હિપેટાઇટિસ: એ રોગ જે એચઆઈવી કરતાં પચાસ ગણો વધારે ચેપી છે

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના (ડબ્લ્યુએચઓ) વૈશ્વિક હિપેટાઇટિસ રિપોર્ટ 2024 અનુસાર, વિશ્વના અન્ય ભાગોની સરખામણીમાં ભારતમાં વાઇરલ હિપેટાઇટિસના કારણે સૌથી વધુ મૃત્યુ થાય છે.
2022માં ચેપી રોગોથી થતા મૃત્યુમાં કોવિડ -19 પછી બીજો નંબર હિપેટાઇટિસ અને ટ્યૂબરક્યુલોસિસનો હતો.
ગુજરાતમાં 2009માં સાબરકાંઠાના મોડાસા ગામમાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં હિપેટાઇટિસ બીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.
ઇન્ડિયન જનરલ ઑફ મેડિકલ એથિક્સમાં પ્રકાશિત એક પેપર અનુસાર અમુક અઠવાડિયામાં લગભગ 240 લોકો તેનાથી પ્રભાવિત થયા હતા અને 70 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
આ ભારતભરમાં હિપેટાઇટિસ બીનો સૌથી મોટો રોગચાળો હતો.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ આપેલાં નિવેદનો અનુસાર વપરાયેલી સિરીંજના ફરીથી ઉપયોગ અને સ્ટરિલાઇઝ કર્યા વગરના ઇન્જેકશન (સોય)ના ઉપયોગને કારણે આ ચેપ ફેલાયો હતો.
ત્યાર બાદ 2019માં લોકસભામાં સ્વાસ્થ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ ભારતના હિપેટાઇટિસના આંકડા રજૂ કર્યા હતા, જે મુજબ ગુજરાતમાં 2016માં હિપેટાઇટિસના 3,573 કેસ હતા જે વધીને 2018માં 7,325 થઈ ગયા હતા.
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાનો રિપોર્ટ શું કહે છે?

હિપેટાઇટિસ એ પિત્તાશયની બીમારી છે. હિપેટાઇટિસ પાંચ પ્રકારના વાઇરસથી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિપેટાઇટિસ એ અને ઈનો ચેપ દૂષિત ખોરાક અને પાણીથી થાય છે. તેનાં લક્ષણો એક અઠવાડિયા સુધી રહે છે, જેમાં તાવ, પેટમાં દુખાવો, કમળો અને ઘેરા રંગનો પેશાબ આવે છે.
પરંતુ ડબ્લ્યુએચઓનો આ સર્વે લોહીમાં થતા હિપેટાઇટિસ બી અને સી પર કરવામાં આવ્યો છે.
હિપેટાઇટિસ બી રસીથી અટકાવી શકાય છે પરંતુ હિપેટાઇટિસસ સી ફક્ત દવાથી મટી શકે છે.
હિપેટાઇટિસ ડી એ દર્દીને થઈ શકે છે જેમને પહેલેથી જ હિપેટાઇટિસ બીનો ચેપ લાગેલો હોય. પરંતુ હિપેટાઇટિસ બીની રસી હિપેટાઇટિસ બી અને ડી બંને સામે રક્ષણ આપે છે.
હિપેટાઇટિસ ડીના આંકડાઓને આ રિપોર્ટમાં ઉમેરવામાં નથી આવ્યા.
આ રિપોર્ટ અનુસાર,
- 2022માં 187 દેશમાં 13 લાખ લોકો હિપેટાઇટિસના કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ મૃત્યુનાં 83 ટકા મૃત્યુ હિપેટાઇટિસ બી અને 17 ટકા મૃત્યુ હિપેટાઇટિસ સીનાં કારણે થયાં હતાં.
- હિપેટાઇટિસ બી અને સીના ચેપના કારણે વિશ્વભરમાં દરરોજ 3,500 લોકો મૃત્યુ પામે છે. આમાંના અડધા દર્દીઓ 30-54 વય જૂથના છે, 12 ટકા મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં છે. કુલ દર્દીઓમાંથી 58 ટકા પુરુષો છે.
- વર્ષ 2022માં વિશ્વભરમાં 25.4 કરોડ દર્દીને હિપેટાઇટિસ બી થયો હતો. તેમાંથી 2.9 કરોડ દર્દી ભારતના હતા. ભારત સિવાય હિપેટાઇટિસ બીના સૌથી વધુ દર્દીઓ ધરાવતો દેશ ચીન છે જ્યાં વર્ષ 2022માં હિપેટાઇટિસ બીના 7.9 કરોડ કેસ નોંધાયા હતા.
- 2022માં વિશ્વભરમાં હિપેટાઇટિસ સીના 50 લાખ કેસ હતા. તેમાંથી, 88 લાખ કેસ પાકિસ્તાનમાં અને 55 લાખ કેસ ભારતમાં હતા.
- બાંગ્લાદેશ, ચીન, ઇથિયોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, રશિયા અને વિયેતનામ વિશ્વભરમાં હિપેટાઇટિસ બી અને સીના કુલ કેસોમાં બે તૃતીયાંશ અથવા 66 ટકા હિસ્સો ધરાવે છે.
- ભારતમાં વાઇરલ હિપેટાઇટિસના નિદાનનો દર પણ ઘણો ઓછો છે. ડબ્લ્યુએચઓના અહેવાલ મુજબ, કુલ દર્દીઓમાંથી 2.4 ટકા હિપેટાઇટિસ બી અને 28 ટકા હિપેટાઇટિસ સીના દર્દીઓનું નિદાન થાય છે.
- ભારતમાં સરકારી યોજના હેઠળ હિપેટાઇટિસ બી અને સીની તપાસ અને નિદાન મફતમાં થાય છે. તેમ છતાં નિદાનનો દર ઓછો છે.
ભારતમાં વાઇરલ હિપેટાઇટિસના કેસ કેમ આટલા બધા છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં કેન્દ્ર સરકારે 2030 સુધીમાં વાઇરલ હિપેટાઇટિસને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
2018થી મોદી સરકારે હિપેટાઇટિસ બી અને સીના દર્દીઓને મફત દવા આપવાની યોજના શરૂ કરી હતી.
ભારતની જાહેર આરોગ્ય પ્રણાલીમાં વાઇરલ હિપેટાઇટિસને ‘ગંભીર સમસ્યા’ ગણવામાં આવી છે.
વાઇરલ હિપેટાઇટિસ એક દર્દીથી બીજા દર્દીમાં લોહી દ્વારા અથવા દૂષિત સોયથી ફેલાય છે.
ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, ભારત એવા 10 દેશોમાંનો એક છે જ્યાં હિપેટાઇટિસ સીના 80 ટકા કેસ દૂષિત સોયથી થાય છે.
ડૉ. અવિનાશ ભોંડવે કહે છે, "આપણા દેશમાં હિપેટાઇટિસ બી, સી, ડી, એનું આટલું પ્રચલિત થવાનું કારણ એ છે કે લોકોમાં હિપેટાઇટિસ વિશે કોઈ જાગૃતિ નથી. દેશમાં એવી માન્યતા છે કે હિપેટાઇટિસ એટલે કમળો અને કમળો એટલે નાની-નાની દવાઓ- જડીબુટ્ટીઓ દ્વારા માટી જાય. કમળાની પરંપરાગત સમજ એ છે કે સારવાર દ્વારા તે મટી જાય છે, જે ખોટું છે. દર્દીઓ બ્લડ ટેસ્ટ કરાવ્યા વગર જ દવા લેતા રહે છે. ભારતમાં માતાથી બાળકને થતા હિપેટાઇટિસની સંખ્યા વધી છે. જો માતાને હિપેટાઇટિસ હોય તો બાળકને તે થવાની શક્યતા રહે છે. જન્મસમયે તેનો ટેસ્ટ થવો જોઈએ, જે કરવામાં નથી આવતો."
ડૉક્ટર ભોંડવે કહે છે, હિપેટાઇટિસ એ અને ઈ દૂષિત પાણી અને ખોરાકને કારણે થાય છે. ઘણી વાર ચેપ વાલીઓ અથવા રસોઈયા દ્વારા દૂષિત પાણીના વપરાશના કારણે પણ થાય છે."
હિપેટાઇટિસનાં લક્ષણો ઘણી વાર દેખાતાં નથી અથવા બહુ ઓછાં અનુભવાય છે.
તો જાણીએ તેના પ્રકારો, લક્ષણો અને નિદાન વિશે.
હિપેટાઇટિસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હિપેટાઇટિસ એ પિત્તાશયનો રોગ છે. આ રોગ મુખ્યત્વે 'હિપેટાઇટિસ વાઇરસ'થી ઓળખાય છે.
કેન્દ્રીય સ્વાથ્ય મંત્રાલય અનુસાર, દારૂનું સેવન, અમુક પ્રકારની દવાઓ, કારખાનાંમાં વપરાતા અમુક પ્રવાહી અને અન્ય રોગોથી હિપેટાઇટિસ થવાની સંભાવના ઘણી વધારે છે.
ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વભરમાં હિપેટાઇટિસ બી અને સીથી પીડાતા લાખો દર્દીઓ છે.
હિપેટાઇટિસના ચેપથી 'લિવર સિરોસિસ' અને લિવર કૅન્સર થઈ શકે છે અને અન્ય કારણોસર મૃત્યુ પણ થઈ શકે છે.
હિપેટાઇટિસ એ
આ રોગ 'હિપેટાઇટિસ એ' વાઇરસ દ્વારા થાય છે. હિપેટાઇટિસના દર્દીઓમાં આ રોગ સામાન્ય બાબત છે.
આ રોગ દૂષિત પાણી અથવા દૂષિત ખોરાકના સેવન દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ એના દર્દીઓ એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં ગટર વ્યવસ્થા યોગ્ય ન હોય.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હિપેટાઇટિસ એ ચેપ ક્રોનિક (લાંબા સમય સુધી રહેતો રોગ) નથી. તેનાં લક્ષણો ત્રણ મહિનામાં ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે.
ફોર્ટિસ હૉસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉ. રાકેશ પટેલ કહે છે, "સામાન્ય રીતે નાનાં બાળકોને હિપેટાઇટિસ એ નથી થતો અને જો થાય તો બાળકો ઝડપથી સ્વસ્થ થઈ જાય છે."
હિપેટાઇટિસ એ માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી. પરંતુ 'એન્ટી-હિપેટાઇટિસ એ' રસી લેવાથી ચેપ સામે રક્ષણ મળે છે. ભારતીય ઉપખંડ, આફ્રિકા, દક્ષિણ-મધ્ય અમેરિકા અને યુરોપના પૂર્વીય દેશોમાં તેનો વધુ પ્રભાવ છે. તેથી, જો તમે આ દેશમાં મુસાફરી કરવા માગતા હો તો તમારે રસી મેળવવી જરૂરી છે.
ડબ્લ્યુએચઓ અનુસાર,
- હિપેટાઇટિસ 'એ'થી પીડિત દર્દીઓના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાની શક્યતા રહે છે.
- હિપેટાઇટિસ એના દર્દીઓના શરીરમાં ધીરે ધીરે રોગપ્રતિકારક શક્તિ વિકસી જાય છે.
- ચેપ લાગ્યાના 14-28 બાદ લક્ષણો દેખાવાં લાગે છે.
- તેનાં અમુક લક્ષણો છે: તાવ, ભૂખ ન લાગવી, ઝાડા, કમળો છે
- કેન્દ્ર સરકારના હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ મુજબ, હિપેટાઇટિસ એના 5થી 15 ટકા કેસોમાં લિવરને ગંભીર નુકસાન થાય છે.
હિપેટાઇટિસ બી

ઇમેજ સ્રોત, Getty Images
આ રોગ હિપેટાઇટિસ બી નામના વાઇરસથી થાય છે.
ડૉક્ટર રાકેશ પટેલ કહે છે કે, "આ ચેપ થવાના મુખ્ય કારણ છે દૂષિત લોહી, અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સોય, શરીરનાં પ્રવાહી. આ રોગ માતાથી બાળકમાં ફેલાઈ શકે છે."
જે લોકો ડ્રગનું સેવન કરે છે તેમને હિપેટાઇટિસનો ચેપ લાગવો સામાન્ય છે. આ રોગ ભારત, ચીન, મધ્ય અને દક્ષિણ એશિયામાં વ્યાપકપણે જોવા મળે છે. આ રોગના મોટા ભાગના દર્દીઓ બે મહિનામાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકે છે. પરંતુ કેટલાક દર્દીઓને તેનાથી લાંબી બીમારી થાય છે. આને 'ક્રૉનિક' હિપેટાઇટિસ કહેવાય છે. તેના ચેપથી લિવર સોરોઇસિસ અને લિવર કૅન્સર થઈ શકે છે.
- હિપેટાઇટિસ 'બી' એચઆઈવી ચેપ કરતાં 50થી 100 ગણો વધુ ચેપી છે.
- તેનાં સામાન્ય લક્ષણો છે: કમળો, નબળાઈ, સતત ઊલટી અને પેટમાં દુ:ખાવો.
- જો છ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ચેપ લાગે છે, તો આ રોગ ક્રૉનિક બની શકે છે.
- હિપેટાઇટિસ બી સામે એક રસી ઉપલબ્ધ છે. ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે કે, જન્મના 24 કલાકની અંદર દરેક બાળકને આ રસી આપવી જોઈએ, ત્યાર બાદ આગામી રસી 6, 10 અને 14 અઠવાડિયાંમાં આપવી જોઈએ.
- આ રોગ સામે કોઈ અસરકારક સારવાર નથી. મોટા ભાગના લોકોમાં ચેપ સંપૂર્ણપણે દૂર થતો નથી. તેથી, લાંબા સમય સુધી તેની દવાઓ લેવી પડે છે.
હિપેટાઇટિસ સી
હિપેટાઇટિસ સી વાઇરસથી આ રોગ થાય છે. નિષ્ણાતોના મતે, હિપેટાઇટિસ સી મુખ્યત્વે લોહી દ્વારા ફેલાય છે. અમુક અંશે તેનો ચેપ ચેપગ્રસ્ત દર્દીની લાળ, વીર્ય અથવા યોનિમાર્ગના પ્રવાહી દ્વારા ફેલાય છે.
ગેસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ ડૉક્ટર પટેલ ઉમેરે છે કે, "માતામાંથી બાળકમાં દૂષિત રક્ત દ્વારા અથવા જન્મસમયે હિપેટાઇટિસ સીનું સંક્રમણ થવાની સંભાવના છે."
- તેના વાઇરસ શરીરમાં પ્રવેશ્યાનાં બેથી છ અઠવાડિયાં પછી આ રોગનાં લક્ષણો દેખાવાં લાગે છે.
- 80 ટકા દર્દીઓમાં કોઈ જ લક્ષણો દેખાતાં નથી.
- તેનાં કેટલાંક લક્ષણો છે: તાવ, નબળાઈ, કમળો, ભૂખ ન લાગવી, ઊલટી થવી, પેટમાં દુખાવો, ઘેરા રંગનો મળ આવવો.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટા ભાગના દર્દીઓથી આ વાઇરસથી મુક્ત થઈ જાય છે. પરંતુ કેટલાક લોકોના શરીરમાં આ વાઇરસ લાંબા સમય સુધી રહે છે.
- હાલમાં હિપેટાઇટિસ સી સામે કોઈ રસી ઉપલબ્ધ નથી.
- જો દર્દીના શરીરમાં હિપેટાઇટિસ સી ક્રૉનિક બને તો તેની સારવાર ડ્રગ થૅરપીથી કરવામાં આવે છે.
- ડબ્લ્યુએચઓ મુજબ, હિપેટાઇટિસ સી સ્તનપાન, ખોરાક, પાણી અથવા અન્યને સ્પર્શ કરવાથી ફેલાતો નથી.
હિપેટાઇટિસ ડી અને ઈ
આ રોગ માત્ર હિપેટાઇટિસ 'બી'થી સંક્રમિત દર્દીઓમાં જ થાય છે. દર્દીના શરીરમાં હિપેટાઇટિસ 'ડી' વાઇરસના ચેપ ત્યારે જ લાગે જ્યારે દર્દીના શરીરમાં હિપેટાઇટિસ બી વાઇરસની હાજરી હોય.
વિશ્વભરમાં હિપેટાઇટિસ બીના પાંચ ટકા દર્દીઓને હિપેટાઇટિસ ડી થાય છે. આ રોગનો ચેપ ઇન્જેક્શન, ટેટૂ અથવા દૂષિત લોહીના સંપર્કથી ફેલાય છે.
એન્ટિ-હિપેટાઇટિસ બી રસી હિપેટાઇટિસ ડી'નું જોખમ ઘટાડે છે. સામાન્ય રીતે શરીરમાં ચેપ લાગ્યાનાં ત્રણથી સાત અઠવાડિયાં પછી તેનાં લક્ષણો દેખાય છે.
તેનાં કેટલાંક લક્ષણોમાં તાવ, નબળાઈ, કમળો, ભૂખ ન લાગવી, ઊલટી થવી, પેટમાં દુખાવો, ઘેરા રંગનો મળ આવવો છે.
હિપેટાઇટિસ 'ઈ'નો ચેપ હળવો અને અલ્પજીવી હોય છે. તેનો ચેપ મુખ્યત્વે દૂષિત પાણીને કારણે ફેલાય છે. જોકે આ રોગના કેસ વિશ્વભરમાં જોવા મળે છે. તે પૂર્વ અને દક્ષિણ એશિયામાં વધુ સામાન્ય છે.
ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં પાણી પુરવઠો, સ્વચ્છતા અને આરોગ્ય સંભાળ સૌથી વધુ સમસ્યાઓ છે. આ દેશમાં હિપેટાઇટીસ ઈ પ્રચલિત રોગ છે. આ વાઇરસના શરીરમાં પ્રવેશ્યાનાં બેથી દસ અઠવાડિયાં પછી ચેપ દેખાય છે. તે 15થી 40 વર્ષની વયના લોકોમાં સૌથી સામાન્ય છે.
હિપેટાઇટિસ ઈનાં લક્ષણો અન્ય હિપેટાઇટિસ રોગો જેવાં જ છે. નિષ્ણાતો કહે છે કે આ હિપેટાઇટિસની સારવાર શક્ય છે. આ રોગ મટી શકે છે. પરંતુ જો લક્ષણોનું નિદાન ન થાય તો લિવર સિરોસિસ અથવા લિવરને ગંભીર નુકસાન થઈ શકે છે.
હિપેટાઇટિસ માટેના ઉપાયો શું છે?
- ઍન્ટી-હિપેટાઇટિસ એ અને બીની રસી લેવી.
- સેક્સ કરતી વખતે કોન્ડૉમનો ઉપયોગ કરો.
- ડ્રગનું સેવન ન કરવું જોઈએ, કારણ કે હિપેટાઇટિસ સોય દ્વારા ફેલાઈ શકે છે.
- દારૂ ન પીવો. દૂષિત પાણીનો વપરાશ ટાળો.
- શરીર અને આસપાસની જગ્યાઓએ સ્વચ્છતા જાળવવી જોઈએ.
હિપેટાઇટિસનું નિદાન કરવા માટે બ્લડ ટેસ્ટ અથવા પિત્તાશય યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં તે તપાસવા માટે લિવર ફંક્શન ટેસ્ટ કરાવવો જોઈએ.
લિવરને નુકસાન થયું છે કે નહીં તે તપાસવા માટે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવે છે.
હિપેટાઇટિસ વિરોધી રસી કોણે અને ક્યારે લેવી જોઈએ?
હિપેટાઇટિસ 'એ'ની રસી 1થી 18 વર્ષની વયનાં બાળકોને બે કે ત્રણ ડોઝમાં આપવામાં આવે છે. પુખ્ત વયના લોકોએ રસીના પ્રથમ ડોઝના છથી બાર મહિના પછી બૂસ્ટર ડોઝ મેળવવો જરૂરી છે. આ રસી 15થી 20 વર્ષ સુધી રોગ સામે રક્ષણ આપે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઍન્ટી-હિપેટાઇટિસ રસી ડોઝ લીધા પછી લગભગ 15 વર્ષ સુધી રક્ષણ પૂરું પાડે છે. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ હિપેટાઇટિસ 'બી' રસી આપવામાં આવે છે.
સેન્ટર ફૉર ડિસીજ કંટ્રોલની માર્ગદર્શિકા અનુસાર, જન્મથી 18 વર્ષ સુધીનાં તમામ બાળકોને હિપેટાઇટિસ બીની રસી આપવી જોઈએ.
ડૉક્ટર પટેલે જણાવ્યું હતું કે, "નોન-આલ્કોહોલિક ફેટી લિવર રોગ વધી રહ્યા છે. હાલમાં 25 ટકા દર્દીઓ તેનાથી પીડાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ જીવનશૈલીમાં બદલાવ અને સ્થૂળતા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












