ગુજરાતમાં કૉલેરાને કારણે છ લોકોનાં મોત, પાણીથી ફેલાતો આ રોગ શું છે અને તેનાથી બચવા શું કરી શકાય?

કૉલેરા શું છે? તે કેવી રીતે ફેલાય?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાજકોટના ઉપલેટામાં આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કૉલેરા ફેલાતા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. જામનગરમાં પણ કૉલેરાની સારવારમાં રહેલ એક બાળકનું મોત નીપજ્યું છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘએ બીબીસીને જણાવ્યું હતું કે આ મામલે રાજકોટના આરોગ્ય વિભાગએ 37 ટીમ બનાવી દરેક ટીમમાં 2-2 માણસો રાખી ચેકીંગ હાથ ધર્યું છે. ત્યાં પ્લાસ્ટિક વેસ્ટનાં 11 કારખાનાં આવેલાં છે અને એમાં છને હવે સીલ કરી દેવાયાં છે.

એ કારખાનાઓમાં પાણી પીવાલાયક નહોતું. તેમાંથી બે કારખાનાંમાં કુવામાંથી પાણી લેવામાં આવતું હતું. આ વિસ્તારમાં 27 ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કુલ છ ગામોના 25 હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કુવાના બોરમાંથી પાણીના નમુનાઓ લેવામાં આવ્યા છે અને તેની તાપસ થશે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક એહવાલ પ્રમાણે કચ્છના મુખ્ય જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી જૈનુલ ખાતરીએ માંડવીને કૉલેરા-રોગચાળા ઝોન તરીકે જાહેર કર્યું છે. જૈનુલએ અખબારને જણાવ્યું હતું કે, માંડવીની વિવિધ હૉસ્પિટલોમાં કૉલેરાના કુલ 11 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીનો કૉલેરા રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

રોગચાળો ફાટી નીકળ્યાની પુષ્ટિ બાદ, માંડવીમાં કાપેલાં ફળો, વાસી ખોરાક વગેરેના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં છે અને પાણીને ક્લોરીનેટ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કૉલેરાના 14 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 10 કેસ તો માત્ર ગત રવિવારે જ નોંધાયા છે. મોટા ભાગના કેસ આણંદ શહેરમાં નોંધાયા છે, પરંતુ થોડાક કેસ ગામડાંમાં પણ નોંધાયા છે.

કૉલેરા શબ્દ ગુજરાત માટે આમ તો નવો નથી. ઇતિહાસની વાત કરીએ તો 18મી સદીમાં જ્હોન સ્નોએ પ્રથમ વખત લંડનમાં કૉલેરા ફાટી નીકળ્યાનું નિદાન કર્યું હતું.

તેમણે શોધ્યું કે લંડનમાં એક હૅન્ડપંપમાંથી જ્યારે પાણી પીવામાં આવ્યું ત્યારે ઝાડાઊલટી થયાં હતાં અને જ્યારે તે પંપ બંધ કરવામાં આવ્યો ત્યારે આ રોગ નિયંત્રણમાં હતો. આ રીતે કૉલેરા પર પ્રથમ વાર નિયંત્રણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કૉલેરાને ડૉક્ટરો સામાન્ય ગણી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જો યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ત્યારે જાણીએ શું છે કૉલેરા, તેનાં જોખમો શું છે અને બચવા માટે શું શું કરવું જોઈએ.

બીબીસી ગુજરાતી

કૉલેરા શું છે? તે કેવી રીતે ફેલાય?

ગુજરાતમાં કૉલેરા, સારવાર અને નિવારણ શું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા અનુસાર, કૉલેરા એ વિબ્રિઓ કૉલેરા નામના બૅક્ટેરિયાથી થતો તીવ્ર ઝાડાનો રોગ છે. કૉલેરા દૂષિત ખોરાક અથવા પાણી પીવાથી થઈ શકે છે. કૉલેરા એ એવો ચેપ છે જે તીવ્ર ઝાડા અને ઊલટીમાં પરિણમે છે.

કૉલેરા માનવશરીર પર કેવી અસર કરે છે તે સમજવા માટે અમે ડૉક્ટર વીણા અય્યર સાથે વાત કરી. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં સહયોગી પ્રોફેસર છે. તેમણે ચેપી રોગો, માતાના સ્વાસ્થ્ય અને દેખરેખના ક્ષેત્રમાં કામ કર્યું છે.

તેઓ કહે છે, "કૉલેરા ઝાડા અને ઊલટીને કારણે થાય છે. તે બાળકો અને પુખ્ત વયના લોકો, બંનેને અસર કરે છે.”

કૉલેરા એક બૅક્ટેરિયલ રોગ છે જે આંતરડાના માર્ગને અસર કરે છે. તે એક અત્યંત ગંભીર રોગ છે, જેનાથી ઝાડો થાય છે અને શરીરમાં ગંભીર ડિહાઇડ્રેશન પેદા કરે છે.

કૉલેરાનાં લક્ષણો દૂષિત ખોરાક અથવા પાણી પીધા બાદ 12 કલાકથી 5 દિવસની વચ્ચે દેખાય છે.

ડૉક્ટર વીણા કહે છે, “પરંતુ દર્દીને ફક્ત ઝાડા-ઊલટી થયાં છે કે કૉલેરા થયો છે તે ઓળખવું અઘરું છે.”

“તેથી જો કોઈ વ્યક્તિ અથવા તેમની આસપાસના ઘણા લોકોને કૉલેરાની અસર થઈ હોય, તો તે માત્ર લૅબમાં સ્ટૂલની તપાસ કરીને જ જાણી શકાય છે. નહીંતર તે ફક્ત ઝાડા જેવું લાગશે.”

તેઓ કહે છે, “કૉલેરા એ એક ઝાડાનો જ પ્રકાર છે. પરંતુ ઝાડા થવાનાં તો ઘણાં કારણો છે. પેટમાં ગૅસ થાય તો પણ ઝાડા થઈ શકે. પરંતુ જ્યારે દૂષિત પાણી અથવા ખોરાકના કારણે ઝાડા થાય અને વિબ્રિઓ કૉલેરા બૅક્ટેરિયાના કારણે થાય ત્યારે તેને કૉલેરા કહેવાય.”

આ સિવાય કૉલેરાના બૅક્ટેરિયા સ્ટૂલમાંથી નીકળે છે. તેથી જ્યારે આ મળ પાણી અથવા ખોરાકના સંપર્કમાં આવીને દૂષિત થાય છે તેનાથી કૉલેરાનો ચેપ લાગે છે.

જ્યારે મોટી માત્રામાં લોકો (દા.ત., તીર્થયાત્રાઓ, લગ્નો, મેળાઓ અને તહેવારો) ભેગા થાય ત્યારે જે ચેપના સંપર્કમાં આવે તેમને જોખમ વધારે રહે છે.

જ્યારે કોઈ વિસ્તારના નળમાં દૂષિત પાણી આવે ત્યારે કૉલેરા તે વિસ્તારનાં મોટા ભાગનાં ઘરોને અસરગ્રસ્ત કરી શકે છે. જો કોઈ વિસ્તારની દુકાન કે હોટલમાંથી દૂષિત પાણી પીધું હોય કે ખાધું હોય તો જે તે વ્યક્તિને કૉલેરાની અસર થઈ શકે છે.

કૉલેરા કેટલો જોખમી બની શકે છે?

ગુજરાતમાં કૉલેરા, સારવાર અને નિવારણ શું

ઇમેજ સ્રોત, Getty Images

કૉલેરાના ઝેરી પદાર્થો શરીરમાં ઝડપથી પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટની ઊણપ પેદા કરે છે જે ડિહાઇડ્રેશન કરે છે, લોહીના ભ્રમણમાં અવરોધ પેદા કરે છે, આઘાત આપી શકે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન કરી શકે છે.

જો સમયસર ડૉક્ટરને બતાવવામાં ન આવે તો તે ઍસિડિસિસ, મ્યોકાર્ડિટિસ, હાર્ટ ફેલ, ટ્યુબ્યુલર નેક્રોસિસ અને જો ધ્યાન ન રાખવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

પ્રોફેસર વીણા અય્યર કહે છે કે, "કૉલેરાનાં આમ તો કોઈ અલગ લક્ષણો નથી. તેમાં ઝાડા જ થાય છે. તેથી ઝાડા થાય તો તેને હળવાશમાં ન લઈને દર્દીએ સારવાર શરૂ કરી દેવી જોઈએ. કૉલેરા થયો હોય તો ખૂબ ઓછા સમયમાં શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે. તેથી ડૉક્ટર દર્દીને પ્રવાહી આપે છે અને બૅક્ટેરિયા મારવાની એન્ટિબાયૉટિક દવા આપતા હોય છે."

તીવ્ર ઝાડાથી શરીરમાં ઝડપી ડિહાઇડ્રેશન થાય છે, તેથી મોં દ્વારા અથવા નસમાં પ્રવાહીને બદલવું મહત્ત્વપૂર્ણ છે. ઝાડા બંધ કરવા માટે અને મળમાંથી બૅક્ટેરિયાને કાઢવા ટેટ્રાસાયક્લાઇન જેવી એન્ટિબાયૉટિક આપવામાં આવે છે.

જ્યારે દર્દી ઝાડાઊલટીને અવગણે અને સારવાર ન લે તો ટૂંક જ સમયમાં તેમના શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે.

કૉલેરાને રોકવા શું કરવું?

ગુજરાતમાં કૉલેરા, સારવાર અને નિવારણ શું

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં 1800 અને 1900ના દાયકામાં કૉલેરાનો મોટા પાયે રોગચાળો ફેલાયો હતો. ભારતમાં પ્રથમ વખત કૉલેરાનો રોગચાળો 1817માં શરૂ થયો હતો.

આ દરમિયાન અલગઅલગ જગ્યાએ નોંધાયેલા આંકડાઓ પ્રમાણે આ રોગચાળાથી હજારો લોકોનાં મોત થયાં હતાં.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના પૂર્વ ડિરેક્ટર ડૉ. દિલીપ માવલંકર કહે છે કે, "આપણે આજે કૉલેરાને જીવલેણ રોગ તરીકે જોવાની જરૂર નથી. તે સો વર્ષ પહેલાં જેવો નથી રહ્યો. જ્યાં સુધી કૉલેરાનો નવો સ્ટ્રેઇન ન હોય ત્યાં સુધી કૉલેરા સહેલાઈથી મટી શકે છે. દર્દીને સમયસર હૉસ્પિટલમાં લઈ જવા જોઈએ અને ઝડપથી દવાઓ આપવી જોઈએ. તે માત્ર એક પ્રકારના ઝાડા છે જે યોગ્ય પ્રવાહી આપવાથી મટાડી શકાય છે."

આ રોગ અલગ-અલગ ભૌગોલિક સ્થાનો, પાણી-પુરવઠાના પ્રકાર અને સ્રોત, અસરગ્રસ્ત વ્યક્તિઓનાં વય-જૂથ અને અન્ય સ્થાનિક પરિસ્થિતિઓ અને પરિબળોને આધારે બદલાય છે.

પીવાના પાણીની અછત રોગના સંક્રમણમાં મોટી ભૂમિકા ભજવે છે. અન્ય ફાળો આપનાર પરિબળો આ હોઈ શકે છે: પાણીમાં આલ્કલાઇન pHની વધુ માત્રા, પાણીમાં વધેલી ખારાશ અને સપાટીનાં પાણી અથવા પીવાના પાણીના સ્રોતનું મળ દ્વારા દૂષિત થવું. આ રોગ સ્પષ્ટપણે પાણીજન્ય છે. જોકે ખોરાકજન્યથી પણ પ્રસાર નોંધાયેલો છે.

આથી, પાણી-પુરવઠા અને સ્વચ્છતામાં સુધારો એ કૉલેરાને નિયંત્રણમાં કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

તેથી કૉલેરાના નિવારણ માટે તત્કાલીન તેનું નિદાન કરી સારવાર કરવી જરૂરી છે. ત્યાર બાદ તેના કારણે મૂળમાં જઈને શોધવું જરૂરી છે.

આ સિવાય નિષ્ણાત કહે છે કેઃ

  • સલામત સ્રોતમાંથી જ પાણી પીવું અથવા જંતુનાશક પાણી જ પીવું, જેમ કે ઉકાળેલું પાણી અને ક્લોરિનયુક્ત પાણી
  • ખોરાકને બરાબર શેકાવા દો અથવા તેને ફરીથી ગરમ કરો અને તે ગરમ હોય ત્યારે જ ખાઈ લો. દૂધ પીતા પહેલાં ઉકાળો. અવિશ્વસનીય સ્રોતોમાંથી આઇસ્ક્રીમ ખાવાનું ટાળો
  • કાચાં શાકભાજી ખાવાનું ટાળો
  • ખોરાકને અડતાં પહેલાં હાથ ફરજિયાત ધુઓ
  • ખુલ્લામાં શૌચ કરવાનું ટાળો અને જો કરવું પડે તો તેનો યોગ્ય રીતે નાશ કરો

કોઈક વિસ્તારમાં જો કૉલેરાના કેસ વધી જાય તો સરકાર શું પગલાં ભરે છે તે જાણવા બીબીસીએ અમદાવાદના નાયબ આરોગ્ય અધિકારી મેહુલ આચાર્ય સાથે વાત કરી.

તેઓ જણાવે છે કે, "અમે કૉલેરા થવાનાં મૂળ કારણ શોધીએ છીએ. તે માટે અમે સૌપ્રથમ દર્દીની પૂછપરછ કરીએ છીએ કે તેમણે છેલ્લા ત્રણ દિવસમાં શું-શું પીધું હતું અને શું ખાધું હતું. અમે તે પાણી અને ખોરાકનાં સૅમ્પલને ચકાસીએ છીએ કે મૂળ રોગ ક્યાંથી આવ્યો હોઈ શકે છે."

"જો એવું લાગે કે રોગનું મૂળ ઘરનું પાણી છે તો અમે ઇજનેરને કહીને પાણીના સ્ત્રોતને ચકાસીએ છીએ. જો ક્યાંકથી પાણી લીક થયું હોય એવું લાગે તો તે પાઇપ ફિટ કરાવીએ છીએ."

તેઓ કહે છે કે "જો એવું લાગે કે રોગનું કારણ ક્યાંક બહારનું ખાવાનું છે તો અમે જે તે જગ્યાના ખાવાનાં સૅમ્પલ લઈને તેને ચકાસીએ છીએ. જો જરૂર પડે તો તે જગ્યા સીલ પણ કરીએ છીએ."

યુરોપિયન યુનિયનના યુરોપિયન સેન્ટર ફૉર રોગ નિવારણ અને નિયંત્રણ મુજબ 1 એપ્રિલ 2024થી અને 30 એપ્રિલ 2024 સુધીમાં વિશ્વભરમાં કૉલેરાના 52,5,26 નવા કેસ નોંધાયા હતા અને 529 મૃત્યુ થયાં હતાં.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા અનુસાર, 1 જાન્યુઆરીથી 26 મે સુધી ભારતમાં 1320 કેસ નોંધાયા છે જેમાંથી ચાર લોકોનાં મોત થયાં છે.