મરણપથારીએ રહેલાં લોકોને મૃત્યુ પહેલાં શું દેખાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, એલેસાન્ડ્રા કોહેયા
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ
અમેરિકાના એક ડૉક્ટર ક્રિસ્ટોફર કેર સાથે એપ્રિલ 1999માં એક ઘટના બની જેણે તેમની કારકિર્દીની દિશા બદલી નાખી.
તેમનાં એક દર્દી મૅરી હૉસ્પિટલના પલંગ પર સૂતાં હતાં. તેમનાં ચાર પુખ્ત સંતાનો તેમની આજુબાજુમાં હતાં. તેઓ મૃત્યુની નજીક હતાં ત્યારે તેમણે વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું.
70 વર્ષીય મૅરી પથારીમાં બેઠાં થઈ ગયાં અને તેમના હાથ હલાવવા લાગ્યાં, જાણે કે તેઓ એક બાળકને પારણે ઝુલાવી રહ્યાં હોય, જેને જાણે માત્ર તેઓ જ જોઈ શકતાં હતાં. તેમણે તેને ડૅની તરીકે બોલાવ્યો અને તેને આલિંગન અને ચુંબન પણ કર્યાં.
તેમનાં સંતાનો તેમના આ વર્તનને સમજી શક્યાં નહીં, કારણ કે તેઓ ડૅની નામની કોઈ વ્યક્તિને જાણતા ન હતા.
જોકે, બીજા દિવસે મૅરીનાં બહેન હૉસ્પિટલમાં આવ્યાં અને સમજાવ્યું કે મૅરીએ તેમનાં અન્ય બાળકો પહેલાં ડૅની નામના પુત્રને જન્મ આપ્યો હતો જેમનું મૃત્યુ થઈ ગયું હતું.
મૅરી માટે આ ઘટનાની પીડા એટલી મોટી હતી કે તેમણે તેમના મૃત બાળક વિશે ફરી ક્યારેય વાત કરી ન હતી.
કેરે પરંપરાગત તબીબી ડૉક્ટર તરીકે તાલીમ લીધી હતી. તેઓ કાર્ડિયૉલૉજીમાં નિષ્ણાત હતાં અને ન્યુરોબાયોલૉજીમાં પીએચ.ડી. પણ કર્યું હતું.
કેરને આ ઘટના એટલી અસાધારણ લાગી કે તેમણે પોતાની કારકિર્દીની દિશા બદલી નાખી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે મરતાં લોકોના અનુભવોનો અભ્યાસ કરવા માટે જાતને સમર્પિત કરવાનું નક્કી કર્યું.
"શાંતિની ભાવના"

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅરીને મળ્યાનાં 25 વર્ષ પછી હવે કેરને મરણપથારીએ હોય અને મૃત્યુની નજીક હોય તેવા લોકોનાં સપનાંના અભ્યાસમાં વિશ્વના અગ્રણી નિષ્ણાતો પૈકી એક ગણવામાં આવે છે.
કેર કહે છે કે આ અનુભવો સામાન્ય રીતે મૃત્યુનાં થોડાંક અઠવાડિયાં પહેલાં શરૂ થાય છે અને જેમ જેમ અંત નજીક આવે છે તેમ આ પ્રકારના વર્તનમાં વધારો થાય છે.
કેરે કહ્યું કે મેં લોકોને તેમના જીવનની મહત્ત્વપૂર્ણ ક્ષણોને ફરીથી જીવતા જોયા છે. મેં લોકોને તેમનાં માતા, પિતા, બાળકો અને પાળેલાં પ્રાણીઓ કે જેઓ ઘણાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યાં છે, તેમની સાથે વાત કરતા જોયા છે.
દર્દીઓને આ દૃશ્ય વાસ્તવિક લાગે છે અને સામાન્ય રીતે તેમના મનમાં શાંતિની ભાવના લાવે છે.
કેરે બીબીસી ન્યૂઝ બ્રાઝીલને જણાવ્યું હતું કે, "આ સંબંધો ઘણી વાર ખૂબ જ અર્થપૂર્ણ અને દિલાસો આપવાની સાથે તાજા થાય છે. દર્દીને પોતાના જીવેલા જીવન વિશે સંતોષ આપે છે અને બદલામાં મૃત્યુના ભયને ઘટાડે છે."
કેર ભારપૂર્વક જણાવે છે કે આ દર્દીઓમાં મૂંઝવણ અથવા અસંગતતા નથી. દર્દીઓનું જ્યારે શારીરિક સ્વાસ્થ્ય કથળે ત્યારે તેઓ ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સજગ રહે છે.
જોકે, ઘણા ડૉક્ટરો આ ઘટનાને આભાસ અથવા મૂંઝવણનું પરિણામ ગણીને નકારી કાઢે છે અને કહે છે કે આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ તે પહેલાં વધુ વૈજ્ઞાનિક સંશોધન કરવાની જરૂર છે.
પરિણામ સ્વરૂપે કેરે 2010માં અમેરિકામાં એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યો હતો.
તેમણે એક ઔપચારિક સરવે શરૂ કર્યો જેમાં કેર મૃત્યુની નજીક આવતા દર્દીઓને તેઓ (દર્દીઓ) શું જોઈ રહ્યા હતા તે વિશે પૂછે છે.
ક્રિસ્ટોફર કેરે મરણપથારીએ લોકો જે મૃત્યુની નજીક હોય તેમના અનુભવોને નોંધીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.
આ અભ્યાસમાં ભાગ લેતા પહેલાં બધા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી કે તેઓ કોઈ મૂંઝવણમાં ન હોય.

ઇમેજ સ્રોત, CHRISTOPHER KERR
કેરના આ રિપોર્ટ પહેલાં આ અનુભવો વિશેના મોટા ભાગના અહેવાલો થર્ડ પાર્ટી તરફથી આવ્યા હતા. આ અહેવાલો મૃત્યુ પહેલાં દર્દી શું જોઈ રહ્યો છે તેનું દસ્તાવેજીકરણ કરે છે.
કેરના આ રિપોર્ટનાં પરિણામો સ્વીડીશ નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન સહિત અનેક વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયાં છે.
કેરને આ અનુભવોને અન્ય લોકોને કેવી રીતે સમજાવવા તેનો હજી સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે આ કારણને સમજાવવું એ મારા અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય નથી.
તેમણે કહ્યું, "હકીકત એ છે કે હું સ્રોત સમજાવી શક્યો નથી અને આ પ્રક્રિયાને લીધે દર્દીને થયેલા અનુભવને અમાન્ય ગણાવી શકાય નહીં."
કેર હવે એક સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ છે જે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યમાં પેલીએટિવ સારવાર પૂરી પાડે છે.
તેમનું પુસ્તક ‘ડેથ ઇઝ બટ અ ડ્રીમ: ફાઇન્ડિંગ હોપ ઍન્ડ મીનિંગ એટ લાઇફસ ઍન્ડ’ 2020માં પ્રકાશિત થયું હતું અને તેનો 10 ભાષામાં અનુવાદ થયો છે.
તેમણે બીબીસી ન્યૂઝ બ્રાઝીલ સાથે તેમના અભ્યાસ અને જીવનના અંતના અનુભવોના અર્થ વિશે વાત કરી હતી.
તમે આ અનુભવો વિશે આટલાં વર્ષો પછી શું શીખ્યા?

ઇમેજ સ્રોત, CHRISTOPHER KERR
"મને લાગે છે કે મૃત્યુ એ દેખીતી રીતે આપણે જોઈએ છીએ તે શારીરિક ક્ષમતામાં ઘટાડા કરતાં વધુ છે. મૃત્યુ તમારી જીવનદૃષ્ટી, તમારી ધારણાઓમાં થતા ફેરફારનો સમાવેશ છે અને તેમાં એવાં તત્ત્વોનો સમાવેશ થાય છે જે ખરેખર જીવનની પુષ્ટિ કરે છે.”
"મૃત્યુ તમને આત્મચિંતનના બિંદુ પર લાવે છે. લોકો સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેમની સૌથી મોટી સિદ્ધિઓ, જે તેમના સંબંધો છે."
"રસપ્રદ વાત એ છે કે, આ સંબંધો ઘણી વખત ખૂબ જ અર્થપૂર્ણ અને દિલાસો આપનારી રીતે પાછા આવે છે. જે દર્દીને પોતે જીવેલા જીવન વિશે સંતોષ આપે છે અને મૃત્યુની બીકને ઘટાડે છે."
"આપણે માનીએ છીએ કે લોકો જ્યારે મૃત્યુની નજીક હોય ત્યારે મનોવૈજ્ઞાનિક અથવા સાયકોજેનિક તકલીફનો સામનો કરતા હશે. જોકે, અમને તે મોટા ભાગે જોવા ન મળ્યું."
"અમે લોકોને પ્રેમ અને જીવનના અર્થને સ્વીકારતા જોવા મળ્યા."
સંશોધન મુજબ જીવનના અંતના અનુભવો કેટલા સામાન્ય છે?
"અમારા અભ્યાસમાં, લગભગ 88 ટકા લોકોએ આમાંથી ઓછામાં ઓછો એક અનુભવ નોંધાવ્યો હતો."
"અમારો દર સામાન્ય રીતે નોંધવામાં આવેલા દરો કરતા 20 ટકા ઊંચો આવ્યો હતો. પરંતુ દર ઊંચો એટલા માટે છે કારણ કે અમારા અભ્યાસમાં અમે દરરોજ લોકોને પૂછ્યું હતું."
"મૃત્યુ એક પ્રક્રિયા છે. તમે જ્યારે સોમવારે તેમની પાસે આવશો તો તમને કદાચ શુક્રવારે જે જવાબ મળશે તેના કરતા તદ્દન અલગ જ જવાબ મળે."
"અમે જ્યારે દર્દીઓ મૃત્યુની નજીક આવે છે ત્યારે આ ઘટનાઓની આવર્તનમાં વધારો જોઈ રહ્યા છીએ."
લોકો જે રીતે આપણને છોડી દે છે તે કદાચ પુનઃજોડાણની ક્ષણ હોઈ શકે છે.
મુસાફરી

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય વિષયો શું છે?
"લગભગ ત્રીજા દર્દીઓ મુસાફરી જેવી બાબતોની જાણ કરે છે. ઘણીવાર તેઓ એવા લોકોને યાદ કરતા હોય છે જેમને તેઓ પ્રેમ કરે છે અને ગુમાવ્યા છે."
"જેમ જેમ તેઓ મૃત્યુની નજીક જાય છે તેમ તેમ મૃત લોકો તેમને વધારે દેખાય છે. આ સૌથી આરામદાયક અનુભવ તરીકે પણ નોંધવામાં આવ્યું હતું."
"તેઓએ કોનું સપનું જોયું તે પણ રસપ્રદ હતું. તેઓ એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમને ટેકો આપ્યો હતો, અને જેઓ સૌથી વધુ મહત્ત્વના હતા. તે વ્યક્તિ માતા કે પિતા અથવા એક ભાઈ કે બહેન હોઈ શકે છે, અને અન્ય કોઈ નહીં."
અમારા રિપોર્ટમાં 12 ટકા લોકોએ જણાવ્યું કે તેમનાં સપનાં તટસ્થ અથવા થોડી તકલીફવાળાં હતાં. આ તકલીફ આપનારાં સપનાં સૌથી વધુ પરિવર્તનકારી અથવા અર્થપૂર્ણ હતાં.
આ અનુભવો દ્વારા તમારા દુ:ખો અને પીડાને સંબોધી શકાય છે.
"એવા કેસો છે જેમાં કોઈ વ્યક્તિ જેમણે યુદ્ધ લડી અને બચી ગઈ, તેનો અપરાધબોધ હતો, પરંતુ અંતે મૃત્યુ પામેલા તેમના સાથીઓને જોઈને તેમને દિલાસો મળે છે."
તમે કહો છો કે એક સામાન્ય ભૂલ એ છે કે આ લોકો ભ્રમિત છે. આ અનુભવોને શું અલગ બનાવે છે?
"ચિત્તભ્રમણા અથવા મૂંઝવણની સ્થિતિ ખૂબ સામાન્ય છે. ખાસ કરીને જીવનના અંતમાં, પરંતુ તે ખૂબ જ અલગ છે."
"જોકે, લોકો ચિત્તભ્રમણા અથવા મૂંઝવણની અનુભવોને કારણે લોકો રાહતનો અનુભવ કરતા નથી. આ પ્રકારના અનુભવો મોટે ભાગે દર્દીમાં ડરની ભાવના ઉત્પન્ન કરે છે અને તેમને દવાઓ આપવામાં આવે છે અથવા તેમને પોતાની પથારી સાથે બાંધી દેવામાં આવે છે."
"જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે દર્દી જે અનુભવે છે તે વાસ્તવિક લોકો અને ઘટનાઓ પર આધારિત છે. તેઓ આ અનુભવને સ્પષ્ટપણે યાદ કરી શકે છે અને તે આરામદાયક અને સુખદ અનુભવો હોય છે."
દર્દીઓ પૈકી માત્ર 12 ટકા લોકોએ કહ્યું કે તેમની દૃષ્ટી તટસ્થ અથવા નિરાશાજનક હતી.
મૃત્યુની ઘડી પહેલાં કેવાં સપનાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક દર્દીઓ સપનાં જુએ છે અને ક્યારેક તેઓ જાગતા હોય છે? શું આ પ્રકારના અનુભવોમાં કોઈ અંતર છે?
ડૉ. કેરે કહ્યું કે અમે દર્દીઓને પૂછ્યું કે તમે સૂતા કે જાગતા હતા? અને હકીકતમાં તેઓ 50-50 ટકા જાગતા અને સૂતા હતા.
દર્દી જ્યારે મૃત્યુની નજીક હોય ત્યારે દિવસ અને રાતનો તેમના માટે કોઈ ખાસ અર્થ રહેતો નથી .
ડૉ. કેરે કહ્યું કે કેટલાક દર્દીઓ જ્યારે મરણપથારી પર હોય છે ત્યારે તેમને તટસ્થ અથવા પીડાદાયક સપનાં આવે છે.
તમે સારવાર ન કરી શકાય તેવી બીમારીઓથી પીડિત બાળકો સાથે પણ કામ કરો છો. બાળકો અને વયસ્કોના જીવનના અંતના અનુભવો વચ્ચે શું અંતર છે?
"બાળકો આ અનુભવને વધારે સરળતાથી કરે છે કારણ કે તેમની પાસે કોઈ ફિલ્ટર નથી. તેઓ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ભેદ રાખતાં નથી. તેમની પાસે નૈતિકતાની કોઈ વ્યાખ્યા નથી. તેથી બાળકો તે ક્ષણમાં જ જીવે છે."
"તમે નિહાળશો કે બાળકોના આ અનુભવો ખૂબ જ રચનાત્મક અને રંગીન હોય છે. અને લાગે છે કે તેઓ સહજ રૂપે તેનો અર્થ જાણે છે."
કેરે કહ્યું,"જો બાળકો કોઈ એક વ્યક્તિને નથી ઓળખતા જેનું મૃત્યુ થયું છે, તો તેઓ ચોક્કસ પણે એવા પ્રાણીઓને જાણે છે જેમનું મૃત્યુ થયું છે. બાળકો તેમને સ્પષ્ટપણે જોઈ શકે છે."
કેરે ઉમેર્યું કે જેમ-જેમ દર્દી મૃત્યુની નજીક આવે છે તેમ-તેમ તેમને મૃત લોકો વધારે દેખાય છે.
પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
દર્દીના આ પ્રકારના અનુભવોની તેમના પરિવાર અને પ્રિયજનો પર કેવી અસર થાય છે?
ડૉ. કેરે કહ્યું કે અમે 750 ઇન્ટરવ્યૂ પછી બે રિસર્ચ પેપર પ્રકાશિત કર્યાં હતાં અને આ રસપ્રદ વિષય છે. મુખ્ય વાત એ છે કે જે વાત દર્દી માટે સારી છે તે તેમના પરિવાર અને પ્રિયજનો માટે પણ સારી છે.
"અમે એક રસપ્રદ અભ્યાસ કર્યો, જેમાં અમે દુ:ખની પ્રક્રિયાની નોંધ લીધી. જે લોકો આ પ્રકારની ઘટનાઓને જુએ છે તેઓ વધારે સરળતાથી શોક મનાવી શકે છે. કારણ કે તેઓ તેમની ધારણા અને તે વ્યક્તિની યાદોની આકાર આપે છે, જેમને તેઓ ગુમાવી ચૂકયા છે."
તમારી પાસે ન્યૂરોબાયોલૉજીમાં પીએચડી છે. જોકે, તમે કહી રહ્યા છો કે આ અનુભવો કેવી રીતે જન્મે છે તે વિશે સ્પષ્ટપણે કહી શકતા નથી. અને તેને સમજવાની પણ જરૂર નથી. એક ડૉક્ટર તરીકે તમે આ પ્રકારનો દૃષ્ટિ કોણ કેવી રીતે વિકસિત કર્યો ?
"એકદમ સરળતાથી."
"એવા કેટલાય કેસો હતા જેનો હું સાક્ષી હતો. અને મેં જે અનુભવ કર્યો તે અત્યંત ગહન હતો."
"દર્દી માટે આ અનુભવોનો અર્થ એકદમ સચોટ અને સ્પષ્ટ હતો. મને લાગી રહ્યું હતું કે હું તેમને આ અનુભવ દરમિયાન હેરાન કરી રહ્યો છું."
કેરે કહ્યું કે આપણે મૃત્યુ સમયે દર્દીની શારીરીક અવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ કારણે આપણે દર્દીની ભાવનાત્મક સ્થિતિની ઉપેક્ષા કરીએ છીએ.
તમે જણાવ્યું કે આ વિષય પર સૌથી સમૃદ્ધ ચર્ચા હંમેશા હ્યુમેનિટીઝ (સામાન્ય પ્રવાહ)માં કરવામાં આવી છે નહીં કે ચિકિત્સા વિજ્ઞાન. ચિકિત્સા વિજ્ઞાન આ વિષયને વધારે મહત્ત્વ કેમ નથી આપતું? તમે આ વિશે અભ્યાસ શરૂ કર્યો ત્યાર પછીના દાયકાઓમાં કેવા ફેરફાર આવ્યા છે?
"ના, મને નથી લાગતું કે સ્થિતિ ખરાબ થઈ રહી છે."
"હું માનું છું કે હ્યુમેનિટીઝ આપણા વજૂદને અને જીવનના અર્થ વિશે સવાલો કરે છે. હ્યુમેનિટીઝ (સામાન્ય પ્રવાહ)માં એક વિશાળ વિષય છે."
તમે કહ્યું હતું કે તમે આ સંશોધન એટલે શરૂ કર્યું કારણ કે અન્ય ડૉક્ટરો પુરાવા જોવા માંગતા હતા. જોકે, તમારા કામની ચર્ચા ચિકિત્સા ક્ષેત્રની બદલે મીડિયામાં વધારે થઈ રહી છે. તમે આ વિરોધાભાસને કેવી રીતે જુઓ છો?
"દર્દીઓ શું અનુભવ કરે છે તે વિશે હું યુવાન ડૉક્ટરોને સમજાવવામાં મુશ્કેલી અનુભવું છું. આ કારણે અમે પુરાવાઓને એકઠા કરવાનું શરૂ કર્યું અને તેમને એવી ભાષામાં રાખવામાં આવ્યા જે તેમના માટે સમજવા સરળ રહે."
ડૉ. કેરે કહ્યું કે મને સમજાણું નહીં કે હું લાકડીનો ઊંધો છેડો પકડી રહ્યો હતો. કારણ કે જ્યારે આ પુરાવાઓ મુખ્યધારાના મીડિયા સામે આવ્યા તો તેમને અપનાવવામાં આવ્યા અને તેની ચર્ચા વિશ્વમાં થઈ હતી.
તેમણે કહ્યું,"જે લોકો દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેઓ આ બાબતે વધારે ચિંતિત નહોતા. જોકે, જે લોકો સારવાર મેળવી રહ્યા છે અથવા તેમની સંભાળ રાખી રહ્યા છે તેવા લોકો અમારી રિસર્ચને સ્વીકારી રહ્યા છે. આ ઉપરાંત જે લોકો પોતાના મૃત્યુ વિશે જાણવા ઉત્સુક છે તેઓ પણ આ રિસર્ચને સ્વીકારી રહ્યા છે. આ વિરોધાભાસ રસપ્રદ છે."












