મોદી સરકારનું બજેટ યુવાનોને કેટલો રોજગાર આપી શકશે

બજેટ 2024, બજેટમાં યુવાવર્ગને રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

મોદી સરકારના બજેટને 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે, છતાં તેનું વિશ્લેષણ ચાલુ છે.

શૅરબજારના નિષ્ણાત, અર્થશાસ્ત્રી તથા આર્થિક બાબતોના પત્રકાર આ બજેટને ઝીણવટપૂર્વક ચકાસી રહ્યા છે. બજેટની ત્રણ મુખ્ય જાહેરાતોએ લગભગ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

મોદી સરકારની સ્થિરતા માટે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર તથા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુનો ટેકો કેટલો જરૂરી છે, તે છતું થાય છે.

WhatsApp

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

પહેલાં પીએલઆઈ, હવે 'ઈએલઆઈ'

બજેટ 2024, બજેટમાં યુવાવર્ગને રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

બજેટમાં સરકારે નોકરીઓ વધારવા તથા કામકાજ કરતા લોકોમાં કૌશલ્યવર્ધન માટે પાંચ સ્કીમોની જાહેરાત કરી છે, જેની પાછળ રૂ. બે લાખ કરોડ ખર્ચાશે.

જે રીતે મોદી સરકારે તેના ગત કાર્યકાળ દરમિયાન ઉત્પાદનક્ષેત્રે વિકાસ માટે પીએલઆઈની (પ્રૉફિટ લિંક્ડ ઇન્સૅન્ટિવ) જાહેરાત કરી હતી, એ રીતે રોજગાર વધારવા 'ઈએલઆઈ'ની (એમ્પલૉયમેન્ટ લિંક્ડ ઇન્સૅન્ટિવ) જાહેરાત કરી છે.

બીજી મોટી જાહેરાત કરદાતા સંદર્ભે હતી. હાલ દેશમાં 140 કરોડની વસતી છે, જેમાંથી લગભગ બેથી અઢી કરોડ લોકો જ આવકવેરો ભરે છે અને તેમને થોડી રાહત આપવામાં આવી છે.

દેશમાં મોંઘવારીનું ભારણ વધી રહ્યું છે, જેના કારણે ચીજવસ્તુઓના વપરાશમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે સરકારે આવા કોઈ ઉપાય કરવા પડે તેમ હતા.

બે-અઢી કરોડ લોકોને કરરાહત આપીને વસ્તુઓ અને સેવાઓના દરમાં કેટલો વધારો થઈ શકશે, તે અલગ વાત છે.

જાણકારોનું કહેવું છે કે જો સરકાર દ્વારા અપ્રત્યક્ષ કરદરમાં રાહત આપવામાં આવી હોત તો તે અન્ય 138 કરોડ લોકો માટે રાહતજનક બની રહેત.

થઈ શકશે રોજગારસર્જન?

બજેટ 2024, બજેટમાં યુવાવર્ગને રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભાની ચૂંટણીના પરિણામોને કારણે સ્પષ્ટ થઈ ગયું હતું કે રોજગારનો મુદ્દો નિર્ણાયક છે. મોદી સરકારે તેના પ્રથમ કાર્યકાળથી દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો કરતી રહી છે, પરંતુ તે ક્યારેય પૂર્ણ નહોતો થઈ શક્યો.

જાણકારોનું કહેવું છે કે નોટબંધી, જીએસટીમાં રહેલી ત્રુટિઓ તથા કોવિડને કારણે ઊભી થયેલી સમસ્યાઓને કારણે સરકારનો આ વાયદો પૂર્ણ નહોતો થઈ શક્યો.

હાલ એ પણ સવાલ છે કે રોજગાર અંગે સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે, તેના કારણે બેરોજગારી દૂર થશે કે કેમ? ભારતમાં રોજગારની સ્થિતિ ઉપર બારીક નજર રાખનારા જાણકારોનું માનવું છે કે દેશમાં નોકરીઓ વધારવા માટે અનેક મૂળભૂત પગલાં લેવાની જરૂર છે.

જાણકારોના કહેવા પ્રમાણે, પહેલી વખત નોકરી મેળવનાર કર્મચારીને એક મહિનાનો પગાર ત્રણ હપ્તામાં સીધો જ તેના બૅન્કખાતામાં ટ્રાન્સફર થશે. મતલબ કે તેનાથી નોકરી આપનારી કંપની ઉપરનું ભારણ ઘટશે. જેના કારણે તેઓ નોકરી આપવા માટે પ્રોત્સાહિત થશે.

આ માટે રૂ. 15 હજારની ટોચમર્યાદા રહેશે. આ સ્કીમનો લાભ 30 લાખ યુવાને લાભ થવાનું અનુમાન છે. આર્થિક બાબતોના જાણકાર વરિષ્ઠ પત્રકાર સુષમા રામચંદ્રને બીબીસી સાથે વાત કરતા કહ્યું કે માત્ર ઇન્સૅન્ટિવ આપવાથી રોજગારવૃદ્ધિ નહીં થાય.

રામચંદ્રન કહે છે, "કોવિડ પછી અર્થવ્યવસ્થામાં રિક્વરી તથા રોજગારવૃદ્ધિ માટે ઉદ્યોગોને ખાસ્સા ટૅક્સ ઇન્સૅન્ટિવ આપ્યા હતા, જેથી કરીને તેઓ રોજગારસર્જન કરે, પરંતુ એમ ન થયું. ઉદ્યોગોએ ક્ષમતાનું વિસ્તરણ ન કર્યું, કારણ કે કોવિડ પછી દેશમાં માગ ખૂબ જ ઘટી ગઈ હતી."

"ઉદ્યોગોને લાગતું હતું કે તેમના રોકાણ અટવાય જશે, એટલે તેમણે નવું રોકાણ ન કર્યું અને રોજગારસર્જન ન થયું."

રામચંદ્રન ઉમેરે છે, "એ રોજગારવૃદ્ધિ માટેનો ટૂંકાગાળાનો ઉપાય છે, પરંતુ તેનાથી લાભ નહીં થાય. નોકરીઓનું સર્જન કરવા માટે મૅન્યુફૅક્ચરિંગનો વ્યાપ વધારવો પડશે. ઍજ્યુકેશન તથા કૌશલ્યવર્ધન તથા હૅલ્થકૅરક્ષેત્રે મોટું રોકાણ કરવું પડશે. તે મૂળભૂત પગલું છે. તેના વગર મોટાપાયે રોજગાર પેદા કરવામાં મુશ્કેલી ઊભી થશે."

રામચંદ્રન કહે છે કે સરકારે વિદેશીકંપનીઓ ઉપરનો ટૅક્સ ઘટાડ્યો છે, પરંતુ તેનાથી 'ઇઝ ઑફ ડૂઇંગ બિઝનૅસ' માટે કશું નથી કર્યું. માત્ર કરઘટાડાને કારણે તેઓ અહીં એકમો નહીં સ્થાપે. આના માટે સરકારે રૅગ્યુલેટરી કૉલેસ્ટ્રૉલ ઘટાડવું રહ્યું. મતલબ કે નાના-મોટા ક્લિયરન્સની અડચણો દૂર કરવી પડશે. ત્યારે જ કંપનીઓ અહીં ઉત્પાદનએકમો સ્થાપશે અને રોજગાર આપશે.

મોંઘવારી અને મધ્યમવર્ગ

બજેટ 2024, બજેટમાં યુવાવર્ગને રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

આમ તો મોંઘવારીની અસર દરેક વર્ગના વપરાશકર્તાને થાય છે, પરંતુ તેની સૌથી વધુ અસર ગરીબો ઉપર પડે છે. સરકારે પ્રત્યક્ષકરમાં ઘટાડો કરીને માત્ર મધ્યમવર્ગને થોડી રાહત આપી છે અને નોકરિયાતોને સૌથી વધુ લાભ મળ્યો છે.

આની પાછળ સરકારનો તર્ક છે કે સૌથી વધુ મધ્યમવર્ગ દ્વારા ચીજવસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે અને જો તેમના હાથમાં રૂપિયા વધશે તો તેઓ ખરીદારી કરશે, જેના કારણે વસ્તુ-સેવાની માગમાં વૃદ્ધિ થશે. આને કારણે અર્થતંત્રને વેગ મળશે અને રોજગારસર્જન થશે.

જોકે, રોજગાર તથા આર્થિકબાબતોના વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "સરકારે આ બે-અઢી કરોડ લોકોને બાદ કરતાં અપ્રત્યક્ષકર આપતાં લોકો માટે કશું નથી કર્યું. જો તેમણે આ વસ્તુ-સેવા ઉપરના કર ઘટાડ્યા હોત તો બધાને લાભ થયો હોત. મોટા વપરાશકર્તા વર્ગની પાસે પૈસા બચ્યા હોત તથા તેના કારણે અર્થતંત્રમાં વધુ ઝડપથી માગ ઊભી થઈ હોત."

જ્યાં સુધી મોંઘવારીનો સવાલ છે, તો નાણામંત્રીએ કહ્યું હતું કે ભારતમાં મોંઘવારીનો દર સ્થિર છે અને તે ચાર ટકાના લક્ષ્ય તરફ અગ્રેસર છે. મતલબ કે તે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિર્ધારિત લક્ષ્યાંકમાં રહેશે. મતલબ કે આ મોંઘવારી સંદર્ભે સરકાર ખાસ ચિંતિત નથી, પરંતુ ખાદ્યપદાર્થોની મોંઘવારી સતત વધી રહી છે. દાળ, તેલ, બટાકા અને ટામેટાં જેવાં દૈનિક વપરાશના ખાદ્યપદાર્થોની મોંઘવારી સતત વધી રહી છે.

નાણાકીય વર્ષ 2022- '23 દરમિયાન ખાદ્યાન્ન મોંઘવારીનો દર 6.6 ટકા હતો, જે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઠ ટકા સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. આ માટે સરકારે રશિયા-યુક્રેન યુદ્ધ તથા દેશમાં નબળાં ચોમાસાંને જવાબદાર ઠેરવ્યું છે.

સુષમા રામચંદ્રનના કહેવાં પ્રમાણે, ખાદ્યાન્ન મોંઘવારીની બાબતમાં સરકાર ખાસ કશું કરી શકે તેમ નથી, કારણ કે તે ખેડૂતોનાં હિતોને અવગણી શકે તેમ નથી. જો ખેડૂતોને કૃષિઉત્પાદનોના યોગ્ય ભાવ નહીં મળે તો ચીજવસ્તુઓનો પુરવઠો ઘટી જશે, જેના કારણે મોંઘવારીનું નવું દુષ્ચક્ર ચાલું થઈ શકે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિસી ઍન્ડ ફાયનાન્સના પ્રોફેસર એનઆર ભાનુમૂર્તિના કહેવા પ્રમાણે,

"મોંઘવારીને નાથવા કોઈપણ સરકાર ખાસ કશું નથી કરી શકતી. છેલ્લા કેટલાક સમયથી ખેતી ઉપર જળવાયુ પરિવર્તનની અસર જોવા મળી રહી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય આપૂર્તીમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે."

"જેમ કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડતેલ તથા ગૅસના ભાવ વધી ગયા હતા. અનાજ-તેલિબિયાંની આપૂર્તિ અવરોધાઈ હતી અને દુનિયાભરમાં મોંઘવારી વધી ગઈ હતી. સરકારે આ બધી પરિસ્થિતિને ધ્યાને લઈને સમન્વય સાધીને મોંઘવારી સંબંધિત નીતિઓ નક્કી કરવાની રહેશે."

'મજબૂત નહીં, મજબૂર સરકારનું બજેટ'

બજેટ 2024, બજેટમાં યુવાવર્ગને રોજગાર

ઇમેજ સ્રોત, Getty Images

જાણકારોનું કહેવું છે કે મોદી સરકારની સ્થિરતાનો આધાર એનડીએના બે મહત્ત્વપૂર્ણ ઘટકદળો- જનતા દળ-યુનાઇટેડ તથા તેલુગુ દેશમ્ પાર્ટી ઉપર રહેલો છે.

એટલે જ નિર્મલા સીતારમણે જેડીયુ-બીજેપી શાસિત બિહારને રૂ. 59 હજાર કરોડ તથા ચંદ્રબાબુ નાયડુની આંધ્ર પ્રદેશ સરકારને રૂ. 15 હજાર કરોડ આપ્યા છે.

રાજકીય વિશ્લેષક તેને રાજકીય બજેટ ગણાવી રહ્યા છે.

એમનું કહેવું છે કે રાજકીય મજબૂરીને કારણે આ રાજ્યોને મદદ આપવામાં આવી છે તથા અન્ય રાજ્યોના ભાગે ખાસ કશું નથી આવ્યું. એટલે જ આરોપ લગાવાઈ રહ્યા છે કે આ 'મજબૂત નહીં, મજબૂર' સરકારનું બજેટ છે.

શરદ ગુપ્તાનું કહેવું છે કે, "બિહાર તથા આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં નથી આવ્યો, આમ છતાં બજેટમાં તેમના માટે ખજાનો ખોલી દેવામાં આવ્યો છે. જે દેખાડે છે કે જેડીયુ તથા ટીડીપીનું સમર્થન મોદી સરકાર માટે કેટલું જરૂરી છે. આથી આને મજબૂત નહીં, પણ મજબૂર સરકારનું બજેટ ગણાવવામાં આવી રહ્યું છે."