પૃથ્વીનો અંદરનો ભાગ વિપરીત દિશામાં ભ્રમણ કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગત અમુક વર્ષો દરમિયાન પૃથ્વીની સપાટી તથા અંતરિક્ષ વિશે અનેક પ્રકારનાં રિસર્ચ થયાં છે. આધુનિક તકનીકી યુગમાં માણસને ચંદ્ર તથા મંગળ ગ્રહ ઉપર વસાવવાની યોજનાઓ બની રહી છે, છતાં પૃથ્વીની અંદરના હિસ્સા (કોર) વિશેની અનેક બાબતો વિજ્ઞાન માટે વણઉકેલાયેલાં રહસ્ય જેવી બની રહી છે.
પૃથ્વીનું કેન્દ્રબિંદુ લગભગ પાંચ હજાર કિલોમીટરની ઊંડાઈએ છે અને આજ સુધી માત્ર 12 કિલોમીટર વિશે જ માહિતી ઉપલબ્ધ છે. જેના કારણે બહુ થોડી માહિતી ઉપલબ્ધ છે.
કૅલિફૉર્નિયા યુનિવર્સિટી તથા ચાઇનિઝ વિજ્ઞાન અકાદમીના વિજ્ઞાનીઓની એક ટીમના સંશોધનમાં બહાર આવ્યું છે કે પૃથ્વીની ઉપરની સપાટીની સરખામણીએ અંદરનો ભાગ વિપરીત દિશામાં ભ્રમણ કરે છે.
વિજ્ઞાનીઓની ટીમનું કહેવું છે કે આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે, પૃથ્વીના કોરના ભ્રમણની ગતિ વર્ષ 2010થી ઘટી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પાંચ હજાર કિલોમીટર ઊંડા કોર સુધી પહોંચ્યા વગર વિજ્ઞાનીઓ આ નિષ્કર્ષ ઉપર કેવી રીતે પહોંચ્યા? શું પૃથ્વીની ઉપરની સપાટી ઉપર તેની કોઈ અસર થાય છે?

પૃથ્વીની સંરચના અને થર

ઇમેજ સ્રોત, Getty Images
વિજ્ઞાનીઓ પૃથ્વીની સપાટીને ત્રણ અલગ-અલગ સ્તરમાં વિભાજિત કરે છે. ક્રસ્ટ, મેંટલ (ઉપરની સપાટી તથા કોરની વચ્ચે પથ્થરોનો નક્કર થર) તથા કોર. હમણાં સુધી કોર વિશે અનેક ધારણાં પ્રવર્તમાન હતી.
આ સિવાય કેટલીક કલ્પનાકથાઓ પણ જોડાયેલી છે. વર્ષ 1864માં કોર ઉપર આધારિત નવલકથા 'જર્ની ટુ ધ સૅન્ટર ઑફ અર્થ' તથા તેના ઉપર બનેલી ફિલ્મો ખૂબ જ લોકપ્રિય બની છે.
આને સરળતાથી સમજવા માટે પૃથ્વીની સરખામણી ઈંડા સાથે કરી શકાય. ઈંડાનું બહારનું આવરણએ પૃથ્વીની ઉપરની સપાટી કે ક્રસ્ટ છે, ઈંડાની અંદરનો સફેદ તરલ પદાર્થ પૃથ્વીનું મેંટલ તથા ઈંડાનો પીળો ભાગ પૃથ્વીનો કોર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૃથ્વીનું આંતરિક પડ લોખંડ તથા નિકલનું બનેલું છે તથા તે ગોળાકાર છે. જેનું પરિઘ 1221 કિલોમીટર છે. તેનું તાપમાન પાંચ હજાર 400 ડિગ્રી સેલ્સિયસ છે, જે સૂરજના (પાંચ હજાર 700 ડિગ્રી સેલ્સિયસ) તાપમાન જેટલું જ છે.
ભૂતકાળમાં થેયલા અભ્યાસોમાં માલૂમ પડ્યું છે કે પૃથ્વીનો આ કોર અન્ય ભાગો કરતાં અલગ છે. આ ધાતુજન્ય તરલ પદાર્થ સ્વરૂપે પૃથ્વીની અંદર સ્વતંત્ર રીતે સંચાલિત થાય છે.
એમ કહી શકાય કે તે પૃથ્વીની અંદર સ્વતંત્ર રીતે પરિભ્રમણ કરે છે. આ દરમિયાન પૃથ્વીના અન્ય સ્તરો સાથે તેનો પ્રત્યક્ષ સંબંધ નથી રહેતો.
વિજ્ઞાનીઓને તાજેતરના અભ્યાસનાં પરિણામો પરથી જાણવા મળ્યું છે કે 40 વર્ષમાં લગભગ પહેલી વખત પૃથ્વીનો એકદમ અંદરનો ભાગ તેની બહારની સપાટીથી વિપરીત દિશામાં પરિભ્રમણ કરી રહ્યો છે.
આ દરમિયાન પૃથ્વીના કોરની ભ્રમણગતિએ તેના મેંટલ એટલે કે ઉપરની સપાટીની સરખામણીમાં થોડી ઓછી છે.
ભૂકંપના સંકટમાં સંશોધન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણી વખત તારાજી વેરતા ધરતીકંપ દરમિયાન ભૂકંપીય તરંગનો અભ્યાસ કરીને ખોદકામ કર્યા વગર પૃથ્વીની અંદરની સપાટી વિશે માહિતી મેળવી શકાય છે.
પૃથ્વીની સપાટી ઉપર મોટા ભૂકંપ આવે છે, ત્યારે ઊથલ-પાથલને કારણે ઉત્પન્ન થયેલા તરંગની ઊર્જા પૃથ્વીના આંતરિક કોર સુધી પહોંચે છે અને પછી સપાટી ઉપર પરત આવે છે.
વિજ્ઞાનીઓની ટીમે પૃથ્વીના ઊંડાણ સુધી જઈને પરત ફરતી આ તરંગોમાંથી નીકળતી ઊર્જાના પ્રવાહની તપાસ કરી.
વિજ્ઞાનીઓએ વર્ષ 1991થી 2023 દરમિયાન દક્ષિણ સૅન્ડવિચ દ્વીપ સમૂહ તથા તેની આસપાસ નોંધાયેલા 121 ભૂકંપ વિશે આંકડા એકત્ર કરી તેનું વિશ્લેષણ કર્યું.
એટલું જ નહીં, વિજ્ઞાનીએ વર્ષ 1971થી 74 દરમિયાન તત્કાલીન સોવિયેટસંઘ, અમેરિકા તથા ફ્રાન્સ દ્વારા કરવામાં આવેલા પરમાણુપરીક્ષણના ડેટાનો ઉપયોગ કર્યો.
કોર સાથે જોડાયેલા સવાલો વિશે બીબીસીએ ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઑફ સાયન્સ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચના (આઈઆઈએસઈઆર-મોહાલી) પ્રૉફેસર ટીવી વૅંકટેશ્વરન સાથે વાત કરી. તેમનું કહેવું છે, ‘પૃથ્વીનું કોર વિપરીત દિશામાં ભ્રમણ કરે છે એમ કહેવું વાસ્તવમાં સંભવ નથી. તેને એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે.’
'તમે કોઈ કારમાં 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યા છો. તમારો મિત્ર પણ પોતાની કારમાં 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પ્રવાસ કરી રહ્યો છે. બંને એકસાથે જ પ્રવાસ ખેડી રહ્યા છો. અચાનક જ એ મિત્ર તેની ઝડપમાં 20 કિલોમીટર પ્રતિકલાકનો ઘટાડો કરીને 80 કિલોમીટર પ્રતિકલાક પર લાવી દે છે.'
‘તમારી નજરે જોઈએ તમારો મિત્ર રસ્તા ઉપર પાછળની તરફ જતો લાગશે, કારણ કે તમે હજુ પણ 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પ્રવાસ ખેડી રહ્યા છે. આ રીતે જોવામાં આવે તો કોર પૃથ્વીની ભ્રમણકક્ષાની ગતિ ધીમી થઈ રહી છે અને તે વિપરીત દિશામાં ભ્રમણ કરે છે એમ લાગે છે.’
પ્રો. ટીવી વેંકટેશ્વરનના મતે આ અધ્યયનના પરિણામ કાલ્પનિક છે.
‘આપણે હજુ પણ પૃથ્વીની કોરને સમજી નથી શક્યા અને સંશોધન ચાલુ છે. એટલે સુધી કે કોરના આકારનું અનુમાન પણ ડેટાના આધારે લગાડવામાં આવી રહ્યું છે, કારણ કે આપણે પાંચ હજાર કિલોમીટરની ઊંડાઈ સુધી પહોંચી નથી શકતા. ભૂકંપના ડેટાના આધારે વિજ્ઞાનીઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે પૃથ્વીના કોરની ભ્રમણગતિ ઘટી રહી છે, જે ભવિષ્યમાં બદલાઈ શકે છે.’
શું પરિણામ મળ્યાં?
પ્રોફેસર ડી. વી. વેંકટેશ્વરનનું કહેવું છે કે પૃથ્વીના કોરની ભ્રમણગતિમાં ઘટાડાનું કારણ મૅગ્નેટૉસ્ફિયરમાં પરિવર્તન આવશે. મૅગ્નેટૉસ્ફિયર કોઈપણ ગ્રહની ચારેય તરફ એક ક્ષેત્ર હોય છે, જેની ઉપર ગ્રહના ચુંબકીયક્ષેત્રનું પ્રભુત્વ હોય છે.
પ્રો. વૅંક્ટેશ્વરનના કહેવા પ્રમાણે, ‘પૃથ્વીનો સૌથી અંદરનો ભાગ લોખંડ તથા નિકલ જેવી ધાતુઓનો બનેલો હોય છે. આથી, જ્યારે ભ્રમણકક્ષા પ્રભાવિત થાય છે, ત્યારે તે પૃથ્વીની સપાટીમાં પરિવર્તન માટે કારણભૂત બને છે.’
'આ ફેરફારોમાં મૅગ્વનેટોસ્ફિયર મહત્ત્વપૂર્ણ કારક છે. જ્યારે બ્રહ્યાંડમાં પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે, ત્યારે પૃથ્વીની સૌથી અંદરની સપાટીના ધાતુઓ પણ તેની સાથે ગતિ કરે છે. આ બંને ગતિઓને કારણે ચુંબકીયબળ ઉત્પન્ન થાય છે, જે પૃથ્વીની ચારેય તરફ નિર્મિત નિર્મિત મૅગ્નેટૉસ્ફિયર છે.'
'આ મૅગ્નેટૉસ્ફિયર સૂર્યમાંથી ઉત્સર્જિત થતાં રેડિએશનથી પૃથ્વીને બચાવે છે અને ઢાલ જેવું કામ કરે છે. સાથે જ આ મૅગ્નેટૉસ્ફિયર પૃથ્વીની કક્ષાના સમયમાં પરિવર્તન માટે નિમિત પણ બની શકે છે. આનો મતલબ એ થાય કે મૅગ્નેટૉસ્ફિયરથી પૃથ્વી પર દિવસની લંબાઈ પણ નક્કી થાય છે.'
વૅંક્ટેશ્વરનના કહેવા પ્રમાણે, 'અમારી પાસે ઉપલબ્ધ ડેટાના આધારે કહી શકાય કે તેનો ખાસ પ્રભાવ નથી પડતો. તે એક દિવસ દરમિયાન એક માઇક્રૉસેકંડ સુધી પરિવર્તન માટે નિમિત બને છે.'
પ્રોફેસર વૅંક્ટેશ્વરનનું કહેવું છે કે કદાચ પરિવર્તન માટે સૌથી અંદરની સપાટીની (કોર) ગતિ વધુ જવાબદાર છે તથા તેના વિશે ભવિષ્યમાં વધુ સંશોધન કરવાની જરૂર છે.












