ચાંદીપુરા વાઇરસનો ચેપ લાગે તો બાળકમાં સૌથી પહેલાં કયાં લક્ષણો દેખાય, પછી શું કરવું

ચાંદીપુરા વાઇરસ, ચાંદીપુરા વાઇરસ શું છે

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે ચેપ લાગવાથી 36 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં ગુજરાત સરકારે 88 બાળકોનાં લોહીનાં સૅમ્પલો પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં. તેમાંથી 22 કેસમાં ચાંદીપુરા હોવાની પુષ્ટિ થઈ છે.

સૌથી વધુ નવ કેસો સાબરકાંઠામાં નોંધાયા છે.

માટીની માખી (સેન્ડ ફ્લાય)ને કારણે ફેલાતી આ બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે. ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.

જયારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આ રોગના કેસ જોવા મળ્યા છે, તો જાણો કે ચાંદીપુરા વાઇરસનો ચેપ લાગે તો બાળકમાં સૌથી પહેલાં કયાં લક્ષણો દેખાય? અને ત્યારબાદ માતાપિતાએ સૌપ્રથમ શું કરવું?

વાઇરસ થાય તો બાળકમાં સૌથી પહેલાં ક્યાં લક્ષણો દેખાય?

ચાંદીપુરા વાઇરસ માટે માટીની માખી જવાબદાર હોય છે. તે માખી કરડે ત્યારે ચાંદીપુરા વાઇરસનો ચેપ લાગે છે.

ડૉક્ટર ઉન્મેષ ઉપાધ્યાય બાળરોગના નિષ્ણાત છે. તે હાલમાં અમદાવાદસ્થિત ઍકેડેમી ઑફ પેડિયાટ્રિક્સના અઘ્યક્ષ છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "આ રોગ ખાસ કરીને 14 વર્ષથી નીચેની વયનાં બાળકોમાં જોવા મળે છે. વાઇરસનો ચેપ લાગ્યાના અમુક સમય પછી બાળકોને હાઈગ્રેડ તાવ આવે છે. આ સમયે બાળકોના શરીરનું તાપમાન 102થી 106 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે."

આ વાઇરસનાં લક્ષણો વિષે વાત કરતા તેઓ કહે છે કે, "બાળકોને જો તાવ આવે, સાથે માથું દુખે, ઝાડા-ઊલટી થાય અને જો ખેંચ આવે તો સમજવું કે ચાંદીપુરા વાઇરસ છે."

તેનાં લક્ષણો વિષે વધુ જાણવા બીબીસીએ અરવલ્લીના મુખ્ય જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી એમ. એ. સિદ્દીકી સાથે વાત કરી. તેમના મુજબ, "માદા માટીની માખી કરડે તેના અમુક સમય પછી બાળકને સતત તાવ આવે છે. બાળકના શરીરનું તાપમાન પણ ખુબ જ વધુ હોય છે. તેને ઝાડા-ઊલટી પણ થઈ શકે છે, બાળકને ખેંચ પણ આવે છે, બાળક બેભાન પણ થઈ શકે છે અને જ બાળકની સ્થિતિ વધુ ખરાબ થાય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે."

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પરેશ શિલાદરિયા ત્યાં નોંધાયેલા પહેલા ચાંદીપુરા વાઇરસના કેસ વિષે વાત કરતા કહે છે કે, "27 જૂને અમારી હૉસ્પિટલમાં વાઇરસનું પહેલું શંકાસ્પદ બાળક આવ્યું હતું. બાળકમાં ફ્લૂ જેવાં લક્ષણો હતાં. તેમજ બાળકનો મેલેરિયાનો રિપોર્ટ પણ નૅગેટિવ હતો. જેથી અમારા બાળરોગ નિષ્ણાત ડૉક્ટરને શંકા ગઈ કે આ બાળકોને ચાંદીપુરા વાઇરસ હોઈ શકે છે. જેથી બાળકોનાં બ્લડ સૅમ્પલ લઈને પુણે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યાં. અમે આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગને જાણ પણ કરી હતી. જેથી તેનો ફેલાવો રોકવા માટેનાં પગલાં લઈ શકાય."

WhatsApp

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ચાંદીપુરા રોગની સારવાર

ગુજરાત, ચાંદીપુરા વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

ડૉક્ટરોના મતે આ વાઇરસની કોઈ ચોક્કસ સારવાર નથી. આ વાઇરસમાં લક્ષણો આધારિત સારવાર કરવામાં આવે છે. આ રોગની કોઈ રસી પણ હજુ સુધી શોધાઈ નથી.

ડૉક્ટર ઉન્મેષ કહે છે, "હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે તેથી આમ પણ વાઇરલ તાવ આવવો સામાન્ય છે. પરંતુ જો વાઇરલ તાવ સાથે, ઝાડા-ઊલટી આવે અને ખેંચ જેવું લાગે તો તરત જ દર્દીને દવાખાને લઈ જવા."

ગુજરાત, ચાંદીપુરા

ઇમેજ સ્રોત, Getty Images/BBC

તેઓ જણાવે છે કે, "આ રોગની હજી કોઈ ચોક્કસ ઍન્ટિબાયૉટીક દવા નથી. જો બાળકને તાવ આવે તો ડૉક્ટર તેને પેરાસીટામોલ આપે છે, જો તેને ખેંચ આવે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેને વૅન્ટિલેટર પર રાખવામાં આવે છે."

ડૉ. સિદ્દિકી વધુમાં જણાવે છે કે, "બધાંએ અને ખાસ કરીને બાળકોએ હાથપગ ઢંકાય તેવા કપડાં પહેરવાં જોઈએ. મચ્છર ન કરડે તેના માટેની ક્રીમ લગાડવી જોઈએ. ખાલી તિરાડોમાં મેલેનથયોનનો છંટકાવ કારવો જોઈએ. જે ખેતરોમાં રહે છે તે તેમનાં ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરી શકે છે."

આ રોગ કેવી ફેલાય છે?

ગુજરાત, ચાંદીપુરા વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ રોગના ફેલાવા વિશે વાત કરતાં ડૉ. આશિષ જૈન કહે છે, "ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે માટીની માખીથી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ માટીની માખી લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવાં મળતી હોય છે."

"જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવાં મળતું હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું, "આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે. હાલ કોઈ એક ચોક્કસ ગામ કે વિસ્તારમાં વધારે કેસ જોવા મળ્યા નથી. અલગ-અલગ સ્થળોએથી કેસ આવી રહ્યા છે."

ડૉ. આશિષ જૈને આ રોગની ગંભીરતા વિશે વાત કરતાં કહ્યું, "આ રોગનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુ પામવાનું પ્રમાણ લગભગ 85 ટકા જેટલું ઊંચું હોય છે. એટલે કે ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલાં 100 બાળકોમાંથી માત્ર 15 બાળકોને જ બચાવી શકાય છે."

"માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં નવથી 14 વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોય છે.”