રોહિત વેમુલા મામલે તપાસ બંધ કરવા પર ઊઠ્યા સવાલ, હવે પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તેલંગણા પોલીસે રોહિત વેમુલાની આત્મહત્યા મામલે ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો ત્યારથી હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શુક્રવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતી ઈરાની વિરુદ્ધ નારેબાજી કરી હતી.
વિદ્યાર્થીઓ રોહિત વેમુલા મામલે દાખલ કરેલા ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરી રહ્યા છે.
એવા દાવા થઈ રહ્યા છે કે પોલીસે પોતાના ક્લોઝર રિપોર્ટમાં બધા જ આરોપીઓને ક્લીનચિટ આપી દીધી છે.
ક્લોઝર રિપોર્ટ પ્રમાણે રોહિત વેમુલા અનુસૂચિત જાતિના નહોતા. એટલે કે તેઓ દલિત ન હતા.
રિપોર્ટ પ્રમાણે રોહિત વેમુલા વડ્ડેરા જાતિના હતા, જે અનુસૂચિત જાતિમાં આવતી નથી. તેના આધારે એવું કહેવાઈ રહ્યું છે કે આ કેસમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ કાયદો લાગુ પડતો નથી.
વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે પોલીસે રોહિત વેમુલાના મામલે હૈદરાબાદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અપ્પારાવ પિંદિલે, પૂર્વ કેન્દ્રિય મંત્રી બંડારુ દત્તાત્રેય અને સ્મૃતી ઈરાનીની ભૂમિકાની તપાસ કરી નથી.
વિદ્યાર્થીઓએ કહ્યું, “પોલીસે 60 પાનાંનો રિપોર્ટ આપ્યો છે તેને જોતા એવું લાગે છે કે તપાસનું કેન્દ્ર રોહિતની આત્મહત્યા નહીં પરંતુ તેમની જાતિ પર છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થીઓનું કહેવું છે કે રોહિત વેમુલાને જે ઓળખાણને કારણે આખું જીવન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે ઓળખાણ પણ તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે.
વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ આરોપ લગાવે છે કે પોલીસ પોતાના રિપોર્ટમાં ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી સંગઠન એબીવીપીની વાતોનું પુનરાવર્તન કરી રહી છે.
વિદ્યાર્થીઓ કહે છે કે પોલીસ ખોટી રીતે સાબિત કર્યું છે કે રોહિત વેમુલા દલિત નહોતા.
રોહિત વેમુલાના પરિવારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
રોહિત વેમુલાના ભાઈ રાજાએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા પછી ડીજીપીએ પોતે નિવેદન આપ્યું હતું કે આ મામલાની ફરીથી તપાસ કરવી જોઈએ અને આ વિશે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.”
“અમે મુખ્ય મંત્રીને આવેદન આપ્યું છે અને તેમણે રોહિતને ન્યાય અપાવવા માટે નિષ્પક્ષ તપાસનો ભરોસો આપ્યો છે.”
“કૉંગ્રેસ સરકાર આ મામલે તપાસ કરશે અને અમને ભરોસો છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.”
તેલંગણા પોલીસનું નિવેદન

ઇમેજ સ્રોત, ani
રોહિત વેમુલાની આત્મહત્યા મામલે મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પર તેલંગણા પોલીસે નિવેદન જાહેર કર્યું છે.
તેલંગણા પોલીસના ડીજીપીનું કહેવું છે કે આ મામલે પહેલાં આવેલી ક્લોઝર રિપોર્ટ પર તપાસ કરવામાં આવશે.
રોહિત વેમુલા મામલે પહેલાં થયેલી તપાસ પર રોહિત વેમુલાનાં માતા અને તેના નજીકના લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ તેલંગણા પોલીસે આ નિર્ણય કર્યો હતો.
ડીજીપીએ પોતાના નિવેદનમાં જણાવ્યું, “જે રિપોર્ટને ટાંકવામાં આવી રહ્યો છે તે રિપોર્ટ 2018માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટને તપાસ અધિકારીઓને 21 માર્ચ 2024 સોંપવામાં આવ્યો હતો.”
તેમણે નિવેદનમાં કહ્યું, “જે તપાસ કરવામાં આવી હતી તેના પર રોહિત વેમુલાનાં માતાએ સવાલો ઉઠાવ્યા હતા. આ જ કારણે અમે આ મામલે વધારાની તપાસ કરી રહ્યા છીએ.”
“તપાસ આગળ વધારવા માટે સંબંધિત ન્યાયાલયમાં અરજી કરીને પરવાનગી લેવામાં આવશે.”
રોહિતની જ્ઞાતિ મામલે ક્લોઝર રિપોર્ટમાં શું કહેવાયું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્લોઝર રિપોર્ટમાં કેટલાક પુરાવાનો હવાલો દઈને કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાનો સંબંધ વડ્ડેરા જ્ઞાતિ સાથે છે, જે બેકવર્ડ ક્લાસમાં આવે છે પરંતુ એસસી કૅટગરીમાં નહીં.
રિપોર્ટમાં ગુંટૂર જિલ્લાની તહેસીલદાર બી રજનીકુમારીના હવાલે કહેવામાં આવ્યું છે કે તેમણે રાધિકા વેમુલા (રોહિતનાં માતા) અને તેમના બંને ભાઈઓનું જ્ઞાતિ પ્રમાણપત્ર જાહેર કર્યું હતું, જેમાં તેમની જ્ઞાતિ વડ્ડેરા હતી.
આ સિવાય ગુંટૂર જિલ્લાના તહેસીલદાર જી.વી.એ ફનેન્દ્ર બાબુના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેમણે રોહિત વેમુલાના પિતા વેમુલા મનીકુમારને વડ્ડેરા (બેક્વર્ડ ક્લાસ) જ્ઞાતિનું પ્રમાણપત્ર આપ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુંટૂર જિલ્લાના જિલ્લા કલેકટર કાંતિલાલે રોહિત વેમુલાની જ્ઞાતિની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે રોહિત વેમુલા અને તેમનાં માતા વડ્ડેરા જ્ઞાતિનાં છે.
ક્લોઝર રિપોર્ટના પેજ નંબર 55 પર કહેવામાં આવ્યું છે કે આ તપાસ દરમિયાન રોહિતના પિતા મનીકુમાર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. તેમણે પોતાનાં પત્નીથી અલગ થવા અંગે અને પોતાના દીકરા વિશે વાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે રોહિતના પિતાએ જણાવ્યું કે તેઓ અને તેમનાં પત્ની વડ્ડેરા જ્ઞાતિનાં છે.
રિપોર્ટમાં તેમના સિવાય અન્ય કેટલાક લોકોનો હવાલો આપવામાં આવ્યો છે, જેઓ કહી રહ્યા છે કે રોહિત વેમુલાની જ્ઞાતિ વડ્ડેરા હતી.
જ્ઞાતિ વિશે રોહિતનાં માતાનો પક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
રોહિત દલિત હતા કે નહીં? આ મામલે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
રોહિતનાં માતા વી. રાધિકાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેમનો જન્મ અનુસૂચિત જ્ઞાતિમાં થયો હતો. જોકે, તેમનાં લગ્ન વડ્ડેરા જ્ઞાતિના મનીકુમાર સાથે થયાં હતાં.
વડ્ડેરા સમુદાયને તેલંગણા પછાત જ્ઞાતિનો દરજ્જો હાંસલ છે.
વી. રાધિકાએ જણાવ્યાં કારણો મુજબ અંતિમ બાળકને જન્મ આપ્યા પછી અંગત કારણસર પોતાના પતિથી અલગ થઈ ગયાં હતાં.
તેમણે જણાવ્યું કે પોતાના પતિથી અલગ થયાં પછી તેઓ પોતાનાં ત્રણેય બાળકો સાથે અનુસૂચિત જ્ઞાતિવાળા વિસ્તારમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં, કારણ કે તેઓ પોતે માલા સમુદાયથી આવે છે.
રોહિતનાં માતાનું કહેવું હતું કે પાંચ વર્ષની ઉંમરથી જ તેઓ વડ્ડેરા સમુદાય સાથે સંબંધ રાખતા પરિવાર સાથે ઉછર્યાં હતાં.
રાધિકાએ કહ્યું, “મારા અને મારાં બાળકોએ અનુસૂચિત જ્ઞાતિ સમુદાયની દરેક પરંપરા અને રિવાજોનું પાલન કર્યું છે.”
જોકે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે માતા અને પિતામાંથી કોઈ પણ એક દલિત હોય તો તેમનાં બાળકોને પણ દલિત માનવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ROHITH VEMULA'S FACEBOOK PAGE
હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના પીએચ.ડી.ના વિદ્યાર્થી રોહિત વેમુલાએ 17 જાન્યુઆરી 2016ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ આંબેડકર સ્ટુડેન્ટ ઍસોસિયેશનના સભ્ય હતા.
આત્મહત્યા પહેલાં રોહિત વેમુલા અને તેના ચાર સાથીઓને યુનિવર્સિટીની હૉસ્ટેલમાંથી કાઢી મૂક્યા હતા.
જોકે, યુનિવર્સિટીની પ્રથમ તપાસમાં આ આરોપ પાયાવિહોણા હોવાનું જણાયું હતું, ત્યાર બાદ રોહિત અને તેના અન્ય સાથીદારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે, યુનિવર્સિટીમાં ત્યાર બાદ નવા કુલપતિ આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પણ કારણ વગર તે નિર્ણયને પલટી નાખ્યો હતો. રોહિત અને તેમના મિત્રો માટે ફરીથી હૉસ્ટેલ અને યુનિવર્સિટીની અન્ય સાર્વજનિક જગ્યાઓ પર જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
તે સમયે સિકંદરાબાદથી ભાજપના સંસદસભ્ય બંડારુ દત્તાત્રેયે (હાલમાં હરિયાણાના રાજ્યપાલ) તત્કાલીન માનવ સંસાધન મંત્રી સ્મૃતી ઈરાનીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે યુનિવર્સિટીને રાષ્ટ્ર વિરોધીઓનો અડ્ડો ગણાવીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.
દત્તાત્રેયનો પત્ર મળ્યા પછી માનવ સંસાધન મંત્રાલયે યુનિવર્સિટીને એક પેનલ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ પેનલે જ રોહિત વેમુલા અને અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
આંબેડકર વિદ્યાર્થી સંઘે આ પત્રનો હવાલો આપતા કહ્યું કે દત્તાત્રેયના પત્ર પછી યુનિવર્સિટીમાં સમસ્યાઓ શરૂ થઈ હતી, ત્યાર બાદ કેટલાક અન્ય દલિત વિદ્યાર્થીઓએ પણ સામાજિક ભેદભાવને કારણે આત્મહત્યા કરી હતી.
આ મામલે બંડારુ દત્તાત્રેય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમની ઉપર એસસી-એસટી કાયદા હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે, મીડિયા સાથેની વાતચીતમાં દત્તાત્રેયે આ આરોપોને નકારતા જણાવ્યું હતું કે તેમને લખેલા પત્રનો રોહિત વેમુલાની આત્મહત્યા સાથે કોઈ સંબંધ નથી.
જો તમને આત્મહત્યાના વિચારો આવતા હોય કે તમારી જાણકારીમાં અન્ય કોઈ સાથે આવું થતું હોય તો તમે ભારતમાં આસરા વેબસાઇટ કે વૈશ્વિક કક્ષાએ બીફ્રેન્ડર્સ વર્લ્ડવાઇડના માધ્યમથી મદદ મેળવી શકો છો.












