ચાંદીપુરા વાઇરસ : ઉત્તર ગુજરાતમાં ફેલાયો તે વાઇરસ કેટલો ખતરનાક છે, કેવી રીતે બચવું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી
છેલ્લાં બે અઠવાડિયાંમાં ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસને કારણે છ બાળકો મૃત્યુ પામ્યાં છે. જોકે ગુજરાત સરકારે આ બાળકોનાં મૃત્યુ ચાંદીપુરા વાઇરસને કારણે થયાં હોવાની પુષ્ટિ કરવા માટે બાળકોનાં લોહીનાં નમૂના પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાઇરોલૉજીમાં ચકાસણી માટે મોકલ્યા છે.
માટીની માખી (સેન્ડ ફ્લાય)ને કારણે ફેલાતી આ બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે. ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.
ચાંદીપુરા વાઇરસ વેક્ટરબૉર્ન રોગ છે, જે માટીની માખી કરડવાથી થાય છે. ચોમાસું વરસાદ અને ઠંડકની સાથે સાથે સંખ્યાબંધ બીમારીઓના ફેલાવાની પણ ઋતુ છે અને ભેજવાળા વાતાવરણમાં માખી, મચ્છર, માંકડ જેવાં કીટકોનો ઉપદ્રવ પણ વધે છે. આ જંતુઓના કરડવાથી ફેલાતાં રોગોને વેક્ટરબૉર્ન ડિસીઝ કહેવામાં આવે છે.
ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળેલા કેસોમાં પણ ભોગ બનેલાં બાળકોની બીમારીનાં લક્ષણો જોઈને ડૉક્ટરોને પ્રાથમિક તબક્કે તેઓ ચાંદીપુરા વાઇરસનો ભોગ બન્યા હોવાનું જણાય છે.
ચાંદીપુરા વાઇરસ કેવી રીતે ફેલાય છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
મૃત્યુ પામેલાં બાળકોનાં માતાપિતાને આ રોગ અંગેની કોઈ જાણકારી નહોતી. બાળકોને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, તેમ છતાં બાળકોનો જીવ બચાવી શકાયો નહીં.
આ બાળકોને ચાંદીપુરા વાઇરસ હોવાની સંભાવના વ્યક્ત કરનાર હિંમતનગર સિવિલ હૉસ્પિટલના બાળરોગોના નિષ્ણાત અને વિભાગના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. આશિષ જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "અમારી હૉસ્પિટલમાં પહેલું બાળક આવ્યું જેને હાઈગ્રેડ ફીવર, ઝાડા, ઊલટીની ફરિયાદ હતી. ત્યારબાદ 24 કલાકમાં જ બાળકના બ્રેઇન પર ઍટેક થવા લાગ્યો તેમજ કિડની અને હાર્ટ ઉપર પર ઝડપથી અસર થતી જોવા મળી. જેથી અમને શંકા ગઈ કે આ બીમારી જાપાનીઝ ઍન્સિફિલાઇટીસ કે ચાંદીપુરા વાઇરસ હોય શકે."
તેમણે વધુમાં કહ્યું, "ગયા વર્ષે અમારા ત્યાં ચાંદીપુરા વાઇરસ પોઝિટિવ એક કેસ જોવા મળ્યો હતો. તેમજ ચોમાસાની સિઝન પણ છે. આ સિઝનમાં ચાંદીપુરાના કેસ જોવા મળતા હોય છે."
"જૂનના અંતથી ઑક્ટોબર સુધી કેસ થવાની શક્યતા વધુ હોય છે. જેથી અમે બાળકોનાં બ્લડનાં સૅમ્પલ પુણે ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેના મંગળવાર કે બુધવાર સુધીમાં પરિણામ આવવાની શક્યતા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રોગ કેવી રીતે થાય છે અને શું આ ચેપી રોગ છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ રોગના ફેલાવા વિશે વાત કરતાં ડૉ. આશિષ જૈન કહે છે, "ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે માટીની માખીથી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ માટીની માખી લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે."
"જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવા મળતું હોય છે."
તેમણે વધુમાં જણાવ્યું, "આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે. હાલ કોઈ એક ચોક્કસ ગામ કે વિસ્તારમાં વધારે કેસ જોવા મળ્યા નથી. અલગ અલગ સ્થળોએથી કેસ આવી રહ્યા છે."
ડૉ. આશિષ જૈને આ રોગની ગંભીરતા વિશે વાત કરતાં કહ્યું, "આ રોગનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુ પામવાનું પ્રમાણ લગભગ 85 ટકા જેટલું હોય છે. એટલે કે ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલાં 100 બાળકોમાંથી માત્ર 15 બાળકોને જ બચાવી શકાય છે."
"માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં નવથી 14 વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોય છે.”
આ રોગનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
આ રોગનાં લક્ષણોમાં સામાન્ય રીતે
- હાઈગ્રેડ ફીવર (બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ)
- ઝાડા
- ઊલટી
- ખેંચ આવવી
- અનિદ્રા
- અર્ધબેભાન અવસ્થા
- અમુક કલાકોમાં કોમામાં
- ચામડી ઉપર ઉપસેલાં ચિન્હો
જેવાં લક્ષણો જોવા મળે છે.
આ રોગની સારવાર શું?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
ડૉક્ટરોના મતે આ વાઇરસની કોઈ ચોક્કસ સારવાર નથી. આ વાઇરસમાં લક્ષણો આધારિત સારવાર કરવામાં આવે છે. આ રોગની કોઈ રસી પણ હજુ સુધી શોધાઈ નથી.
હિંમતનગર સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પરેશ શિલાદરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "27 જૂને અમારી હૉસ્પિટલમાં વાઇરસનું પહેલું શંકાસ્પદ બાળક આવ્યું હતું. બાળકમાં ફ્લૂ જેવાં લક્ષણો હતાં. તેમજ બાળકનો મેલેરિયાનો રિપોર્ટ પણ નેગેટિવ હતો. જેથી અમારા બાળરોગ નિષ્ણાત ડૉક્ટરને શંકા ગઈ કે આ બાળકોને ચાંદીપુરા વાઇરસ હોઈ શકે છે. જેથી બાળકોનાં બ્લડ સૅમ્પલ લઈને પુણે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. અમે આ અંગે અમે રાજ્યના આરોગ્ય વિભાગને જાણ પણ કરી હતી. જેથી તેનો ફેલાવો રોકવા માટેનાં પગલાં લઈ શકાય."
અરવલ્લી જિલ્લાના ચીફ હેલ્થ ઑફિસર એમ. એ. સિદ્દિકીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અરવલ્લી જિલ્લામાં પહેલો કેસ 3 જુલાઈના રોજ દેખાયો હતો. ભિલોડા તાલુકાના એક બાળકને તાવ આવતો હોવાથી શામળાજી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) પર લાવવામાં આવ્યું હતું."
"ત્યાં બાળકને અચાનક ખેંચ આવવાની શરૂ થઈ ગઈ હતી. જેથી હાજર ડૉક્ટર દ્વારા બાળકને તાત્કાલિક હિંમતનગર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યાં બાળકનું 48 કલાકમાં જ 5 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું."
તેમણે વધુમાં કહ્યું, "અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકામાં એક અને મેઘરજ તાલુકામાં એક, એમ કુલ બે બાળકોનાં મોત થયાં છે. અમે આ બીમારીને રોકવા માટેનાં પગલાં લઈ રહ્યા છીએ. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામનાં બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
શું સાવચેતી રાખવી જોઈએ?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
- ઘર અને આજુબાજુની જગ્યાએ સાફ સફાઈ રાખવી જોઈએ
- ઉકરડા ગામથી દૂર રાખવા જોઈએ
- મચ્છરદાનીમાં ઊંઘવું જોઈએ
- પાણી ભરાઈ ના રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ
- મચ્છર, માખીનો ઉપદ્રવ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ
ગુજરાત સરકાર શું કહે છે?

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ બીમારી વિશે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરલ ઍન્સિફિલાઇટિસ રોગથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઈ નવો રોગ નથી.
તેમણે કહ્યું, "મગજના તાવ (સી.એચ.પી.વી.)નો રોગચાળો તાવનાં લક્ષણો સાથે વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોમાં પણ આ રોગચાળો નોંધાયો."
"આ વાઇરસ જીન્સ વેસિક્યુલોવાઇરસ કુટુંબને અનુસરે છે. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર-મધ્યગુજરાતના જિલ્લાઓમાં આ રોગના કેસ નોંધાયા છે. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે."
તેમણે વધુમાં કહ્યું, "રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દી મૃત્યુ પામ્યાં છે."
"તેમજ 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠામાં ચાર, અરવલ્લીમાં ત્રણ, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ મળ્યા છે."
"જ્યારે રાજસ્થાનના બે દર્દી અને મધ્યપ્રદેશના 1 દર્દી હાલ ગુજરાતમાં સારવાર લઈ રહ્યાં છે. સૅમ્પલનાં પરિણામ આવ્યાં બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે."












