દારૂ પીધા વિના વ્યક્તિ નશામાં રહે એ બીમારી કઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફર્નાન્ડો દુઆર્ટે
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
કાયદેસરની મર્યાદા કરતાં ત્રણ ગણો વધુ દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવેલી બેલ્જિયમની એક વ્યક્તિ તાજેતરમાં સમાચારમાં ચમકી હતી. 40 વર્ષની એ વ્યક્તિએ તબીબી નિષ્ણાતોની મદદથી સાબિત કર્યું હતું કે તેઓ ઑટો-બ્રુઅરી સિન્ડ્રોમ (એબીએસ) નામની દુર્લભ તકલીફથી પીડાય છે, જેમાં શરીર આલ્કોહોલ ઉત્પન્ન કરે છે. આ એબીએસ શું છે અને એક કૂતરો એબીએસ સામે કામ પાર પાડવામાં માણસને કેવી રીતે મદદરૂપ થાય છે?
રે લુઈસ અમેરિકાના ઑરેગોનની હૉસ્પિટલમાં જાગ્યા ત્યારે તેમને બે બાબતોની ખાતરી હતી. પહેલી બાબત એ હતી કે તેઓ મત્સ્ય તથા વન્યજીવન વિભાગની 11,000 જીવંત સાલ્મન માછલીનું વહન કરતી એક ટ્રક અથડાવીને મુશ્કેલીમાં ફસાયા હતા. તેઓ આ વિભાગમાં બાયોટેકનિશિયન તરીકે કામ કરતા હતા.
બીજી બાબત એ હતી કે તેમના રક્તમાં આલ્કોહોલનું પ્રમાણ ઊંચુ હોવાનું પોલીસે નોંધ્યું હતું, પરંતુ ડિસેમ્બર, 2014માં ટ્રક અથડાઈ એ રાતે તેમણે દારૂ પીધો ન હતો.
એ ઘટનાને યાદ કરતાં 54 વર્ષના રે લુઈસે કહ્યું હતું, "મેં દારૂના ટીપાને સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો, કારણ કે ઠંડીથી થીજી ગયેલા માર્ગ પર બે કલાક ટ્રક ચલાવવાની છે એ હું જાણતો હતો."
અકસ્માતના આઠ મહિના પછી બાયોટેકનિશિયનને એબીએસ હોવાનું નિદાન થયું હતું અને તેમને જાણવા મળ્યું હતું કે શારીરિક પ્રક્રિયાને લીધે તેઓ નશામાં હતા.
એબીએસ શું છે?

એબીએસ અથવા ગટ ફર્મેન્ટેશન સિન્ડ્રોમ (જીએસએફ) એ મોટા ભાગે રહસ્યમય સ્થિતિ છે, જે લોહીમાં આલ્કોહોલનું સ્તર વધારે છે અને તે નશાનાં લક્ષણોનું કારણ બને છે. પછી ભલે દર્દીએ દારૂ પીધો હોય કે ન પીધો હોય.
આંતરડા, પેશાબની વ્યવસ્થા અથવા મોંમાંના બૅક્ટેરિયા કાર્બોહાઇડ્રેટ્સ તથા શર્કરાને આલ્કોહોલમાં પરિવર્તિત કરે ત્યારે આવું થાય છે. આ પ્રક્રિયા ઍન્ડોજીનસ આલ્કોહાલ પ્રોડક્શન તરીકે ઓળખાય છે.
એબીએસની તકલીફ ધરાવતી વ્યક્તિની વાણી અસ્પષ્ટ બની શકે છે, તે સ્થિર રહીને ચાલી શકતી નથી અને દુર્ગંધયુક્ત હૅંગઓવર સ્થિતિ સર્જાઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એબીએસના પ્રારંભિક શંકાસ્પદ કેસો પૈકીનો એક 1940ના દાયકાનો છે. એ વખતે યુગાન્ડાની હૉસ્પિટલના ડૉક્ટરોએ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પોસ્ટમોર્ટમનું પરિણામ પ્રકાશિત કર્યું હતું. તે માત્ર પાંચ વર્ષના એક છોકરાના પોસ્ટમોર્ટમનું પરિણામ હતું. એ છોકરો હોજરી ફાટવાને લીધે મૃત્યુ પામ્યો હતો અને સર્જરી દરમિયાન તેના પાચનતંત્રમાંથી "તીવ્ર ગંધ..દારૂ જેવી તીવ્ર ગંધ આવતી હતી."
તે કોને અસર કરે છે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એબીએસ અત્યંત દુર્લભ છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોઍન્ટેરોલૉજીમાં 2021માં પ્રકાશિત કરવામાં આવેલો અભ્યાસ જણાવે છે કે અમેરિકામાં એબીએસના 100થી ઓછા કેસ નોંધાયા છે. જોકે, કેટલાક નિષ્ણાતોને શંકા છે કે કેસની સંખ્યા વધારે હોવી જોઈએ.
એબીએસથી કેટલાક લોકો શા માટે પ્રભાવિત થાય છે તેનું ચોક્કસ કારણ ડૉક્ટર્સ જાણી શક્યા નથી.
માનવ શરીર પાચન પ્રક્રિયાના ભાગ રૂપે આંતરડામાં ઓછી માત્રામાં આલ્કોહોલ ઉત્પન્ન કરવા માટે જાણીતું છે, પરંતુ મોટાભાગના માણસોમાં, તે ફર્સ્ટ-પાસ મેટાબોલિઝમ તરીકે ઓળખાતી પ્રક્રિયા દરમિયાન, લોહીમાં પ્રવેશતા પહેલાં જ દૂર થઈ જાય છે.
પોર્ટુગલ સ્થિત બાયોમેડિકલ કન્સલ્ટન્ટ અને ફોરેન્સિક નિષ્ણાત ડૉ. રિકાર્ડો જ્યૉર્જ ડિનિસ-ઓલિવેરાના એબીએસ વિશેના અનેક સંશોધન પત્રો પ્રકાશિત થયા છે. તેમણે કહ્યું હતું, "આપણે બધા કુદરતી રીતે થોડો આલ્કોહોલ ઉત્પન્ન કરીએ છીએ, પરંતુ એબીએસ ધરાવતી વ્યક્તિમાં તેનું પ્રમાણ વધુ હોય છે અને એ આલ્કોહોલ તેમના રક્ત પ્રવાહમાં ભળી જાય છે."
"કમનસીબી એ છે કે જે લોકો આ સ્થિતિથી પીડાતા હોય છે તેમને તેની ખબર તેઓ કોઈ ગંભીર ગુનામાં સપડાય ત્યારે પડે છે."
તેઓ એબીએસને "ચયાપચય પ્રક્રિયાનું તોફાન" કહે છે. એટલે કે અનેક વસ્તુઓ એક સાથે બનવાને લીધે તે સ્થિતિ સર્જાય છે. તેમનો તર્ક છે કે તે મોટા ભાગે ડાયાબિટીસ, સ્થૂળતા કે ક્રોહન ડિસીઝ જેવા રોગમાં તેની ઉપસ્થિતિ હોય છે.
બીજું તેને ઍન્ટીબાયોટિક્સ તથા ઇમ્યુનોસપ્રેસન્ટ્સ જેવી દર્દીઓ દ્વારા વારંવાર લેવામાં આવતી દવાઓ સાથે સંબંધ છે. તે દવાઓ આંતરડામાંના બૅક્ટેરિયા અને અન્ય જીવોને પ્રભાવિત કરી શકે છે.
એબીએસમાં શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકન નર્સ જો કોર્ડેલે પારિવારિક થેંક્સગિવિંગ ડિનર દરમિયાન બેભાન થતાં પહેલાં અસ્પષ્ટ રીતે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમને એવું લાગ્યું હતું કે તેમણે વધારે પડતી ટર્કી ખાધી છે એટલે આવું થાય છે.
જોકે, ટેક્સાસની જે હૉસ્પિટલમાં તેઓ કામ કરતા હતા ત્યાં એક સહકર્મચારીએ તેમના પર ફરજના કલાકો દરમિયાન નશામાં રહેવાનો આરોપ લગાવ્યો હતો અને તે નોકરીમાંથી બરખાસ્ત કરવા જેવો ગુનો છે.
75 વર્ષીય કોર્ડેલે કહ્યુ હતું, "મારા શ્વાસમાંથી શરાબની ગંધ આવતી હોવાનું તેમણે કહ્યું હતું, લોકો માનતા હતા કે હું શરાબી છું."
"મને શરમ આવતી હતી, કારણ કે હું એવા લોકો પૈકીનો એક હતો, જેને કામ કરવાનું પસંદ હતું અને એક દિવસ માટે પણ નોકરીમાંથી રજા લેતા ન હતા."
થોડા દિવસ પછી તેમનાં પત્ની બાર્બરાને પણ શંકા થઈ હતી કે કોર્ડેલ મદ્યપાન કરે છે.
પોતાના પતિ પર વિશ્વાસ કરવામાં બાર્બરાને બહુ મુશ્કેલી થઈ હતી. પતિએ ઘરમાં ક્યાંય દારૂની બોટલો છુપાવી રાખી છે કે કેમ તેની શોધખોળ પણ બાર્બરાએ કરી હતી અને ઘરમાંના દારૂની બોટલો પર ચાંપતી નજર પણ રાખી હતી.
બાર્બરાએ સ્વીકાર્યું હતું, "મને પહેલાં જો પર શંકા હતી. અમારી પાસે જે બોટલ્સ હતી તેના પર માર્કિંગ કર્યું હતું અને બોટલમાં પાણી નાખવામાં આવે છે કે કેમ તેની તપાસ કરી હતી."
આરોપ અને તપાસ ઉપરાંત પોતે નશાની સ્થિતિથી ભયભીત હોવાનું જોએ જણાવ્યું હતું. નશામાં હોવાની ઘટનાઓ અચાનક બનતી હતી.
તેમણે કહ્યું હતું, "એ બધું ખૂબ જ ચિંતાજનક હતું. તેનાથી મને માનસિક અને શારીરિક રીતે ભયંકર અનુભવ થયો હતો."
જોને એબીએસ હોવાનું નિદાન 2010માં, તેનાં લક્ષણોનો પ્રથમ અનુભવ થયાનાં ચાર વર્ષ પછી, થયું હતું. તેમની નોકરી ટકી રહી હતી, પરંતુ તેમણે રોજ લોહીના આલ્કોહોલ ટેસ્ટ્સ કરાવવા પડતા હતા.
આ અનુભવને લીધે બાર્બરાનો સંપર્ક ઑટો-બ્રુઅરી સિન્ડ્રોમ ઍડવોકસી ઍન્ડ રિસર્ચ નામના સપોર્ટ ગ્રૂપ સાથે થયો હતો. આ ગ્રૂપમાં લગભગ 850 સભ્યો છે.
બાર્બરાએ કહ્યું હતું, "અમને ઘણા દર્દીઓ રોજ કહે છે કે ડૉક્ટરો તેમની તકલીફને ગંભીર ગણતા નથી."
"સૌથી ખરાબ વાત એ છે કે તેમનો તિરસ્કાર કરવામાં આવે છે, તેમને શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવે છે અને જુઠ્ઠા કહેવામાં આવે છે. તેઓ બીમારીનો ઢોંગ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. તેમની સાથે અત્યંત ખરાબ વર્તન કરવામાં આવે છે."
તેમના જણાવ્યા મુજબ, તેમણે જેમની સાથે કામ કર્યું હતું એ પૈકીના ઘણાએ સારવાર શરૂ કર્યા પછી આલ્કોહોલ વિથડ્રોઅલના લક્ષણોની વાત કરી હતી.
"સમય જતાં તેમને આલ્કોહોલની આદત પડી જાય છે અને નશાની લાગણીથી બચવા તેઓ મદ્યપાન કરતા થઈ જાય છે."
જોના કહેવા મુજબ, તેમની લાલસામાં પણ વધારો થયો હતો. "મારે મદદ લેવી પડી હતી, પરંતુ છેલ્લાં 10 વર્ષથી હું એકદમ સ્વચ્છ છું."
એબીએસનું નિદાન અને ઉપચાર

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર્સ પહેલાં લક્ષણોના અન્ય સંભવિત કારણો શોધે છે. પછી તેઓ દર્દીના પાચન તંત્રના બૅક્ટેરિયલ પ્રોફાઇલના વિશ્લેષણ માટે લેબોરેટરી ટેસ્ટ્સ કરાવે છે, જેથી આલ્કોહોલનું ઉત્પાદન કરતા રોગાણુ દર્દીના શરીરમાં છે કે કેમ તે જાણી શકાય.
તેઓ ગ્લુકોઝ ચૅલેન્જ ટેસ્ટ અચૂક કરે છે. તેમાં દર્દીને ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય તેવો આહાર કરવાનું અથવા તો ખાલી પેટ હોય ત્યારે ગ્લુકોઝ લેવાનું કહેવામાં આવે છે. થોડા કલાક પછી, એબીએસ ન હોય તેવા લોકોના રક્તમાં આલ્કોહોલનું સ્તર જાણી શકાતું નથી, જ્યારે એબીએસથી પીડાતા લોકોમાં તેનું સ્તર ઊંચું થઈ જાય છે.
ડૉ. ડિનિસ-ઓલિવેરાનું કહેવું છે કે એબીએસને સામાન્ય રીતે દવાઓ અને ઓછા કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકના સંયોજન ઉપરાંત આંતરડાના ફ્લોરાને નિયમન કરતા ફૂડ સપ્લિમેન્ટ્સ વડે નિયંત્રિત કરી શકાય છે.
આ ઉપાય જો માટે અસરકારક સાબિત થયો છે. તેમને દસ વર્ષથી કોઈ સમસ્યા સર્જાઈ નથી, પરંતુ ઓછા કાર્બોહાઈડ્રેટ્સવાળો આહાર કરવા અને મદ્યપાનના સંપૂર્ણ ત્યાગ છતાં રે તેની આડઅસરોનો સામનો કરી રહ્યા છે. અલબત, 2020 પછી તેમને એબીએસ સંબંધી કોઈ સમસ્યા સર્જાઈ નથી.
તેમણે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મિયા નામના એક કૂતરાની સહાય લીધી છે. આ લેબ્રાડૂડલ જાતિના કૂતરાને શરીરમાંના રાસાયણિક પરિવર્તનોને સૂંઘવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યો છે. તેમાં આલ્કોહોલ બનવાના પ્રારંભિક તબક્કાનો સમાવેશ થાય છે. મિયાને પરિવર્તનની ગંધ આવે છે ત્યારે તે તેમની સામે ઊભો રહી જાય છે અને તેમને નિહાળ્યા કરે છે.
રેએ કહ્યું હતું, "મિયા અમારે ત્યાં આવી એ પહેલાં હું ભાગ્યે જ ઘરની બહાર નીકળી શકતો હતો, કારણ કે મારી સાથે કે કોઈની સાથે કશુંક અણધાર્યું થવાનો ડર સતત રહેતો હતો."
"મને અકસ્માત નડ્યો ત્યારે સારી વાત એ હતી કે મારી ટ્રક કોઈની સાથે ટકરાઈ ન હતી, પરંતુ હું પોતે જ ઘાયલ થયો હતો."
અન્ય લોકોને નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાના આરોપમાંથી, તેમણે તેમની મેડિકલ કંડીશન સાબિત કરી એ પછી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ રે એટલા ભાગ્યશાળી ન હતા.
તેમણે કહ્યુ હતું, "ન્યાયાધીશ એટલું જ સમજ્યા હતા કે મારા શરીરમાં દારૂ પહોંચવા માટે માત્ર હું જ જવાબદાર હતો."
"મને એક બીમારી છે અને અદાલતના નિર્ણય છતાં મારા માટે સત્ય માટે લડવાનું બાકી રહ્યું હતું."
રે અને તેમનાં પત્ની સિએરા સજા સામે અપીલ કરી રહ્યાં છે. અદાલતના ચુકાદા અને એબીએસને લીધે રેએ નોકરી ગુમાવવી પડી છે, પરંતુ તેમણે આશા કે રમૂજ વૃત્તિ ગુમાવી નથી.
તેમણે કહ્યું હતું, "ઘણા લોકો માને છે કે એબીએસથી પીડાતા લોકોને મફતમાં નશો કરવા મળે છે, પરંતુ મેં માત્ર હેંગઓવરનો જ અનુભવ કર્યો છે."












