‘અમારે અંતિમસંસ્કાર માટે ક્યાં જવું,’ ગુજરાતના પાડોશી રાજ્યમાં અંતિમસંસ્કાર માટે જગ્યા મેળવવા સંઘર્ષ કરતા દલિતોની કહાણી

- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
“એ દિવસે અમે મારી દાદીના મૃતદેહને લઈને સ્મશાનમાં ગયા ત્યારે લોકો લાકડીઓ લઈને અમને મારવા આવ્યા હતા. તેમણે કહ્યું, અમે અહીં અંતિમસંસ્કાર ન કરી શકીયે. ગામની સાર્વજનિક સ્મશાનભૂમિમાં અમને પ્રવેશ આપવામાં આવતો નથી. અમારી જમીન પર અંતિમસંસ્કારની છૂટ નથી. તો અમારે ક્યાં જવું?”
21 વર્ષના માઉલી સાબળેએ હતાશામાં સવાલ કર્યો.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પાલવણમાં રહેતા દલિત પરિવારો છેલ્લા કેટલાંક વર્ષોથી એક સમસ્યાથી પરેશાન છે.
તેમના મત પ્રમાણે આ સમસ્યા એ છે કે જો તેમના પરિવારની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેમના અંતિમસંસ્કાર ક્યાં કરવા?
2011ની વસ્તી ગણતરી અનુસાર, ભારતમાં અનુસૂચિત જાતિની વસ્તી 20,13,78066 છે. કુલ વસ્તીના 16.6 ટકા લોકો અનુસૂચિત જાતિના છે.
ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધ હોવા છતાં લાખો દલિતોએ આજે પણ જન્મથી મૃત્યુ સુધી અને ક્યારેક મૃત્યુ પછી પણ જ્ઞાતિગત ભેદભાવનો સામનો કરવો પડે છે.
ક્યારેક તેમના વરઘોડાને ગામ-શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થવા દેવાતો નથી તો ક્યારેક દલિત વરરાજાને ઘોડા પર બેસવા બદલ મારી નાખવામાં આવે છે. ક્યારેક તેને સાર્વજનિક ટાંકીમાંથી પાણી પીવા બદલ માર મારવામાં આવે છે તો ક્યારેક દલિતોના અંતિમસંસ્કાર સાર્વજનિક સ્મશાનમાં કરવા દેવાતા નથી.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘અગ્નિસંસ્કાર માટે આ જ જગ્યા મળી? અહીં અગ્નિદાહ આપવાનો નથી’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાલવણ ગામમાં 13મી મે, 2024ના રોજ આવી જ ઘટના ઘટી હતી. એક સમયે આ ગામના સરપંચ રહી ચૂકેલા માલણબાઈ સાબળેના પરિવારને તેમના પરિજનના મૃતદેહને અગ્નિસંસ્કાર કરતો અટકાવવામાં આવ્યો હતો.
એ ઘટના વિશે વાત કરતાં માલણબાઈના પૌત્ર માઉલી સાબળે કહે છે, “એ દિવસે ગામમાં મતદાન હતું. અને મારા દાદીનું અવસાન થયું હતું. અમે તેમના મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે માઉલી મ્હસ્કે, ભરત મ્હસ્કે અને રુકરણિ મ્હસ્કેએ અમને રોક્યા હતા. (અમારી જ્ઞાતિનો ઉલ્લેખ કરીને) તેમણે કહ્યું હતુઃ
"તમને અંતિમસંસ્કાર માટે આ જ જગ્યા મળી? અહીં અગ્નિસંસ્કાર કરવાના નથી. અહીં અમારું ઘર છે.”
પાલવણ ગામના સરકારી રેકૉર્ડ મુજબ, “દલિત લોકોના વપરાશ માટે જૂથ ક્રમાંક 38માં બે ગુંઠા જમીન સ્મશાન માટે ફાળવવામાં આવી છે.” આ પ્રકારની નોંધાયેલી જગ્યા હોવા છતાં માલણબાઈ સાબળેને અંતિમસંસ્કાર અટકાવી દેવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રનાં હજારો ગામડાઓમાં સાર્વજનિક સ્મશાનભૂમિ નથી. કેટલાંક ગામો એવાં છે, જ્યાં દલિત સમુદાયના પરિવારોને સ્મશાનમાં પ્રવેશવાની છૂટ નથી.
પાલવણમાં રહેતા દલિત પરિવારો દાયકાઓથી દલિત સ્મશાનભૂમિ તરીકે ચિહ્નિત સ્થાન પર અંતિમસંસ્કાર કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ગામનો વિસ્તાર થવાને કારણે આ જગ્યાએ અંતિમસંસ્કાર કરવામાં અડચણ સર્જાવા લાગી હતી.
આ બાબતનો ઉલ્લેખ કરીને માઉલી કહે છે, “અમારા ગામમાં એક સાર્વજનિક સ્મશાન છે. તે સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવાની અમને છૂટ નથી. તેથી અમે અમારાં સ્મશાનમાં મૃતદેહને લઈ ગયા હતા. મારા વડીલોના સમયથી ત્યાં અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. ત્યાં અમારા પૂર્વજોની સમાધિઓ પણ છે. હવે ત્યાં પણ અમને અગ્નિસંસ્કારની છૂટ નથી તો અમારે જવું ક્યાં?”
કેટલાક ગ્રામજનોના વિરોધને અવગણીને માઉલી તથા તેના પરિવારે દલિત સ્મશાનભૂમિમાં માલણબાઈ સાબળેના અંતિમસંસ્કાર કર્યા હતા. એ સાથે આ વિવાદ શરૂ થયો હતો. એ સ્થળે વીસમી સદીની કેટલીક સમાધિઓ આજે પણ છે. ત્યાં એક શિલાલેખ પણ છે.
આ ગામના રહેવાસી સંજય સાબળેએ દાવો કર્યો હતો કે દલિત સ્મશાનભૂમિ અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે.
બીબીસી સાથે વાત કરતાં સાબળેએ કહ્યું, “અહીં અમારી છ ગુંઠા જગ્યા હોવાનું અમારા દાદાએ કહ્યું હતું, પણ હવે ડિજિટલ રેકૉર્ડમાં માત્ર બે ગુંઠા જગ્યા દર્શાવવામાં આવી છે. અમારાં સ્મશાન તરફ જતો રસ્તો છે તે માર્ગ પર જ મરાઠા અને અન્ય સમાજ માટે એક સાર્વજનિક સ્મશાન પણ છે, પણ અમે ત્યાં જઈ શકતા નથી.”
માઉલી સાબળે અને તેમના સાથીદારોએ પોતાની માંગ સાથે 2024ની સાતમી જૂને બીડના કલેક્ટરની ઑફિસ સમક્ષ ભૂખ હડતાળ કરી હતી. એ પછી બીડના અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટ શિવકુમાર સ્વામીએ મામલતદાર તથા જૂથ વિકાસ અધિકારીને તપાસ કરવાનો તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
બીડના મામલતદાર સુહાસ હજારેએ બીબીસીને કહ્યું હતું, “પાલવણમાં મૂળ રેકૉર્ડ પ્રમાણે કેટલી જગ્યા છે તેની તપાસ કરવા અમે જવાના છીએ. આ પ્રકરણમાં દલિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, એ અમારી ભૂમિકા છે. તમામ બાજુની તપાસ કરીને અમે યોગ્ય પગલાં લઇશું.”
સંજય સાબળેના કહેવા મુજબ, સાતમી જૂને ભૂખ હડતાળ કર્યા પછી પણ કોઈ અધિકારી કે તપાસ માટે પાલવણ આવ્યા નથી.
આરોપીનું શું કહેવું છે?

માઉલી સાબળેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પાલવણનાં જ્ઞાનેશ્વર માઉલી ઉર્ફે મ્હસ્કે, ભરત મ્હસ્કે અને રુકમણી મ્હસ્કે વિરુદ્ધ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમની બાજુ જાણવાનો પ્રયાસ પણ અમે કર્યો હતો. આ કેસના એક આરોપી જ્ઞાનેશ્વર મ્હસ્કેએ અમારી સાથે વાત કરતા પહેલા વકીલની પરવાનગી લીધી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું, “સાહેબ, તમે જોઈ શકો છો કે અહીં અમારું ઘર છે.”
“અમારે બીજું કંઈ કહેવાનું નથી. જેની નોંધ છે તે જગ્યા તેઓ લઈ લે અને તેમને જે કરવું હોય તે કરે. જે દિવસે તેઓ માલણબાઈનો મૃતદેહ લઈને આવ્યા ત્યારે અમે તેમને એટલું જ કહ્યું હતું કે અમારાં ઘરમાં નાનાં બાળકો છે. માલણબાઈના અગ્નિસંસ્કાર અહીં કરશો નહીં. એટલામાં તો તેઓ અમારી માથે ચડી બેઠા.”
ગામના સાર્વજનિક સ્મશાન વિશે વાત કરતાં જ્ઞાનેશ્વર મ્હસ્કેએ કહ્યું હતું, “ગામમાં બીજું પણ એક સ્મશાન બનાવવામાં આવ્યું છે. ત્યાં દલિત સિવાયના દરેકને અંતિમ સંસ્કાર કરવાની છૂટ છે.”
ઍટ્રોસિટીનો કેસ નોંધાયા પછી જ્ઞાનેશ્વર મ્હસ્કે, ભરત મ્હસ્કે અને રુકમણી મ્હસ્કેએ આગોતરા જામીન મેળવ્યાં છે.
મહારાષ્ટ્રના 67 ટકા ગામોમાં સ્મશાનભૂમિની સમસ્યા

દલિત અને ભૂમિહિન સમાજ માટે સ્મશાનભૂમિના મુદ્દે છેલ્લાં 15 વર્ષથી કામ કરતા ગણપત ભીસે પરભણીમાં રહે છે.
રાજ્યમાંનાં દલિત સ્મશાનોની માહિતી આરટીઆઈ મારફત મેળવવા તેઓ છેલ્લા 15 વર્ષથી પ્રયાસરત છે.
ગણપત ભીસે કહે છે, “હાલ મહારાષ્ટ્રમાં સ્મશાનભૂમિ માત્ર દસ્તાવેજો પર હોય એવું લાગે છે. મહારાષ્ટ્રનાં 28,021 ગામોમાંથી 18,958 ગામોમાં સ્મશાનભૂમિનો કોઈ રેકૉર્ડ મહેસૂલ ખાતા પાસે નથી.”
“બાકીનાં 9,062 ગામોનો રેકૉર્ડ છે, પરંતુ એ જગ્યા પર અતિક્રમણ થયું છે. તેનો અર્થ એ થાય કે મહારાષ્ટ્રનાં 28,000 ગામોમાંથી 20,000 ગામોમાં હજુ પણ સ્મશાનભૂમિ બાબતે વિવાદ છે. સંપૂર્ણ મહારાષ્ટ્રમાં 67 ટકા ગામોમાં સ્મશાનભૂમિની સમસ્યા છે.”
સ્વાતંત્ર્ય પછી આજ સુધી આ ગામમાં એકેય સ્મશાન નથી

સોલાપુર જિલ્લાના બારશી તાલુકાના વાલવડ ગામમાં કોઈ સ્મશાન નથી. મહારાષ્ટ્રનાં હજારો ગામોની માફક આ ગામમાં રહેતા ભૂમિહીન અને દલિત સમુદાયના લોકોએ અંતિમ સંસ્કાર માટે, જેમની જમીન છે તેમના પર નિર્ભર રહેવું પડે છે.
ગણપત ભીસે કહે છે, “જે ગામોમાં કોઈ અલગ સ્મશાન નથી ત્યાં ગાવઠણ, વન, હાડોળા, ઢોરફાડી, હાડકી, હાડોળા, મહારવતન, મહારકી, ગાયરાન વગેરે તરીકે નોંધાયેલી જમીન પર અંતિમસંસ્કાર કરવામાં આવે છે. જે ગામોમાં આવી કોઈ જગ્યા નથી ત્યાં નદીના કિનારે અથવા ખેતરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.”
વાલવડ ગામમાં પણ નદીના કિનારે અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા, પરંતુ હવે જળજીવન મિશનની પ્રવૃત્તિઓને કારણે નદીનો પટ વિસ્તર્યો છે અને એ જગ્યા પણ તેમના હાથમાંથી જતી રહી છે.
વાલવડના રહેવાસી અનિતા કાંબળેનું લાંબી માંદગી બાદ ઑક્ટોબર, 2021માં અવસાન થયું હતું. તેમના અંતિમસંસ્કાર માટે ગામના એકેય જમીનદારે જગ્યા આપી ન હતી.
તેથી રોષે ભરાયેલા પરિવારજનો અનિતા કાંબળેનો મૃતદેહ તાલુકા ઑફિસ સામે રાખીને વિરોધ કર્યો હતો.
અનિતા કાંબળેનાં નણંદ પ્રમિલા ઝોંબાડે કહે છે, “અમને અમારાં ભાભીના અગ્નિસંસ્કાર માટે બે ફૂટ જગ્યા જોઈતી હતી. કેટલાંક ઘરોને બાદ કરતાં અમારી દલિત વસાહતના લોકો પાસે કોઈ જમીન નથી તો અમારે અગ્નિસંસ્કાર માટે ક્યાં જવું? તેથી અમે આંદોલન કર્યું હતું.”
વાલવડમાં રહેતા શિક્ષક સુહાસ ભાલેરાવ કહે છે, “1960ની આસપાસ ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયથી આજના દિવસ સુધી અમને સ્મશાન મળ્યું નથી. અમે 2017માં બાર્શી તાલુકા ઑફિસ સામે પાંચ દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા, પણ હજુ સુધી કશું થયું નથી.”
વાલવડનો આ કેસ હજુ પૅન્ડિંગ છે.

ઝોંબાડે અને કાંબળે પરિવારના આંદોલનની વ્યાપક ચર્ચા થઈ હતી. બીજા દિવસે અખબારો અને યુટ્યૂબ ચૅનલોમાં આંદોલનના સમાચાર પ્રસારિત થયા હતા. અનેક સામાજિક કાર્યકરો, પત્રકારો ત્યાં ગયા હતા અને અધિકારીઓ પાસેથી જવાબ માગ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ગામમાં હજુ પણ સ્મશાનભૂમિની સુવિધા નથી.
આંદોલન બાદ અનિતા કાંબળેના અગ્નિસંસ્કાર માટે જગ્યાની વ્યવસ્થા અધિકારીઓએ કરી હતી. ત્યાં કોઈ વ્યવસ્થા ન હતી. આ જગ્યા વાલવડ જવાના રસ્તે એક ખાડામાં છે. અમે ત્યાં ગયા ત્યારે અંદર જવાનું શક્ય ન હતું, કારણકે તાજેતરમાં પડેલા વરસાદને લીધે ત્યાં કાદવ થઈ ગયો હતો.
ચોમાસામાં કોઈ દલિત કે ભૂમીહીન વ્યક્તિનું મૃત્યુ થાય તો વરસાદ બંધ થાય, જમીન સૂકાય ત્યાં સુધી મૃતદેહ તેમના પરિવારજનોએ ઘરમાં રાખીને રાહ જોવી પડે છે.

આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં બ્રાહ્મણો, મરાઠાઓ, મુસ્લિમો, લિંગાયતો, હટકર, ધનગર, વણજારી, માતંગ, મહાર, માળી, કોળી વગેરે જ્ઞાતિઓના લોકોના અંતિમસંસ્કાર અલગઅલગ જગ્યાએ કરવામાં આવે છે.
મરાઠા સમાજ માટેનાં સ્મશાનોમાં દલિતોના અંતિમસંસ્કાર કરી શકાતા નથી. મહેસૂલ વિભાગના રેકૉર્ડમાં દરેક જ્ઞાતિ માટે અલગઅલગ સ્મશાનની નોંધ જોવાં મળે છે.
દલિતો માટેના અધિકાર માટે લડતા કાર્યકર અને અભ્યાસુ કેશવ વાઘમારે કહે છે, “ભારતીય સમાજ જ્ઞાતિ વ્યવસ્થામાં જકડાયેલો સમાજ છે. તેની ધારણા મૂળ રૂપે હિંદુ નામવ્યવસ્થાની ધારણા છે અને જ્ઞાતિ નામવ્યવસ્થાની ધારણાને કારણે જન્મથી મૃત્યુ સુધી જ્ઞાતિગત વ્યવહાર કરવામાં આવે છે.”
વાઘમારે કહે છે, “બીડ જિલ્લામાં કેટલાંક ગામો તો એવાં છે, જ્યાં દલિત સમાજનું એકેય સ્મશાન નથી, પરંતુ મરાઠા સમાજનાં બે સ્મશાન છે.”
તેઓ એવું પણ કહે છે કે મરાઠા સમાજમાં ઉપજ્ઞાતિઓનાં અલગઅલગ સ્મશાનો છે.
તેઓ ઉમેરે છે, “તેમની વચ્ચે રોટીબેટીનો વ્યવહાર હોતો નથી એટલું જ નહીં, પરંતુ મૃત્યુ પછી એક સ્મશાનમાં પણ જગ્યા આપવામાં આવતી નથી.”
અસ્પૃશ્યતા વિશેનો કાયદો શું કહે છે?

ભારતીય બંધારણની કલમક્રમાંક 17 મુજબ ભારતમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધ છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ભૂતપૂર્વ પ્રમુખ, પ્રાધ્યાપક સુખદેવ થોરાટ કહે છે, “ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા વિરુદ્ધ જોગવાઈ કરવામાં આવી છે. મૌલિક અધિકારોમાં અસ્પૃશ્યતાને ગુનો માનવામાં આવે છે અને તેના માટે સજાની જોગવાઈ પણ છે.”
“બંધારણમાં 1950માં કરવામાં આવેલી જોગવાઈને 1955માં કાયદામાં પરિવર્તિત કરવામાં આવી હતી. 1955માં અસ્પૃશ્યતા નિવારણ કાયદો આવ્યો હતો અને 1979માં તે કાયદાનું નામ બદલીને પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સ રાખવામાં આવ્યું હતું. આ કાયદામાં એવી જોગવાઈ છે કે તમામ સાર્વજનિક સેવાઓ મેળવવાનો દલિતોને પૂર્ણ અધિકાર છે અને તેમને તમામ સુવિધાનો સમાન લાભ મળવો જોઈએ.”
નાગરિક સંરક્ષણ કાયદામાં દલિતોને સાર્વજનિક જળાશયો, નદીઓ, કૂવાઓ, સાર્વજનિક નળ અને સ્મશાનભૂમિના ઉપયોગ માટે સમાન અધિકારો પ્રદાન કરવામાં આવ્યા છે. તેમને આમ કરતા અટકાવવામાં આવે તો સજાની જોગવાઈ પણ કાયદામાં છે.
‘પ્રધાન તરીકે મારી નૈતિક જવાબદારી છે. હું તેનું નિરાકરણ કરીશ’

કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, “સમાજના નેતા અને સામાજિક ન્યાય પ્રધાન તરીકે મારી નૈતિક જવાબદારી છે કે આવો કોઈ વિવાદ થવો ન જોઈએ અને દલિતો માટે સ્વતંત્ર સ્મશાન હોવું જોઈએ. હું આ માટે ચોક્કસ પ્રયાસ કરીશ.”
આઠવલેએ ઉમેર્યું હતું, “મહારાષ્ટ્રમાં 59 જ્ઞાતિ શેડ્યુલ કાસ્ટ હેઠળ છે. તેથી અનેક ઠેકાણે થોડી સમસ્યા છે. દલિતો માટે અલગ સ્મશાન હોવું જોઈએ, એવી દલિતોની માંગ છે. મારું મંત્રાલય એ દિશામાં કામ કરી રહ્યું છે.”
આઠવલેએ એમ પણ કહ્યું હતું, “એકાદ હિંદુ સ્મશાનમાં દલિતના અંતિમસંસ્કારનો વિરોધ થાય છે, કેટલાંક સ્થળોએ વિરોધ થતો નથી. હું મુંબઈમાં એક બેઠક યોજવાનો છું. તમે કહો છો કે મહારાષ્ટ્રનાં 17,000 ગામોમાં આવી સમસ્યા છે. તેથી બધાં ગામોમાં દલિતો માટે સ્વતંત્ર સ્મશાનભૂમિ હોય અને હિંદુ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કારની પરવાનગી દલિતોને મળે એ માટે નિયમાવલી બનાવવી બહુ જરૂરી છે. આ દૃષ્ટિકોણથી હું ચોક્કસ પ્રયાસ કરીશ.”
પાલવણ હોય કે વાલવડ, આ તો માત્ર ઉદાહરણો છે.
મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં દલિતોની મોટી વસ્તી છે તથા ત્યાં પણ દલિતોના અંતિમસંસ્કાર રોકવાના કિસ્સા બન્યા છે.
તેથી જાણકારોના મત પ્રમાણે દેશનાં દરેક ગામોમાં સાર્વજનિક સ્મશાનભૂમિની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અને તે સ્મશાનભૂમિમાં પ્રત્યેક વ્યક્તિને સમાન રીતે પ્રવેશ ન મળે ત્યાં સુધી મૃત્યુ પછી જ્ઞાતિભેદના આવા કિસ્સા બનતા જ રહેશે.












