કાર્બાઇડથી કેરી કેવી રીતે જલદી પાકી જાય છે? આવી કેરીથી શું બીમારી થઈ શકે?

ઇમેજ સ્રોત, ani
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉનાળો આવતાં જ બજારોમાં કેરી આવી જાય અને સ્વાદરસિકો પણ મનપસંદ કેરી માટે આતુર હોય છે.
બજારોમાં હાફુસ, કેસર, તોતાપૂરી, લંગડો, દશેરી અને પાયરી સહિતની અનેક કેરીઓ મળતી હોય છે.
જોકે આ કેરીઓ ખાવી ક્યારે નુકસાનકારક બની શકે એ પણ જાણી લેવું જોઈએ.
એફએસએસઆઈ અનુસાર, કેરી પકવવા માટે કૅલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ પર 2011થી પ્રતિબંધ છે, પરંતુ ઘણા વેપારીઓ આ કેમિકલનો ઉપયોગ કરીને કેરી પકવતા રહ્યા છે, જે લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
વિવિધ કેમિકલનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને કૃત્રિમ રીતે ઝડપી બનાવવામાં આવે છે જેમાં કૅલ્શિયમ કાર્બાઇડ સૌથી સામાન્ય કેમિકલ છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (વેચાણ પર પ્રતિબંધ) રેગ્યુલેશન્સ, 2011ના નિયમન 2.3.5 મુજબ ફળોને પકવવાં માટે કૅલ્શિયમ કાર્બાઇડના ઉપયોગને મંજૂરી નથી.
આ નિયમ સ્પષ્ટપણે જણાવે છે કે, "કોઈ વ્યક્તિએ કાર્બાઇડ દ્વારા પકવેલાં ફળો વેચવાં નહીં."
એફએસએસએઆઈએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી વિભાગોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે અને એફએસએસ અધિનિયમ, 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમોની જોગવાઈઓ અનુસાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે ગંભીર પગલાં લેવાં અને કડક કાર્યવાહી કરવાની સલાહ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરીમાં કૅલ્શિયમ કાર્બાઇડ કેમ નાખવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૅલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કેરી સહિત કેળાં, ફણસ, લીચી અને અન્ય ફળોને પકવવા માટે થાય છે.
ફળોને તેના પાકવાના સમય પહેલાં તૈયાર કરવા માટે કૃત્રિમ રીતે રસાયણોનો ઉપયોગ કરીને પકવવામાં આવે છે, જેથી તે બજારમાં વેચી શકાય અને મહત્તમ નફો મેળવી શકાય. કૃત્રિમ રીતે પકવવાથી ફળોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધે છે.
જેમ કે, કેરી જેવાં ફળો ખેતરથી બજાર સુધી લાવવાના સમય દરમિયાન નરમ પડી જાય છે અને બગાડવા લાગે છે.
તેથી કેરી જ્યારે કાચી અને પાકેલી ન હોય ત્યારે તેની તોડી લેવામાં આવે છે અને બજારમાં લઈ જઈને તેને કૅલ્શિયમ કાર્બાઇડ સાથે ભેળવવામાં આવે છે.
આ વિશે વિગતવાર સમજવા બીબીસીએ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વડા જયેશ વાકાણી સાથે વાત કરી.
તેઓ આ વિશે સમજાવતા કહે છે કે, "કેરી એ એક એવું ફળ છે કે પાક્યા બાદ 2-3 દિવસમાં બગાડવા લાગે. જો તેને કુદરતી રીતે ઝાડ પર પકવવામાં આવે તો તે તરત જ બગડી જાય. તેથી તેને કાચી જ તોડી લેવામાં આવે છે અને જ્યારે વેપારીને તે બજારમાં વેચવાની હોય તો ત્યારે તે જરૂરી માત્રામાં જ પકવે છે."
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસેઆઈ)એ કૃત્રિમ રીતે ફળ પકવવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયા બાદ ફૂડ બિઝનેસ ઑપરેટર્સ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
ગુરુવારે, એફએસએસએઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય કમિશનરોને ફળ પકવવા માટે કૅલ્શિયમ કાર્બાઇડના અસ્વીકૃત ઉપયોગ સામે પગલાં લેવાં જણાવ્યું હતું.
કૅલ્શિયમ કાર્બાઇડ શું છે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/ BBC
કૅલ્શિયમ કાર્બાઇડ હવામાં ભેજના સંપર્કમાં આવે છે અને તે એસીટીલીન ઉત્પન્ન કરે છે જે ફળોમાં રહેલા કુદરતી હોર્મોન ઇથિલીન જેવું કામ કરે છે. ઇથિલીન ફળોને કુદરતી રીતે પકવવામાં ભૂમિકા ભજવે છે.
કૅલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ સામાન્ય રીતે કેરી જેવાં ફળોને પકવવા માટે થાય છે. તે એસીટીલીન ગૅસ છોડે છે જેમાં આર્સેનિક અને ફૉસ્ફરસનાં હાનિકારક રસાયણો હોય છે.
આ રસાયણોને 'મસાલા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
એવી શક્યતાઓ છે કે કૅલ્શિયમ કાર્બાઇડના ઉપયોગ દરમિયાન ફળો તેના સીધા સંપર્કમાં આવે અને ફળો પર આર્સેનિક અને ફૉસ્ફરસના અવશેષો છોડી દે છે.
આ વિશે વધુ જાણવા બીબીસીએ નવસારી યુનિવર્સિટીના સેન્ટર ઑફ ઍક્સલેન્સ ઑન પોસ્ટ હાર્વેસ્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર પરાગ પંડિત સાથે વાત કરી.
તેઓ જણાવે છે કે, "કૅલ્શિયમ કાર્બાઇડ કાર્બનનું નક્કર સ્વરૂપ છે. જ્યારે ફળમાં કૅલ્શિયમ કાર્બાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે તે ફળને ઘાટો રંગ આપે છે."
"આ રસાયણ ઘન પૅકેટમાં સ્વરૂપમાં હોય છે. આથી, જ્યારે તેને ફળ પર નાખવામાં આવે છે, ત્યારે તે અનિયંત્રિત રીતે ભળે છે. કોઈ ફળ પર તે ઓછી માત્રામાં તો કોઈ ફળ પર વધારે માત્રામાં ભળે છે."
"અનિયંત્રિત માત્રામાં જ્યારે રસાયણો ફળમાં જાય છે ત્યારે તેનું જોખમ વધી જાય છે."
કૅલ્શિયમ કાર્બાઇડ સ્વાસ્થ્યને કેવી અસર કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે આ રસાયણ ફળ પર વધારે માત્રામાં સંપર્કમાં આવે છે અને તેમાં ભળે છે ત્યારે તેનાથી શરીર પર આડઆસરો થાય છે.
કાર્બાઇડથી પાકેલાં ફળો- તાજેતરનું આરોગ્ય સંકટ નામના રિસર્ચ અનુસાર, કાર્બાઇડમાંથી ઉત્પન્ન થયેલ એસીટીલીન મગજમાં ઑક્સિજનનો પુરવઠો ઘટાડે છે. કૅલ્શિયમ કાર્બાઇડ ચેતાતંત્ર પર પણ અસર કરે છે.
તેનું સેવન કર્યા પછી તરત જ, પેટમાં દુખાવો, ઊલટી અને ઝાડા થઈ શકે છે.
તેમજ તે માથાનો દુખાવો, ચક્કર, ચિત્તભ્રમણા, આંચકી અને કૉમાનું કારણ બને છે.
લાંબા ગાળે તે મૂડમાં ખલેલ પહોંચાડી શકે છે અને વ્યક્તિ યાદશક્તિ પણ ગુમાવી શકે છે.
તો એફએસએસઆઈ અનુસાર, "કૅલ્શિયમ કાર્બાઇડમાં કેરી પકવવામાં આવે તેમાંથી એસિટિલીન ગૅસ નીકળે છે જેમાં આર્સેનિક અને ફૉસ્ફરસ જેવા નુકસાનકારક પદાર્થો નીકળે છે."
"મસાલા નામથી ઓળખાતા આ પદાર્થોથી ચક્કર આવવા, વારંવાર તરસ લાગવી, નબળાઈ આવવી, ગળવામાં તકલીફ થવી, ઊલટી કે ત્વચા પર ચાંદા પડી જવા જેવી સમસ્યાઓ થઈ શકે છે."
પરાગ પંડિત જણાવે છે કે, કૅલ્શિયમ કાર્બાઇડની બે મુખ્ય સમસ્યા છે:
"પ્રથમ એ છે કે તેમાં આર્સેનિક સંયોજનો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. આર્સેનિક પદાર્થો કાર્સિનોજેનિક છે. ગૅસના ઉપયોગની પ્રક્રિયા અનિયંત્રિત છે અને તેથી ફળોમાં વધુ માત્રામાં છોડવામાં આવે છે, જેનાથી સ્વાસ્થ્ય પર જોખમ વધે છે."
"બીજું, જ્યારે આ કૅલ્શિયમ કાર્બાઇડમાંથી હાઇડ્રોકાર્બન ગૅસ નીકળે ત્યારે તે ધડાકો કરી શકે છે, જેમ કે, ઇલેક્ટ્રિકલ અથવા ફાયર વિસ્ફોટક કરી શકે છે."
એસીટીલીન એ અત્યંત પ્રતિક્રિયાશીલ પદાર્થ છે જેનો ઉપયોગ મુખ્યત્વે વૅલ્ડિંગ અને સંબંધિત ઉદ્યોગોમાં થાય છે. ઔદ્યોગિક ગ્રેડ કૅલ્શિયમ કાર્બાઇડમાં ઝેરી આર્સેનિક અને ફૉસ્ફોરસની માત્રા પણ હોય છે જે તંદુરસ્ત ફળોને ઝેરી બનાવે છે.
ગ્રાહક કેવી રીતે કૅલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરી ઓળખી શકે?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/ BBC
આ વિશે વાત કરતા જયેશ વાકાણી કહે છે કે, "બજારમાં 99 ટકા કેરી કૃત્રિમ રીતે પકવેલી હોય છે. ફરક ફક્ત એટલો છે કે એ જાણવું જરૂરી છે કે કેરી કૅલ્શિયમ કાર્બાઇડથી પકવેલી છે કે ઇથિલીનથી."
એફએસએસએઆઈ અનુસાર, વૈશ્વિક સ્તરે જો રસાયણો (સુરક્ષિત રીત પકવવું)નો ઉપયોગ કરવામાં આવે તો કૃત્રિમ રીતે પકવવામાં આવેલાં ફળોને માનવ વપરાશ માટે સલામત ગણાય છે.
જયેશ વાકાણી કહે છે કે, "જે કેરી કૅલ્શિયમ કાર્બાઇડથી પકાવવામાં આવે તેના પર સફેદ ડાઘા પડી જાય છે."
"જ્યારે કેરીને કૅલ્શિયમ કાર્બાઇડથી પકવવામાં આવે ત્યારે ફળ અસમાન રીતે પાકે છે. એટલે કે જે ભાગ કેમિકલના સંપર્કમાં આવે તે પીળો પડી જાય છે અને ઓછા સંપર્કમાં હોય અથવા કેમિકલના સંપર્કમાં ન હોય તેનો રંગ લીલો જ રહે છે. તેથી ઘણી કેરીનો રંગ લીલો અને પીળો હોય છે. જ્યારે ઇથિલીનથી પકવેલી કેરી એક સમાન રંગમાં પાકે છે."
"ઉપરાંત, કૅલ્શિયમ કાર્બાઇડથી પકવેલી કેરીનો થોડો કડવા સ્વાદ આવી શકે છે અને તેને ખાવાથી જીભ પર બળતરા થઈ શકે છે."
તો વેપારીઓ કેરી કેવી રીતે પકવી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅલ્શિયમ કાર્બાઇડનો વધુ ઉપયોગ જોઈને એકએસએસએઆઈએ કેરી પકવવા માટે એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઇથિલીન ગૅસના ઉપયોગને મંજૂરી આપી છે.
એફએસએસએઆઈ અનુસાર, ઇથિલિન ગૅસનો ઉપયોગ પાક, તેની વિવિધતા અને તેની પરિપક્વતાના આધારે 100 પીપીએમ (100 μl/L) સુધી થઈ શકે છે.
ઇથિલીન એ ફળોમાં કુદરતી રીતે બનતું હોર્મોન છે. તે રાસાયણિક અને બાયૉકેમિકલ પ્રક્રિયા શરૂ કરીને તેને નિયંત્રિત કરીને પાકવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.
જ્યારે કાચાં ફળોને ઇથિલીન ગેસના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે ફળ કુદરતી રીતે પાકવાં લાગે છે, જ્યાં સુધી ફળ દ્વારા જ નોંધપાત્ર પ્રમાણમાં ઇથિલીન ઉત્પન્ન ન થાય.
વધુમાં, કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિએ કેરી અને અન્ય ફળો એકસરખાં પાકી શકે તે માટે ઈથેફોન 39% એસએલને મંજૂરી મળી છે.
પરાગ પંડિત કહે છે, "જો વેપારી કેરીને યોગ્ય રીતે પકવવા માગતા હોય, તો તેઓ ઇથિલીન ગૅસનો ઉપયોગ કરી શકે છે."
"આ ગૅસ સિલિન્ડરમાં આવે છે. જે કુદરતી સ્વરૂપમાં છે અને ગૅસ કુદરતી સ્વરૂપમાં જ નીકળે છે. આ ગૅસ પર સરકારે જે મર્યાદા રાખી છે, જે વાપરવા માટે સલામત છે."
તેમના અનુસાર, ઇથિલીન કુદરતી હોર્મોન હોવાને કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો નથી.
પરંતુ ફળોના સીધા સંપર્કમાં આવતા ઇથિલીન ગૅસના કોઈ પણ સ્રોતને મંજૂરી નથી.
જોખમોથી કેવી રીતે બચવું?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/ BBC
નિષ્ણાતો કહે છે કે કેરી અને અન્ય ફળ ખાતાં પહેલાં તેને ધોવાં જોઈએ અને ફળોની છાલ ન ખાવી જોઈએ.
વાકાણીનું કહેવું છે કે ફળો સારી રીતે ધોવાં જોઈએ. કાર્બાઇડ ઉપરથી છાંટવામાં આવે છે, એટલે છાલ ન ખાવી જોઈએ.
આનાથી પણ વધુ સારો વિકલ્પ એ છે કે પાકેલાં ફળો સીધાં ખેડૂત પાસેથી ખરીદવાં અને તેને ઘરે પાકવાં દેવાં જોઈએ.
ભારતમાં કેરીનું ઉત્પાદન
ફળોમાં કેરી એ ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફળ છે. કેરીના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે.
ભારતમાં 2400 હજાર હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે અને ઉત્પાદન 21.79 મિલિયન મેટ્રિક ટન છે.
ભારતમાં લગભગ 1,000 જાતની કેરી પાકે છે.
મુખ્ય કેરી ઉગાડતાં રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, ગુજરાત અને તેલંગણા છે.
ગુજરાતમાં કેરીની મહત્ત્વની જાતો છે : કેસર, હાફુસ, રાજાપૂરી, જમાદાર, તોતાપૂરી, નીલમ, દશેરી અને લંગડો.












