ભારતમાં દલિતોની અનેકવિધ જિંદગી દર્શાવતી તસવીરો શું કહે છે?

ઇમેજ સ્રોત, ASHA THADANI
બંને કાખમાં ઘોડી લઈને ચાલી રહેલી એક દલિત મહિલા આ ચિત્રમાં દેખાય છે. ઝારખંડની ખુલ્લી કોલસાની ખાણોનું આ દૃશ્ય છે. અહીં એક સદીથી ભૂગર્ભમાં કાયમ આગ પ્રજ્જવલિત રહે છે.
આ તસવીરો ‘બ્રોકન’ શીર્ષક હેઠળ શરૂ થયેલી બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીરોની શ્રેણીનો એક ભાગ છે. તસવીરકાર આશા થડાણી છેલ્લાં સાત વર્ષથી ભારતના દલિતો અને તેમની જિંદગીને કૅમેરામાં કંડારવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ભારતના અંદાજે 20 કરોડથી વધુ દલિતોની દેશના સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા નાગરિકોમાં ગણતરી થાય છે. રીઢ થઈ ગયેલી જ્ઞાતિવ્યવસ્થામાં તેમની ગણના સૌથી નીચેના ક્રમે એટલે કે નીચલા વર્ણની જાતિ તરીકે થાય છે.
દેશની સંસ્થાઓમાં રાખવામાં આવેલી અનામતોના ક્વૉટા કદાચ શિક્ષણ, આવક કે સ્વાસ્થ્યના સંદર્ભમાં તેમને સમાનતા પ્રદાન કરવામાં સફળ નીવડ્યા હોઈ શકે. કેટલાક દલિતો પોતાને કદાચ ચેમ્બર ઑફ કૉમર્સના કરોડપતિઓનો ભાગ પણ ગણાવી શકે. બે દલિત લોકોએ દેશના સર્વોચ્ચ સત્તાસ્થાને પણ જવાબદારી નિભાવી છે.
પરંતુ અતિશય મોટી સંખ્યામાં દલિતો હજુ પણ એ જ વ્યવસાયોમાં સંકળાયેલા છે જે અન્ય જાતિઓના લોકો સામાન્ય રીતે નથી કરતા. જેમ કે મૃત પ્રાણીઓના નિકાલનું કામ કરવું કે પછી ગટરની સફાઈ કરવી, આ વ્યવસાયોમાં દલિતો જ સૌથી વધુ સંકળાયેલા છે.

ઇમેજ સ્રોત, ASHA THADANI
થૈયમ એક ધાર્મિક પરંપરા છે જેનો ઉદભવ કેરળના ઉત્તરી પ્રાંતમાં થયો હતો.
દલિત થૈયમ કલાકારો વિશે એવું મનાય છે કે સમાધિ જેવી અવસ્થામાં રહેલા આ નર્તકો દેવતાઓની પૂજા કરે છે જે દેવતાઓને તેઓ માને છે, મૂર્ત સ્વરૂપમાં સન્માન આપે છે.
આશા થડાણી કહે છે, “જ્યારે તેઓ થૈયમ કલાકાર બને છે ત્યારે તેઓ સ્ટોરીટેલર અને એક માધ્યમ બને છે – તેઓ જાણે કે દેવતાઓની જીવંત રજૂઆત ગણાય છે. થૈયમનાં મૂળ જાતિવ્યવસ્થામાં હોવા છતાં પણ જ્યારે તેનું પર્ફૉર્મન્સ થતું હોય ત્યારે ઉચ્ચ જ્ઞાતિના લોકો તેને સન્માન આપે છે, નીચલી જ્ઞાતિના આ કલાકારની આજ્ઞાનું પાલન કરે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ASHA THADANI
મુસાહરો કે જેમનો સીધો મતલબ થાય છે – ઉંદરવાળા માણસો. તેઓ એટલા ગરીબ છે કે તેમના ખોરાકમાં વારંવાર ઉંદરોનો ઉપયોગ કરે છે.
મુસાહરો એ બિહારના દલિતોનો એક ફાંટો છે. તેઓ મોટે ભાગે જમીનદારોનાં ખેતરોમાં ખેતમજૂરો તરીકે કામ કરે છે અને વર્ષના આઠેક મહિના તેમની પાસે કોઈ કામ હોતું નથી.
મોટે ભાગે કામની બાબતમાં કશું સ્થાયીપણું ન હોવાને કારણે અને જમીનદારોની ઉદારતા પર નિર્ભર રહેવું પડતું હોવાથી તેમણે એક નવો વ્યવસાય શોધી કાઢ્યો. તેઓ હવે નાચણિયા તરીકે પણ કામ કરે છે.
મોટે ભાગે 10થી 23 વર્ષની વય ધરાવતા આ પુરુષ મનોરંજનકર્તાઓ મહિલાનો પોશાક પહેરે છે અને ગામડાંમાં થતાં લગ્નોમાં પોતાની કળા દર્શાવે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તેઓ આ કામ કરે છે.

ઇમેજ સ્રોત, ASHA THADANI
પોતાના ચહેરા પરના એક-એક ખૂણે તેમણે દેવનાગરી લિપિમાં ‘રામરામ’ કોતરાવેલું હોય છે, આ મહિલાઓએ મુંડન કરાવેલું હોય છે. આ મહિલાઓ રામનામીઓ તરીકે ઓળખાય છે. ભક્તિનું આ દૃશ્ય માધ્યમ છે.
મહિલાઓના ચહેરા પર લાકડાની સોય વડે કેરોસીન લૅમ્પની મસમાંથી બનાવવામાં આવેલી શાહીમાંથી ‘રામનામ’ કોતરવામાં આવે છે. આંખનાં પોપચાંથી માંડીને ખભા સુધી આખા ચહેરામાં આ ટેટૂ ત્રોફાવે છે. મહિલાઓએ ઓઢેલી શાલમાં પણ પવિત્ર ‘રામનામ’ જોવા મળે છે.
છત્તીસગઢના રામનામીઓએ કોતરાવેલાં આ રામનામ એ વિરોધ અને અવજ્ઞાનાં પ્રતીક હતાં. તેનાં મૂળ ઓગણીસમી સદીમાં જોવા મળે છે. તેમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાબિત કરવા માટે તેમણે શરીર પર રામનામ કોતરાવવાનું નક્કી કર્યું જે આગળ જતાં એક ઓળખ બની ગઈ.

ઇમેજ સ્રોત, ASHA THADANI
પવિત્ર શહેર ગણાતા વારાણસીની આ તસવીરમાં એક કુશળ ડૂબકીખોર દેખાય છે જે ગંગાના પાણીમાંથી ડૂબકી મારીને બહાર આવે છે. તેમના દાંત વચ્ચે તેણે સિક્કા દાબેલા છે.
‘ગોતાખોર’ તરીકે ઓળખાતા આ એક્સપર્ટ ડૂબકીખોરોના દાંત વચ્ચે દબાયેલા સિક્કા તેમને મુક્તિના સાધકો તરફથી આપવામાં આવેલા હોય છે. નદીના પ્રવાહમાં તરવા માટે હાથની જરૂર પડે છે તેથી તેઓ સિક્કાઓને તેમના મુખમાં દબાવી રાખે છે.
આ ડૂબકીખોરો નદીના પ્રવાહમાં ક્યાંકથી કોઈ કારણસર તણાઈ આવેલા મૃતદેહો કિનારે ખેંચી લાવવાનું કામ કરે છે. બદલામાં તેમને સસ્તો દારૂ વળતર તરીકે અપાય છે.
આશા થડાણીના જણાવ્યા અનુસાર, “દરેક ડૂબકી એ એક ધાર્મિક વિધિ છે અને હેમખેમ પાછો આવેલો દરેક સિક્કો એ જીવનરૂપી અઘરી યાત્રાને સરળ બનાવવાનું પ્રતીક છે."

ઇમેજ સ્રોત, ASHA THADANI
બિહારના એક ખૂણામાં ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ઘરેણાં પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પગલે આ દલિત મહિલાઓએ છૂંદણાંને જ તેમનાં ઘરેણાં બનાવી લીધાં હતાં.
ગાયનું છાણ, વાંસ, સ્ટ્રો અને તાડનાં પાનથી તેઓ તેમની ઝૂંપડીઓની દીવાલોને કેનવાસમાં બદલી દે છે.
થડાણી કહે છે, “ભગવાનની પૂજા કરવા માટે તેમના પર મુકાયેલા પ્રતિબંધને પગલે તેમણે પ્રકૃતિને તેમની નવી પ્રેરણા બનાવી. આજે તેમની શૈલીનાં ચિત્રો એ માત્ર તેમના ભરણપોષણનું જ સાધન બન્યાં છે તેવું નથી પણ એ મહિલાઓની હિંમત અને સર્જનાત્મકતાનું પણ પ્રતીક બન્યાં છે.”

ઇમેજ સ્રોત, ASHA THADANI
આ મહિલાઓનો વ્યવસાય ‘શોક કરવાનો’ છે. આ મહિલાઓ તામિલનાડુના દલિત સમુદાયમાં ઊંડે ઊંડે જડેલી ‘ઓપ્પારી શોક વિધિ’નો અભ્યાસ કરે છે.
પરંપરાગત રીતે પરિવારના નજીકના સભ્યોની ખોટ પડી હોય ત્યારે આત્મા તૃપ્ત કરવાના પ્રતિભાવ તરીકે ઓપ્પારી (મરસિયા) ગાવામાં આવે છે. આ મરશિયા શોકગ્રસ્ત પરિવાર વતી ગાવામાં આવે છે.
જ્યારે કોઈ પરિવારમાં મૃત્યુ થાય છે ત્યારે તેમને ઘરે શોક વ્યક્ત કરવા માટે બોલાવવામાં આવે છે. એક પરંપરાગત ધાર્મિક ગણાતી આ વિધિ દુ:ખને ઊંડાણપૂર્વક વ્યક્ત કરવાનું માધ્યમ છે.
આ કામ ખરાબ ગણવામાં આવે છે અને તેને દલિતો જ કરે છે. શોક વ્યક્ત કરવાનું કામ એવું દર્શાવે છે કે બહારથી દુ:ખ વ્યક્ત કરવું એ નબળાઈ છે અને એટલે પરંપરાગત રીતે આ કામ મહિલાઓ જ કરે છે, સામાજિક બંધનો અને પરંપરાની આ અતિશય વરવી ઝાંખી છે.

ઇમેજ સ્રોત, ASHA THADANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કર્ણાટકના દલિતોની એક જાતિ ‘શિવા’ એ એક સમૂહનો ભાગ છે જે બેંગલુરુના મટન બજારમાં બકરીઓનાં માથાં બાળીને તેને પકાવવાનું કામ કરે છે.
બકરીનાં માથાંને પકાવવાને કારણે રુવાંટી બળી જાય છે અને તેના કારણે તેનું સૌથી મોંઘું અંગ એવું મગજ વેચવામાં સરળતા રહે છે. માંસ પકાવવા માટે આ જરૂરી ફરજિયાત પ્રક્રિયા છે.
દરરોજ બળબળતી ગરમી, ઝેરી ધુમાડો અને કોલસાની રજને કારણે આ કામ કરનાર લોકોનું જીવન માંડ 35થી 45 વર્ષનું જ હોય છે. માંસ પકાવવા દરમિયાન વપરાતા ગરમ લોખંડના સળિયાને કારણે તેમના હાથની સેન્સિટિવિટી ચાલી જાય છે, કારણ કે કામ દરમિયાન વારંવાર હાથ વડે તેને પકવવામાં આવે છે.
આ કામ દલિત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેમની ઉંમર 10થી 12 વર્ષની જ હોય છે. તેમને બકરીનું માથું પકવવા માટે 15 રૂપિયા આપવામાં આવે છે.












