જુલિયન અસાંજ : વિકિલીક્સના સ્થાપકને ગુનાની કબૂલાત છતાં મુક્ત કેમ કરવામાં આવ્યા?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

ઇમેજ સ્રોત, PA

વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજ પાંચ વર્ષ પછી બ્રિટનની જેલમાંથી મુક્ત થયા છે.

અમેરિકા સાથે થયેલા કરાર બાદ અસાંજ બ્રિટનથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે.

અમેરિકન સરકાર જુલિયન અસાંજ વચ્ચે એક સમજૂતિ થઈ હતી. તે મુજબ, અસાંજ જાસુસીના કેસમાં પોતાના ગુનાની કબૂલાત કોર્ટમાં કરશે.

અસાંજ બુધવારે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત નોર્થન મરિયાના આઇલૅન્ડ્સની એક કોર્ટમાં હાજર થશે.

આ કોર્ટમાં અસાંજ જાસુસીના ગુનાની કબૂલાત કરશે.

અમેરિકન ફરિયાદ પક્ષ અગાઉ 18 કેસમાં અસાંજ વિરુદ્ધ સુનાવણી ઇચ્છતો હતો. તેમાં મોટાભાગના કેસ ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સંબંધી દસ્તાવેજો લીક કરવા સંબંધી હતા.

અમેરિકન સરકારે 2019માં વિકિલીક્સના સ્થાપક બાબતે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં 18 આરોપોનો ઉલ્લેખ હતો.

અસાંજે તે આરોપોને ફગાવી દેતાં જણાવ્યું હતું કે એ તેમના પત્રકારત્વનો ભાગ હતો, પરંતુ બુધવારે કોર્ટમાં હાજર થશે ત્યારે તેઓ એક જ આરોપનો જવાબ આપશે.

અમેરિકામાં બીબીસીના સહયોગી સીબીએસ ન્યૂઝના એક અહેવાલ મુજબ, ન્યાય વિભાગના ફરિયાદ પક્ષે અસાંજના કબૂલાતનામા બાદ 62 મહિનાની કેદનું સૂચન કર્યું છે.

આવું થશે તો જૂલિયન અસાંજ અમેરિકન જેલમાં નહીં જાય, કારણ કે આટલો સમય તો તેઓ બ્રિટનની જેલમાં પસાર કરી ચૂક્યા છે.

અસાંજના વકીલોએ જણાવ્યું હતું કે અગાઉ મૂકવામાં આવેલા 18 આરોપોમાં અસાંજ દોષિત સાબિત થાય તો તેમને 175 વર્ષની સજા થવાની હતી.

જોકે, અમેરિકામાં ફરિયાદ પક્ષે ચારથી છ વર્ષની સજા થવાની વાત કરી હતી.

હવે બધાની નજર નોર્થન મરિયાના આઇલૅન્ડ્સની કોર્ટમાં થનારી સુનાવણી પર છે.

અસાંજના જીવ પર જોખમ છે?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

જુલિયન અસાંજને અદાલતમાં રજૂ કરવા માટે નવો રસ્તો શોધવામાં આવ્યો છે.

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત નોર્થન મરિયાના આઇલૅન્ડ્સ અમેરિકાનો હિસ્સો છે અને ત્યાંની અદાલતની પસંદગી અસાંજના હાજર થવા માટે કરવામાં આવી છે.

ન્યાય વિભાગના એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જુલિયન અસાંજે જે સમજૂતિ કરી છે તેમાં જણાવ્યા મુજબ, તેઓ અમેરિકા જવાને ભરોસાપાત્ર ગણતા નથી. તેઓ પોતાની મરજીથી અમેરિકા નહીં જાય. તેમને અમેરિકન સરકાર પર જરાય ભરોસો નથી. તેમણે પોતાની હત્યાના ષડયંત્રનો આરોપ સુદ્ધાં અમેરિકન અધિકારીઓ પર કર્યો છે.

એ સિવાય આઇલૅન્ડ્સ ઑસ્ટ્રેલિયાની નજીક પણ છે. તેથી કોર્ટમાં હાજર થયા પછી તેઓ ઝડપથી ઑસ્ટ્રેલિયા પાછા ફરી શકશે.

બીબીસી ગુજરાતી

વિકિલીક્સે શું કહ્યું?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

ઇમેજ સ્રોત, REUTERS

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જુલિયન અસાંજની મુક્તિના સમાચાર આવ્યા પછી વિકિલીક્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટ મૂકી હતી.

તેમાં વિકિલીક્સે જણાવ્યું હતું, “જુલિયન અસાંજ આઝાદ છે. 1901 દિવસની કેદ પછી તેઓ 2 જૂનની સવારે બેલમાર્શ જેલમાંથી બહાર આવશે. લંડનની હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે અને સ્ટેંસ્ટેડ ઍરપૉર્ટ પર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમણે બ્રિટન છોડ્યું હતું.”

વિકિલીક્સના જણાવ્યા મુજબ, “જુલિયન અસાંજની મુક્તિની ઝૂંબેશ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અવાજ ઉઠાવનાર નેતાઓનો પ્રયાસ છે. એ પછી જ અમેરિકાના ન્યાય વિભાગ સાથે સમજૂતિ થઈ હતી. જોકે, તે સમજૂતિ હજુ ફાઇનલ થઈ નથી. અમને માહિતી મળશે તેમ અમે અપડેટ કરીશું.”

વિકિલીક્સે જણાવ્યું હતું, “જેલની 2X3ની કોટડીમાં રોજ 23 કલાક પસાર કર્યા પછી તેઓ તેમનાં પત્ની સ્ટેલા અસાંજ અને તેમનાં સંતાનોને મળશે. તેમણે અસાંજને જેલમાં જ જોયાં છે.”

અસાંજની મુક્તિના સમાચારના અનુસંધાને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બનીઝનો પ્રતિભાવ આવ્યો છે.

એલ્બનીઝે કહ્યું હતું, “અમે સકારાત્મક પરિણામ માટે તમામ યોગ્ય માર્ગો અપનાવીને ઑસ્ટ્રેલિયન હિતની હિમાયત કરતા રહ્યા અને હું વડા પ્રધાન બન્યો તેના પહેલા દિવસથી આવું કરતો રહ્યો છું.”

“કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હું બીજી વાતો પણ કરીશ. મને લાગે છે કે તે ટૂંક સમયમાં થઈ જશે અને હું યોગ્ય સમયે ઉપસ્થિત થઈશ.”

ઑસ્ટ્રેલિયન સંસદે અસાંજની મુક્તિ માટે વર્ષની શરૂઆતમાં એલ્બનીઝના સમર્થનથી એક દરખાસ્ત પસાર કરી હતી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડન તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

જોકે, એક સમયે તેમણે જણાવ્યું હતું કે તેઓ ઑસ્ટ્રેલિયા તરફથી મળેલી વિનંતી બાબતે વિચારણા કરી રહ્યા છે.

અસાંજના મામલામાં અત્યાર સુધી શું-શું થયું?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

ઇમેજ સ્રોત, EPA

જુલિયન અસાંજ પાંચ વર્ષની કેદ બાદ બ્રિટનની જેલમાંથી મુક્ત થયા છે.

અસાંજનો કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને તેમાં અનેક દેશો સામેલ છે.

આ સમગ્ર મામલામાં અત્યાર સુધી શુ-શું થયું છે તે વાંચોઃ

  • ઓગસ્ટ 2010 – બળાત્કાર અને સતામણીના કેસમાં સ્વીડનમાંથી જુલિયન અસાંજ વિરુદ્ધ ધરપકડનું વૉરંટ બહાર પાડવામાં આવ્યું હતું. તેને અસાંજે “પાયાવિહોણું” ગણાવ્યું હતું.
  • ડિસેમ્બર 2010 – લંડનમાં અસાંજની ધરપકડ થઈ હતી અને બીજી સુનાવણીમાં જામીન મળ્યા હતા.
  • મે 2012 – બ્રિટનની અદાલતે કહ્યું હતું કે સવાલોના સામના માટે અસાંજનું સ્વીડનને પ્રત્યાર્પણ કરવામાં આવશે.
  • જૂન 2012 – જૂલિયન અસાંજ લંડન સ્થિત ઍક્વાડોરના દૂતાવાસમાં ઘૂસી ગયા હતા અને ઍક્વાડોરે તેમને આશ્રય આપ્યો હતો.
  • એપ્રિલ 2017 – અમેરિકાના એટર્ની જનરલે કહ્યું હતું કે અમેરિકા માટે અસાંજની ધરપકડ અગ્રતા છે.
  • મે 2017 – સ્વીડને અગાઉથી ચાલતી તપાસને રોકતા અસાંજ વિરુદ્ધના બળાત્કારના કેસની તપાસ અટકાવવાની જાહેરાત કરી હતી.
  • નવેમ્બર 2018 – અમેરિકા તરફથી ગુપ્ત રીતે આરોપ નક્કી કરવાના મામલાની માહિતી બહાર આવી હતી.
  • એપ્રિલ 2019 – અસાંજને 50 સપ્તાહની કેદની સજા થઈ. આ મામલે તેઓ જેલમાં હતા.
  • જાન્યુઆરી 2021 – અમેરિકામાં અસાંજેનું પ્રત્યાર્પણ નહીં થાય તેવો આદેશ એક ન્યાયમૂર્તિએ આપ્યો હતો.
  • ડિસેમ્બર 2021 – અસાંજના પ્રત્યાર્પણનો કેસ અમેરિકા જીત્યું. પલટાવ્યો ફેંસલો.
  • એપ્રિલ 2022 – ડિસેમ્બર 2021ના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવા અસાંજને મંજૂરી ન મળવાથી બ્રિટનના ગૃહમંત્રીએ અસાંજના પ્રત્યાર્પણ પર હસ્તાક્ષર કર્યા હતા. જુલાઈમાં પ્રત્યાર્પણ બાબતે અપીલ કરવામાં આવી હતી.
  • જૂન 2023 – પ્રત્યાર્પણની અપીલમાં અસાંજે હારી ગયા.
  • મે 2024 – બ્રિટનની અદાલતે કહ્યું હતું કે અસાંજ નવી અપીલ કરી શકે છે.
  • જૂન 2024 – અમેરિકન વહીવટીતંત્ર સાથે વાતચીત પછી અસાંજને જામીન મળ્યા અને તેઓ જેલમાંથી મુક્ત થયા.

અમેરિકા અસાંજનું પ્રત્યાર્પણ શા માટે ઇચ્છતું હતું?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

ઇમેજ સ્રોત, REUTERS

જુલિયન અસાંજે 2006માં વિકિલીક્સની સ્થાપના કરી હતી.

તેનો ઉદ્દેશ ગુપ્ત દસ્તાવેજો તથા ફોટોગ્રાફ્સ પ્રકાશિત કરવાનો હતો. તેના ચાર વર્ષ બાદ એટલે કે 2010માં વિકિલીક્સે એ ફૂટેજ બહાર પાડ્યુ હતું જેમાં અમેરિકન સૈનિકો ઇરાકમાં હેલિકૉપ્ટરમાંથી સામાન્ય નાગરિકોની હત્યા કરતા હતા. આ ફૂટેજને પગલે વિકિલીક્સ સમાચારોમાં આવ્યું હતું.

આ વીડિયો બહાર આવ્યા પછી વિકિલીક્સને સાથ આપનાર અમેરિકન વિશ્લેષક ચેલ્સી મેનિંગની અમેરિકામાં 2010માં ધરપકડ કરવામાં આવી હતી.

મેનિંગ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે સાત લાખ ગુપ્ત દસ્તાવેજો, વીડિયો અને ડિપ્લોમેટિક કૅબલ્સનો પર્દાફાશ ઍન્ટી સીક્રસી વેબસાઇટ સાથે મળીને કર્યો છે.

ચેલ્સીના જણાવ્યા મુજબ, અમેરિકાની વિદેશ નીતિ બાબતે ચર્ચા શરૂ થાય એટલા માટે તેમણે આવું કર્યું હતું, પરંતુ અમેરિકાનું કહેવું છે કે ચેલ્સીએ આવું કરીને અનેક લોકોના જીવ પર જોખમ સર્જ્યું છે.

અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં 2018માં અસાંજ વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા અભિયોગમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અસાંજે 2010માં મેનિંગ સાથે મળીને સંરક્ષણ વિભાગની ગુપ્ત માહિતી મેળવવા કાવતરું કર્યું હતું.

અભિયોગમાં જણાવ્યા મુજબ, મેનિંગે જાન્યુઆરી અને મે 2010 વચ્ચે અમેરિકન વિભાગો તથા ઍજન્સીઓના ચાર ડેટાબેઝ ડાઉનલોડ કર્યા હતા અને તે વિકિલીક્સને ઉપલબ્ધ કરાવ્યા હતા.

અમેરિકાના ન્યાય વિભાગે તેને “અમેરિકાના ઇતિહાસની ગોપનીય માહિતી સાથેની સૌથી મોટી છેડછાડ”ની ઘટના ગણાવી હતી.

જુલિયન અસાંજની પાછળ અમેરિકન સરકાર આ જ કારણસર પડી છે.

અમેરિકાએ આ રીતે બદલ્યું વલણ

વૉશિંગ્ટનમાં બીબીસીના સંવાદદાતા નોમિયા ઇકબાલના જણાવ્યા મુજબ, અમેરિકાના બાઈડન વહીવટીતંત્ર પર જુલિયન અસાંજના મામલાના નિરાકરણનું દબાણ લાંબા સમયથી હતું.

પ્રમુખ જો બાઈડને એપ્રિલમાં જ જણાવ્યું હતું કે તેમના નજીકના સહયોગી ઑસ્ટ્રેલિયાએ જુલિયન અસાંજના પ્રત્યાર્પણ કેસ અને કાયદાકીય મુદ્દાઓના જલદી નિરાકરણની વિનંતી કરી છે.

આ એ ઘટનાથી તદ્દન વિપરીત છે, જ્યારે ત્રણ વર્ષ પહેલાં અમેરિકાના ન્યાય વિભાગે પ્રત્યાર્પણનો કેસ ચલાવવાનો નિર્ણય કર્યો હતો.

2019માં ઍક્વાડોરનો દૂતાવાસ છોડ્યા પછી જૂલિયન અસાંજની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે હિલેરી ક્લિંટન સહિતના અનેક ડેમૉક્રૅટ નેતાઓએ કહ્યું હતું, “જુલિયન અસાંજે જે કર્યું છે તેનો જવાબ આપવો પડશે.”

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને અન્ય અનેક નેતાઓએ જુલિયન અસાંજ પર એવો આરોપ પણ મૂક્યો હતો કે તેમણે 2016ની પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા સાથે મળીને ગોબાચારી કરી હતી.

જોકે, ડેમૉક્રૅટિક પક્ષની અંદર અનેક પ્રગતિશીલ નેતાઓનો આ વિશેનો દૃષ્ટિકોણ અલગ હતો. તેમનું કહેવું હતું કે એક ઑસ્ટ્રેલિયન નાગરિક વિરુદ્ધ કેસ ચલાવવાનો અર્થ ફ્રી સ્પીચનું ઉલ્લંઘન એવું થશે. એક પત્રકાર તરીકે અસાંજ તેના હકદાર છે.

હવે પ્રસ્તુત મામલામાં અમેરિકાનું આ પગલું તેના પ્રારંભિક વલણથી બિલકુલ ઉલટું દેખાઈ રહ્યું છે.

કોણ છે જુલિયન અસાંજ?

જુલિયન અસાંજ, વિકિલીક્સના સ્થાપક

ઇમેજ સ્રોત, EPA

વિકિલીક્સ મારફત અમેરિકન દસ્તાવેજો જાહેર કરીને સમગ્ર વિશ્વમાં વિખ્યાત થઈ ગયેલા જુલિયન અસાંજ એક વિવાદાસ્પદ વ્યક્તિ છે.

વિશ્વમાં તેમના લાખો પ્રશંસકો છે અને વિશ્વના અનેક દેશો હવે તેમને પોતાના માર્ગમાંની અડચણ પણ માને છે. જુલિયનના સાથીઓ તેમને કમ્પ્યુટર કોડિંગના મહારથી ગણાવે છે. તેમણે પોતાની બુદ્ધિમતા અને લગનથી આ સ્થાન હાંસલ કર્યું છે.

અસાંજના ટીકાકારોનું કહેવું છે કે તેઓ પ્રસિદ્ધિભૂખ્યા છે, જ્યારે પ્રશંસકો અસાંજને સત્યના સૈનિક ગણે છે.

જૂલિયન અસાંજનો જન્મ 1971માં ઉત્તર ઑસ્ટ્રેલિયામાં થયો હતો. તેમના માતા-પિતા રંગમંચ સાથે જોડાયેલાં હતા એટલે તેમનું બાળપણ અલગ-અલગ સ્થળે અલગ વાતાવરણમાં વિત્યું હતું.

18 વર્ષની વયે તો તેઓ પિતા બની ગયા હતા અને પત્નીથી અલગ થયા બાદ બાળકના કાયદાકીય સંરક્ષણ માટે તેઓ લાંબા લડાઈ પણ લડ્યા હતા.

ઇન્ટરનેટના વિકાસે તેમને ગણિતમાંના પોતાના કૌશલ્યને અજમાવવા પ્રેરિત કર્યા હતા. 1996માં કમ્પ્યુટર હેક કરવાના એક પ્રયાસમાં તેઓ પકડાઈ ગયા હતા, પરંતુ તેમણે પોતાનું કામ અને કમ્પ્યુટરના ક્ષેત્રમાં સંશોધન ચાલુ રાખ્યું હતું.

અસાંજે વિકિલીક્સની શરૂઆત 2006માં કરી ત્યારે કોમ્પ્યુટર કોડિંગના કેટલાક અન્ય મહારાથી તેમની સાથે જોડાયા હતા. તેમનો હેતુ, કમ્પ્યુટરમાંથી હેક કરવામાં આવેલા દસ્તાવેજો બહાર પાડી શકાય તેવી એક વેબસાઇટ બનાવવાનો હતો.

બીબીસી સાથેની એક વાતચીતમાં અસાંજે કહ્યું હતું, “અમારા સ્રોતોને સલામત રાખવા માટે અમે અલગ-અલગ દેશોમાં કામ કર્યું. અમારા સંસાધનો અને ટીમોને પણ અલગ-અલગ જગ્યાએ લઈ ગયા. જેથી કાયદાકીય રીતે સલામત રહી શકાય. હવે અમે આ બધું કરવાનું શીખી ગયા છીએ. આજ સુધી અમે એકેય કેસ હાર્યા નથી કે અમારો સ્રોત પણ ગુમાવ્યો નથી.”

2010માં મૂકવામાં આવેલા બળાત્કારના આરોપ અને અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો જાહેર કરવાના મામલાએ અસાંજની જિંદગી સંપૂર્ણપણે બદલી નાખી.