'પેટમાં દુખાવો થતા હું પાછો આવ્યો અને...', ઉત્તરકાશીમાં હિમપ્રપાતમાં ફસાયેલા ગુજરાતીઓ પર શી વીતી?

ઉત્તરકાશીમાં હિમપ્રપાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, બાદલ દરજી
    • પદ, બીબીસી ગુજરાતી
લાઇન
  • ચોથી સપ્ટેમ્બરે ઉત્તરકાશીમાં દ્રૌપદી-કા-ડાંડા-2 શિખર પાસે થયો હતો હિમપ્રપાત
  • હિમપ્રપાતમાં નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના 29 તાલીમાર્થીઓ ફસાઈ ગયા હતા
  • આ 29 તાલીમાર્થીઓમાંથી છ તાલીમાર્થીઓ ગુજરાતના છે
  • આ છ પૈકી પાંચ તાલીમાર્થીઓ સલામત રીતે પાછા ફર્યા છે
  • હજી પણ ગુજરાતના એક તાલીમાર્થીની શોધખોળ યથાવત્ છે

"કૅમ્પ વનથી અમે 40 લોકો દ્રૌપદી-કા-ડાંડા-2 શિખર સર કરવા માટે નીકળ્યા હતા. શિખરથી 300 મીટર દૂર મને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો. જેથી મારા ઇન્સ્ટ્રક્ટરે મને પાછો જવા કહ્યું. હું કૅમ્પ પર પાછો આવ્યો અને થોડી વારમાં જાણવા મળ્યું કે હિમપ્રપાતમાં આખી ટીમ ફસાઈ ગઈ છે."

મૂળ ભાવનગરના કલ્પેશ બારૈયા એ નસીબદાર લોકોમાંથી એક છે, જેમનો તાજેતરમાં ઉત્તરકાશીમાં દ્રૌપદી-કા-ડાંડા-2 શિખર પાસે થયેલા હિમપ્રપાતમાં આબાદ બચાવ થયો છે.

કલ્પેશ ગુજરાતના છ પર્વતારોહીઓમાંથી એક છે જે ઉત્તરકાશીસ્થિત નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (એનઆઈએમ)માં 'ઍડવાન્સ' પ્રશિક્ષણ માટે ગયા હતા.

તેઓ આગળ કહે છે, "હું સવારે આઠ વાગ્યાની આસપાસ કૅમ્પ પર પાછો આવ્યો અને થોડી વાર આરામ કર્યો હતો. એટલામાં જાણ થઈ કે ઍવલાન્ચ (હિમપ્રપાત)માં અમારી આખી ટીમ ફસાઈ ગઈ છે. હું જ્યારે પાછો ફર્યો ત્યારે 40 લોકો હતા, એમાંથી માત્ર 11 લોકો એ દિવસે પાછા ફર્યા હતા."

એનઆઈએમે શુક્રવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે હિમપ્રપાતના કારણે 29 લોકો ફસાયેલા હતા, જેમાં બે પ્રશિક્ષકો અને 27 તાલીમાર્થી અને સામેલ હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ચાર દિવસ ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશન દરમિયાન 26 મૃતદેહો મળ્યા હતા. જ્યારે ત્રણ તાલીમાર્થીની શોધખોળ ચાલુ છે.

કલ્પેશ બારૈયાના કહેવા પ્રમાણે આ ત્રણ તાલીમાર્થીમાં ગુજરાતના અર્જુનસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.

line

'અમે સાત લોકોને જીવતા બહાર કાઢ્યા'

ઉત્તરકાશીમાં હિમપ્રપાત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હિમપ્રપાતમાંથી બચાવાયેલા તાલીમાર્થીઓને આઈટીબીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા

ગુજરાતના છ તાલીમાર્થીઓ પૈકી રાજકોટના શિક્ષક અને પર્વતારોહી ભરતસિંહ પરમાર હિમપ્રપાતમાં ફસાયેલા લોકો પૈકીના એક છે.

તેઓ જણાવે છે, "અમારી ટ્રેનિંગ 14 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી. ટ્રેનિંગના અંતે અમારે દ્રૌપદી-કા-ડાંડા-2 શિખર પર પહોંચવાનું હતું અને ત્યાં બે કલાક રહીને પાછા આવવાનું હતું."

તેઓ કહે છે, "અમારો બેઝ કૅમ્પ 11,400 મીટરની ઊંચાઈએ હતો. ત્યાં શરૂઆતની ટ્રેનિંગ થઈ. ટ્રેનિંગનો બીજો તબક્કો ઍડવાન્સ કૅમ્પ ખાતે થયો હતો. જે 14,600 મીટરની ઊંચાઈએ હતો. ત્યાંથી પછી અમે 53 લોકો કૅમ્પ વન પહોંચ્યા હતા. જે 16,800 મીટરની ઊંચાઈએ આવેલો છે."

કૅમ્પ વનથી 42 લોકો ચોથી સપ્ટેમ્બરે દ્રૌપદી-કા-ડાંડા-2 શિખર સર કરવા માટે જવાના હતા.

ભરતસિંહના કહેવા પ્રમાણે તેઓ રાત્રે બે વાગ્યે કૅમ્પ વનથી નીકળવાના હતા, પરંતુ હિમવર્ષાના કારણે તેમણે પોણા ચાર વાગ્યે ચડવાનું શરૂ કર્યું હતું.

તેઓ કહે છે, "અમે લોકો પાંચ ટીમ બનાવીને ચઢી રહ્યા હતા. તમામ ટીમો એકબીજા સાથે ઍન્કર વડે જોડાયેલી હતી. અમે શિખરથી થોડે જ દૂર હતા અને અચાનક જ હિમપ્રપાત આવ્યો અને બરફમાં ધસાયેલું ગ્રૅપલ તૂટતાં અમે બધા જ નીચે પડવા લાગ્યા."

ઉત્તરકાશીમાં હિમપ્રપાત

ઇમેજ સ્રોત, Bharatsinh Parmar

ઇમેજ કૅપ્શન, તાલીમાર્થીઓનો કૅમ્પ

ભરતસિંહ આગળ કહે છે, "કેટલાક લોકો થોડે જ નીચે આવેલી ગ્રેવાસમાં જતા રહ્યા હતા અને મારા સહિત કેટલાક લોકો બરફમાં ફસાઈ ગયા હતા. બહાર નીકળ્યા બાદ સૌથી પહેલા જે લોકો આસપાસમાં હતા, બધા એકઠા થયા. અમારા એક ઇન્સ્ટ્રક્ટરે બેઝ કૅમ્પ પર આ ઘટનાની જાણ કરી."

નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગમાં 'ઍડવાન્સ' કોર્સમાં સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ વિશે પણ શીખવવામાં આવતું હોવાથી અને તાલીમની શરૂઆતમાં તેમણે અભ્યાસ કર્યો હોવાથી ભરતસિંહ અને તેમની સાથે બચેલા લોકોએ અન્યોને બચાવવાનું કામ શરૂ કર્યું હતું.

તેઓ કહે છે, "આ દુર્ઘટના વિશે સવારે 7:45એ એનડીઆરએફને જાણ કરવામાં આવી હતી પણ પ્રતિકૂળ વાતાવરણ હોવાથી હેલિકૉપ્ટર આવી શકે તેમ ન હતું. જેથી અમે જાતે જ લોકોને બચાવવાના શરૂ કર્યા હતા."

પ્રારંભિક સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ ઑપરેશન વિશે તેઓ જણાવે છે, "એનડીઆરએફને જાણ કર્યા બાદ અમે આસપાસમાં સાથીઓને શોધવાનું શરૂ કર્યું. અમારી પાસે પીવા માટે પાણી કે ખાવા માટે પણ કંઈ ન હતું. બપોરે એનડીઆરએફની ટીમ આવી ત્યાં સુધી અમે સાત લોકોને જીવતા બચાવ્યા હતા અને ચાર મૃતદેહ બહાર કાઢ્યા હતા."

સવારે પોણા ચાર વાગ્યે કૅમ્પ વનથી 42 લોકો શિખર સર કરવા નીકળ્યા હતા. જેમાંથી ભરતસિંહ સહિત 11 લોકો તે દિવસે પાછા ફર્યા હતા.

line

કોણ છે ગુજરાતના છ લોકો?

ઉત્તરકાશીમાં હિમપ્રપાત

ઇમેજ સ્રોત, Bharatsinh Parmar

ઇમેજ કૅપ્શન, ગુજરાતના તાલીમાર્થીઓ

નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ મુજબ બેઝિક પ્રશિક્ષણમાં 97 તાલીમાર્થીઓ અને 24 પ્રશિક્ષકો અને એક એનઆઈએમ અધિકારી સહિત કુલ 122 લોકો હતા.

જ્યારે ઍડવાન્સ કોર્સમાં 44 તાલીમાર્થીઓ અને 9 પ્રશિક્ષકો સહિત કુલ 53 લોકો સામેલ હતા.

નહેરુ પર્વતારોહણ સંસ્થાન (એનઆઈએમ)એ ગત મંગળવારે જણાવ્યું હતું કે ડોકરાણી નામક ગ્લેશિયર પર 22 સપ્ટેમ્બરથી બેઝિક અને ઍડવાન્સનું પ્રશિક્ષણ ચાલી રહ્યું હતું.

ભરતસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે ગુજરાતના છ પર્વતારોહીમાં તેમના સહિત ભાવનગરના કલ્પેશ બારૈયા તેમજ અર્જુનસિંહ ગોહિલ, સુરતના ચેતના રાખોલિયા, અમદાવાદના દીપ ઠક્કર અને જામનગરથી દીપકકુમાર શર્માનો સમાવેશ થાય છે.

આ છ લોકો પૈકી દીપ ઠક્કર અને દીપકકુમાર શર્માને બાદ કરતાં ચારેય લોકો માઉન્ટ આબુસ્થિત સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના માનદ પ્રશિક્ષકો છે અને સરકાર તરફથી તેમને ઉત્તરકાશીમાં પ્રશિક્ષણ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.

જ્યારે ચેતના રાખોલિયા ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પૅક્ટર તરીકે અને દીપકકુમાર શર્મા જામનગર ઍરફોર્સ સ્ટેશનમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવે છે.

પાંચ સપ્ટેમ્બરે ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી અને પર્વતારોહી તેમજ માનદ ઇન્સ્ટ્રક્ટર અને વકીલ નિકુંજ બલરે હિમપ્રપાતમાં ફસાયેલા ગુજરાતીઓને સલામત પાછા લાવવા માટે મુખ્ય મંત્રીને પત્ર પણ લખ્યો હતો.

line

નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ શું છે?

ઉત્તરકાશીમાં હિમપ્રપાત

ઇમેજ સ્રોત, Nehru Institute of Mountaineering

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગની વેબસાઇટ પ્રમાણે, તે ભારતમાં આવેલા પાંચ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાંની એક છે અને એશિયાની સૌથી પ્રખ્યાત માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે.

એનઆઈએમની સ્થાપના વર્ષ 1965માં થઈ હતી ત્યારથી તે પર્વતારોહીઓ તેમજ સૈનિકોને પર્વતારોહણ સહિત પહાડોમાં રાહત અને બચાવકાર્યની તાલીમ આપે છે.

સમય જતાં ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ તબક્કાની તાલીમો આપવાની શરૂઆત થઈ હતી. હાલમાં અહીં વિવિધ સાત કોર્સ ચાલુ છે.

  • ઍડવેન્ચર કોર્સ
  • બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ
  • ઍડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ
  • સર્ચ ઍન્ડ રેસ્ક્યૂ કોર્સ
  • મૅથડ ઑફ ઇન્સ્ટ્રક્શન કોર્સ
  • સ્કીઇંગ કોર્સ
  • સ્પેશિયલ કોર્સ

આ કોર્સ અંતર્ગત પર્વતારોહણ શીખવા ઇચ્છતા લોકો સહિત વિવિધ રાજ્યોમાં આવેલી પર્વતારોહણ સંસ્થાઓના પ્રશિક્ષકો અને સેનાની તમામ એકમના સૈનિકો અને અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં આવે છે.

નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગનું સંચાલન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. અહીં પર્વતારોહણ સિવાય ઍડવેન્ચર સ્પૉર્ટ્સ અને વિન્ટર સ્પૉર્ટ્સની પણ તાલીમ આપવામાં આવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન