૈન્યમાં ભરતી અને બાળકોનો ઉપયોગ
- બાળકોની હત્યા અને તેમની અપંગતા
- બાળકો સામે યૌન હિંસા
- શાળા અને હૉસ્પિટલ પર હુમલા
- બાળકોનું અપહરણ
- બાળકો સહિત નાગરિકોને માનવીય સહાયતાથી દૂર રાખવા
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ચોથી જીનિવા સંધિ અને તેના વધારાના પ્રોટોકૉલ્સ હેઠળ આ બધું પ્રતિબંધિત છે અને આ માનવતા સામે અપરાધ કે યુદ્ધ અપરાધ જેટલું જ ગંભીર છે.
તાજેતરના લિસ્ટમાં બોકો હરામ, ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન જેવાં હથિયારબંધ સંગઠનો સામેલ છે.
ગત વર્ષે તેમાં રશિયાની સેનાને પણ તેમાં સામેલ કરવામાં આવી હતી.
ઇઝરાયલે રિપોર્ટને ગણાવ્યો ‘અનૈતિક’

સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં હમાસ અને ઇસ્લામિક જેહાદ તરફથી કોઈ ટિપ્પણી આવી નથી પરંતુ ઇઝરાયલે આ રિપોર્ટને ‘અનૈતિક’ ગણાવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના ચીફ ઑફ સ્ટાફ કોર્ટની રૈટેરેએ સાત જૂને યુએનમાં ઇઝરાયલી રાજદૂત ગિલાડ અર્ડાનને ફોન પર જણાવ્યું હતું કે આઈડીએફને આ યાદીમાં મૂકવામાં આવશે.
એ પછી અર્ડાને સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં તેને એક અનૈતિક નિર્ણય ગણાવ્યો હતો જેના કારણે હમાસને ફાયદો થશે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે "યુનાઇટેડ નેશન્સે હમાસના હત્યારાઓને ટેકો આપનારાઓની હરોળમાં જોડાઇને ઇતિહાસમાં પોતાને જ બ્લેકલિસ્ટ કર્યું છે."
તેમણે જાહેર કર્યું, "આઈડીએફ એ વિશ્વની સૌથી નૈતિકવાદી સેના છે; યુએનનો કોઈ ભ્રામક નિર્ણય તેને બદલી શકશે નહીં."
જોકે, ઇઝરાયલને આ યાદીમાં પ્રથમ વખત સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ સશસ્ત્ર સંઘર્ષની બાળકો પર અસર અંગે અગાઉના અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયલની સેના દ્વારા છોડવામાં આવેલા ટીયરગેસના કારણે (517 પેલેસ્ટાઇનનાં, 7 ઇઝરાયલનાં) 524 બાળકો અપંગ થયાં હતાં અને 563 બાળકોને તબીબી સહાયની જરૂર પડી હતી.
યુએનના અગાઉના અહેવાલોમાં ઇઝરાયલને આ યાદીમાં સામેલ ન કરવા બદલ માનવ અધિકાર સંગઠનોએ સેક્રેટરી-જનરલ ગુટેરેસની ખૂબ ટીકા કરી હતી.
હ્યુમન રાઇટ્સ વૉચમાં બાળકોના અધિકારોના નિર્દેશક જો બેકરે જણાવ્યું હતું કે, "યુએન 'લિસ્ટ ઑફ શેમ’ માં ઇઝરાયેલી સૈન્યને ઉમેરવાનું લાંબા સમયથી બાકી છે."
તેઓ કહે છે, "હમાસની ઇઝ અલ-દિન અલ-કાસમ બ્રિગેડ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદની અલ-કુદ્સ બ્રિગેડનો પણ સમાવેશ કરવો યોગ્ય છે."
ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના સેક્રેટરી જનરલ ઍગ્નેસ કૅલામાર્ડે આ મહિનાની શરૂઆતમાં લખ્યું હતું કે, "ઇઝરાયલે આ શરમજનક યાદીમાં સામેલ થવા માટે ગાઝામાં 15,000 બાળકોની હત્યા નહોતી કરવી જોઈતી."
આ યાદીમાં સામેલ થવાથી શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ રિપોર્ટનો આશય બાળકોની પરિસ્થિતિને સૌની સામે લાવવાનો છે પરંતુ આ યાદીમાં સામેલ થવાને કારણે તેની કોઈ કાયદાકીય જવાબદારી નથી.
ઑક્સફૉર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍથિક્સ, લૉ ઍન્ડ આર્મ્ડ કન્ફ્લિક્ટના વરિષ્ઠ સંશોધક ઇમેન્યુએલા-ચિયારા ગિલાર્ડે બીબીસીને કહ્યું, "આ સૂચિમાં દેશો અને સંગઠનોને મૂકવાનો આશય તેમને શરમમાં મૂકવાનો છે. તેના કોઈ તાત્કાલિક નક્કર કાનૂની પરિણામો નહીં જોવા મળે."
તેમના મતે, "આ નિર્ણય કેટલાક દેશોના ઇઝરાયલને શસ્ત્રો પૂરા પાડવાના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે. પરંતુ આ યાદીમાં સામેલ થવાને કારણે કોઈ પ્રતિબંધો લગાડવામાં આવતા નથી."
હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ જેવાં સંગઠનો પહેલેથી જ ઇઝરાયલ, અમેરિકા અને બ્રિટનના 'આતંકવાદી સંગઠનો'ની યાદીમાં સામેલ છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે તેમને નોન-સ્ટેટ ઍક્ટર્સ તરીકે ઓળખાવાથી તેમના કાનૂની દરજ્જાને અસર થતી નથી.
ગિલાર્ડ કહે છે કે આ સૂચિમાં સમાવેશની વ્યવહારિક અસર થઈ શકે છે કારણ કે ઇઝરાયલ અને હમાસને વધુ આલોચનાત્મક રીતે જોવામાં આવશે અને તેની અસર સુરક્ષા પરિષદમાં સંબંધિત ઠરાવોને અસર કરશે.
સંયુક્ત રાષ્ટ્રની આ સૂચિમાંથી પોતાને દૂર કરવા માટે સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર સાથે એક ઍક્શન પ્લાન તૈયાર કરવા અને અમલમાં મૂકવા માટે વાટાઘાટો શરૂ કરવી પડશે. જેથી કરીને ભવિષ્યમાં બાળકો સામે જે પ્રકારની હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને અટકાવી શકાય.












