ભારતીય વડા પ્રધાનોની સુરક્ષામાં જ્યારે જ્યારે ચૂક થઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
ભારતમાં સુરક્ષામાં ખામીને કારણે મહાત્મા ગાંધી, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.
સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા, કોઈ હુમલાખોર તેને ભેદે નહીં ત્યાં સુધી જ સંપૂર્ણ સુરક્ષિત હોય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તાજેતરમાં થયેલો ગોળીબાર આ શ્રેણીની એક નવીનતમ કડી છે.
ટ્રમ્પ પરના હુમલા બાદ અમેરિકામાં સુરક્ષામાં ખામીની ઊંડી તપાસ તો ચાલી જ રહી છે, એ ઉપરાંત વીઆઈપી સુરક્ષા સાથે સંકળાયેલી દુનિયાભરની એજન્સીઓએ પણ પોતપોતાની સિસ્ટમની સમીક્ષા શરૂ કરી દીધી છે
ભારતમાં વડા પ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને વિશ્વની સૌથી મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓ પૈકીની એક ગણવામાં આવે છે. વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ સુરક્ષાકવચને મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી અને એ પછી તેને સતત અપગ્રેડ કરવામાં આવતી રહી છે.
ભારતમાં ઐતિહાસિક રીતે એવી ઘણી ભૂલો થઈ છે, જ્યારે વડા પ્રધાનપદ પર બિરાજમાન વ્યક્તિના જીવ પર જોખમ સર્જાયું હતું અને સુરક્ષા એજન્સીઓએ શરમ અનુભવવી પડી હતી. આવો, એવી કેટલીક ઘટનાઓ વિશે જાણીએ.
ભુવનેશ્વરમાં ઇંદિરા ગાંધી પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
1967માં સંસદીય ચૂંટણી દરમિયાન ઇંદિરા ગાંધીએ ભુવનેશ્વરમાં ચૂંટણી સભાને સંબોધવાનું શરૂ કર્યું કે તરત જ ભીડમાંથી કેટલાક લોકોએ મંચ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
એક પથ્થર સુરક્ષા કર્મચારીના માથા પર લાગ્યો હતો અને બીજો એક પત્રકારના પગ પર. જોતજોતામાં સુરક્ષાકર્મીઓ ઇંદિરા ગાંધીની આજુબાજુમાં એકઠા થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરક્ષા અધિકારીઓએ ઇંદિરા ગાંધીને ભાષણ તત્કાળ અટકાવી દેવા વિનંતી કરી હતી, પરંતુ ઇંદિરા ગાંધીએ તેમની વાત સાંભળી ન હતી. વચ્ચે રહી-રહીને મંચ પર પથ્થરમારો થતો રહ્યો હતો. થોડી વાર પછી ઇંદિરા ગાંધી તેમનું ભાષણ પૂર્ણ કરીને મંચ પરની ખુરશી ઉપર બેસી ગયાં હતાં.
તેમનું ભાષણ પૂર્ણ થયા બાદ કૉંગ્રેસના સ્થાનિક ઉમેદવારે ભાષણ શરૂ કર્યું કે તરત જ મંચ પર ફરી જોરદાર પથ્થરમારો થયો હતો.
કેથરીન ફ્રેંકે ઇંદિરા ગાંધીની જીવનકથામાં લખ્યું છે, “એ જોઈને ઇંદિરા ગાંધી ખુરશી પરથી એકદમ ઊભાં થઈ ગયાં હતાં અને માઇક પર પહોંચીને જોરથી કહેવા લાગ્યાં હતાં કે આ કેવી અસભ્યતા છે? તમે આ રીતે દેશનું નિર્માણ કરશો? બરાબર એ જ વખતે મંચ પર એકસાથે અનેક પથ્થર ફેંકવામાં આવ્યા હતા અને એક પથ્થર ઇંદિરા ગાંધીના ચહેરા પર લાગ્યો હતો. તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પથ્થરને કારણે ઇંદિરા ગાંધીના નાકનું હાડકું તૂટી ગયું હતું.”
તેમ છતાં ઇંદિરા ગાંધીએ ચૂંટણીપ્રચાર અટકાવ્યો ન હતો. એ પછીના અનેક દિવસો સુધી નાક પર પ્લાસ્ટર સાથે તેમણે અનેક સભાઓને સંબોધન કર્યું હતું. પોતાની મજાક કરતાં તેમણે કહ્યું હતું, “હું એકદમ બૅટમૅન જેવી લાગું છું.” વડા પ્રધાનની સુરક્ષામાં તે મોટી ચૂક હતી.
બ્લુ બૂકના નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોને એટલા નજીક આવવા દેવાયા હતા કે તેમણે ફેંકેલા પથ્થર મંચ સુધી પહોંચી શકતા હતા. સુરક્ષા એજન્સીઓ માટે દેખીતી રીતે તે એક મોટી શીખ હતી.

રાજઘાટમાં રાજીવ ગાંધી પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
1984માં ઇંદિરા ગાંધીની તેમના પોતાના સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યા બાબતે ઘણું લખાઈ ચૂક્યું છે. એ ઘટનાને હજુ બે વર્ષ પણ થયાં ન હતાં ત્યાં રાજીવ ગાંધીનો જીવ લેવાનો પ્રયાસ થયો હતો.
1986ની બીજી ઑક્ટોબરે સવારે 6.55 વાગ્યે રાજીવ ગાંધી રાજઘાટ સમાધિ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મોટો અવાજ સંભળાયો હતો.
વડા પ્રધાનની સાથે ચાલતા સુરક્ષાકર્મીઓએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. બીજી તરફથી કરવામાં આવેલા ફાયરિંગની ગોળી રાજીવ ગાંધીની પાછળ ફૂલોનો ક્યારો પાર કરી ગઈ હતી. એ ફૂલોની ક્યારીઓને ઘણા દિવસથી પાણી આપવામાં આવતું હતું. તેનો હેતુ એ હતો કે ત્યાં કોઈએ વિસ્ફોટક છુપાવ્યું હોય તો તે નકામું બની જાય.
ધમાચકડી વચ્ચે તમામ સુરક્ષાકર્મીઓ સમગ્ર રાજઘાટમાં ફેલાઈ ગયા હતા અને દરેક ઝાડી તથા ઝાડની તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી કશું ન મળ્યું ત્યારે તેમણે માર્ગની આસપાસની ઇમારતોમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ તેમણે વેલથી લદાયેલા એક વૃક્ષની તપાસ કરી ન હતી. રાજીવ ગાંધી પર ગોળીબાર કરનાર શખ્સ કરમવીરસિંહ ત્યાં છુપાયો હતો.
ત્રણ ગોળી છોડવામાં આવી
લગભગ આઠ વાગ્યે રાજીવ ગાંધી મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચડાવીના પાછા તેમની કાર તરફ જતા હતા ત્યારે બીજી વાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
એ સમયે રાજીવ ગાંધી અને રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સાથે-સાથે પોતાની મોટરકારો તરફ આગળ વધતા હતા.
ઇંદરજિત બધવાર અને તાનિયા મિઢાએ ઇન્ડિયા ટૂડે સામયિકના 31 ઑક્ટોબર, 1986ના અંકમાં લખ્યું છે, “ગોળીબાર થયો કે તરત ઝૈલસિંહે રાજીવ ગાંધીને પૂછ્યું હતું કે હુમલો ક્યાંથી થઈ રહ્યો છે? રાજીવ ગાંધીએ પણ મજાકમાં જવાબ આપ્યો હતો કે હું આવ્યો ત્યારે પણ તેમણે મારું સ્વાગત આવી રીતે કર્યું હતું. હવે લાગે છે કે તેઓ ગોળીબાર કરીને મને વિદાય આપી રહ્યા છે.”
રાજીવ ગાંધીએ ઝૈલસિંહને તેમની બુલેટપ્રૂફ મર્સિડિઝમાં બેસાડ્યા હતા, પરંતુ તેઓ સોનિયા ગાંધી સાથે પોતાની ઍમ્બેસેડર કારમાં બેસતા હતા ત્યારે ત્રીજી ગોળીનો અવાજ સંભળાયો હતો.
એ ગોળી રાજીવ ગાંધીની પાછળ ઊભેલા કૉંગ્રેસના વિધાનસભ્ય બ્રિજેંદરસિંહ મોવાઈ અને બયાનાના ભૂતપૂર્વ જિલ્લા જજ રામચરણલાલને લાગી હતી. રાજીવ ગાંધીએ બરાડીને સોનિયા ગાંધીને કારમાં બેસી જવા કહ્યું હતું અને સુરક્ષાકર્મીઓએ રાજીવ ગાંધીને ચારે તરફથી ઘેરી લીધા હતા.
એ દરમિયાન સુરક્ષાકર્મીઓને પાંદડાંથી ઢંકાયેલા એક ઝાડમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. તેમણે પોતાની 9 એમએમ જર્મન માઉઝર પિસ્તોલ વડે એ તરફ ગોળીબાર કર્યો ત્યારે અચાનક લીલા રંગના વસ્ત્ર પહેરેલો એક યુવાન પોતાના હાથ ઊંચા કરીને ઝાડીમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. ત્યાં હાજર ગૃહમંત્રી બુટાસિંહ અને દિલ્હીના લેફટનન્ટ ગવર્નર એચએલ કપૂરે તે માણસ પર ગોળીબાર કરવાનો આદેશ સુરક્ષાકર્મીઓને આપ્યો હતો.
એ જ વખતે દિલ્હીના મદદનીશ પોલીસ કમિશનર ગૌતમ કૌલે બરાડીને કહ્યું હતું, “ગોળીબાર કરશો નહીં.”
બાદમાં જાણવા મળ્યું હતું કે કરમવીરસિંહ લાંબા સમયથી એ ઝાડીઓમાં છુપાઈને રહેતો હતો. તેની પાસે પ્લાસ્ટિકની એક મોટી શીટ, રૂમાલમાં બાંધેલા શેકેલા ચણા, પાણીથી ભરેલું જેરીકેન, ટેરામાઈસિન અને પીડાશામક ગોળીઓ મળી આવી હતી.
આગલા દિવસે કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન એક કૂતરાએ ભસીને તે ઝાડી તરફ ઈશારો કર્યો હતો, પરંતુ ત્યાં મધપૂડો હોવાને કારણે સુરક્ષાકર્મીઓ આગળ ગયા ન હતા.
સલામતી સંબંધી આ ભૂલ એટલા માટે પણ મોટી હતી કે રાજીવ ગાંધી પર રાજઘાટમાં હુમલો થઈ શકે છે, તેવો રિપોર્ટ ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરોએ થોડા દિવસ પહેલાં જ આપ્યો હતો.
એ પછી દિલ્હી પોલીસે ચોખવટ કરી હતી કે અનેક મોટા કાર્યક્રમો વખતે આ પ્રકારના રિપોર્ટ સામાન્ય રીતે આવતા જ હોય છે. તેથી તે રિપોર્ટને એક રૂટિન વૉર્નિંગ ગણવામાં આવ્યો હતો. આ ભૂલ માટે દિલ્હીના મદદનીશ પોલીસ કમિશનર ગૌતમ કોલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૌતમ કોલ રાજીવ ગાંધીના માસીના દીકરા પણ હતા.
વધુ એકવાર વડાપ્રધાનની સુરક્ષામાં ભંગ
એક વર્ષ પછી ફરી એક વાર વડા પ્રધાનની સુરક્ષામાં ભંગ થયો હતો. રશિયાના તત્કાલીન વડા પ્રધાન નિકોલાઈ રાયઝકોવ ઑક્ટોબર, 1987માં ભારતની મુલાકાતે આવ્યા હતા. બંને વડા પ્રધાનોએ પાલમ ઍરપૉર્ટ પર નક્કી કર્યું હતું કે તેઓ એક જ કારમાં રાષ્ટ્રપતિ ભવન જશે.
ઍરપૉર્ટ પર તેમના સ્વાગત માટે અનેક પ્રધાનો, સૈન્યની ત્રણેય પાંખના વડાઓ અને અનેક ટોચના અધિકારીઓ આવ્યા હતા.
તત્કાલીન વિદેશમંત્રી નટવરસિંહે દિલ્હીના પોલીસ કમિશનર વેદ મારવાહની કારમાં લિફ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો, જેથી તેઓ બંને વડા પ્રધાનો પહેલાં સાઉથ બ્લૉક પહોંચી શકે.
તેનું એક કારણ એ પણ હતું કે પોલીસ કમિશનરની કારને કોઈ રોકવાનું ન હતું અને તે સતત આગળ વધતી રહેશે.
નટવરસિંહે તેમની આત્મકથા ‘વન લાઇફ ઈઝ નોટ ઇનફ’માં લખ્યું છે. “અમે સાઉથ એવેન્યુ પહોંચી ગયા અને પછી રાષ્ટ્રપતિ ભવનની દક્ષિણ તરફ વળ્યા. પછી ત્યાંથી અમે સાઉથ બ્લૉક જતા માર્ગે પ્રયાણ કર્યું. અમે જોયું તો સામે બન્ને વડા પ્રધાનોની કારોનો કાફલો ચાલી રહ્યો હતો.”
“વેદ મારવાહે પોતાની કાર તુરંત રિવર્સમાં લેવાનો આદેશ ડ્રાઇવરને આપ્યો હતો, જેથી તેઓ તેમના માર્ગમાંથી હટી જાય. અમારી બરાબર પાછળ ભજનલાલની કાર હતી. એટલે બંનેની કાર રિવર્સ કરવામાં અડધી મિનિટ થઈ ગઈ. અમારો સામનો વીઆઈપી કારો સાથે થતાં એક કે બે સેકન્ડમાં અટક્યો.”
નટવરસિંહે લખ્યું છે, “એ દરમિયાન રશિયન વડા પ્રધાનની સાથે આગળ વધી રહેલા સુરક્ષાકર્મીઓએ અમારા તરફ તેમની બંદૂકો તાકી દીધી હતી. રાજીવ ગાંધીને આ વાતની ખબર પડી ત્યારે તેમણે પોલીસ કમિશનર વેદ મારવાહને સસ્પેન્ડ કરવા ગૃહમંત્રી બુટાસિંહને કહ્યું હતું. બીજા દિવસે વડા પ્રધાન સાથે મારી મુલાકાત થઈ ત્યારે તેમણે મને બહુ બધું સંભળાવ્યું હતું.”
“મેં સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજીવ ગાંધી પર તેની કોઈ અસર થઈ ન હતી. તેમણે કહ્યું હતું કે સાથે આવી રહેલા રશિયન અંગરક્ષક સલામતીના નિયમનો ભંગ કરવાના કારણે તમારા પર ગોળીબાર કરી શક્યા હોત. મને બહુ શરમ આવી કે મારા કારણે વેદ મારવાહે સસ્પેન્ડ થવું પડ્યું. બાદમાં એ સારું થયું કે થોડા દિવસ પછી વડા પ્રધાનને વાત સમજાઈ અને વેદ મારવાહનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું.”
રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે કોલંબોની મુલાકાતે ગયા હતા ત્યારે પણ તેમના પર શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં હુમલો થયો હતો.
1987ની 30 જુલાઈએ તેમના પર વિજિતા રોહાના નામના શ્રીલંકાના નૌકાદળના એક જવાને પરેડના ઔપચારિક નિરીક્ષણ દરમિયાન તેમના પર બંદૂક વડે પાછળથી હુમલો કર્યો હતો.
રાજીવ ગાંધીના મસ્તક પર ફટકો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમની પાછળ થતી હરકતને પામી ગયા હતા એટલે તેમને ખાસ ઈજા થઈ ન હતી.
એ હુમલા પછી શ્રીલંકા સરકાર અને સુરક્ષા એજન્સીઓએ જોરદાર શરમનો સામનો કરવો પડ્યો હતો.
નરેન્દ્ર મોદીના કાફલામાં સુરક્ષાની ચૂક

ઇમેજ સ્રોત, ANI
2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ ખેડૂતોના આંદોલનને કારણે સર્જાયેલા ટ્રાફિકજામને લીધે પંજાબમાં એક ફ્લાય ઓવર 15-20 મિનિટ સુધી રોકાઈ જવું પડ્યું હતું. એ તેમની સલામતી માટે એક જોખમ હતું.
વડા પ્રધાન કોઈ સ્થળનો પ્રવાસ કરે છે ત્યારે તેમના માટે એક વૈકલ્પિક રૂટ પણ બનાવવામાં આવે છે.
પહેલાં એવું નક્કી થયું હતું કે વડા પ્રધાન ભટિંડા ઍરપૉર્ટ પર ઊતરીને રાષ્ટ્રીય શહીદ સ્મારક સુધી હેલિકૉપ્ટરમાં જશે, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે સડક માર્ગે જવું પડ્યું હતું.
પંજાબના પોલીસવડા તરફથી લીલી ઝંડી મળ્યા બાદ તેમને સડક માર્ગે લઈ જવામાં આવી રહ્યા હતા, તેમાં બે કલાક થયા હતા.
વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી છે એસપીજી પર

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એટલે કે એસપીજીની છે. એસપીજી વડા પ્રધાનને દેશ બહાર પણ સુરક્ષા પ્રદાન કરે છે.
શરૂઆતમાં વડા પ્રધાન આવાસમાં રહેતા તેમના નજીકના સંબંધીઓ પણ કાયમ સલામતીના ઘેરામાં રહેતા હતા, પરંતુ 2019માં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
નવા નિયમ મુજબ, એસપીજીની સુરક્ષા હવે માત્ર વડા પ્રધાનને જ મળે છે.
એસપીજીની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. તેનું હેડ ક્વાર્ટર દિલ્હીના દ્વારકા વિસ્તારમાં છે.
તેના સુરક્ષાકર્મીઓને પસંદગી સીમા સુરક્ષા દળ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આરપીએફ અને ભારત તિબેટ બૉર્ડર પોલીસના જવાનોમાંથી કરવામાં આવે છે.
આ એજન્સીઓના જવાનો સર્વશ્રેષ્ઠ હોય છે. વડા પ્રધાન સાથે ચાલતા એસપીજીના જવાનો કાળા રંગનો સૂટ પહેરે છે. તેમની આંખો પર કાળા રંગનાં ગોગલ્સ હોય છે.
તેનો ઉદ્દેશ આસપાસ નજર રાખવાનો હોય છે, જેથી લોકોને ખબર ન પડે કે તેઓ કઈ તરફ જોઈ રહ્યા છે.
તેઓ લપસી ન પડાય તેવા સોલવાળા બૂટ પહેરતા હોય છે. તેમનાં મોજાં પણ અલગ હોય છે. એ કારણે હથિયાર તેમના હાથમાંથી સરકી પડતાં નથી.
બીજા વર્તુળમાં એસપીજીના જે કમાન્ડો હોય છે તેમની પાસે બેલ્જિયમથી આયાત કરવામાં આવેલી સાડા ત્રણ કિલોની રાઇફલો હોય છે, જે 500 મીટર દૂર સુધી નિશાન તાકી શકે છે.
દરેક કમાન્ડો સવા બે કિલો વજનનું બુલેટપ્રૂફ જૅકેટ પહેરે છે. તેમના ગોઠણ અને કોણી પર પેડ લાગેલાં હોય છે.
બ્લુ બૂકના નિયમોનું પાલન

ઇમેજ સ્રોત, Getty Images
કમાન્ડોની તાલીમ દરમિયાન તેમને માર્શલ આર્ટ શીખવાડવામાં આવે છે, જેથી તેઓ હથિયાર વિના પણ હુમલાખોરનો મુકાબલો કરી શકે. તેમને ક્લોઝ પ્રોટેક્શન ટીમ કહેવામાં આવે છે. તેમની પાસે પિસ્તોલ હોય છે, જે સામાન્ય લોકોને દેખાતી નથી.
મોબાઇલ ફોનથી ઇમપ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઇસમાં વિસ્ફોટના જોખમને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનન કાફલામાં જેમર્સનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. હુમલાખોરોને ભ્રમિત કરવા માટે વડા પ્રધાનના કાફલામાં તેમના વાહન જેવાં જ બે વાહન સાથે ચાલતાં હોય છે.
રાજ્યોમાં વડા પ્રધાનની મુલાકાત પહેલાં એસપીજી બ્લુ બૂકમાં લખેલા નિયમોનું કડકાઈથી પાલન કરે છે.
બ્લુ બૂક અનુસાર, વડા પ્રધાનના પ્રવાસના ત્રણ દિવસ પહેલાં એસપીજી તેમની યાત્રા સાથે જોડાયેલા તમામ લોકો અને સંસ્થાઓ સાથે એક ઍડવાન્સ બેઠક યોજે છે. તેમાં સંબંધિત રાજ્યના ગુપ્તચર બ્યુરોના અધિકારી, પોલીસ ઉચ્ચાધિકારી અને જિલ્લા મૅજિસ્ટ્રેટ સામેલ હોય છે.
તે બેઠકમાં વડા પ્રધાનની મુલાકાત સંબંધી નાનામાં નાના વિગત બાબતે ચર્ચા કરવામાં આવે છે. કટોકટીની સ્થિતિમાં પ્રત્યેક સંજોગના સામના માટે દરેક સ્તરે એક વૈકલ્પિક યોજના બનાવવામાં આવે છે.
વડા પ્રધાનના કાફલામાં દરેક કારનો ક્રમ પહેલાંથી જ નક્કી હોય છે. સૌથી આગળ પાઇલટ કાર, એ પછી મોબાઇલ સિગ્નલ જેમર, એ પછી ડિકોય કાર, પછી વડા પ્રધાનની કાર, મર્સિડિઝ ઍમ્બ્યુલન્સ અને બીજી કાર ચાલતી હોય છે. એક સ્પૅર કાર પણ સાથે હોય છે, જેનો ઉપયોગ વડા પ્રધાનની કાર ખરાબ થાય તો કરી શકાય છે.
વિદેશયાત્રામાં ઍર ઇન્ડિયા-વનનો ઉપયોગ
વડા પ્રધાન વિદેશયાત્રા કાયમ ઍર ઇન્ડિયા-વન વિમાનમાં કરે છે. તે 747-400 બૉઈંગ પ્લેન હોય છે.
ઍરપૉર્ટ પર વડા પ્રધાન પહોંચે તે પહેલાં ભારતીય હવાઈ દળનાં બે અન્ય વિમાન તૈયાર રાખવામાં આવે છે.
આખરી સમયમાં પ્લેનમાં કોઈ ખરાબી સર્જાય તો આ વિમાનોનો ઉપયોગ કરી શકાય છે.
વડા પ્રધાનનું વિમાન ઉડાન ભરે તે પહેલાં સમગ્ર વિસ્તારને થોડા સમય માટે ‘નો ફ્લાઇંગ ઝોન’ બનાવી દેવામાં આવે છે.
સઘન તાલીમ

ઇમેજ સ્રોત, Getty Images
સંગઠનમાં લેવામાં આવે તે પહેલાં આ કમાન્ડોના બૅકગ્રાઉન્ડની ત્રણ સ્તરીય ચકાસણી કરવામાં આવે છે.
તેમના પરિવારજનો, દૂરનાં સગાંઓ અને દોસ્તોની તપાસ સુધ્ધાં કરવામાં આવે છે.
એનએસજીના કમાન્ડોને પહેલા ત્રણ મહિના હથિયાર સાથે અને હથિયાર વિના લડાઈ તથા નિશાનબાજીની તાલીમ આપવામાં આવે છે.
એ પછી તેમને દરેક પ્રકારના વિસ્ફોટકો અને વિસ્ફોટક ઉપકરણોની માહિતીની સાથે તેને નિષ્ક્રિય કરવાની તાલીમ પણ આપવામાં આવે છે.
એ ઉપરાંત તેમને યોગ, ધ્યાન અને માનસિક વ્યાયામની તાલીમ પણ આપવામાં આવે છે.
એનએસજીના એક ભૂતપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, આ કમાન્ડો ચાલતા વાહન પર પણ એકદમ સટિક નિશાન તાકી શકે છે. ભીડમાં ઊભેલી એક વ્યક્તિને, બીજાને નુકસાન ન થાય તે રીતે નિશાન બનાવવાની તાલીમ પણ તેમને આપવામાં આવે છે.
કમાન્ડો બહુ સારા તરવૈયા હોય છે. તેઓ આધુનિક સંચાર ઉપકરણો ચલાવવાનું જાણતા હોય છે.
પહેલા ત્રણ મહિનામાં સફળ તાલીમ મેળવ્યા બાદ પછીના ત્રણ મહિના તેમને વધારે સઘન તાલીમ આપવામાં આવે છે.
તેમને રિયલ લાઇફ સિચ્યુએશન માટે પણ તૈયાર કરવામાં આવે છે. તેમને હુમલા અને મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.
કોઈ શખ્સ એસપીજીના ઘેરાની બહુ નજીક પહોંચવાનો પ્રયાસ કરે તો તેને કોણી વડે ધક્કો મારીને પાછળ ધકેલવાની તાલીમ પણ તેમને આપવામાં આવે છે.
એ ધક્કાની અસર પીડિત વ્યક્તિ પર અનેક સપ્તાહ સુધી રહેતી હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે.
કમાન્ડોને અમેરિકન સિક્રેટ સર્વિસના દિશાનિર્દેશ અનુસાર તાલીમ આપવામાં આવે છે. હવે તેમાં ઇઝરાયલના ટ્રેનિંગ મેન્યુઅલ ‘ક્રાવ માગા’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમાં કમાન્ડો મુક્કાબાજી, કુસ્તી, જૂડો અને કરાટે બધામાં નિપુણ હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
દરેક કમાન્ડોની એક વાર્ષિક ટેસ્ટ લેવામાં આવે છે. કમાન્ડો તેમાં નાપાસ થાય તો તેમને એક ક્ષણમાં તેમની પેરન્ટ કૅડરમાં પાછા મોકલી દેવામાં આવે છે.












