આ દેશમાં કેમ છોડવામાં આવ્યા લૅબમાં બનેલા લાખો મચ્છર

જીએમઓ મચ્છર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડોરકાસ વાંગીરા
    • પદ, આફ્રીકા સ્વાસ્થ્ય સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

આફ્રિકાના દેશ જિબૂતીમાં લાખો જિનેટિકલી મૉડિફાઇડ(જીએમઓ) મચ્છરોને વાતાવરણમાં છોડવામાં આવ્યા છે.

તેનો ઉદ્દેશ્ય, મચ્છરોની એક એવી પ્રજાતિને ફેલાતી રોકવાનો છે, જે મેલેરિયાની બીમારી ફેલાવે છે.

વાતાવરણમાં છોડેલા એનોફિલીસ સ્ટીફેંસી મચ્છર કરડતાં નથી. તેમને બ્રિટનની જૈવ પ્રૌદ્યોકિકી કંપની ઑક્સીટૅકે વિકસિત કર્યા છે.

આ મચ્છરોમાં એક જીન હોય છે, જે માદા મચ્છરોને વૃદ્ધ થતાં પહેલાં જ ખતમ કરી નાખે છે.

હકીકતમાં માદા મચ્છરો જ કરડે છે અને વાઇરસથી થનારી મેલેરિયા સહિતની અન્ય બીમારી ફેલાવે છે.

આ પહેલીવાર છે, જ્યારે લૅબમાં બનેલા મચ્છરોને પૂર્વ આફ્રિકાના ખુલ્લા માહોલમાં છોડવામાં આવ્યા હોય. જો આપણે આખા આફ્રિકા મહાદ્વીપની વાત કરીએ તો આમ બીજી વખત કરવામાં આવ્યું છે.

અમેરિકાના સૅન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)નું કહેવું છે કે આ પ્રકારની તકનીકને બ્રાઝિલ, કેમેન દ્વીપ સમુહ, પનામા અને ભારતમાં અપનાવવામાં આવી છે અને તે સફળ પણ રહી છે.

સીડીસીનું કહેવું છે કે 2019 બાદ આખી દુનિયામાં એક અબજથી વધારે જિનેટિકલી મૉડિફાઇડ મચ્છર ખુલ્લા માહોલમાં છોડવામાં આવ્યા છે. આ મચ્છરોની પહેલી ખેપને ગુરુવારે જિબૂતી શહેરના અમ્બોઉલી ઉપનગરીય વિસ્તારમાં ખુલ્લી હવામાં છોડવામાં આવ્યા.

આ પરિયોજના- ઑક્સિટૅક લિમિટેડ, જિબૂતિ સરકાર અને એક સ્વૈચ્છિક સંસ્થા ઍસોસિયેશન મ્યુચુઆલિસ વચ્ચે થયેલા સહયોગને કારણે શરૂ થઈ.

જીએમઓ મચ્છર કેવી રીતે કરે છે કામ?

જીએમઓ મચ્છર

ઇમેજ સ્રોત, OXITEC COMPANY

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઑક્સિટૅકના પ્રમુખ ગ્રે ફ્રેંડસેને બીબીસીને જણાવ્યું, “અમે સારા મચ્છર બનાવ્યા છે, જે કરડતાં નથી. જે બીમારી ફેલાવતાં નથી. જ્યારે આ મિત્ર એવા મચ્છરોને હવામાં છોડીએ છીએ ત્યારે જંગલી પ્રજાતિ ધરાવતી માદા મચ્છરો સાથે પ્રજનન કરવાની કોશિશ કરે છે."

પ્રયોગશાળામાં બનેલા આ મચ્છરોમાં તેમની વસ્તી નિયંત્રણ કરનારું એક જિન હોય છે. જે માદા મચ્છરોને બાળ મચ્છરોને મોટા કરીને પ્રજનનની ઉંમર સુધી પહોંચતા રોકે છે.

આ પરિયોજનામાં જ વૈજ્ઞાનિકો લાગેલા છે. તેમનું કહેવું છે કે જંગલી પ્રજાતિ અને લૅબમાં બનેલા મચ્છરોના પ્રજનનથી પેદા થયેલા મચ્છરોમાં માત્ર નર જ જીવતા બચે છે. તેઓ પણ છેલ્લે મરી જાય છે.

2018માં બુર્કીના ફાસોમાં નપુંસક એનોફિલિસ કોલ્યુજી મચ્છરોને વાતાવરણમાં છોડવામાં આવ્યા હતા. તેનાથી ઉલ્ટું આ નવી પ્રજાતિ(એનોફિલિસ સ્ટિફેંસી)ના મચ્છરો પોતાની નવી પેઢીને જન્મ આપે છે.

પ્રયોગશાળામાં બનેલા મચ્છરોને ખુલ્લામાં છોડવાની આ 'જિબૂતિ મિત્રતા મચ્છર પરિયોજના' એ કાર્યક્રમનો ભાગ છે જેની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ હતી.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એનોફિલિસ સ્ટિફેંસી મચ્છરોની નસલ ફેલાતી રોકવાનો છે. માણસોને કરડનારી મચ્છરોની પ્રજાતિની ઓળખ જિબૂતીમાં વર્ષ 2012માં થઈ હતી. તે સમયે જિબૂતિ મેલેરિયાની નાબૂદી માટે કમર કસી રહ્યું હતું. ત્યારે દેશમાં મેલેરિયાના 30 દર્દીઓ મળી આવ્યા હતા.

ત્યારબાદ જિબૂતીમાં મેલેરિયાની બીમારીમાં ભયંકર રીતે વધારો જોવા મળ્યો. જિબૂતીમાં 2020માં મેલેરિયાના દર્દીઓની સંખ્યા 73 હજાર સુધી પહોંચી ગઈ હતી.

મચ્છરોની આ નસલ હવે આફ્રિકાના બીજા છ દેશો જેવા કે ઇથિયોપિયા, સોમાલિયા, કૅન્યા, સુદાન, નાઇજીરિયા અને ઘાનામાં પણ જોવા મળે છે.

આ પ્રયોગ જિબૂતીમાં જ કેમ કરવામાં આવી રહ્યો છે?

એનોફેલીઝ સ્ટીફેન્સી પ્રજાતિના મચ્છરો મૂળરૂપે એશિયામાં મળી આવે છે, જેના પર કાબુ મેળવવો અત્યંત મુશ્કેલ છે.

તેને શહેરી મચ્છરો પણ કહેવામાં આવે છે. એનોફેલીઝ સ્ટીફેન્સી પ્રજાતિના મચ્છરોએ પરંપરાગતરૂપે મચ્છરો પર નિયંત્રણ કરવાની પદ્ધતિઓને માત આપવાની કળામાં મહારત હાંસલ કરી લીધી છે.

આ મચ્છરો દિવસે અને રાતે પણ કરડે છે અને રાસાયણિક જંતુનાશકની પણ કોઈ અસર તેના પર થતી નથી.

જિબૂતીના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય મામલાના સલાહકાર ડૉક્ટર અબ્દુલ્લા અહમદ આબ્દીએ 'ફાઇનાન્શિયલ ટાઇમ્સ'ને જણાવ્યું કે તેમની સરકારનો ઇરાદો જિબૂતીમાં મેલેરિયાનો ફેલાવો તરત જ અટકાવવાનો છે. કારણ કે આ બીમારીના દર્દીની સંખ્યા છેલ્લા એક દાયકામાં ખૂબ જ વધી છે.

આ કાર્યક્રમ સાથે જોડાયેલ એનજીઓ ઍસોસિએશન મ્યુચુઆલિસના નિદેશક ડૉક્ટર બોઉહ આબ્દી ખૈરહે કહ્યું, “વધારે જૂની વાત નથી. અમારા સમુદાયના લોકોને મેલેરિયાની બીમારી થવી એક દુર્લભ ઘટના હતી.”

તેમણે ઉમેર્યું કે અમે અત્યારે તો દરરોજ મેલેરિયાના દર્દીઓને કષ્ટ સહન કરતા જોઇએ છીએ. આ રોગ પર કાબુ મેળવવા માટે નવા ઉપાયો કરવાની અત્યંત જરૂર છે.

આ કાર્યક્રમ ચલાવનાર લોકો કહે છે કે જિબૂતી એક નાનકડો દેશ છે. 10 લાખની વસ્તીવાળા આ દેશના મોટાભાગના લોકો શહેરમાં રહે છે. આ સ્થિતિમાં મેલેરિયા વિરુદ્ધ એક નવું અભિયાન ચાલું કરવું સરળ છે.

સમુદાયોને પણ આ યોજનામાં ભાગીદાર બનાવવામાં આવ્યા છે. મેલેરિયાના દર્દી સાદા ઇસ્માઇલ પણ આ ક્રાર્યક્રમ સાથે જોડાયેલાં છે.

ઇસ્માઇલે કહ્યું કે આપણાં સ્વાસ્થ્ય પર મેલેરિયાની ગંભીર અસર પડે છે, જે એક પડકાર છે. લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે આ સારા મચ્છરો તેમને મેલેરિયા સામેની લડાઈમાં જીત મેળવવા કેવી રીતે મદદ કરશે?

જીએમઓ જીવ વિશે વિવાદ

જીએમઓ મચ્છર

ઇમેજ સ્રોત, OXITEC COMPANY

જેનેટિકલી મૉડિફાઇડ જીવ હંમેશાં આફ્રિકામાં વિવાદનો વિષય રહ્યો છે. પર્યાવરણ સાથે જોડાયેલાં સંગઠનો અને અભિયાન ચલાવનાર લોકોએ ચેતવણી આપી છે કે જીએમઓ જીવો હાલમાં રહેલી ખાદ્યસંસ્થા અને ઇકૉસિસ્ટમ પર ખૂબ જ ખરાબ અસર પડશે.

જોકે, ઑક્સિટેકના પ્રમુખ ફ્રેન્ડસેને કહ્યું કે આ સમસ્યાનો જૈવિક ઉપાયને વિકસાવનાર લોકોએ વાતાવરણમાં એક અબજથી વધારે મૉડિફાઇડ મચ્છરો છોડ્યા છે અને તેની ખરાબ અસરના પુરાવાઓ હજી સુધી મળ્યા નથી.

ફ્રેન્ડસેને પોતાના તર્ક આપતા ઉમેર્યું, “અમારૂં જોર એ વાત પર છે કે અમે વાતાવરણમાં જે કંઈ પણ છોડીએ તે સુરક્ષિત અને અત્યંત અસરકારક બને. પર્યાવરણ પર તેની કોઈ અસર થશે નહીં. કારણ કે આ મચ્છરો ઝેરીલા કે એલર્જી ફેલાવનારા નથી અને એક ખાસ પ્રજાતિ સાથે તાલ્લુક ધરાવે છે.”

ઑક્સિટોન કહે છે કે મચ્છરોની લાળમાં જિનેટિકલી મૉડિફાઇડ જીન મળતાં નથી. આમ, લૅબમાં બનેલા આ મચ્છરો કોઈને કરડશે તો પણ તેમના પર જેનેટિક બદલાવની કોઈ ખરાબ અસર થશે નહીં.

રાષ્ટ્રપતિના સલાહકાર ડૉક્ટર આબ્દીએ કહ્યું કે બની શકે કે સમસ્યાનો આ નવો ઉપાય (જીએમઓ મચ્છર) વિવાદીત હોય પણ તે જ ભવિષ્ય છે.

તેમણે કહ્યું કે જો આ પ્રયોગ સફળ રહ્યો તો પછી લૅબમાં બનેલા મચ્છરોને વધારે મોટા વિસ્તારમાં છોડીને મોટા પરિક્ષણો કરવામાં આવશે. જિબૂતીમાં આ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો સિલસિલો આવનારાં એક વર્ષ સુધી ચાલુ રહેશે.

મેલેરિયા એક ઘાતક બીમારી છે. આ બીમારીને કારણે આખા વિશ્વમાં દર વર્ષે ઓછામાં ઓછા છ લાખ લોકોનાં મૃત્યુ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની જાણકારી પ્રમાણે મેલેરિયાને કારણે થતાં 10 મૃત્યુ પૈકીનાં 9 મૃત્યુ આફ્રિકાના સહારા વિસ્તારમાં થાય છે.