અલકા યાજ્ઞિક જે બીમારીને કારણે સાંભળી શકતાં નથી તે બીમારી કઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રસિદ્ધ ગાયિકા અલકા યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે એક વાયરલ ઍટેકને કારણે તેઓ કશું સાંભળી શકતાં નથી.
પ્રશંસકો, ફૉલોવર્સ અને મિત્રોને સંબોધીની લખેલી આ પોસ્ટમાં અલકા યાજ્ઞિકે કહ્યું, “કેટલાંક અઠવાડીયાં પહેલાં વિમાનમાંથી ઊતરતી વખતે મને અચાનક અનુભવ થયો કે હું કંઈ સાંભળી શકતી નથી. આ ઘટનાનાં કેટલાંય અઠવાડીયાં સુધી ધીરજ રાખ્યા પછી હું મારી ચૂપકી તોડવા માંગુ છું. મારા શુભચિંતકો જે પૂછપરછ કરતા રહે છે કે હું છેલ્લા થોડાક સમયથી કેમ કંઈ નથી કરી રહી? હું તેમને આ પાછળનું કારણ જણાવવા માંગુ છું.”
અલકા યાજ્ઞિકે આગળ કહ્યું, “મારા ડૉક્ટરે મને જણાવ્યું કે મને ભાગ્યે જ જોવા મળતી બીમારી છે. જેમાં સાંભળવાની ક્ષમતાને છીનવી લે તે રીતે ચેતાતંતુનો નાશ થાય છે. આ એક વાયરલ ઍટેકને કારણે થયું છે.”
“આ એટલો મોટો ઝાટકો હતો અને હું તેના વિશે બિલકુલ અજાણ હતી. હું અત્યારે પણ પરિસ્થિતિને સમજવાના પ્રયત્નો કરી રહી છું. એટલે જ મારા માટે પ્રાર્થના કરો.”
અલકા યાજ્ઞિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે હું મારા વ્યવસાયિક જીવનમાં થઈ શકે તેવાં સ્વાસ્થ્ય જોખમો વિશે લખવા ઇચ્છું છું.
તેમણે આગળ લખ્યું, “મને આશા છે કે તમારા પ્રેમ અને સમર્થન થકી હું નવી જીંદગીમાં તાલમેળ મેળવી શકીશ. આ મુશ્કેલ સમયમાં તમારૂ સમર્થન મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”

શ્રવણ ક્ષમતાને નુકસાન કરનારી બીમારી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સ્પીચ લૅન્ગ્વેજ હિયરિંગ ઍસોશિએસનની વૅબસાઇટ પ્રમાણે, આ પ્રકારની બીમારી ત્યારે થાય છે જ્યારે કાનના અંદરના ભાગને નુકસાન પહોંચે છે. કાનના અંદરના ભાગે આવેલી નસોમાંથી આવેલી તકલીફને કારણે મગજના સંચારમાં અડચણો ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો માટે ધીમો અવાજ સાંભળવો મુશ્કેલ બને છે. ઊંચો અવાજ પણ મોટેભાગે ઓછો સંભળાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રકારની સ્થિતિ લગભગ સ્થાયી હોય છે અને દવા કે સર્જરીથી ઠીક થઈ શકતી નથી. આ પ્રકારની બહેરાશ માટે સાંભળવાના યંત્રનો ઉપયોગ કરી શકાય છે.
આ પ્રકારની બહેરાશ આનુવાંશિકતા, વધતી ઉંમર, માથા પર ઈજા, અને કાનની અંદરના ભાગની સંરચનામાં ગરબડ અથવા મોટો વિસ્ફોટ સાંભળવાને કારણે થઈ શકે છે.
બીમારીનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ બીમારી વિશે વધારે જાણકારી મેળવવા માટે અમે ઈએનટી વિશેષજ્ઞ ડૉક્ટર નીતા ઘાટેનો સંપર્ક કર્યો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ બીમારી વિશે સમજતા પહેલાં કાનની સંરચના વિશે જાણીએ. કાનના ત્રણ ભાગ હોય છે. કાનના બહારના વિસ્તારમાં કર્ણપટલ, કર્ણનાલ, અને શ્રવણપટલ સામેલ છે. કાનના મધ્યભાગમાં ત્રણ હાડકાઓની એક શ્રૃંખલા છે. કાનના અંદરના ભાગે સંવેદનશીલ શ્રવણતંત્રિકા હોય છે જે મગજ સુધી જાય છે.
જ્યારે અવાજ ઉત્પન્ન થાય છે ત્યારે અવાજના તરંગો ઉત્પન્ન થાય છે અને તેને કારણે કાનના પડદા પર કંપન પેદા થાય છે. હાંડકાની શ્રૃંખલાના માધ્યમથી આ કંપન કાનના અંદરના ભાગે પહોંચીને ઇલેક્ટ્રીક સિગ્નલમાં પરિવર્તિત થઇને મગજ સુધી પહોંચે છે.
ડૉ. નીતા ઘાટેએ કહ્યું કે કાનના અંદરના ભાગને જ્યારે નુકસાન થાય તો તેને કારણે અચાનક બહેરાશ થઈ શકે છે.
ડૉ. નીતાએ આ પ્રકારની બહેરાશનાં કારણો આપ્યાં હતાં.
- ક્યારેક આ પ્રકારની બહેરાશ આનુવાંશિક હોય છે.
- ઇન્ફૅક્શનને કારણે પણ આ પ્રકારની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને વાઇરલ ઇન્ફૅક્શનને કારણે આ પ્રકારે અચાનક બહેરાશ આવી શકે છે.
- જો પ્રેગનન્સી દરમિયાન માતાનું બ્લડપ્રેશર વધારે હોય અથવા ડિલેવરી સમયે કોઇ સમસ્યાઓ થઈ હોય તો નવજાત બાળકને કદાચ બહેરાશ આવી શકે છે.
- જે લોકો ખૂબ જ ધોંધાટવાળા વિસ્તારોમાં કામ કરે છે તેને પણ અચાનક બહેરાશ આવી શકે છે.
- વધતી ઉંમરને કારણે સંભાળવાની ચેતાની સંખ્યા ઓછી થાય છે
- ઇન્ફૅક્શન અને અકસ્માતને કારણે પણ આ બીમારી થઈ શકે છે
આ ઉપરાંત માનવ નિર્મિત કારણોને લીધે પણ આ બીમારી થઈ શકે છે.
- જેમ કે ધ્વનિ પ્રદૂષણ અને જોરશોરથી ગીતોનું ગાયન.
- આ ઉપરાંત સતત ઇયરફોન લગાડીને સાંભળવાને કારણે પણ કાન પર અસર પડે છે. ટ્રેન, બસ, રસ્તા પર ચાલતા સમયે જ્યારે તમે ઇયરફોન લગાવો છો તો આસપાસ પહેલાથી જ ઘોંઘાટ હોય છે. આ કારણે તમે ઊંચા અવાજે સાંભળો છો અને તમારી સંભાળવાની ક્ષમતા પર અસર પડે છે.
કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ?

ઇમેજ સ્રોત, Getty Images
અમે ડૉ.નીતાને પૂછ્યું કે આ બીમારીથી બચવા માટે કઈ વાતોનું ઘ્યાન રાખવું જોઈએ.
તેમણે કહ્યું, “આપણે મોટા ભાગે એ વાત પર ધ્યાન આપતા નથી કે આપણા એક કાનથી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. કારણ કે આપણો બીજો કાન ઠીક છે. આ કારણે સાંભળવાની ક્ષમતામાં જો કોઈ પણ સમસ્યા જણાય તો તરત જ ડૉક્ટરની પાસે જવું જોઇએ. ત્યારબાદ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કરવામાં આવે તેનો આધાર કાનને કેટલુ નુકસાન થયું છે અને તેની કયા પ્રકારે સારવાર થઈ શકે તેના પર છે.”
તેમણે ઉમેર્યું કે આપણે પોતાના કે પરિવારના સભ્યો સાંભળવામાં થઈ રહેલી તકલીફોનાં લક્ષણોને નજરઅંદાજ ન કરવાં જોઇએ. ઘરમાં જો કોઈ વ્યક્તિ સતત ઊંચા અવાજે ટીવી જુવે છે તો તેમણે વિચારવું જોઇએ કે તેમને કોઈ તકલીફ તો નથી.
સાંભળવાની તકલીફનો બીજો એક સંકેત છે કે વ્યક્તિ સાંભળી તો શકે છે, પરંતુ શબ્દોને સમજી શકતા નથી. આ ઉપરાંત તેઓ ઘોંઘાટમાં સાંભળી શકતા નથી.
ડૉક્ટર નીતાએ કહ્યું કે દરેક લક્ષણોને નજરઅંદાજ ન કરતાં સતત સાવધાન રહેવું જોઇએ. કારણ કે સમય રહેતા જો બીમારીની જાણકારી મળે તો સારવારની દિશા નક્કી કરી શકાય.












