રોહિત વેમુલા : ક્લોઝર રિપોર્ટમાં એવું શું છે જેનાથી સવાલ ઊભા થઈ રહ્યા છે

રોહિત વેમુલાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત વેમુલાએ હૈદરાબાદ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરી હતી
    • લેેખક, નામદેવ કાટકર
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાના મામલે તેલંગાણા પોલીસનો ક્લોઝર રિપોર્ટ સામે આવી ગયો છે.

આ ક્લોઝર રિપોર્ટ અનુસાર રોહિત વેમુલાની આત્મહત્યા માટે કોઈ પણ દોષી નથી. સાથે જ એમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલા 'દલિત' નહોતા.

તેલંગાણા પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલા આ ક્લોઝર રિપોર્ટ પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. ક્લોઝર રિપોર્ટનાં બે બિંદુઓ 'રોહિત વેમુલા દલિત નહોતા ' અને 'રોહિત વેમુલાની આત્મહત્યા મામલે કોઈ પણ દોષી નથી 'ને લઈને હવે રાજકીય અને સામાજિક નિષ્ણાતોની પ્રતિક્રિયા આવી રહી છે.

રિપોર્ટના એ કયાં બિંદુઓ છે જેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે એ જાણતા પહેલાં એ જાણીએ કે રિપોર્ટમાં શું છે.

રોહિત વેેમુલા મામલે ક્લોઝર રિપોર્ટમાં શું છે?

રોહિત વેમુલાએ 2016માં આત્મહત્યા કરી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત વેમુલાએ 2016માં આત્મહત્યા કરી હતી

રોહિત વેમુલાની આત્મહત્યા બાદ હૈદરાબાદ યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી ડોંથા પ્રશાંતે ફરિયાદ નોંધાવી હતી. ડોંથા પ્રશાંતની ફરિયાદ ભારતીય દંડ સંહિતાની કલમ 306 સાથે જ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નોંધવામાં આવી હતી.

આ ફરિયાદ પછી તેલંગાણા પોલીસે એક તપાસ કમિટી નીમી હતી. આમાં સાયબરાબાદ કમિશનરેટ હેઠળ માધાપુર ડિવિઝનના તત્કાલીન એસીપી એમ.રમન્નાકુમાર, તત્કાલીન એસીપી એન.શ્યામ રાવ અને એસીપી શ્રીકાંત સામેલ હતા.

આ કમિટીની તપાસ પછી 21 માર્ચ, 2024ના ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસમાં શું મળ્યું અને કમિટી તેમાં શું નિષ્કર્ષ પર પહોંચી એને સાયબરાબાદના માધાપુર ડિવિઝનના સહાયક પોલીસ આયુક્તે 60 પેજના આ ક્લોઝર રિપોર્ટમાં વિસ્તારથી રજૂ કર્યું છે.

આ ક્લોઝર રિપોર્ટ અનુસાર, પોલીસે કુલ 59 લોકો પર કેસ નોંધ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્લોઝર રિપોર્ટના સારાંશમાં રોહિત વેમુલા આત્મહત્યા મામલે આરોપીઓ વિરુદ્ધ 'પુરાવાની કમી'નો ઉલ્લેખ છે એટલે કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ આરોપપત્ર દાખલ કરવામાં નથી આવ્યું.

21 માર્ચ, 2024માં સોંપવામાં આવેલો ક્લોઝર રિપોર્ટ ત્રીજી મે,2024ના સામે આવ્યો હતો અને તેના નિષ્કર્ષો પર વિવાદ ઊભો થઈ ગયો.

ક્લોઝર રિપોર્ટ બે મુદ્દા પર કેન્દ્રિત હતો અને તેના કારણે જ તે વિવાદાસ્પદ બની ગયો હતો.

એક મુદ્દો રોહિત વેમુલા દલિત જાતિના નહોતા પરંતુ અન્ય પછાત વર્ગના હતા અને બીજો મુદ્દો કે રોહિત વેમુલાને આત્મહત્યા માટે કોઈએ ઉશ્કેર્યા નહોતા.

શું રોહિત વેમુલા અનુસૂચિત જાતિના હતા અને શું આ મામલામાં અનુસૂચિત જાતિ તથા જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ લાગુ થઈ શકે?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'રોહિત વેમુલાની જાતિ તેમની પહેલાંની કૉલેજમાં 'માલા ' (એસસી)ની નોંધવામાં આવી હતી પરંતુ પછી આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાના જાતિ સત્યાપન વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત વેમુલા 'વડ્ડેરા' જાતિમાંથી આવતા હતા '.

ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મહેસૂલ વિભાગમાંથી ખોટી રીતે હાંસલ કરવામાં આવ્યું હતું."

"રોહિતને આત્મહત્યા માટે કોઈએ નથી ઉશ્કેર્યા "

આ ક્લોઝર રિપોર્ટ અનુસાર, ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીને (એફએસએલ) જાણવા મળ્યું કે સુસાઇડ નોટમાંનું લખાણ રોહિત વેમુલાના લખાણથી મેળ ખાય છે.

સાથે જ ક્લોઝર રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે રોહિત વેમુલા અને અન્યો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને રોહિત વેમુલા તથા તેમના કોઈ મિત્ર સામે કોઈ ગેરકાયદેસર કાર્યવાહી નથી કરવામાં આવી.

રોહિત વેમુલાને પણ છાત્રવૃત્તિ આપવાનો ઇનકાર નથી કરવામાં આવ્યો.

હેદરાબાદ વિશ્વવિદ્યાલયના પ્રી-ક્લોઝર રિપોર્ટમાં પોલીસે એ દાવાને ફગાવ્યો છે કે અપ્પા રાવે રોહિત વેમુલાને એટલે પરેશાન કર્યા કારણ કે તેઓ અનુસૂચિત જાતિમાંથી આવતા હતા.

શું રોહિત વેમુલાએ હૉસ્ટેલથી બહાર કરવામાં આવ્યા એટલે આત્મહત્યા કરી?

ક્લોઝર રિપોર્ટમાં પોલીસે રોહિત વેમુલાના સુસાઇડ નોટ દાખલ કરીને કહ્યું છે કે તેમણે યુનિવર્સિટી તંત્ર પર કોઈ પ્રશ્ન નથી ઉઠાવવામાં આવ્યા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલા એવાં સંગઠનો (એએસએ અને એસએફઆઈ)થી ખુશ નહોતા જેમાં તેઓ સક્રિય હતા.

ક્લોઝર રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે રોહિત વેમુલાની સુસાઇડ નોટથી લાગે છે કે તેઓ ઊંડા ડિપ્રેશનમાં હતા.

રોહિત વેમુલાની અસલ જાતિ શું હતું?

રોહિત વેમુલાએ 2016માં આત્મહત્યા કરી હતી

ઇમેજ સ્રોત, ROHITH VEMULA'S FACEBOOK PAGE

રોહિત વેમુલાનાં માતા વી.રાધિકાએ કહ્યું હતું કે, "પોતાના પતિ મણિકુમારથી અલગ થયા બાદ હું ત્રણેય બાળકોને લઈને જતી રહી હતી. મેં અનુસૂચિત જાતિની બધી પરંપરાઓનું પાલન કર્યું છે. "

પોલીસે ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાનું અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર 'ખોટી રીતે' મેળવવામાં આવ્યું હતું.

વર્ષ 2012માં એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઈ પિતા યા માતામાંથી એક દલિત છે તો તેમનો દીકરો પણ દલિત ગણાશે.

રોહિત વેમુલાનો કેસ લડનાર વકીલે શું કહ્યું

રોહિત વેમુલાનો કેસ લડી રહેલા વકીલ જય ભીમ રાવે બીબીસીને કહ્યું કે, "રોહિત વેમુલા મામલામાં પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલો ક્લોઝર રિપોર્ટ ત્રુટિપૂર્ણ અને બેદરકારીથી ભરેલો છે. રોહિતે પોતાના મૃત્યુ પહેલાં જે બે પત્રો લખ્યા તેમાં તેમણે યુનિવર્સિટીમાં ભેદભાવ વિશે સ્પષ્ટ લખ્યું છે. તેમાં તેમણે લખ્યું કે તેમનું ભાવનાત્મક રૂપથી શોષણ કરવામાં આવતું હતું. "

"ગુંટૂરના કલેક્ટરેટમાં જાતિ-પ્રમાણપત્રતી હજુ તપાસ ચાલી રહી છે. આ મામલે હજુ નિર્ણય નથી થયો. જાતિ પ્રમાણપત્ર પર સવાલ ઉઠાવનારા શિક્ષક ગુંટૂરના કલેક્ટરેટની સામે હાજર થયા નથી. બીજી તરફ, પોલીસ સામે 18 પુરાવા છે જે સાબિત કરે છે કે રોહિત વેમુલા દલિત હતા. "

જય ભીમ રાવે આગળ કહ્યું કે, "આવી પરિસ્થિતિમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ ગુંટૂર કલેક્ટરેટમાં કાર્યવાહીની અવગણના કરતા બેદરકારીપૂર્વક કોઈ જાણકારી લીધા વિના જ અદાલતમાં રિપોર્ટ આપ્યો છે. જ્યાર સુધી કલેક્ટરનો નિર્ણય નથી આવતો ત્યાર સુધી જાતિનો સવાલ નથી ઊઠતો."

તેઓ કહે છે, "કારણ કે પોલીસે અચાનક આ મામલામાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે, જે 2018થી 2024 સુધી રોકાયેલો હતો તો સ્પષ્ટ છે કે પોલીસ કોઈને ક્લીનચિટ આપવા માટે આવું કરી શકે છે. પોલીસના તપાસ અધિકારીઓએ પોતાના કર્તવ્યની સંપૂર્ણ રીતે ઉપેક્ષા કરી છે. પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો છે અને અપમાનજનક રીતે રિપોર્ટ કર્યો છે. "

વકીલ જય ભીમ રાવે બીબીસને કહ્યું કે, "મૃતક (રોહિત વેમુલા)નું અપમાન કરવામાં આવ્યું છે. ક્લોઝર રિપોર્ટ સંપૂર્ણ રીતે નિરાધાર છે એટલે તે અમાન્ય છે. સરકારનું કહેવું છે કે અમે ફરીથી તપાસ કરીશું. તો જુઓ તેઓ શું કરે છે. નહીં તો અમે કાયદાકીય રીતે આગળ વધીશું. "

પોલીસના ક્લોઝર રિપોર્ટ પર સવાલ

રોહિતની આત્મહત્યા સામે પગલાં લેવા વિદ્યાર્થીઓનું આંદોલન (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિતની આત્મહત્યા સામે પગલાં લેવા વિદ્યાર્થીઓનું આંદોલન (ફાઇલ તસવીર)

બીબીસીએ આ મામલે વિશ્વવિદ્યાલય અનુદાન પંચ (યુજીસી)ના પૂર્વ અધ્યક્ષ ડૉ સુખદેવ થોરાટ સાથે વાત કરી હતી.

ડૉ સુખદેવ થોરાટે કહ્યું કે,"રોહિત વેમુલા દલિત હતા કે ઓબીસી એ જાણવામાં સિસ્ટમનો સમય બરબાદ કરવો પાગલપન છે. રોહિત વેમુલા સાથે એક દલિત હોવાના કારણે ભેદભાવ થયો અને તેમણે અતિવાદી પગલું લીધું. આ દિશામાં તપાસ જરૂરી હતી અને છે. "

તેલંગાણાના પોલીસ મહાનિદેશકે રોહિત વેમુલાના પરિવારને આ કેસની ફરીથી તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આ વિશે ડૉ સુખદેવ થોરાટે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, "આ મામલાની ફરીથી તપાસ થવી જ જોઈએ. "

ડૉ થોરાટે કહ્યું, "રોહિત વેમુલાએ અનુસૂચિત જાતિ-પ્રમાણપત્રના આધાર પર જ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો, જેના આધાર પર તેમને બધી સુવિધાઓ મળી. તેઓ અર્થ એ છે કે વિશ્વવિદ્યાલય તંત્ર, શિક્ષક અને બધા જાણતા હતા કે રોહિત વેમુલા દલિત હતા. શું ત્યાર બાદ એ સાબિત કરીને તેઓ દલિત નહોતા, તેમની સાથે પહેલાં થયેલો ભેદભાદ મિટાવી શકાય?"

તેઓ કહે છે, રોહિત વેમુલાએ આત્મહત્યાનું પગલું એટલે લીધું કારણ કે તેમને ડર હતો કે લોકો તેમને બિન-દલિતના રૂપમાં ઓળખી જશે, આ વાત એકદમ ખોટી છે. "

તેમણે કહ્યું કે, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોને બચાવવા માટે રોહિત વેમુલાના મામલામાં આવો ક્લોઝર રિપોર્ટ આપવામાં આવ્યો છે, જોકે, હવે જ્યારે તેલંગાણાની સરકારે તપાસનો વાયદો કર્યો છે તો આશા છે કે સત્ય સામે આવશે. "

પૂર્વ કેન્દ્રીય માનવસંસાધન રાજ્ય મંત્રી અને દલિત આંદોલનના નેતા ડૉ. સંજય પાસવાને બીબીસી સાથે વાત કરી.

તેમનું કહેવું છે કે, "હું રોહિત વેમુલા મામલે પ્રથમ દિવસથી નજર રાખી રહ્યો છું. જ્યાં સુધી મને ખબર છે, રોહિત બહુ જ ગંભીર વિદ્યાર્થી હતા. તેમણે પોતાની જાતિની ઓળખ જાહેર થવાના ડરથી આત્મહત્યા કરી એ દુ:સાહસપૂર્ણ છે. આ મામલે ઉચિત તપાસ થવી જોઈએ. "

તેમણે કહ્યું કે, "હું જોઈ શકું છું કે પોલીસે આ મામલામાં ઉચિત રીતે તપાસ નથી કરી. તપાસની દિશા બરાબર રાખવી જોઈએ. હવે તમે ફરીથી તપાસની તૈયારી બતાવી છે તો એનો અર્થ છે કે તમે તપાસમાં કમી સ્વીકારી છે. આ સાબિત થઈ ગયું છે."

તેમણે વધુમાં કહ્યું કે, "આ મામલાને રાજકીય મુદ્દાની જેમ ન જોવો જોઈએ. એક મેધાવી વિદ્યાર્થીએ વિશ્વવિદ્યાલય પરિસરમાં આત્મહત્યા કરી લીધી. આ ઘટના ગંભીર ઘટના છે. ફરીથી તપાસ થાય, સમાજમાં સાચો સંદેશ જવો જોઈએ જેથી ફરીથી આવી ઘટના ન બને."

વરિષ્ઠ વકીલ સંઘરાજ રૂપવતે કહ્યું કે, "ક્લોઝર રિપોર્ટને જોતા મને લાગે છે કે રોહિત વેમુલાને સિસ્ટમે બીજી વખત માર્યા છે. "

સંઘરાજ રૂપવતે કહ્યું કે, "ભૂલી જાઓ કે રોહિત વેમુલાની સામાજિક સ્થિતિ દલિત કે પછી અન્ય પછાત વર્ગની છે. પરંતુ તેમની આત્મહત્યાનો મામલો વિશ્વવિદ્યાલયના પરિસરની અંદર થયો હતો અને જો એ મામલાની પહેલાં ઘટેલી ઘટનાઓની કોઈ પૃષ્ઠભૂમિ છે તો તેમની ઉચિત તપાસ થવી જ જોઈએ. જોકે, આ ક્લોઝર રિપોર્ટમાં એવું નથી દેખાતું. "

"આ પ્રકારના ક્લોઝર રિપોર્ટથી કાયદાનો ડર ખતમ થઈ જશે અને વિશ્વવિદ્યાલયમાં કોઈ પણ વિદ્યાર્થી અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો સાહસ નહીં કરે. આ શિક્ષણ સંસ્થાનો લોકતાંત્રિક માહોલ માટે અનુકૂળ નથી. "

હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રોફેસરોએ પણ સવાલ ઉઠાવ્યા

રાધિકા વેમુલાએ મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને ન્યાય માટે અપીલ કરી હતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રાધિકા વેમુલાએ મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને ન્યાય માટે અપીલ કરી હતી

હૈદરાબાદ યુનિવર્સિટીના સામાજિક બહિષ્કાર અને સમાવેશ નીતિ વિભાગના પ્રમુખ પ્રોફેસર શ્રીપતિ રામુડુનું કહેવું છે કે જો પ્રોફેસર અપ્પા રાવ કુલપતિ ન બન્યા હોત તો રોહિત જીવિત હોત.

તેઓ કહે છે, "અપ્પા રાવે સરળતાથી ઉકેલાઈ જાય એવી સમસ્યાને ખતમ થવા જ ન દીધી. તેના બે કારણ છે. એક તો દલિતો પ્રત્યે તેમની નફરત, ભેદભાવ અને બીજો કેટલાક શક્તિશાળી લોકોનું સમર્થન મળ્યું."

આ કેસના ઘટનાક્રમ વિશે પ્રોફેસર રામુડુએ કહ્યું કે, "આ મામલો અપ્પા રાવ કુલપતિ બન્યા એ પહેલાં સુનાવણી માટે આવ્યો હતો. તત્કાલીન વાઇસ ચાંસેલર વીસી શર્માએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનાં બંને જૂથોની ભૂલ હતી અને કડક ચેતવણી આપી હતી કે જો ભૂલ ફરીથી થઈ તો ગંભીર પરિણામ આવશે."

"મામલો અહીં જ ખતમ થઈ જાય છે પરંતુ શર્માના ગયા બાદ કુલપતિ બનીને આવેલા અપ્પા રાવે મામલાને ફરીથી ખોલ્યો. તેમણે પોતાના પ્રત્યે વફાદાર લોકોની એક સમિતિ બનાવી અને પાંચ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ પાંચેય અનુસૂચિત જાતિના છે."

તેમણે કહ્યું કે, "રોહિત વેમુલાએ હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના કુલપતિ અપ્પા રાવે પત્ર લખીને તેમને ફાંસી આપવા અથવા સાઇનાઇડ આપવાનો અનુરોધ કર્યો હતો પરંતુ અપ્પા રાવે કોઈ જવાબ ન આપ્યો. જો વિશ્વવિદ્યાલયના પ્રમુખ આટલા ગંભીર પત્રનો જવાબ ન આપે તો શું તેમને જવાબદાર ન ઠેરવવામાં આવવા જોઈએ?"

તેમણે કહ્યું કે, "પોલીસને આ પક્ષ ન દેખાયો? આ વાતનું જાતિના પ્રમાણપત્ર સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ વિદ્યાર્થી આવો પત્ર લખે અને કુલપતિ તેનો જવાબ ન આપે તો તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. જો પોલીસ વિદ્યાર્થીઓ અથવા તેમના ગુરુ પ્રોફેસરોને મળ્યા વિના તપાસ પૂરી કરે છે, તો આને કાવતરું માનવું જોઈએ."

આ આરોપો વિશે બીબીસી સાથે વાત કરતા અપ્પા રાવે કહ્યું કે કોઈ કંઈ પણ કહે, "હું તેના પર પ્રતિક્રિયા નથી આપવા માગતો. મને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે."

મામલાની ફરીથી તપાસ- તેલંગાણા પોલીસ

તેલંગાણા પોલીસનો ક્લોઝર રિપોર્ટ સામે આવ્યા બાદ રોહિત વેમુલાનાં માતા અને ભાઈએ નારાજગી વ્યક્ત કરી છે.

ત્યાર બાદ તેલંગાણાના પોલસ ડીજીપી રવિ ગુપ્તાએ એક પત્ર જારી કરીને કહ્યું કે અમે આ મામલે આગળની તપાસ માટે અરજી કરીશું.

પોલીસ મહાનિદેશક રવિ ગુપ્તાએ કહ્યં કે ક્લોઝર રિપોર્ટ નવેમ્બર 2023 પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો અને માર્ચ 2024માં ઉચ્ચ ન્યાયાલયને સોંપ્યો હતો.

તેમણે પત્રમાં આગળ કહ્યું હતું કે, "આ મામલે આગળ તપાસ કરવામાં આવશે કારણ કે રોહિત વેમુલાનાં માતા અને અન્ય સંબંધીઓએ તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. આવી અરજી ઉચ્ચ ન્યાયાલયમાં દાખલ કરવામાં આવશે. "

ક્લોઝર રિપોર્ટ પછી રોહિત વેમુલાનાં માતા વી.રાધિકા અને ભાઈ રાજા વેમુલાએ તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી.

વી.રાધિકાએ કહ્યું કે, "અમે મુખ્ય મંત્રી સાથે રોહિતના સાથી અન્ય નિલંબિત વિદ્યાર્થીઓ વિશે ચર્ચા કરી. આ કેસને કારણે આ વિદ્યાર્થીઓને નોકરી નથી મળી અને પીએચડી વિદ્યાર્થી હોવા છતાં તેમને ખેતી કરવી પડી રહી છે. મુખ્ય મંત્રીએ આ વિશે વિચાર કરવાનો વાયદો કર્યો છે. અમને વિશ્વાસ છે કે આ સરકાર અમને ન્યાય આપશે."

2016માં શું થયું હતું?

રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, UGC

17 જાન્યુઆરી 2016ના હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના પીએચડીના વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી હતી. રોહિત આંબેડકર વિદ્યાર્થી સંઘના સભ્ય હતા.

આત્મહત્યા કરતા પહેલાં રોહિત વેમુલા અને તેમના ચાર મિત્રોને યુનિવર્સિટીએ હૉસ્ટેલથી બહાર કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના એક સભ્યે વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. યુનિવર્સિટીની પ્રથમ તપાસમાં આરોપને પાયાવિહોણા ગણાવાયા હતા ત્યાર બાદ રોહિત અને તેમના સાથીઓને દોષમુક્ત જાહેર કરાયા હતા.

જોકે, ત્યાર બાદ યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા અને તેમના કાર્યકાળમાં કોઈ નક્કર કારણ આપ્યા વગર જૂનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો. રોહિત અને તેમના મિત્રો માટે ફરીથી હૉસ્ટેલ અને યુનિવર્સિટીની અન્ય સાર્વજનિક જગ્યાઓ પર જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ત્યારે સિકંદરાબાદથી ભાજપ સાંસદ બંડારુ દત્તાત્રેયે (વર્તમાનમાં હરિયાણાના રાજ્યપાલ) તત્કાલીન માનવસંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો હતો. તેમણે યુનિવર્સિટીને 'દેશદ્રોહી' ગણાવી હતી અને હસ્તક્ષેપની માગ કરી હતી.

દત્તાત્રેયનો પત્ર મળ્યા પછી માનવસંસાધન મંત્રાલયે યુનિવર્સિટીને એક પૅનલ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ પૅનલે જ રોહિત વેમુલા અને અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.

આંબેડકર વિદ્યાર્થી સંઘે આ પત્રનો હવાલો આપતાં કહ્યું કે દત્તાત્રેયના પત્ર પછી યુનિવર્સિટીમાં સમસ્યાઓ શરૂ થઈ હતી, ત્યાર બાદ કેટલાક અન્ય દલિત વિદ્યાર્થીઓએ પણ સામાજિક ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી.

આ મામલે બંડારુ દત્તાત્રેય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમની ઉપર એસસી-એસટી કાયદા હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે, મીડિયા સાથેની વાતચીતમાં દત્તાત્રેયે આ આરોપોને નકારતા જણાવ્યું હતું કે તેમને લખેલા પત્રનો રોહિત વેમુલાની આત્મહત્યા સાથે કોઈ સંબંધ નથી.