યુરોપમાં પ્રવેશ કરવા માગતા અનેક સ્થળાંતરકર્તાઓને શું ગ્રીક કોસ્ટગાર્ડે ભૂમધ્ય સાગરમાં ફેંકી દીધા?

ગ્રીક કોસ્ટગાર્ડ, બીબીસી ગુજરાતી
    • લેેખક, લ્યુસિલ સ્મિથ, બેન સ્ટીલ
    • પદ, બીબીસી ટીવી કરન્ટ અફેર્સ

ગ્રીક કોસ્ટગાર્ડ ત્રણ વર્ષના સમયગાળામાં અનેક સ્થળાંતરકર્તાઓના ભૂમધ્ય સમુદ્રમાં મૃત્યુનું કારણ બન્યા છે. સાક્ષીઓ કહે છે કે એ નવ લોકોને તો ઇરાદાપૂર્વક પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

બીબીસીના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે આ નવ લોકોનો સમાવેશ એવા 40થી વધુ લોકોમાં થાય છે, જેમને ગ્રીક પ્રાદેશિક પાણીમાંથી બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા અથવા તો ગ્રીક દ્વીપો પર પહોંચ્યા પછી ફરી સમુદ્રમાં લઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

ગ્રીક તટરક્ષક દળે અમારી તપાસમાં જણાવ્યું હતું કે તે ગેરકાયદે પ્રવૃત્તિના તમામ આરોપોને દૃઢતાપૂર્વક નકારી કાઢે છે.

12 લોકોને એક ગ્રીક કોસ્ટગાર્ડ બોટમાં બેસાડીને બાદમાં તેમને એક નાની ડિંગી પર છોડી દેવાયા હોવાનું ફૂટેજ અમે ગ્રીક કોસ્ટગાર્ડના એક ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીને દેખાડ્યું હતું. તેઓ તેમની ખુરશી પરથી ઉઠ્યા અને માઇક ચાલુ હતું ત્યારે તેમણે કહ્યું હતું કે આ તો "સ્પષ્ટ રીતે ગેરકાયદે છે અને એક આંતરરાષ્ટ્રીય અપરાધ છે."

ગ્રીક સરકાર પર લોકોને બળજબરીથી પાછા ધકેલવાનો આક્ષેપ લાંબા સમયથી કરવામાં આવતો રહ્યો છે. તેઓ તુર્કીથી આવતા લોકોને પાછા ધકેલે છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તે અવૈધ છે.

બીબીસીએ આવી ઘટનાઓની પહેલીવાર ગણતરી કરી છે, જેમાં ગ્રીક કોસ્ટગાર્ડની કાર્યવાહીને લીધે કથિત મૃત્યુ થયાં છે.

'ગ્રીક અધિકારીઓએ દરિયામાં ફેંકી દીધાં'

ગ્રીક કોસ્ટગાર્ડ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કેમેરુનના આ યુવાને કહ્યું હતું કે તેમને કોસ્ટગાર્ડે દરિયામાં ફેંકી દીધો હતો

અમે મે, 2022-23 દરમિયાનની 15 ઘટનાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં 43 લોકોનાં મોત થયાં હતાં. પ્રારંભિક સ્રોત મુખ્યત્વે સ્થાનિક મીડિયા, સ્વયંસેવી સંગઠનો અને તુર્કી તટરક્ષક દળ હતાં.

આવી ઘટનાઓની પુષ્ટિ કરવી અત્યંત મુશ્કેલ છે, કારણ કે સાક્ષીઓ મોટા ભાગે ગુમ થઈ જાય છે અથવા બોલતાં ડરે છે, પરંતુ આ પૈકીના ચાર કિસ્સાની પુષ્ટિ અમે સાક્ષીઓ સાથે વાત કરીને કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમારું સંશોધન બીબીસીની એક નવી ડૉક્યુમેન્ટરી ‘ડેડ કામઃ કિલિંગ ઇન મેડ?’માં દર્શાવવામાં આવ્યું છે. તે એક સ્પષ્ટ પેટર્ન દર્શાવે છે.

પાંચ ઘટનાઓમાં પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમને ગ્રીક અધિકારીઓએ સીધા દરિયામાં ફેંકી દીધા હતા. એ પૈકીના ચારમાં તેમણે, તેઓ કેવી રીતે ગ્રીક ટાપુઓ પર પહોંચ્યા હતા અને તેમને પીછો કરીને પકડી પાડવામાં આવ્યા હતા, તેની વાત કરી હતી. અન્ય અનેક ઘટનાઓમાં સ્થળાંતરકર્તાઓએ જણાવ્યું હતું કે તેમને મોટર વિનાના, ફૂલાવી શકાય તેવા રાફ્ટ (તરાપો)માં રાખવામાં આવ્યા હતા અને બાદમાં તેમાંથી હવા નીકળી ગઈ હતી અથવા તેમાં પંચર થઈ ગયું હોય એવું લાગ્યું હતું.

સૌથી ભયાનક ઘટનાની વાત કેમરૂનના એક પુરુષે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2021માં તેઓ સમોસ ટાપુ પર ઊતર્યા પછી ગ્રીક સત્તાવાળાઓએ તેમને શોધી કાઢ્યા હતા.

અમે જે બીજા લોકો સાથે વાત કરી હતી તેમની માફક આ પુરુષે પણ જણાવ્યું હતું કે ગ્રીક પ્રદેશમાં આગમન પછી તેઓ શરણાર્થી તરીકે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા હતા.

તેમણે કહ્યું હતું, "અમે મુશ્કેલીથી ટાપુ પર પહોંચ્યા હતા અને તરત જ પોલીસ આવી પહોંચી હતી. બે પોલીસ કર્મચારીઓએ કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં અને ત્રણ અન્ય સિવિલિયન ડ્રેસમાં હતા. તેમણે માસ્ક પહેર્યા હતા. માત્ર તેમની આંખો જ જોઈ શકાતી હતી."

આ પુરુષ અને કેમરૂન તથા આઈવરી કોસ્ટના બે અન્ય પુરુષને ગ્રીક કોસ્ટગાર્ડ બોટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને પછી ભયાનક ઘટના બની હતી.

માર મારવાનો આરોપ

ગ્રીક કોસ્ટગાર્ડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Fayad Mulla

ઇમેજ કૅપ્શન, ફયાદ મુલ્લાના ડેશબોર્ડ કૅમેરામાં એ પળ રેકૉર્ડ થઈ હતી કે જેમાં અંડરકવર પોલીસે તેમને રોક્યા હતા

આઈવરી કોસ્ટના પુરુષે કહ્યું હતું, "કોસ્ટગાર્ડના લોકોએ બીજા કેમરૂમવાસીથી શરૂઆત કરી હતી. તેમણે તેને પાણીમાં ફેંકી દીધો હતો. આઈવરી કોસ્ટના પુરુષે કહ્યું હતું કે મને બચાવી લો, હું મરવા ઇચ્છતો નથી. આખરે માત્ર તેનો હાથ પાણીની બહાર હતો, શરીર અંદર હતું."

"ધીરે ધીરે તેનો હાથ પણ પાણીમાં ચાલ્યો ગયો હતો અને તે પાણીમાં સમાઈ ગયો હતો."

અપહરણકર્તાઓએ તેને માર માર્યો હોવાનું પણ એક સાક્ષીએ જણાવ્યું હતું.

"તેમણે મારા માથા પર સંખ્યાબંધ મુક્કા માર્યા હતા. તેઓ કોઈ જાનવરને મુક્કા મારી રહ્યા હોય એવું લાગતું હતું."

બાદમાં તેમને પણ લાઇફ જૅકેટ વિના પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેઓ તરીને કિનારે આવી ગયા હતા, પરંતુ અન્ય બે સિડી કીતા અને ડિડિએર માર્શલ કોમો નાનાના મૃતદેહો તુર્કીશ તટ પરથી મળી આવ્યા હતા.

બચી ગયેલા લોકોના વકીલો બેવડી હત્યાનો કેસ નોંધવાની માગણી ગ્રીક સત્તાવાળાઓ સમક્ષ કરી રહ્યા છે.

પોતે માર્ચ, 2021માં ચિઓસ આઇલૅન્ડ પર પહોંચ્યા ત્યારે ગ્રીક સૈન્ય દ્વારા કેવી રીતે પકડી પાડવામાં આવ્યા હતા અને બાદમાં ગ્રીક કોસ્ટગાર્ડને હવાલે કરવામાં આવ્યા હતા, તે સોમાલિયાના એક અન્ય પુરુષે બીબીસીને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડે તેમને પાણીમાં ફેંકી દેતા પહેલાં તેમના હાથ પાછળ બાંધી દીધા હતા.

તેમણે કહ્યું હતું, "તેમણે મને દરિયાની વચ્ચે ફેંકી દીધો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું મરી જાઉં."

તેમના કહેવા મુજબ, તેમનો એક હાથ છૂટી જવાને કારણે તેઓ પીઠ પર તરતા રહેવામાં સફળ થયા હતા, પરંતુ સમુદ્ર તોફાની હતો અને તેમના જૂથના ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. અમારા ઇન્ટરવ્યૂકર્તા આખરે એ સ્થળે પહોંચ્યા હતા અને ટર્કિશ કોસ્ટગાર્ડે તેમને જોઈ લીધા હતા.

સૌથી વધુ જાનહાનિની ઘટના સપ્ટેમ્બર 2022માં બની હતી. તેમાં 85 સ્થળાંતરકર્તાઓને લઈ જતી એક બોટની મોટર રોડ્સ નામના ગ્રીક ટાપુ નજીક બંધ થઈ ગઈ ત્યારે તે મુશ્કેલીમાં સપડાઈ હતી.

સીરિયાના મોહમ્મદે અમને જણાવ્યું હતું કે તેમણે ગ્રીક કોસ્ટગાર્ડની મદદ માગી હતી અને ગ્રીક કોસ્ટગાર્ડે તેમને તુર્કીના જળપ્રદેશમાં પાછા મોકલી આપ્યા હતા અને લાઈફ રાફ્ટ્સમાં બેસાડી દીધા હતા. મોહમ્મદના કહેવા મુજબ, તેમને તથા તેમના પરિવારને આપવામા આવેલી રાફ્ટ આપવામાં આવી હતી તે તેનો વાલ્વ યોગ્ય રીતે બંધ ન હતો.

બીબીસી ગુજરાતી

તેમણે બીબીસીને કહ્યું હતું, "અમે તરત જ ડૂબવા લાગ્યા હતા. તેઓ એ જોતા હતા. તેમણે અમારા બધાની ચીસો સાંભળી હતી. તેમ છતાં અમને છોડીને ચાલ્યા ગયા હતા."

"સૌથી પહેલાં મારા પિતરાઈ ભાઈનો દીકરો મૃત્યુ પામ્યો હતો. એ પછી એક અન્ય બાળકનું મોત થયું હતું. ત્યારબાદ મારો પિતરાઈ ભાઈ પોતે ગાયબ થઈ ગયો હતો. સવાર સુધીમાં સાત-આઠ બાળકો મૃત્યુ પામ્યાં હતાં."

"મારાં સંતાનો સવાર સુધી, તુર્કી કોસ્ટગાર્ડ્સ આવે તે પહેલાં સુધી જીવતાં હતાં."

આશ્રય મેળવવા ઇચ્છતા તમામ સ્થળાંતરકર્તાઓને કેટલાક ટાપુઓ પરના રજિસ્ટ્રેશન સેન્ટર્સમાં તેમનો દાવો નોંધાવવાની ગ્રીક કાયદા હેઠળ છૂટ છે.

અમે જેમના ઇન્ટરવ્યૂ કર્યા હતા તે લોકોનો સંપર્ક સ્થળાંતર સહાયક સંસ્થા કોન્સોલિડેટેડ રેસ્ક્યુ ગ્રૂપની મદદથી કરવામાં આવ્યો હતો. એ લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ સેન્ટર્સમાં પહોંચે તે પહેલાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરનારા લોકો ગુપ્ત રીતે કામ કરતા હતા, તેમણે યુનિફૉર્મ પહેર્યાં ન હતાં અને ઘણીવાર માસ્ક પહેર્યાં હતાં.

માનવાધિકાર સંગઠનોએ શું કહ્યું?

ગ્રીક કોસ્ટગાર્ડ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પત્રકાર રોમી વાન બારસેનને ગ્રીક સ્પેશિયલ ફોર્સના સભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ હોડીઓને પાછી લાવવા માટે સરકારના આદેશો હેઠળ કામ કરી રહ્યા છે

માનવાધિકાર જૂથો આક્ષેપ કરે છે કે યુરોપમાં આશ્રય મેળવવા ઇચ્છતા હજારો લોકોને ગ્રીસથી ગેરકાયદે તુર્કી પાછા મોકલવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય અને યુરોપિયન સંઘના કાયદા અનુસાર આશ્રય મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો.

ઑસ્ટ્રિયન કર્મશીલ ફયાદ મુલ્લાએ અમને જણાવ્યું હતું કે આવી કામગીરી કેટલી ગુપ્ત રીતે હાથ ધરવામાં આવે છે, એ તેમણે ગયા ફેબ્રુઆરીમાં લેસબોસ નામની ગ્રીક ટાપુ પર જાતે શોધી કાઢ્યું હતું.

લોકોને જે સ્થળેથી બળજબરીથી પાછા મોકલવામાં આવે છે એ સ્થળ તરફ તેઓ ડ્રાઇવ કરી રહ્યા હતા ત્યારે હૂડી પહેરેલા એક માણસે તેમને અટકાવ્યા હતા. (એ માણસ પોલીસ માટે કામ કરતો હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું. એ પછી તેમને અટકાવવામાં આવ્યા હોવાનું દર્શાવતું તેમની કારને ડેશકેમમાંનું ફૂટેજ ડીલિટ કરવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો અને તેમના પર પોલીસનો પ્રતિકાર કરવાનો આરોપ મૂક્યો હતો.

આખરે આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

મુલ્લા બે મહિના પછી ફરી એવી જ જગ્યાએ પહોંચ્યા હતા અને તેમના ફોર્સ્ડ રિટર્નનું ફિલ્મીંગ કરવામાં સફળ થયા હતા. તે ધ ન્યૂયૉર્ક ટાઇમ્સે પ્રકાશિત કર્યું હતું.

મહિલાઓ અને બાળકો સહિતના એક જૂથને એક અચિન્હિત વેનના પાછળના ભાગમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમને ચલાવીને જેટી પરની એક નાની હોડીમાં લઈ જવામાં આવ્યા હતા.

એ પછી તેમને દરિયાકાંઠાથી વધુ દૂર ગ્રીક કોસ્ટગાર્ડના એક વહાણમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને દરિયામાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને તરાપા પર બેસાડીને છોડી મૂકવામાં આવ્યા હતા.

એ પછી તુર્કીના કોસ્ટગાર્ડે તેમને બચાવી લીધા હતા.

ફૂટેજમાં શું દર્શાવવામાં આવ્યું છે તેના વિશે કશું જણાવવાનો તેમણે ઇન્ટરવ્યૂ દરમિયાન ઇનકાર કર્યો હતો. ગ્રીક કોસ્ટગાર્ડ કશું ગેરકાયદે કર્યું હોવાનો તેમણે અમારી સાથેની અગાઉની વાતચીતમાં ઇનકાર કર્યો હતો. જોકે, વિરામ દરમિયાન તેઓ કોઈને ગ્રીક ભાષામાં એવું કહેતા સંભળાયા હતા કે "મેં તેમને બહુ બધું કહ્યું નથી, ખરુંને? તે ખૂબ જ સ્પષ્ટ છે. તે ન્યુક્લિયર ફીઝિક્સ નથી. તેમણે આવું ખુલ્લેઆમ શા માટે કર્યું એ મને સમજાતું નથી. તે દેખીતી રીતે ગેરકાયદે છે. આંતરરાષ્ટ્રીય ગુનો છે."

ગ્રીસના મેરીટાઇમ અફેર્સ અને ઇન્સ્યુલર પોલિસી મંત્રાલયે બીબીસીને જણાવ્યું હતું કે દેશની સ્વતંત્ર નેશનલ ટ્રાન્સપરન્સી ઓથોરિટી દ્વારા હાલ ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સામોસ ટાપુના એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ સાથે અમે વાત કરી હતી. એ મહિલા પત્રકારના કહેવા મુજબ, તેમણે ગ્રીક સ્પેશિયલ ફોર્સીસના એક સભ્ય સાથે ડેટિંગ ઍપ્લિકેશન ટિન્ડર દ્વારા ચેટિંગ શરૂ કર્યું હતું.

તેમને ‘યુદ્ધજહાજ’ તરીકે ઓળખાવવામાં આવેલા સ્થળેથી તે વ્યક્તિએ મહિલા પત્રકારને ફોન કર્યો હતો. રોમી વેન બાર્સેને તેમને તેમના કામ વિશે અને તેમનાં દળોએ શરણાર્થી બોટને જોઈ ત્યારે શું થયું હતું એ વિશે સવાલો કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે એવા લોકોને "પાછા મોકલવામાં આવે છે" અને પ્રધાન તરફથી આવો આદેશ આપવામાં આવ્યો છે. તેઓ બોટ રોકવામાં નિષ્ફળ જાય તો તેમને સજા કરવામાં આવે છે.

લોકોને બળજબરીપૂર્વક પાછા મોકલવામાં આવતા હોવાનો ગ્રીસ કાયમ ઇનકાર કરતું રહ્યું છે.

ઘણા સ્થળાંતરકર્તાઓ માટે ગ્રીસ યુરોપમાં પ્રવેશવાનો માર્ગ છે. ગયા વર્ષે 2,63,048 લોકો સમુદ્રમાર્ગે આવ્યા હતા. એ પૈકીના 41,561 લોકોને ગ્રીસે સ્વીકાર્યા હતા. સ્થળાંતરકર્તાઓ અને શરણાર્થીઓને ગ્રીસમાં પ્રવેશતા રોકવા માટે તુર્કીએ યુરોપિયન યુનિયન સાથે 2016માં એક કરાર કર્યો હતો, પરંતુ 2020માં જણાવ્યું હતું કે એ હવે તેનો અમલ કરશે નહીં.

અમે અમારી તપાસના તારણો ગ્રીક કોસ્ટગાર્ડ સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમના કર્મચારીઓ “અત્યંત દક્ષતા, ચુસ્ત જવાબદારીપૂર્વક અને માનવજીવન તથા મૂળભૂત અધિકારો પ્રત્યેના આદર” સાથે કામ કરે છે. તેઓ “આંતરરાષ્ટ્રીય નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે.”

તેમણે ઉમેર્યું હતું, "એ નોંધવું જરૂરી છે કે 2025થી 2024 સુધીમાં હેલેનિક કોસ્ટગાર્ડે 6,161 ઘટનાઓમાં 2,50,834 શરણાર્થીઓ, સ્થળાંતરકર્તાઓને બચાવ્યા છે. આ ઉમદા મિશનના દોષરહિત અમલને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા હકારાત્મક રીતે સ્વીકૃતિ આપવામાં આવી છે."

ભૂમધ્ય સમુદ્રમાં સૌથી મોટા માઇગ્રન્ટ જહાજના તૂટી પડવાની ઘટનામાં ભૂમિકા બદલ ગ્રીક કોસ્ટગાર્ડની ટીકા કરવામાં આવી હતી. ગ્રીસના સીમાંકિત રેસ્ક્યુ એરિયામાં એડ્રિયાના ડૂબી જવાને લીધે 600થી વધુ લોકોના મોત થયાની આશંકા છે.

ગ્રીક અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બોટ કોઈ મુશ્કેલીમાં ન હતી. તે સલામત રીતે ઈટાલી જઈ રહી હતી. તેથી કોસ્ટગાર્ડે તેને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

(એડિશનલ રિપોર્ટિંગઃ એમ્મા પેંગેલી, બીબીસી વેરિફાઈ)