ગોલાન હાઇટ્સમાં રૉકેટ હુમલામાં 12 કિશોરોનાં મૃત્યુ બાદ ઇઝરાયલ લેબનોનમાં હિઝબુલ્લાહ પર ત્રાટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના કબજાવાળા ગોલાન હાઇટ્સ વિસ્તારમાં કરાયેલા એક રૉકેટ હુમલામાં 12 કિશોરોનાં મૃત્યુ થયાં હોવાનું ઇઝરાયલી તંત્રે જણાવ્યું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિઝ (આઇડીએફ)નું કહેવું છે કે આ રૉકેટ હુમલો લેબનોનસ્થિત શક્તિશાળી ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ હુમલા બાદ યુદ્ધવિમાનોએ લેબનોનમાં હેઝબોલ્લાને નિશાન બનાવ્યું ઇઝરાયલે દાવો કર્યો છે.
આઇડીએફના જણાવ્યા અનુસાર લેબનોનની અંદરના વિસ્તારોમાં હિઝબુલ્લાહ ઉપર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. જોકે, આ હુમલામાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી હજુ સુધી મળી નથી.
ગોલાન હાઇટ્સ વિસ્તારમાં કરાયેલો હુમલો 7 ઑક્ટબરના હુમલા બાદ ઇઝરાયલમાં કરાયેલો સૌથી ભીષણ હુમલો મનાઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાહ વિરુદ્ધ વળતો પ્રહાર કરવાનું વચન આપતાં સંગઠનને "ભારે કિંમત ચૂકવવી પડશે" એવી વાત કરી છે.
આ ઘટનાને પગલે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ફાટી નીકળે એવી સંભાવના છે. ઑક્ટોબરમાં ઇઝરાયલમાં હમાસ દ્વારા કરાયેલા હુમલા બાદ હિઝબુલ્લાહ અને આઇડીએફ વચ્ચે છાશવારે ઘર્ષણની ઘટનાઓ નોંધાઈ છે.
ઇઝરાયલ પર હમાસ પછી હેઝબોલ્લાનો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
હાલનો હુમલો 7 ઑક્ટોબરના હુમલા બાદ ઇઝરાયલની ઉત્તર દિશા પર કરાયેલો સૌથી ભીષણ હુમલો માનવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાના એક નિવેદનમાં બન્ને પક્ષોને 'મહત્તમ સંયમ' જાળવી રાખવાની ભલામણ કરી છે. યુએને એવું પણ જણાવ્યું છે કે જો યુદ્ધ ફાટી નીકળ્યું તો 'માનવામાં ના આવે એવી દુર્ઘટનામાં સમગ્ર વિસ્તાર ફસાઈ જશે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન હિઝબુલ્લાહના પ્રવક્તા મહમદ અફીફે હુમલાની જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો છે. ઉગ્રવાદી જૂથે યુએનને જણાવ્યા અનુસાર આ હુમલો ખુદ ઇઝરાયલી ઇન્ટરસેપ્ટર રૉકેટને કારણે થયો છે અને આ અંગેના અહેવાલોની બીબીસી તપાસ કરી રહ્યું છે.
હુમલા બાદના વૅરિફાઇડ વીડિયોમાં ફૂટબૉલ પીચ પર લોકોનું ટોળું અને સ્ટ્રેચરમાં રખાયેલા મૃતદેહો જોઈ શકાય છે.
જે વિસ્તારમાં આ હુમલો કરાયો છે કે એ મજદાલ શમ્સ ગોલાન હાઇટ્સમાં આવેલાં ચાર ગામો પૈકીનું એક છે, જ્યાં અરબી બોલતો દ્રુઝ નામનો ધાર્મિક સમુદાય રહે છે.
જોકે, આ હુમલાના અહેવાલો આવ્યા એ પહેલાં હિઝબુલ્લાહએ ઇઝરાયલમાં કરાયેલા ચાર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
આ પૈકીનો એક હુમલો ઇઝરાયલ અને લેબનોનની સરહદ વચ્ચે આવેલા માઉન્ટ હેરમોનની તળેટીમાં સૈન્યસ્થળ નજીક કરાયો હતો. જે ફૂટબૉલ પીચ પર હાલનો હુમલો કરાયો, એનાથી આ સ્થળ 3 કિલોમીટર દૂર છે.
ઇઝરાયલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, EPA
આઇડીએફના પ્રવક્તા ડેનિયલ હગારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને હિઝબુલ્લાહ પર 'ખોટું બોલવાનો અને હુમલાની જવાબદારીથી બચવાનો' આરોપ લગાવ્યો હતો.
તેમના જણાવ્યા અનુસાર આ હુમલા માટે વપરાયેલું રૉકેટ ઇરાનનિર્મિત 'ફલક-1' શ્રેણીનું હતું, જેનો માત્ર હિઝબુલ્લાહ જ ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું છે, "અમારી બાતમી સ્પષ્ટ છે. હિઝબુલ્લાહ નિર્દોષ બાળકોની હત્યા માટે જવાબદાર છે." ઇઝરાયલ આ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત પણ તેમણે જણાવી છે.
અત્રે નોંધનીય છે કે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે છાશવારે ગોળીબારની ઘટના ઘટતી રહે છે અને એમાં બન્ને પક્ષે ભોગ પણ લેવાતો રહે છે. જોકે, ઑક્ટોબરના હુમલા બાદ લેબનોનની દક્ષિણ સરહદે યુદ્ધ ના ફાટી નીકળે એ માટે બન્નેએ સંયમ જાળવ્યો છે.












