કોરોનામાં પિતાના મૃત્યુ બાદ આ દીકરીએ જવાબદારી ઉપાડી, ગાંઠિયા વણી ચલાવે છે ગુજરાન

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ ગાંઠિયા બનાવીને પરિવારનું ગુજરાન

ઇમેજ સ્રોત, Bipin Tankariya

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, રાજકોટ અને દિલ્હીથી
લાઇન
  • કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ દીકરીએ શરૂ કર્યો પારિવારિક વ્યવસાય
  • શરૂઆતમાં ઘરેથી ધંધો કર્યા બાદ દુકાન ભાડે લીધી, હાલ ખુદ ચલાવે છે
  • ક્યારેય ચૂલા પર ન બેસેલી દીકરીએ જાતે ગાંઠિયા-ફાફડા તળવાનું શરૂ કર્યું
  • માતા-પુત્રીએ સાહસ કર્યાના દોઢ વર્ષ બાદ પણ ગુજરાન ચલાવવું અઘરું
લાઇન

"મારું એક જ સ્વપ્ન છે કે મારી માતા અને ભાઈને ક્યારેય પપ્પાની ખોટ ન અનુભવાય. એ બેનાં સપનાં જ મારા સપનાં છે."

19 વર્ષીય હેતવી હળવદિયા પોતાની ફરસાણની દુકાનમાં બેસીને હસતાં-હસતાં આ વાત કહે છે. હેતવીના પિતા મહેશભાઈનું દોઢ વર્ષ પહેલાં કોરોનામાં અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ તેઓ નિરાધાર ન થયા, તેમણે જાતે પિતાનો ફરસાણનો વ્યવસાય આગળ વધવાનો નિર્ણય લીધો.

પરિવાર કે સમાજ પાસેથી મદદ લીધા વગર હેતવી અને તેમનાં માતા ભાવનાબહેને ઘરેથી ફરસાણનો વ્યવસાય શરૂ કર્યો હતો.

આજે દોઢ વર્ષ બાદ માતા-પુત્રી સાથે મળીને રાજકોટમાં મંગળા મેઇન રોડ પર વિરાણી સ્કૂલ પાસે ફરસાણની દુકાન ચલાવે છે.

આ દોઢ વર્ષમાં ઘણા પડકારો અને સમસ્યાઓનો સામનો કર્યા બાદ પણ તેમણે પાછું વળીને જોયું નથી અને તેઓ નાના ભાઈને ભણાવવાની સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે.

line

'અમે મા-દીકરી ધંધો કેવી રીતે સંભાળી શકીશું?'

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ ગાંઠિયા બનાવીને પરિવારનું ગુજરાન

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ભાવનાબહેન અને હેતવી

હેતવીના પિતા મહેશભાઈ રાજકોટમાં ફરસાણની દુકાન ચલાવતા હતા. દોઢ વર્ષ પહેલાં તેઓ અને તેમનાં માતા ભાવનાબહેન કોરોનાની ચપેટમાં આવી ગયાં હતાં.

ભાવનાબહેન હળવદિયાના જણાવ્યા અનુસાર, બંનેએ સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લીધી હતી. તેમની સારવાર 15 દિવસમાં પૂરી થતાં તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે મહેશભાઈને 40 દિવસ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, "હું તો સાજી થઈ ગઈ, પણ તેમની તબિયત સુધારા પર ન હતી. તેમને ઘરે લાવ્યા બાદ પણ તબિયત બરાબર ન હતી."

મહેશભાઈ પરિવારના એકમાત્ર મોભી હતા અને તેમની તબિયત સતત લથડતી રહેતી હોવાથી ભાવનાબહેને તેમની ભાડાની દુકાન પાછી આપવાનું નક્કી કર્યું. સમય જતાં ફેફસાંમાં ઇન્ફૅક્શન વધી જતાં તેમનું અવસાન થયું હતું.

જોકે પરિવારની જવાબદારી માથે હોવાથી ભાવનાબહેન અને પુત્રી હેતવીએ ઘરેથી ફરસાણનો વ્યવસાય શરૂ કર્યો હતો.

ભાવનાબહેન જણાવે છે, "ઘરેથી ધંધો ચાલુ કર્યો પણ એ સફળ ન રહ્યો. જેથી દીકરીએ દુકાન ભાડે લેવાનો નિર્ણય લીધો."

"મને ડર હતો કે અમે કેવી રીતે દુકાન સંભાળી શકીશું પણ હેતવીએ હિંમત રાખી અને મને પણ આશ્વાસન આપ્યું. બાદમાં અમે દુકાન લીધી અને અમે ફરસાણનો ધંધો ચાલુ કર્યો."

line

ગ્રાહકોના પ્રતિભાવ જાણીને સુધાર લાવ્યા

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ ગાંઠિયા બનાવીને પરિવારનું ગુજરાન

ઇમેજ સ્રોત, Bipin Tankariya

દુકાન ભાડે રાખ્યા બાદ તેમણે અન્ય જગ્યાએથી ફરસાણ લાવીને વેચવાનું શરૂ કર્યું હતું પણ દુકાને આવતા મોટાભાગના લોકોએ તેમને વણેલા ગાંઠિયા-ફાફડા વેચવાનું સૂચન કર્યું હતું.

હેતવી કહે છે, "અમે દુકાન તો સંભાળી લેતા હતા, પણ વણેલા ગાંઠિયા-ફાફડા બનાવતા આવડતું ન હતું. હું ઘરે પણ ક્યારેય કંઈ તળવા બેસી ન હતી."

ભાવનાબહેન જણાવે છે કે, "શરૂઆતમાં અમે એક કારીગર રાખ્યો. તેને દિવસના 350 રૂપિયા આપતા હતા પણ વધારે ગ્રાહકો ન આવતા હોવાથી 15 દિવસમાં જ તેને છૂટો કરવો પડ્યો પણ હેતવીએ જાતે શીખવાનું નક્કી કર્યું."

હેતવીના કહે છે કે તેમના પિતા દુકાન ચલાવતા હતા, ત્યારે પણ તેઓ ત્યાં બેસતાં હતાં પણ તેઓ ક્યારેય કંઈ કામ શીખ્યાં ન હતાં.

તેઓ કહે છે કે, "મેં જ્યારે ગાંઠિયા અને ફાફડા તળવાનું શરૂ કર્યું તો શરૂઆતમાં મજા ન આવી. જેમ-જેમ ગ્રાહકોએ પ્રતિભાવ આપ્યા, તેમ-તેમ શીખતી ગઈ અને 15 દિવસમાં જ હું બરાબર બનાવતાં શીખી ગઈ. આજે કોઈ તકલીફ વગર હું ગાંઠિયા-ફાફડા વણી અને તળી લઉં છું."

line

'આશા છે કે એકાદ વર્ષમાં બધું સારું થઈ જશે'

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ ગાંઠિયા બનાવીને પરિવારનું ગુજરાન

ઇમેજ સ્રોત, Bipin Tankariya

દુકાન પર કામ કરવાની સાથે હેતવી એમ. જે. કુંડલિયા કૉલેજમાં બી.કૉમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

હેતવીનાં માતા ભાવનાબહેન કહે છે કે, "હેતવી કૉલેજ જતી નથી. ઑનલાઇન લૅક્ચર લેવાની સાથે મિત્રો પાસેથી ભણવાનું મટીરિયલ ભેગું કરી લે છે અને આખો દિવસ દુકાને કામ કરીને રાત્રે ભણી લે છે."

તેમની દુકાનનું ભાડું દસ હજાર રૂપિયા છે અને તેમના ઘરનું ભાડું છ હજાર રૂપિયા છે.

આ સિવાય તેમના અને સાતમા ધોરણમાં ભણતાં નાના ભાઈના અભ્યાસનો અને ઘરનો ખર્ચો પૂરો કરવાની જવાબદારી પણ હેતવીના માથે છે.

હેતવી કહે છે કે "આ તો હજી શરૂઆત છે. અમે ધીમેધીમે આગળ વધી રહ્યાં છીએ." તેઓ સમાજને કહેવા માગે છે કે "જે પણ કરવું હોય એ મનથી કરવું જોઈએ. બળજબરીથી થોપવામાં આવેલું કામ ક્યારેય થતું નથી."

ભાવનાબહેન જણાવે છે કે "અમે હિંમત કરીને અહીં સુધી આવ્યાં છીએ અને હિંમત રાખીને આગળ પણ વધી રહ્યાં છીએ. ઘર અને દુકાનનું ભાડું, બંને બાળકોના અભ્યાસનો ખર્ચ અને ઘરખર્ચ માટે માંડમાંડ પૈસા ભેગા થાય છે, પણ અમે હિંમત હાર્યા વગર આ સાહસ કર્યું છે અને આશા છે કે એકાદ વર્ષમાં બધું સારું થઈ જશે."

line

સરકારી આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી 11,032 મૃત્યુ

કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ ગાંઠિયા બનાવીને પરિવારનું ગુજરાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં છ ઑક્ટોબર 2022ની દૃષ્ટિએ કોરોનાથી 11,032 મૃત્યુની સત્તાવાર નોંધ થઈ છે.

જોકે આ આંકડામાં કોમૉર્બિડિટી એટલે કે અન્ય બીમારીઓથી પીડાઈ રહેલા લોકોની ગણતરી કરવામાં આવી નથી. સરકારી ધારાધોરણોમાં ન આવતા હોય અને કોરોના સંક્રમણ બાદ મૃત્યુ પામેલા લોકોની જો આ આંકડામાં ગણતરી કરવામાં આવે તો સાચો આંકડો વધારે હોઈ શકે છે.

(આ અહેવાલમાં બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના ઇનપુટ્મળ્યા છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન