હજયાત્રાએ ગયેલા સેંકડો હાજીનાં ભીષણ ગરમીથી મોત, કહ્યું- 'આવી ખરાબ અવ્યવસ્થા જોઈ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુનઝ્ઝા અનવાર
- પદ, બીબીસી ઉર્દૂ
સાઉદી અરેબિયામાં હજ અદા કરવા દરમિયાન ભારે ગરમી અને સુવિધાઓના અભાવને કારણે સેંકડો હાજીઓનાં મૃત્યુ થયાં છે. ત્યાર બાદ પ્રશાસનને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સે વિભિન્ન દેશોનાં વિદેશ મંત્રાલય અને અન્ય સૂત્રો પાસેથી મળેલી જાણકારીના આધારે 562 હાજીનાં મૃત્યુનો દાવો કર્યો છે. જ્યારે સમાચાર એજન્સી એએફપી અનુસાર, એક હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી મોટા ભાગના લોકો ઇજિપ્તના છે.
પાકિસ્તાન હજ મિશનના ડાયરેક્ટર અબ્દુલ વહાબ સૂમરો અનુસાર, પાકિસ્તાનનાં પણ 35 હાજીનાં મૃત્યુ થયાં છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે લગભગ 26 લોકોનાં મોત હજ પહેલાં જ મક્કામાં થયાં હતાં અને બાકીનાં લોકોનાં મોત હજીની વિધિઓ પૂર્ણ કરતી વખતે થયાં. જોકે, તેમણે આ લોકોનાં મૃત્યુ અંગે કોઈ વધુ જાણકારી આપી ન હતી.
બીબીસીએ પાકિસ્તાન હજ યાત્રીઓ તરફથી સુવિધાઓમાં ભારે ખામીઓને અને અવ્યવસ્થાની ફરિયાદને લઈને પાકિસ્તાન હજ મિશનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
સાઉદી અરેબિયા તરફથી હજુ સુધી મોતના આંકડા જાહેર કરવામાં નથી આવ્યા. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લાં 30 વર્ષમાં સાઉદી અરેબિયામાં ભાગદોડ થવાને કારણે, ટેન્ટોમાં આગ લાગવાને કારણે તથા અન્ય દુર્ઘટનાઓના લીધે સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે.
સાઉદી પ્રશાસન અનુસાર, આ વર્ષે લગભગ 18 લાખ લોકોએ હજની ફરજી નિભાવી છે. જેમાંથી 16 લાખ લોકો વિદેશી હતા.
અનેક દેશોનાં હજયાત્રીઓનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
સમાચાર એજન્સી એએફપીએ બે આરબ રાજદૂતો પાસેથી મળેલી જાણકારી પછી દાવો કર્યો છે કે હજ દરમિયાન ભીષણ ગરમીને કારણે સેંકડો લોકોનાં મોત થયાં છે. તેમાં મોટા ભાગના લોકો ઇજિપ્તના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એએફપીએ દાવો કર્યો છે કે મોટા ભાગનાં મોત ગરમીને કારણે થયાં છે. મૃત્યુ પામનાર લોકોમાં 323 લોકો ઇજિપ્તના તથા 60 લોકો જૉર્ડનના છે.
રૉઇટર્સે ઇજિપ્તની મેડિકલ ટીમ પાસેથી મળેલી જાણકારી પરથી જણાવ્યું છે કે મૃત્યુ પામનાર લોકોનું રજિસ્ટ્રેશન ઇજિપ્તમાં ન હતું. જેના કારણે તેમને ગરમીમાં રસ્તાઓ પર રહેવું પડ્યું હતું.
ઓમાને સરકારી સ્તરે અત્યાર સુધીમાં 41 યાત્રીઓ, ટ્યુનિશિયાએ 35 તથા જૉર્ડને હજ દરમિયાન પોતાના છ નાગરિકોની હીટ સ્ટ્રૉકના કારણે મોત થયાં હોવાની પુષ્ટિ કરી છે.
બીબીસીની અરબી સેવા અનુસાર, વિદેશ મંત્રાલય અને જૉર્ડનના વિદેશ મંત્રાલયના કાર્યાલય તરફથી જૉર્ડનના મૃત્યુ પામનાર 41 હજયાત્રીને તેમના પરિવારના લોકોની ઇચ્છાને આધારે મક્કામાં દફન કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે રે હજયાત્રીઓ જૉર્ડન તરફથી મોકલવામાં આવેલા સરકારી દળમાં ન હતા.
જૉર્ડનના દૂતાવાસે એમ પણ કહ્યું છે કે જૉર્ડનના અન્ય 106 યાત્રીઓમાંથી 84 હજયાત્રીઓ હજુ લાપતા છે.
ફ્રાન્સના ‘લે મોન્દે’ અખબારે 19 જૂને દાવો કર્યો હતો કે ઇન્ડોનેશિયાના 136 નાગરિકો હજ દરમિયાન મૃત્યુ પામ્યા હતા જેમાંથી ત્રણનાં મૃત્યુનું કારણ હીટ સ્ટ્રૉક હતું.
અહીં ઉલ્લેખનીય છે કે સાઉદી પ્રશાસને સોમવારે આ વર્ષે હજની પૂર્ણાહુતિ સાથે મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્શિયસ સુધી વધવાની ચેતવણી આપી હતી.
રવિવારે 16 જૂને મંત્રાલયે 2764 દર્દીઓ વિશે માહિતી આપી હતી જેમની સ્થિતિ ગરમી અને સૂચનાઓનું પાલન ન કરવાને કારણે બગડી હતી. સાઉદી અરેબિયાની સરકારી ટીવી ચેનલ અનુસાર, સોમવારે મક્કામાં તાપમાન વધીને 51.8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યો હજુ પણ સાઉદીની હૉસ્પિટલોમાં ગુમ થયેલા સંબંધીઓને શોધી રહ્યા છે.
‘જાનવરો જેવું વર્તન કરવામાં આવ્યું’
બીબીસીએ પાકિસ્તાનમાંથી સરકારી કે પ્રાઇવેટ માધ્યમથી હજ કરવા જનારા લોકો સાથે વાત કરીને ત્યાંની પરિસ્થિતિ અને વ્યવસ્થા માટે જાણવાની કોશિશ કરી હતી.
ઇસ્લામાબાદ સાથે જોડાયેલા 38 વર્ષીય આમના (અસલી નામ નથી) પોતાના પતિ સાથે સરકારી માધ્યમથી હજયાત્રા કરવા જનારા લોકોમાં સામેલ છે. તેઓ હજમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓથી દુખી છે. તેઓ કહે છે, ‘મને ખૂબ દુ:ખ થયું.’
મક્કાખી બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “એ વાતમાં કોઈ શક નથી કે ઇમારતોમાં રહેવું, ખાવું વગેરે ઘણું સારું છે. ટ્રાન્સપૉર્ટની સુવિધા પણ મળી જાય છે પરંતુ જ્યાં અમે વિધિઓ નિભાવવા જવાના હતા ત્યાં તેમણે અમારી સાથે જાનવરો જેવો વર્તાવ કર્યો.”
તેમના અનુસાર, મે મહિનામાં પસાર કર્યા એ દિવસો અતિશય દર્દભર્યા હતા. “તે દરમિયાન એક તંબુમાં 800 લોકો રહ્યા હતા અને તંબુઓમાં રહેતાં લોકોના પ્રમાણમાં ખૂબ ઓછા વોશરૂમ હતા.”
“એ તંબુઓમાં એટલી ગૂંગળામણ થતી હતી કે અમે કાયમ પરસેવાથી તરબોળ રહેતા હતા. મક્કાની ગરમી પ્રમાણે તેમાં એસીની પણ વ્યવસ્થા ન હતી. જે કૂલર લગાવવામાં આવ્યાં હતાં તેમાં પાણીની પણ વ્યવસ્થા ન હતી.”
ટેન્ટની અંદરની પરિસ્થિતિ વિશે જણાવતાં આમના કહે છે, “સાઉદી સરકાર તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા પૂરતી ન હતી અને ફરિયાદ કરીએ તો અધિકારીઓ સાંભળતા ન હતા. તેમની સાથે વાત કરવી એટલે જાણે કે દીવાલ સાથે માથું પછાડવું.”
આમનાના મત પ્રમાણે એ માત્ર અંધારી કોઠડી હતી જેમાં વીજળી કે પાણી કંઈ જ ન હતું.
"એટલો બધો ગેરવહીવટ હતો કે એ લોકોને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે દરવાજા બંધ કરી દેતા અને જ્યારે ઇચ્છા થાય ત્યારે દરવાજા ખોલી નાખતા."
તેઓ કહે છે કે, “પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશના લોકોને જે જગ્યા આપવામાં આવી હતી તે પહાડોની વચ્ચેની જગ્યામાં હતી અને ત્યાંના લોકો ગૂંગળામણનો શિકાર બન્યા હતા.”
આમના જણાવે છે કે આટલી ગરમીમાં કેટલાક લોકોને વોશરૂમની બહાર સૂવાની ફરજ પડી હતી.
તે પોતે મુઝદાલ્ફામાં ગૂંગળામણનો શિકાર બન્યાં હતાં અને તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.
તેઓ કહે છે, “મેં આખી રાત કેવી રીતે વિતાવી તે ફક્ત હું અથવા મારા ભગવાન જ જાણે છે. આખી રાત મારા પતિ મને પંખાથી હવા આપતા રહ્યા. હું બસ પ્રાર્થના કરતી રહી કે અલ્લાહમિયાં બસ ફજર (સૂર્યોદય પહેલાં)ની નમાજ અદા કરીને હું અહીંથી નીકળી જાઉં.”

સાઉદી અધિકારીઓને લઈને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આમના કહે છે કે જે લોકો મીનાથી પાછા ફર્યા છે, તેમને પાછા ફરવામાં ઘણા કલાકો લાગ્યા છે અને એ હારેલા થાકેલા યાત્રાળુઓને રોકાણ માટેના સ્થળની નજીક પણ લઈ જવામાં આવ્યા ન હતા.
તેઓ કહે છે, “ડ્રાઇવરને રસ્તાની ખબર નહોતી. તેણે વાહનો અને એસી બંધ કરી દીધાં હતાં.”
તેઓ કહે છે કે એક કિલોમીટર માટે ટૅક્સીનું ભાડું ઘણું વધારે છે. મીનાથી મક્કા સુધી ટૅક્સી ડ્રાઇવરો 2000 રિયાલ માગતા હતા.
પ્રાથમિક સારવાર અંગે તેઓ કહે છે કે તેઓ વાહનો લઈને ફરે છે પરંતુ તેમને ડ્રીપ કેવી રીતે લગાવવી તે પણ આવડતું નથી.
આમના કહે છે કે તેના જૂથમાં એક વ્યક્તિ ક્લૉસ્ટ્રોફોબિક હતી (એવા લોકો જે ભીડવાળી જગ્યાએ નર્વસ થઈ જાય). "જમરાતમાં ભીડ જોયા પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, તેથી અમે તેના માટે મદદ માગી. પરંતુ એવું લાગતું હતું કે સાઉદી સત્તાવાળાઓ દર્દી એટલે શું તે પણ જાણતા ન હોય તેવો તેમનો વ્યવહાર હતો."
તેઓ જણાવે છે કે તેમને ઑક્સિજનની જરૂર હતી અને જમરાતમાં ઇમરજન્સી સુવિધા હતી, પરંતુ પરત ફર્યા બાદ તેની હાલત ફરી બગડી.
તેઓ કહે છે, “અમે રસ્તાના કિનારે બેઠા હતા અને સાઉદી અરેબિયા પાસેથી ઍમ્બ્યુલન્સની માગણી કરી રહ્યા હતા, પરંતુ તેઓ માત્ર ‘બોલાવીએ છીએ, બોલાવીએ છીએ’ કરતા રહ્યા. આખરે ઍમ્બ્યુલન્સ આવી અને ડૉક્ટરે બે સેકન્ડ માટે પણ દર્દી તરફ જોયું નહીં અને 'તેને કંઈ થયું નથી' એમ કહીને ચાલ્યા ગયા.
આમના કહે છે કે જ્યારે 25 મિનિટથી વધુ સમય વીતી ગયો ત્યારે અમે તેમને ધમકી આપી હતી કે અમે વીડિયો બનાવીશું અને સોશિયલ મીડિયા પર કહીશું કે તમે હાજીઓ સાથે કેવું વર્તન કરો છો. તો પછી તેમણે અમને વીડિયો બનાવવા પણ ન દીધો અને પછી ઘણા સમય પછી અમને ઍમ્બ્યુલન્સ મળી."
તેઓ કહે છે, "સાઉદી અધિકારીઓ ન તો તમને સમજવાનો પ્રયત્ન કરે છે અને ન તો તમને મદદ કરે છે."
આમનાનું કહેવું છે કે અરાફાતમાં પાકિસ્તાની તંબુઓ છેલ્લા હતા. ત્યાં લખ્યું હતું કે, "આ અરાફાતનો અંત છે." તેઓ કહે છે કે અરાફાતમાં ઘણું ચાલવું પડ્યું હતું પરંતુ ત્યાંની વ્યવસ્થા સારી હતી.
તેમણે કહ્યું, “મેં 25 દિવસ માટે 11.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને આ નાની રકમ નથી. મારા જેવા હાજીઓ સ્વયંસેવકોનો ખર્ચ પણ ઉઠાવે છે, પરંતુ તેઓ માત્ર બિલ્ડિંગના રિસેપ્શનમાં બેસી રહે છે. હજની વિધિઓ શરૂ થયા પછીના દિવસોમાં, એક પણ વ્યક્તિ મદદ માટે હાજર રહેતી ન હતી અને તેઓ માત્ર એટલું જ કહેતી કે બધું સાઉદી સરકારની જવાબદારી છે.”
તેઓ કહે છે, "મેં જોયેલી અરાજકતા અને લોકો સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું છે તે પછી, હું ક્યારેય કોઈને સરકારી માધ્યમથી હજ કરવાની સલાહ આપીશ નહીં."
‘સાત કિલોમીટરના રસ્તા પર પાણી કે છાંયડો કશું જ ન હતું’

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે હજના સિલસિલામાં જ સાઉદી અરેબિયામાં હાજર હમીરા કંવલે જણાવ્યું કે, “જ્યારે અમને મિનાથી અરાફાતના મેદાનમાં લઈ જવામાં આવ્યા, તે દિવસે અમને હાજીઓનાં મોતના સમાચાર મળવાના શરૂ થઈ ગયા. લોકોનાં મૃત્યુ ગરમીથી થઈ રહ્યા હતા. ત્યાં બનેલા કૅમ્પોમાં બેસવા માટે જગ્યા અતિશય નાની હતી. હજનું પ્રવચન સાંભળવા માટે કોઈ વ્યવસ્થા ન હતી અને ભારે ગરમીને કારણે લોકોને બહાર બેસવું પડ્યું અને અંદર જગ્યા મેળવવા માટે લડાઈ ઝઘડા કરવા પડ્યા.”
મક્કાથી બીબીસી સાથે વાત કરતાં હમીરા જણાવે છે કે મુજ્દલફામાં રાત્રિ આસમાન નીચે જ પસાર કરવી પડી હતી. પરંતુ ત્યાં પાકિસ્તાન સહિત અન્ય દેશોના હજ યાત્રીઓને એક ટ્રેનના પુલ નીચે ગંદકી ભરેલી જગ્યાએ લઈ જવામાં આવ્યા.
બીજા દિવસે સવારે તેઓને ટ્રેન દ્વારા જમરાત લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાંથી પરત ફરવાની મુસાફરી ખૂબ જ પીડાદાયક હતી.
હમીરા કહે છે, "અમને સાત કિલોમીટર લાંબા માર્ગ પર ચલાવવામાં આવ્યા હતા, જ્યાં પાણી ન હતું અને છાંયડો પણ ન હતો. ઘણા હજયાત્રીઓ સ્થળ પર બીમાર પડ્યા હતા."
હમીરાએ જણાવ્યું હતું કે સાઉદીનાં સરકારી વાહનો હાજર હતાં, પરંતુ તેને ગરમીથી બીમાર અને બેહોશ થઈ ગયેલા હજયાત્રીઓ માટે ઉપયોગમાં લેવામાં આવ્યાં ન હતાં.
“લોકોને કૅમ્પોમાં એ રીતે રાખવામાં આવ્યા હતા કે જાણે કે મરઘા અને જાનવરોને ફાર્મમાં એકસાથે રાખવામાં આવ્યાં હોય. પથારીઓની વચ્ચેથી પસાર થવાની પણ જગ્યા ન હતી અને સેંકડો લોકો માટે માત્ર ગણતરીનાં શૌચાલય હતાં.”
પરંતુ તેના માટે તમે કોઈને ફરિયાદ કરી શકતા નથી કે ન તો કોઈની મદદ લઈ શકો છો.
હમીરાના કહેવા પ્રમાણે ત્યાં લગભગ કોઈ ઍમ્બ્યુલન્સ ન હતી. લાંબા રૂટ પર મદદ કરવાવાળું કોઈ ન હતું. જો કોઈ મળી આવતું તો એ પણ પોલીસ અધિકારીઓ હતાં કે જેઓ અંગ્રેજી જાણતા ન હતા.
તેઓ કહે છે કે ભારે હીટ વેવ દરમિયાન કેટલાક હજયાત્રીઓએ કલાકો સુધી ચાલવું પડ્યું હતું કારણ કે પોલીસે ટૂંકા માર્ગ પર રોડ બ્લૉક કરી રાખ્યા હતા.
હમીરા કહે છે કે 19મી જૂને તેમણે મિનાથી જમરાત સુધી 26 કિલોમીટર ચાલવું પડ્યું હતું. જ્યારે જે રસ્તો માત્ર 15 મિનિટનો હતો તેને પોલીસે તેને બંધ કરી દીધો હતો.
તેઓ કહે છે કે અહીંના પોલીસ અધિકારીઓ એ પણ જોતાં નથી કે સામેની વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે અને તેમના પર હાથ ઉપાડવામાં પણ શરમાતા નથી.
જીવ બચાવવા માટે કોઈ વ્યવસ્થા નથી

ઇમેજ સ્રોત, Getty Images
હમીરા જણાવે છે કે હજની આ યાત્રામાં તેમને અનેક દેશોના કૅમ્પોમાંથી પસાર થવાનો મોકો મળ્યો હતો અને તેમાં સૌથી ખરાબ હાલત ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કૅમ્પોમાં જોવા મળી હતી. એવું લાગતું હતું કે, “તમે સડેલા-ગંદકીભર્યા માહોલમાં કચરાના ઢગલા પર બેઠા છો.”
તેઓ કહે છે, “આજે હજનો છેલ્લો દિવસ છે અને હું વિચારું છું કે જે ધર્મમાં સફાઈ એ પહેલી શરત છે અને ત્યાં જ આ સફાઈના મામલાને આટલો નજરઅંદાજ કેમ કરવામાં આવ્યો?”
પરંતુ સાઉદીના કૅમ્પ મૅનેજર કહે છે, “આટલું જ છે અને આનાથી કામ ચલાવો.”
મોહમ્મદ આલા એક પ્રાઇવેટ ગ્રૂપના હજ ઑર્ગેનાઇઝર છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “તેમની આ અઢારમી હજ છે. તેઓ કહે છે કે સાઉદી કંટ્રોલર છે, સુવિધા આપનાર નથી.”
મોહમ્મદ આલા અનુસાર, “આ ગરમીમાં એક સામાન્ય હાજીને તવાફ-એ-જિયારત (પરિક્રમા) સિવાય દરરોજ ઓછામાં ઓછા 15 કિલોમીટર સુધી ચાલવું પડે છે. તેમાં ગરમી અને થાક સાથે હીટ સ્ટ્રૉકનો પણ સામનો કરવો પડે છે. દરેક જગ્યાએ પાણી પણ ઉપલબ્ધ હોતું નથી.”
તેઓ જણાવે છે કે હજવાળી જગ્યાએ જવા માટે પહેલાં અનેક યૂ-ટર્ન ખુલ્લા હતા જે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે હાજીઓને ખૂબ ચાલવું પડે છે. જો કોઈ હાજીઓનો કૅમ્પ એ કૅટેગરીમાં હોય તોપણ તેને પોતાના ટેન્ટ સુધી જવા માટે ઓછામાં ઓછું અઢી કિલોમીટર સુધી ચાલવું પડે છે.
મોહમ્મદ આલાના કહેવા પ્રમાણે જો કોઈ નાગરિકોને રસ્તામાં ઇમરજન્સી તકલીફ થઈ જાય તો કોઈ 30 મિનિટ સુધી ત્યાં કોઈ પહોંચી શકે તેમ નથી અને જિંદગી બચાવી શકે તેમ નથી.
તેમણે જણાવ્યું હતું કે તેમણે એવા અનેક વીડિયો જોયા છે કે જેમાં ઇજિપ્તના અનેક નાગરિકોની લાશ જોવા મળી છે, કારણ કે સાઉદીના ઉમરાવે તેમના માટે જે વીઝા જાહેર કર્યા હતા તેનો સમયગાળો લાંબો હતો જેના કારણે તેમણે રોકાઈને ગેરકાનૂની ધોરણે હજ કરી.
મોહમ્મદ આલાનું કહેવું છે કે ગેરકાનૂની ઢબે હજ અદા કરવાને કારણે તેમની પાસે કૅમ્પ જેવી સુવિધા ન હતી અને તેના કારણે તેમને ગરમીમાં ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું.
હજ દરમિયાન મૃત્યુ પામનાર લોકોને કઈ રીતે દફન કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, REUTERS
સાઉદી અરેબિયામાં દર વર્ષે હજયાત્રીઓ ભારે ગરમી, ભીડ દ્વારા કચડાઈ જવું, બીમાર પડવા અથવા માર્ગ અકસ્માત સહિતનાં વિવિધ કારણસર પોતાનો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાની સરકાર મૃત્યુ પામેલા લોકોની ઓળખ અને તેમના દફનવિધિ જેવી અન્ય બાબતોની જવાબદારી લે છે.
સાઉદી અરેબિયાના હજ કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ હજ કરતી વખતે પોતાનો જીવ ગુમાવે છે, તો તેના મૃતદેહને તેના દેશમાં મોકલવામાં આવશે નહીં, પરંતુ સાઉદી અરેબિયામાં જ દફનાવાશે.
દરેક હજયાત્રી પોતાના હજ અરજી ફૉર્મમાં જાહેર કરે છે કે જો તેનું મૃત્યુ સાઉદી અરેબિયાની જમીન પર થાય છે, તો તેના મૃતદેહને તેના દેશમાં મોકલવામાં આવશે નહીં, પરંતુ સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવશે. જો આ અંગે પરિવારમાં કોઈ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
જો સાઉદી અરેબિયામાં હજ માટે જઈ રહેલા લોકો તેમના કૅમ્પમાં અથવા રસ્તા પર કે હૉસ્પિટલમાં અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તેના સમાચાર સૌથી પહેલા સાઉદી અરેબિયામાં સંબંધિત દેશના હજ મિશનને આપવામાં આવે છે.
ઘણી વખત હૉસ્પિટલના અધિકારીઓ અથવા સામાન્ય લોકો આ માહિતી સીધી હજ મિશનને આપે છે. તે વ્યક્તિનું મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું તેના પર પણ આધાર રાખે છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક જરૂરી જાણકારી નામ, ઉંમર, એજન્સી, દેશ, ઓળખપત્રનો નંબર અને કાંડા પર કે ગળામાં બાંધેલા બૅન્ડ પરથી મળી શકે છે.
આ જરૂરી જાણકારીથી મૃતદેહની ઓળખ કરવામાં આવે છે. જો મૃત્યુ પામનાર હાજી સાથે કોઈ સંબંધીઓ હોય તો તેની ઓળખ તેઓ કરે છે.
જો મૃત્યુ પામનારનો પરિવાર સાઉદી આવીને તેના છેલ્લાં દર્શન કરવા ઇચ્છતા હોય તો એવું સંભવ થઈ શકતું નથી. પણ જો તેઓ મક્કામાં હોય તો જ તેમને મૃતદેહનાં અંતિમ દર્શન કરવાનો મોકો મળી શકે છે.
મૃતદેહની ઓળખ બાદ કોઈ માન્યતા પ્રાપ્ત ડૉક્ટરનું સર્ટિફિકેટ નજીકની હૉસ્પિટલ, હજ ઑફિસ કે મેડિકલ સેન્ટરમાંથી મેળવી શકાય છે.
મૃતદેહની ઓળખ અને અને સર્ટિફિકેટ જાહેર થયા બાદ તેમને નવડાવવાનું અને દફન કરવાનું કામ શરૂ થઈ જાય છે.
જો કોઈ હાજી એ મક્કા, મિના અને મુજ્દલફામાં રોકાય ત્યારે જો કોઈનો જીવ જાય તો તેમની નમાજ-એ-જનાજા મસ્જિદ અલ-હરામ અને કાબા શરીફમાં અદા કરવામાં આવે છે.
જો કોઈનું મૃત્યુ મદીનામાં થાય તો મસ્જિદ-એ-નબવીમાં નમાજ-એ-જનાઝા અદા કરવામાં આવે છે. એ સિવાય જો કોઈ હાજી એ જદ્દા કે કોઈ અન્ય જગ્યાએ મૃત્યુ પામે તો તેની નમાજ-એ-જનાઝા સ્થાનિક મસ્જિદમાં અદા કરવામાં આવે છે.













