રોહિત વેમુલાની જાતિ પર વિવાદ કેમ, પોલીસે કોર્ટમાં જે રિપોર્ટ આપ્યો તેમાં શું છે?

રોહિત વેમુલા

ઇમેજ સ્રોત, ROHITH VEMULA'S FACEBOOK PAGE

ઇમેજ કૅપ્શન, રોહિત વેમુલા
    • લેેખક, બાલા સતીશ
    • પદ, બીબીસી સંવાદદાતા

રોહિત વેમુલા મામલે ફરીથી વિવાદ શરૂ થઈ ગયો છે. વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પોલીસે કોર્ટને એક રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે એ વાતના કોઈ પુરાવા નથી કે આરોપીએ રોહિત વેમુલાને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા.

પોલીસે ન્યાયાલયને આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલા એસસી જ્ઞાતિના ન હતા. આ કારણે વિવાદ વકર્યો છે.

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધપ્રદર્શન શરૂ કરી દીધાં છે. આ મામલે પ્રતિક્રિયા આપતા તેલંગણા સરકારે એલાન કર્યું છે કે આ મામલાની ફરીથી તપાસ હાથ ધરાશે.

રોહિતની આત્મહત્યાનો વિવાદ શું છે?

રોહિતની આત્મહત્યા સામે પગલાં લેવા વિદ્યાર્થીઓનું આંદોલન (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિતની આત્મહત્યા સામે પગલાં લેવા વિદ્યાર્થીઓનું આંદોલન (ફાઇલ તસવીર)

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થી વેમુલા રોહિત ચક્રવતીએ 17 જાન્યુઆરી 2016ના રોજ આત્મહત્યા કરી હતી.

આ પહેલાં રોહિત કૅમ્પ્સના કેટલાક આંદોલનમાં ભાગ લેતા હતા. જોકે, બંડારુ દત્તાત્રેયે આ વિશે કેન્દ્રિય મંત્રી સ્મૃતી ઈરાનીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ રોહિત વેમુલાની સ્કૉલરશિપ રોકી દેવામાં આવી હતી.

આ પૃષ્ઠભૂમિમાં રોહિત વેમુલાની આત્મહત્યા બાદ વિદ્યાર્થી સંગઠનો મોટા પાયે ઉશ્કેરાયા હતા.

વિદ્યાર્થી સંગઠનો લાંબા સમયથી આરોપ લગાડી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે રોહિતે યુનિવર્સિટીના વહીવટીતંત્ર, ભાજપ નેતૃત્વ અને એબીવીપી વિદ્યાર્થી સંગઠનના ઉત્પીડનને કારણે આત્મહત્યા કરી હતી.

આંબેડકર સ્ટુડેન્ટસ ઍસોસિયેશને આ આંદોલનમાં સક્રિય રૂપે ભાગ લીધો હતો. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ પણ આ વિરોધપ્રદર્શનનું સમર્થન કર્યું હતું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, ભાજપ અને એબીવીપીએ પોતાના પર લાગેલા આરોપોથી ઇનકાર કર્યો અને કહ્યું કે રોહિતની આત્મહત્યા સાથે યુનિવર્સિટીના વહીવટીતંત્ર કોઈ લેવા-દેવા નથી. રોહિતે જો કોઈ વ્યક્તિગત કારણસર આત્મહત્યા કરી છે તો તેને જ્ઞાતિનો રંગ ન આપવો જોઈએ. ભાજપનો તર્ક હતો કે રોહિત દલિત નથી.

આ આત્મહત્યાની ઘટનાને લઈને યુનિવર્સિટી હૉસ્ટેલ વૉર્ડન અને વિદ્યાર્થી સંગઠનના નેતા ડોંટા પ્રશાંતની ફરિયાદના આધારે ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રશાંતે પોતાની ફરિયાદમાં કહ્યું કે રોહિતે તત્કાલીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અપ્પારાવ પિંદિલે, સિકંદરાબાદના સંસદસભ્ય બંડારુ દત્તાત્રેય, ભાજપના એમએલસી રામચંદ્ર રાવની સાથે કૃષ્ણ ચૈતન્ય, નંદન સુશીલકુમાર અને નંદન દીવાકારના ઉત્પીડનને કારણે રોહિત વેમુલાએ આત્મહત્યા કરી હતી.

આ પહેલાં વર્ષ 2015માં યુનિવર્સિટીમાં અલગ-અલગ ઘટનાઓને કારણે એબીવીપી અને એએસએ વચ્ચે વિવાદો થયા હતા. પ્રશાંતે પોતાની ફરિયાદમાં કહ્યું કે ભાજપના નેતા આ વિવાદોમાં દખલ કરી રહ્યા હતા અને વાઇસ ચાન્સેલર તેમની મદદ કરતા હતા.

ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આ હસ્તક્ષેપને કારણે રોહિત વેમુલા અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ અયોગ્ય રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોહિત વેમુલાને મળતી જુનિયર રિસર્ચ સ્કૉલરશિપ પણ રોકી દેવામાં આવી હતી. આઈપીસી ઉપરાંત એસસી અને એસટી કાયદા હેઠળ પણ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.

રોહિત વેમુલાના મોત પછી થયેલા આંદોલન અને પોસ્ટમૉર્ટમ રોકવાની ઘટનાને કારણે પોલીસે બે બીજા કેસ દાખલ કર્યા હતા.

જોકે, રોહિત વેમુલાની આત્મહત્યા માટે જવાબદાર લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને પોતાના વિરુદ્ધ દાખલ કરેલા ફરિયાદોને રદ કરવાની માગ કરી હતી.

તેના જવાબમાં સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં પોલીસ દ્વારા કરેલા તપાસના રિપોર્ટ પણ સામેલ છે.

તેલંગણા હાઈકોર્ટે આ રિપોર્ટના આધારે પ્રોફેસર અપ્પારાવ, ભાજપ નેતા રામચંદ્ર રાવ અને અન્યની વિરુદ્ધ મામલો રદ કર્યો. હાઈકોર્ટે કહ્યું હતું કે આરોપીઓ દ્વારા કોઈ ઉત્પીડન થયું હોય તેના પુરાવા નથી.

પોલીસે કેસના ક્લોઝિંગ રિપોર્ટમાં શું લખ્યું?

રાહુલ ગાંધીએ રોહિત વેમુલાના મૃત્યુના વિરોધને સમર્થન આપ્યું (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ રોહિત વેમુલાના મૃત્યુના પછી થઈ રહેલા વિરોધપ્રદર્શન સમર્થન આપ્યું (ફાઇલ ફોટો)

પોલીસે રોહિત વેમુલાના મોત અને જ્ઞાતિ પર 60 પેજનો રિપોર્ટ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રોહિત એસસી જાતિના નથી.

રોહિત વેમુલાના ઇન્ટર અને ડિગ્રી સર્ટિફિકેટમાં એસસી છે. જોકે, તેમના નાના ભાઈ રાજા વેમુલાના જ્ઞાતિ પ્રમાણપત્રમાં વડ્ડેરા લખ્યું છે. ગુરજલા જિલ્લાના તહસીલદારે નોંધ્યું કે રોહિત વેમુલા અને તેમના પિતા વડ્ડેરા જ્ઞાતિના છે, જે બૅકવર્ડ ક્લાસમાં આવે છે.

ગુંટૂરના જિલ્લા ક્લેક્ટરે એક જિલ્લા લેવલની તપાસ સમિતિનું ગઠન કર્યું. આ સમિતિમાં જૉઇન્ટ ક્લેક્ટર, ડેપ્યુટી ક્લેક્ટર (બૅકવર્ડ ક્લાસ વેલફેર) અને જૉઇન્ટ ડિરેક્ટર (એસસી વેલફેર) સહિત પાંચ સભ્યો સામેલ હતા.

પોલીસે પોતાના રિપોર્ટમાં લખ્યું કે તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે રોહિતનો પરિવાર વડ્ડેરા જ્ઞાતિનો છે અને તેમના દ્વારા પ્રાપ્ત થયેલા એસસી કૅટગરીનાં પ્રમાણપત્રો ખોટાં હતાં અને કહ્યું કે તેને રદ કરવામાં આવે.

ગુંટૂર જિલ્લાના ગુરઝાલા તહસીલદારે રિપોર્ટ આપ્યો કે વેમુલા રાધિકા પણ વડ્ડેરા જ્ઞાતિનાં છે.

જોકે, રાધિકાનાં માતાએ કેટલાય મીડિયા હાઉસને જણાવ્યું કે તેમને એક માલા પરિવારે દતક લીધાં હતાં.

જોકે, રાધિકાનો દાવો છે કે તેઓ નથી જાણતાં કે તેમણે ક્યાં પરિવારમાં જન્મ લીધો હતો. તેમણે કહ્યું કે એક એસસી પરિવારે તેમને દત્તક લીધાં હતાં અને પોતાના પતિથી અલગ થયાં પછી તેઓ એક એસસી કૉલોનીમાં રહેતાં હતાં.

પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યું કે તહસીલદારના રિપોર્ટના આધારે આ મામલે એસસી અને એસટી કાયદાઓ લાગુ પડતા નથી, કારણ કે રોહિત એસસી કૅટગરીમાં નહોતા.

તે રિપોર્ટમાં જ્ઞાતિ અને રોહિત વેમુલા વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી હતી. પોલીસે રિપોર્ટમાં 2015માં યાકૂબ મેમણની ફાંસીની સજા દરમિયાન એચસીયુમાં વિરોધપ્રદર્શનથી કૅમ્પસમાં શરૂ થયેલાં તોફાનો અને ત્યાર પછી આવેલી ફરિયાદો અને તે પછી થયેલી તપાસ અને કાર્યવાહી વિશે લખ્યું હતું.

પોલીસે પોતાના રિપોર્ટમાં કહ્યું કે રોહિત વિરુદ્ધ યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી યુનિવર્સિટીના નિયમો પ્રમાણે જ હતી. રિપોર્ટમાં લખ્યું કે કાર્યવાહી કરનારી ટીમને ભાજપના નેતાઓ દ્વારા લખેલા પત્રોની જાણકારી નહોતી અને તેમણે સ્વતંત્રરૂપે નિર્ણય કર્યો હતો.

પોલીસે કહ્યું કે તપાસ સમિતિ દ્વારા આપેલી રિપોર્ટને આધારે રોહિત વેમુલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત રોહિતનું આત્મહત્યાનું કારણે એકલાપણું અને બાળપણથી રહેલી જીવન સમસ્યાઓ હતી. પોલીસે કોર્ટમાં કહ્યું કે રોહિતે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.

પોલીસે જણાવ્યું કે રોહિતને બીક હતી કે તેઓ એસસી નહોતા, તેમ છતાં તેમનાં માતા તેમને એસસી કૅટગરીનું પ્રમાણપત્ર આપશે જે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરશે. જોકે પોલીસે પોતાના રિપોર્ટમાં એ ન જણાવ્યું કે આ વાત ક્યાં આધારે ટાંકવામાં આવી છે.

પોલીસે પોતાની રિપોર્ટના અંતમાં કહ્યું કે રોહિતના મોતનાં અનેક કારણો હોઈ શકે છે. જોકે, એ વાતના કોઈ પુરાવા નથી કે આરોપીઓ રોહિતના મોત માટે જવાબદાર છે.

પોલીસ રિપોર્ટ સામે સખત વાંધો

રાધિકા વેમુલાએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને ન્યાય માટે અપીલ કરી હતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રાધિકા વેમુલાએ મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીને ન્યાય માટે અપીલ કરી હતી

પોલીસ રિપોર્ટ પર કેટલાંક વિદ્યાર્થી સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા એચસીયુના પ્રોફેસર શ્રીપતિ રામાડુએ બીબીસી સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું, "તત્કાલીન ગુંટૂર જિલ્લા કલેક્ટરે પોતે રાષ્ટ્રીય એસસી અને એસટી આયોગને એક લેખિત રિપોર્ટ આપ્યો હતો કે રોહિત એક દલિત હતા. જોકે, કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી એટલે તેમાં સુધારો કરાયો અને બીજી કમિટી બનાવીને રિપોર્ટ આપવામાં આવ્યો કે રોહિત એસસી કૅટગરીમાં નથી. જ્યારે બે તદ્દન વિરોધી રિપોર્ટ હોય ત્યારે પોલીસે તેને કોર્ટ સમક્ષ બંને રિપોર્ટ રાખવા જોઈએ અને કોર્ટના નિર્ણય પ્રમાણે કામ કરવું જોઈએ. પોલીસ પોતે જ રિપોર્ટ વિશે કેવી રીતે નક્કી કરી શકે?"

"મને શંકા છે કે પહેલા રિપોર્ટને બદલે બીજા રિપોર્ટને કેમ આધાર બનાવવામાં આવ્યો હતો. અમને પોલીસના ઇરાદા પર પણ શંકા છે. પોલીસ કેવી રીતે કહી શકે કે રોહિત વેમુલાનું પ્રમાણપત્ર ખોટું છે અને તેમને બીકને કારણે આત્મહત્યા કરી છે. આ વાતનો કોઈ તો આધાર હોવો જોઈએ? ન્યાયાલયને રિપોર્ટ સોંપવાની શું પ્રક્રિયા છે?"

તેમણે ઉમેર્યું કે "રાજસ્વ વિભાગે રોહિત વેમુલાને તેના જ્ઞાતિ પ્રમાણપત્રની બાબતે ખૂબ જ હેરાન પણ કર્યા."

પ્રોફેસર શ્રીપતિ રામાડુ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સોશિયલ એક્સક્લુઝન ઍન્ડ ઇન્ક્લુઝિવ પૉલિસી સેન્ટર વિભાગના વડા તરીકે કામ કરે છે.

તેઓ કહે છે, “મારું માનવું છે કે પ્રોફેસર અપ્પારાવ તે સમયે વાઇસ ચાન્સેલર ન હોત તો રોહિત બચી ગયા હોત. તેમણે સમસ્યાનો ઉકેલ સરળતાથી ન કરવા દીધો. તેનાં બે કારણ છે. એક તો દલિતો પ્રત્યે તેમની નફરત અને ભેદભાવ અને બીજી સિનિયરની પ્રશંસા મેળવવાની કોશિશ.”

"હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઇતિહાસના વિદ્યાર્થીઓને બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને વખત દલિત વિદ્યાર્થીઓને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અપ્પારાવની ભૂમિકા આ ઘટના પાછળ મહત્ત્વની હતી. પોલીસે આ વિશે તપાસ ન કરી."

તેમણે કહ્યું કે અપ્પારાવ વાઇસ ચાન્સેલર બન્યા તે પહેલાં આ મામલાની સુનાવણી થઈ હતી. તત્કાલીન વાઇસ ચાન્સેલર શર્માએ કહ્યું કે બન્ને વિદ્યાર્થી જૂથોની વાત ખોટી છે અને તેમને ચેતવણી આપી અને તેમની ભૂલ માટે માફી મંગાવી હતી. જોકે, તમને લાગે છે સમસ્યા અહીં ખતમ થઈ ગઈ, પરંતુ વાઇસ ચાન્સેલર બનીને અપ્પારાવે આ મામલો પલટી નાખ્યો હતો.

"એક એવા જૂથ સાથે મળીને એક સમિતિ બનાવી અને ત્યાર બાદ પાંચ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા જે તેમને અનુકૂળ ન હતા. આ પાંચેય વિદ્યાર્થીઓ એસસી કૅટગરીના હતા. પોલીસે પોતાના રિપોર્ટમાં બંને સમિતિનો ઉલ્લેખ કેમ ન કર્યો? " પ્રોફેસર રામાડુએ આ સવાલ કર્યો હતો.

“રોહિત વેમુલાએ અપ્પારાવને પત્ર લખીને કહ્યું હતું કે હું ભેદભાવ સહન નહીં કરું, મને ફાંસી આપી દો. તેમણે આ પત્રનો જવાબ ન આપ્યો. પોલીસે આ વિશે કેમ તપાસ ન કરી?”

રોહિત વેમુલા વતી આ કેસનું પ્રતિનિધિત્વ કરનારા વકીલ જયભીમ રાવે કહ્યું કે પોલીસ દ્વારા આપવામાં આવેલો રિપોર્ટ ખામીયુક્ત છે.

તેમણે કહ્યું, “રોહિતે પોતાના મૃત્યુ પહેલાં લખેલા બે પત્રોમાં યુનિવર્સિટીમાં થઈ રહેલા ભેદભાવ વિશે લખ્યું હતું. માનસિક ઉત્ડપીડનનો ઉલ્લેખ કર્યો હતો. આ બધું છોડીને પોલીસ પાસે એ લખવા માટે શું પુરાવા છે કે તેમનું મોત એટલા માટે થયું કે તેમની જ્ઞાતિની કોઈ પુષ્ટિ નહોતી થઈ અને તેને લીધે ભવિષ્યમાં મુશ્કેલી થશે.”

“ઍટ્રોસિટી કેસની સાચી તપાસ કરવા માટે જ્ઞાતિની ચકાસણી જરૂરી હોવાનું કાયદો ક્યાંય કહેતો નથી. તેમના પ્રમાણપત્રની હજુ પણ ગુંટૂર કલેક્ટર કચેરીમાં ચકાસણી થઈ રહી છે. સ્ક્રૂટિની કમિટીના અહેવાલ અંગે કલેક્ટર કોઈ નિર્ણય લઈ શક્યા નથી. આ સિવાય બીજી વખત સર્ટિફિકેટ અંગે ફરિયાદ કરનાર વ્યક્તિ મૂળ કલેક્ટર સમક્ષ આવતી નથી.“

“જ્યારે તેમની પાસે રોહિત વેમુલાના દલિત હોવાના 18 પુરાવા છે. આમ, આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ ગુંટૂર ક્લેક્ટર ઑફિસમાં થઈ રહેલી કાર્યવાહીની ઉપેક્ષા કરી છે અને રેકૉર્ડ લાવ્યા વગર બેદરકારીથી કોર્ટમાં રિપોર્ટ સોંપ્યો છે.“

યુનિવર્સિટીમાં ચિંતા

રોહિત વેમુલા કેસ

ઇમેજ સ્રોત, UGC

પોલીસનો રિપોર્ટ સામે આવ્યા પછી શુક્રવારે સાંજે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધપ્રદર્શન કર્યાં હતાં. આ મામલે તેલંગણાની સત્તાધારી પાર્ટી કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

ટીપીસીસીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જી. નિરંજને કહ્યું કે "આ આશ્ચર્યજનક હતું કે પોલીસે અદાલતને જાણ કરી કે તેઓ રોહિત વેમુલાના આત્મહત્યાના કેસને બંધ કરી રહ્યા છે."

"અમે રાજ્ય સરકારને આ મામલે ફરીથી સુનાવણી કરવામાં આવે તે માટે અપીલ કરીએ છીએ."

શુક્રવારે સવારે તેલંગણા ડીજીપીના કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું હતું.

તેલંગણા પોલીસના ડીજીપીનું કહેવું છે કે આ મામલે પહેલા આવેલા ક્લોઝર રિપોર્ટ પર તપાસ કરવામાં આવશે.

રોહિત વેમુલા મામલે પહેલાં થયેલી તપાસ પર રોહિત વેમુલાનાં માતા અને તેમના નજીકના લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ તેલંગણા પોલીસે આ નિર્ણય કર્યો હતો.

ડીજીપીએ પોતાના નિવેદનમાં જણાવ્યું, “જે રિપોર્ટને ટાંકવામાં આવી રહ્યો છે તે રિપોર્ટ 2018માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને તપાસ અધિકારીઓને 21 માર્ચ 2024 સોંપવામાં આવ્યો હતો.”

તેમણે નિવેદનમાં કહ્યું, “જે તપાસ કરવામાં આવી હતી તેના પર રોહિત વેમુલાનાં માતાએ સવાલો ઉઠાવ્યા હતા. આ જ કારણે અમે આ મામલે વધારાની તપાસ કરી રહ્યા છીએ.”

“તપાસ આગળ વધારવા માટે સંબંધિત ન્યાયાલયમાં અરજી કરીને પરવાનગી લેવામાં આવશે.”

આ કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ચિંતા ઓછી થઈ છે.

વકીલ જય ભીમરાવ કહ્યું, “આ રિપોર્ટને કારણે મૃતકનું અપમાન થયું છે. સરકાર ફરીથી તપાસ કરવા જઈ રહી છે. અમે જોઈશું કે તેઓ શું કરે છે, નહીંતર અમે કાયદા પ્રમાણે આગળ વધીશું.”

પોલીસે આ રિપોર્ટ માર્ચ 2024માં કોર્ટને સોંપ્યો હતો. ડીજીપી કાર્યાલય એ કહેવાની કોશિશ કરી રહ્યું છે કે તપાસ પાછલી બીઆરએસ સરકારના કાર્યકાળ દરમિયાન પૂરી થઈ ગઈ હતી.

રોહિતનાં માતા અને ભાઈએ શનિવારે સવારે તેલંગણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી.

રોહિતનાં માતા રાધિકાએ અરજી કરી છે કે તેમને ન્યાય મળે. મુખ્ય મંત્રી કાર્યાલયે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ મામલાની ફરીથી તપાસ થશે અને ન્યાય મળશે.

આ વિશે મીડિયા સાથે વાત કરતા રોહિત વેમુલાનાં માતાએ કહ્યું, “મારા દીકરાના મોતની તપાસ પછી જ્યારે કહેવામાં આવ્યું કે મારો દીકરો દલિત નથી. હું દલિત છું. તો શું મારો દીકરો દલિત નથી?”

રોહિતનાં માતાએ મીડિયાને જણાવ્યું કે મુખ્ય મંત્રીએ નિષ્પક્ષ તપાસ કરાવવાનો વાયદો કર્યો છે.

રોહિત વેમુલાના પિતા કોણ છે?

રોહિત વેમુલાના પિતા વેમુલા મણિકુમાર ગુંટૂર જિલ્લાના ગુરજલા વિસ્તારના રહેવાસી છે. રાધિકા તેમનાં પત્ની છે.

તેઓ પોતાનાં પત્ની અને બાળકોથી અલગ રહે છે. રોહિત વેમુલાની આત્મહત્યા પછી રાધિકા કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યાં છે. જ્યારે મણિકુમાર ભાજપની બેઠકોમાં સામેલ થઈને પાર્ટીને સમર્થન આપી રહ્યા છે.

પ્રોફેસર અપ્પારાવે પ્રોફેસર રામાડુ દ્વારા લગાડવામાં આવેલા આરોપો વિશે બોલવાનો ઇનકાર કર્યો છે. બીબીસીએ ભાજપના નેતા રામચન્દ્રરાવ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. તેમનો જવાબ આવશે તો અહેવાલને અપડેટ કરવામાં આવશે.

જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય કે તમારી જાણકારીમાં અન્ય કોઈ સાથે આવું થતું હોય તો તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક કક્ષાએ બીફ્રેન્ડર્સ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ મેળવી શકો છો.