લખપા શેરપા: 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલાને જ્યારે ઘરેલુ હિંસાએ તોડી નાખ્યાં

લખપા શેરપા, 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલા, ઘરેલુ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

લખપા શેરપા પહાડોની દુનિયા જ નહીં અંગત જિંદગીમાં પણ ફાઇટર છે. લખપાએ એક નહીં પણ દસ વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે.

તેમણે પોતાનો જ રેકૉર્ડ વારેવારે તોડ્યો છે. પણ અંગત જિંદગીમાં સંબંધો સામે તેમણે વારંવાર હાર માનવી પડી છે.

લખપાની ખૂબ ચર્ચા થઈ છે. ચહેરા પર હાસ્ય હતું. પણ આંખોમાં છુપાયેલું દર્દ હતું. એક લગ્નનું તૂટવું અને પ્રેમ બાદ મળેલો જખમો. પરંતુ આ દર્દ કેવી રીતે છુપાવવું એ લખપા શેરપા જાણતાં હતાં.

લખપા એક નેપાળી શેરપા મહિલા છે. એક અપરિણીત માતાથી લઈને પતિની મારઝૂડ વેઠવા સુધીનું તેમનું અંગત જીવન સંઘર્ષોથી ભરેલું છે.

હવે તેમની કહાણી નેટફ્લિક્સ પર એક ડૉક્યુમેન્ટરીના માધ્યમથી દર્શાવાશે. મહિલાઓમાં સૌથી વધુ વાર એવરેસ્ટ સર કરનાર શેરપાએ બીબીસી સાથે વાત કરી છે.

તેઓ કહે છે કે કેવી રીતે તેમના પતિ મારઝૂડ કરતા હતા. આ મારઝૂડ માત્ર ઘરની ચાર દીવાલો સુધી સીમિત નહોતી. પણ 2004માં એવરેસ્ટ સમિટ દરમિયાન બધાની સામે થઈ હતી.

તેના સાક્ષી ત્યાં હાજર રહેલા લોકો પણ હતા. દુનિયાની સૌથી ઊંચી ટોચ પર સૌથી વધુ વાર ચડનાર મહિલા લખપા શેરપા હાલમાં અમેરિકામાં પોતાનાં ત્રણ બાળકોનું પાલનપોષણ કરી રહ્યાં છે.

તેમના પાલન માટે તેઓ ગ્રોસરી સ્ટોરમાં ક્લીનર તરીકે કામ કરે છે. તેમનું સપનું પોતાની ગાઇડિંગ કંપની શરૂ કરવાનું છે. તેઓ પહાડો પર થયેલા અનુભવો અને વિશેષતાને અન્ય લોકો સુધી પહોંચાડવા માગે છે.

બીબીસી ગુજરાતી

સામાન્ય ટ્રેનિંગના સહારે બનાવ્યા રેકૉર્ડ

લખપા શેરપા, 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલા, ઘરેલુ હિંસા

ઇમેજ સ્રોત, Netflix

લખપા શેરપાની જિંદગી પર બની રહેલી નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટરીનું નામ 'માઉન્ટેન ક્વીન: ધ સમિટ્સ ઑફ લખપા શેરપા' છે. જેને લ્યુસી વૉકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પર તેઓ બીબીસીને કહે છે, "હું લોકોને દેખાડવા માગું છું કે મહિલાઓ આ કરી શકે છે."

લખપાએ સામાન્ય ટ્રેનિંગના સહારે એવરેસ્ટનું રેકૉર્ડતોડ દસ વાર ચઢાણ કર્યું છે. હવે તેઓ અમેરિકાના કનેક્ટિક્ટના પહાડો પર ચડીને પોતાને ફિટ રાખી રહ્યાં છે.

તેમની ફિટનેસસ જોઈને ફિલ્મ ડાયરેક્ટર લ્યુસી તેમનાં ઊંચાં કદ અને મજબૂત શરીરનાં વખાણ કરે છે. તેઓ કહે છે કે લોકો તેને સામાન્ય ગણે છે, પરંતુ આ એક અકલ્પનીય સિદ્ધિ છે કે તમે પોતાની નોકરીની સાથેસાથે એવરેસ્ટનું ચઢાણ પણ કરી રહ્યા છો.

જોકે જવાબમાં શેરપા કહે છે કે તેઓ અભ્યાસમાં એટલાં સારાં નથી. પણ પહાડો સાથે તેમનો સારો તાલમેલ છે.

માતા-પિતાનાં 11 બાળકો

લખપા શેરપા, 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલા, ઘરેલુ હિંસા

ઇમેજ સ્રોત, Netflix

યાકને પાળનારા પરિવારમાં 1973માં નેપાળના પહાડોમાં તેમનો જન્મ થયો. તેઓ તેમનાં માતા-પિતાનાં 11 બાળકોમાંનાં એક હતાં.

શેરપા એવી જગ્યાએ ઊછર્યાં અને મોટાં થયાં કે જ્યાં શિક્ષણને પ્રાથમિકતા આપવામાં આવતી ન હતી. પહાડો પર કલાકો ચાલીને તે પોતાના ભાઈને શાળાએ છોડવા જતાં અને પરત આવતાં. પરંતુ તેમને શાળાની અંદર જવાની અનુમતિ ન હતી. જોકે, હવે તેમના દેશમાં પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.

તેમના દેશમાં મહિલાઓનું શિક્ષણ પ્રમાણ 1981માં 10 ટકા હતું જે 2021માં વધીને 70 ટકા થયું છે.

પરંતુ શેરપા લખેલા શબ્દોને વાંચી શકતાં નથી. શિક્ષિત ન હોવાને કારણે તેમને બધી જ તકલીફો પડે છે. એવામાં તેમનાં ત્રણ બાળકો તેમને મદદ કરે છે.

90ના દાયકામાં તેમના પુત્રનો જન્મ થયો હતો. જ્યારે તેમની દીકરીઓ સની 22 વર્ષ અને શાઇની 17 વર્ષનાં છે. શેરપા ક્યારેય શાળાએ નથી ગયાં.

લગ્ન વિના માતા બન્યાં બાદ વિદેશી યુવાન સાથે પ્રેમ

લખપા શેરપા, 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલા, ઘરેલુ હિંસા

ઇમેજ સ્રોત, Netflix

જ્યારે લખપા શેરપા 15 વર્ષનાં હતાં, ત્યારે તેમણે પર્વતીય અભિયાનોમાં કૂલી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમના કામને કારણે તેઓ પરંપરાગત રીતે ગોઠવાતાં પારિવારિક લગ્નો માટે ના પાડી શકતાં હતાં.

પરંતુ લગ્ન વિના જ તેઓ ગર્ભવતી બની જતાં તેમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું. તેઓ કાઠમંડુમાં કોઈની સાથે સંબંધમાં હતાં. આવી સ્થિતિમાં લગ્ન કર્યાં વિનાની માતાનું ઘરે જવું એ ખૂબ જ શરમજનક બાબત હતી.

તેમણે પર્વતો સાથેનું પોતાનું જોડાણ તોડ્યું ન હતું. આ કામ દરમિયાન તેમની મુલાકાત રોમાનિયન મૂળના અમેરિકન પર્વતારોહક જ્યૉર્જ ડેઝમારેસ્કુ સાથે થઈ. તેઓ ઘરના રિનોવેશન કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. તેઓ સરમુખત્યાર નિકોલે ચાઉસેસ્કુના આધિપત્ય હેઠળના રોમાનિયામાંથી ભાગી આવ્યા હતા.

2002માં તેઓ શેરપાને મળ્યા. ત્યાં સુધીમાં તો તેમણે અમેરિકામાં પોતાનું નવું જીવન શરૂ કરી દીધું હતું. જ્યૉર્જથી શેરપાને બે દીકરીઓ સની અને શાઈની થઈ.

જ્યારે બધાની સામે મારપીટ કરવા લાગ્યા પતિ

લખપા શેરપા, 10 વાર એવરેસ્ટ સર કરનાર મહિલા, ઘરેલુ હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યૉર્જ લગ્ન પછી હિંસક બની ચૂક્યા હતા. તેમણે શેરપા સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું હતું.

વર્ષ 2004માં લખપા શેરપા અને જ્યૉર્જ જ્યારે ન્યૂ ઇંગ્લૅન્ડ ક્લાઇમ્બિંગ ગ્રૂપ સાથે આરોહણ કરી રહ્યાં હતાં ત્યારે સૌએ જ્યૉર્જના હિંસક વ્યવહારને જોયો.

ટોચ પર પહોંચ્યા પછી તેમને ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો.

સ્થાનિક અખબાર માટે રિપોર્ટિંગ કરવા આવેલા પત્રકાર માઇકલ કોડાસને પણ તે ઘટના યાદ છે.

તેઓ કહે છે કે જ્યૉર્જનું વર્તન અચાનક બદલાઈ ગયું. તેમણે ડૉક્યુમેન્ટરીમાં જણાવ્યું કે શેરપા તે સમયે જ્યૉર્જ સાથે ટેન્ટમાં હતાં.

જ્યૉર્જે ત્યાં જ શેરપા સાથે મારપીટ કરી હતી. તેની તસવીરો કોડાસે ક્લિક કરી હતી. જેમાં શેરપા બેભાન અવસ્થામાં પડેલાં જોવાં મળ્યાં હતાં.

જ્યૉર્જ તંબુની બહાર તેમને કાઢી રહ્યા હતા અને કહ્યું કે, “આ કચરાને બહાર ફેંકી દો.”

કોડાસે તેમના 2008ના પુસ્તક 'હાઈ ક્રાઇમ્સઃ ધ ફેટ ઑફ એવરેસ્ટ ઇન ધ એજ ઑફ ગ્રીડ'માં આ હિંસક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

સંબંધો તબાહ થવા છતાં પણ શેરપાએ જ્યૉર્જ સાથેના સંબંધો જાળવી રાખ્યા. આ રીતે બીજા ઘણાં વર્ષો વીતી ગયાં. પરંતુ 2012માં ફરી એક વાર જ્યૉર્જે શેરપા સાથે મારપીટ કરી અને એ એટલી ભયાવહ હતી કે શેરપાને હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં.

એક સામાજિક કાર્યકરની મદદથી તેઓ પોતાની દીકરીઓને મહિલા આશ્રયસ્થાનમાં લઈ ગયાં. આખરે વર્ષ 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા

2016માં કોર્ટે તેની બે દીકરીઓની કસ્ટડી શેરપાને સોંપી હતી. તે સમયે પ્રકાશિત થયેલા એક આઉટસાઇડ ઑનલાઇનના અહેવાલમાં જણાવાયું હતું કે, “જ્યૉર્જને છ મહિનાની સસ્પેન્ડેડ કેદ અને એક વર્ષનું પ્રોબેશન આપવામાં આવ્યું હતું. તેમને શાંતિભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.”

પરંતુ કોર્ટના દસ્તાવેજો અનુસાર શેરપાને તેમના માથા પર કોઈ દેખીતી ઈજા ન હોવાને કારણે જ્યૉર્જ સેકન્ડ-ડિગ્રી હુમલા માટે દોષિત ઠર્યા ન હતા.

લગ્નથી મળેલા આઘાતે જીવવું મુશ્કેલ બનાવી દીધું

જ્યૉર્જ ડેઝમારેસ્કુ 2020માં કૅન્સરથી મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમણે લખપા શેરપાને જે જખમો આપ્યા તે ભરવા મુશ્કેલ છે. શેરપા કહે છે કે તેઓ પોતાનું જીવન ગુપ્ત રાખવા માંગતાં હતાં. તેઓ ઇચ્છતાં ન હતાં કે દુનિયા તેમના વિશે જાણે.

પરંતુ જ્યારે તેમના પુત્રે લ્યુસી વૉકરનું ભૂતકાળનું કામ જોયું ત્યારે તેમણે તેમની માતાને આ ફિલ્મ કરવાની સલાહ આપી.

શેરપાને ફિલ્મ માટે રાજી થવા અંગે લ્યુસીએ તેમને કહ્યું, "જો તમે તમારી વાર્તા શૅર કરશો, તો લોકો તમને વધુ પ્રેમ કરશે, કારણ કે જ્યારે તમે લોકોને તમારા મુશ્કેલ સમય વિશે જણાવશો, ત્યારે મને લાગે છે કે અન્ય લોકો તમારી સાથે વધુ જોડાણ અનુભવી શકશે.”

તેમનાં લગ્ન વિશે શેરપા કહે છે કે તેમને જે આઘાત લાગ્યો હતો ત્યાર બાદ તેમનું જીવન મુશ્કેલ બની ગયું હતું.

રુંધાયેલા અવાજમાં તેમણે કહ્યું, "મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે. મેં સખત મહેનત કરી છે. મારામાં ઘણી હિંમત આવી છે. ઘણી વાર હું પૂછું છું કે હું કેમ જીવિત છું, હું કેમ મરી નથી, કેટલા જોખમો હતા. હું લગભગ સ્વર્ગમાં પહોંચી ગઈ અને પાછી ફરી. ઘાયલ મહિલા બહુ કઠોર બની જાય છે. તે સરળતાથી હાર માનતી નથી. અને આજે હું એ જ કરી રહી છું.”

લખપા માટે પર્વતો પર ચડવું એ માત્ર તેમનો શોખ નથી પણ હિલિંગ પ્રોસેસ છે. વર્ષ 2022માં તેમણે 10મી વખત એવરેસ્ટ પર ચઢીને વધુ એક રેકૉર્ડ તોડ્યો. તેમના જીવન પર બનેલી ડૉક્યુમેન્ટરી 31 જુલાઈના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.