કમલા હૅરિસ જો રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર બનશે તો ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઍન્થોની ઝર્ચર
- પદ, ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા
ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ માટે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડેમૉક્રેટિક પક્ષ તરફથી ઉમેદવાર બનવાનો માર્ગ મોકળો દેખાઈ રહ્યો છે.
પરંતુ નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા એ તેમના માટે મોટો પડકાર હશે.
રાષ્ટ્રપતિ પદ માટે કમલા હૅરિસનું ઉમેદવાર બનવું એ એક તરફ જાણે કે ડેમૉક્રેટ્સમાં નવી ઊર્જાનો સંચાર કરશે તો બીજી તરફ તેમની કેટલીક નબળાઈઓને પણ ઉજાગર કરશે.
હાલમાં થયેલાં ચૂંટણી સર્વેક્ષણોમાં કમલા હૅરિસ, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતાં થોડાં પાછળ દેખાઈ રહ્યા છે. તેમની સ્થિતિ લગભગ બાઇડન જેવી જ દેખાઈ રહી છે. સર્વેક્ષણના અનુમાનિત આંકડાઓ અને જમીની આંકડામાં હંમેશા ઉતાર-ચડાવની સંભાવના રહેલી હોય છે.
રાષ્ટ્રપતિ બાઇડનની ફિટનેસ અને પ્રચારઅભિયાનને જાળવી રાખવાને ક્ષમતા પર ત્રણ અઠવાડિયા ચાલેલી શંકા-કુશંકાઓના સમયગાળા પછી ડેમૉક્રેટ્સ હાલમાં ઉત્સાહિત દેખાય છે.
કમલા હૅરિસની તાકાત

ઇમેજ સ્રોત, Getty Images
ગૃહના પૂર્વ અધ્યક્ષ નૅન્સી પેલોસી સહિત અન્ય તમામ સંભવિત પ્રતિદ્વંદીઓએ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે કમલા હૅરિસના નોમિનેશનનું સમર્થન કર્યું છે. નૅન્સી પેલોસી ડેમૉક્રેટિક રાજકારણમાં સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકીનાં એક છે.
અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અમેરિકામાં નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવાં મળી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને લઈને નાપસંદગી અને મુખ્ય સ્વિંગ સ્ટૅટ્સમાં મધ્યમમાર્ગી મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાની સાથે-સાથે જ છેલ્લા કેટલાક સમયથી નિરાશાગ્રસ્ત રહેલાં ડેમૉક્રેટિક વોટબેઝને સક્રિય કરવો એ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ માટે પડકારની સાથે સાથે જ એક અવસર સમાન હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ સમર્થકોના ઉત્સાહની બરાબરી કરવા માટે પોતાના સમર્થકોને સક્રિય કરવા ડેમૉક્રેટ્સ માટે અતિશય મહત્ત્વપૂર્ણ હશે. આ વખતના ચૂંટણીઅભિયાનમાં સૌથી વધુ ડોનેશન ડેમૉક્રેટ્સને મળ્યું છે.
બાઇડનની જાહેરાત પછી 24 કલાકમાં જ આઠ કરોડ ડૉલરથી વધુ ધનરાશિ એકઠી કરવામાં આવી હતી. જે આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં કોઈપણ ઉમેદવાર માટે એક દિવસમાં એકઠું કરવામાં આવેલું સૌથી વધુ ડોનેશન છે.
બાઇડન-હૅરિસના ચૂંટણીપ્રચાર માટે જમા કરવામાં આવેલા ડોનેશન ફંડમાંથી અંદાજે 10 કરોડ ડૉલરથી કમલા હૅરિસના ચૂંટણીપ્રચારને એક મજબૂત નાણાકીય સહાય મળી શકશે.
જો કમલા હૅરિસ ઉમેદવાર બને છે, તો તે તેમની ઉંમરને મુદ્દો બનાવીને રાષ્ટ્રપતિ બાઇડેનને કૉર્નર કરવાના ટ્રમ્પના પ્રયાસને નિષ્ફળ કરશે.
છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પ એ બાઇડનને નિશાન બનાવતા હતા અને બાઇડન તેમની સામે બૅકફૂટ પર દેખાઈ રહ્યા હતા.
ચાર અઠવાડિયા પહેલાં પ્રેસિડેન્શિયલ ડિબેટમાં રાષ્ટ્રપતિ બાઇડનના ખરાબ પ્રદર્શન બાદ આ પ્રકારની ચર્ચાઓ વધુ ઉગ્ર બની હતી.

- બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
78 વર્ષીય ટ્રમ્પની સરખામણીમાં 59 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ વધુ ઊર્જાવાન પ્રચારક હશે અને પોતાની પાર્ટી માટે સાનુકૂળ વાતાવરણ બનાવી શકશે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉંમરને મુદ્દો બનાવીને કમલા હૅરિસ પણ પરિસ્થિતિને તેમની તરફેણમાં ફેરવી શકે છે. કારણ કે જો ટ્રમ્પ જીતી જશે તો તેઓ અત્યાર સુધીના સૌથી વૃદ્ધ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે.
કમલા હૅરિસ અશ્વેત મતદારોનું સમર્થન પણ પોતાની તરફેણમાં લાવી શકે છે.
તાજેતરના સર્વેક્ષણો અનુસાર અશ્વેત મતદારો જો બાઇડનથી દૂર જઈ રહ્યા હતા.
બરાક ઓબામાના 2008 અને 2012ના વિજેતા ગઠબંધનની જેમ જો કમલા હૅરિસ પણ આ ચૂંટણીમાં અશ્વેત મતદારો, લઘુમતીઓ અને યુવા મતદારોને એક કરશે તો તેઓ ટ્રમ્પ સામે મજબૂત સ્થિતિમાં આવી શકે છે.
ખાસ કરીને કેટલાક સ્વિંગ સ્ટૅટ્સમાં તેઓ આ વખતે ચૂંટણી કઈ બાજુ જશે તે નક્કી કરશે. વકીલ તરીકે કમલા હૅરિસની પૃષ્ઠભૂમિ પણ તેમની છબી ઉજળી કરી શકે છે.
2020ના ચૂંટણીપ્રચારમાં ડાબેરીઓ દ્વારા આપવામાં આવેલ સ્લોગન - 'કમલા ઇઝ એ કૉપ' - આ વખતે ચૂંટણીમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રચાર કરવામાં કમલા હૅરિસને મદદ કરી શકે છે.
ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ પણ ગર્ભપાતના મુદ્દે બાઇડન સરકાર માટે પોઈન્ટ પર્સન રહ્યાં છે.
ગર્ભપાતનો મુદ્દો તાજેતરની ચૂંટણીઓમાં ડેમૉક્રેટિક વોટબેઝને પ્રોત્સાહિત કરતાં સૌથી અસરકારક મુદ્દાઓમાંનો એક સાબિત થયો.
ડેમૉક્રેટિક કૅમ્પેઇન કમિટીના પ્રમુખ અને ન્યૂયૉર્કના પૂર્વ કૉંગ્રેસી સ્ટીવ ઇઝરાયલે બીબીસીના અમેરિકાસ્ટ પૉડકાસ્ટને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે તે દેશભરની મહિલાઓને યાદ કરાવે છે, ખાસ કરીને યુદ્ધનાં મેદાનોમાં પ્રજનન અધિકારો સામે શું જોખમ છે."
કમલા હૅરિસની નબળાઈઓ

ઇમેજ સ્રોત, Getty Images
કમલા હૅરિસની અનેક પ્રકારની તાકાતો હોવા છતાં, કેટલાક ડેમૉક્રેટ્સ શરૂઆતમાં રાષ્ટ્રપતિની રેસમાંથી બાઇડનને દૂર કરવાની તરફેણમાં ન હતા.
ગર્ભપાતના મુદ્દે ડેમૉક્રેટિક સમર્થકોમાં ઉત્સાહ પેદા કરવાના મુદ્દાને બાજુ પર રાખીએ તો ઉપરાષ્ટ્રપતિ તરીકે હૅરિસનો રેકૉર્ડ મિશ્ર રહ્યો છે.
વહીવટના પ્રારંભિક તબક્કામાં કમલા હૅરિસને યુએસ-મૅક્સિકો સરહદ પર ઇમિગ્રેશન કટોકટીના મૂળ કારણોનું સમાધાન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
એનબીસી ન્યૂઝના ઍન્કર લૅસ્ટર હૉલ્ટ સાથે જૂન 2021ના ઇન્ટરવ્યૂ સહિત અનેક ભૂલો અને નિવેદનોએ કમલા હૅરિસની છબીને નુકસાન પહોંચાડ્યું હતું.
રિપબ્લિકન પહેલેથી જ કમલા હેરિસને રાષ્ટ્રપતિના ‘બૉર્ડર ઝાર’ તરીકે વખોડી રહ્યા છે.
આ ઉપરાંત સર્વેક્ષણોમાં તેઓ કમલા હૅરિસને બાઇડનના વહીવટીતંત્રની અલોકપ્રિય ઇમિગ્રેશન નીતિઓનો ચહેરો બનાવીને તેમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્ટીવ ઇઝરાયલે કહ્યું, "યુદ્ધભૂમિના ક્ષેત્રોમાં ડેમૉક્રેટ્સ માટે ઇમિગ્રેશન એક સોફ્ટ સ્પોટ જેવું રહ્યું છે. ઉપનગરોમાં રહેતાં મતદાતાઓ માટે તે ખૂબ જ પ્રમુખ મુદ્દો રહ્યો છે. ત્યાંના લોકોનું માનવું છે કે ઇમિગ્રેશન સિસ્ટમ પર્યાપ્તપણે કારગર નથી.''
અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હૅરિસની એક નબળાઈ એ ઉમેદવાર તરીકેનો તેમનો ઉતારચઢાવ ભર્યો ટ્રૅકરેકૉર્ડ છે.
વર્ષ 2020માં તેમણે ડેમૉક્રેટિક રાષ્ટ્રપતિપદની નોમિનેશનની રેસમાં મોટી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો.
જોકે, કમલા હૅરિસે શરૂઆતમાં સરસાઈ તો હાંસલ કરી લીધી હતી પરંતુ ત્યારબાદ તેમના અસફળ ઇન્ટરવ્યૂ, સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત વિઝનનો અભાવ અને નબળી ચૂંટણી ઝુંબેશને કારણે તેમને પ્રારંભિક ચૂંટણી પ્રક્રિયામાંથી જ બહાર નીકળી જવું પડ્યું હતું.
હૅરિસ પાસે તેમની છાપ છોડવાનો મોકો

ઇમેજ સ્રોત, Getty Images
હૅરિસ માટે કદાચ સૌથી મોટો પડકાર એ છે કે તેઓ રાષ્ટ્રપતિ નથી.
આ કારણથી કમલા હૅરિસ પોતાને બાઇડનના કેટલાક અલોકપ્રિય નિર્ણયોથી દૂર રાખી શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે રિપબ્લિકન સમર્થકો કમલા હૅરિસની સામે ટ્રમ્પને એકમાત્ર પ્રમાણિક ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે.
જોકે, આવનારા દિવસોમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ પાસે અમેરિકી પ્રજામાં પહેલી વાર પોતાની છાપ છોડવાનો મોકો છે.
જો તેઓ તેમાં નિષ્ફળ જાય છે તો પાર્ટીમાં સંઘર્ષની શરૂઆત થઈ શકે છે.
જે ઝડપથી છેલ્લા ચાર અઠવાડિયામાં વ્હાઇટ હાઉસમાં પહોંચવાની રેસમાં બદલાવ થઈ રહ્યો છે, એ પરિસ્થિતિમાં કમલા હૅરિસને હજુ એ સાબિત કરવાનું છે કે તેઓ ટ્રમ્પને ટક્કર આપી શકે છે.












