બે ટનનો ‘દાદા’ ઉપગ્રહ જે પૃથ્વી પર ક્યારેય અને ક્યાંય પણ પડી શકે છે

અર્થ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ

ઇમેજ સ્રોત, ESA

ઇમેજ કૅપ્શન, આર્ટવર્ક: યુરોપના અર્થ રિમોટ સેન્સિંગ ઉપગ્રહોનું લોંચ સમયે લગભગ 2.5 ટન વજન હતું

એક સમયે સ્પેસ ટેકનૉલૉજી ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વનો ગણાતો ઉપગ્રહ થોડા જ કલાકોમાં પૃથ્વી પર પડવાનો છે.

ઈઆરએસ-2 નામના આ સૅટેલાઇટને 1995માં લૉન્ચ કરવામાં આવ્યું હતું અને તેના થકી આધુનિક ટેકનૉલૉજીના વિકાસમાં ઘણી મદદ મળી. અંતરિક્ષમાંથી પૃથ્વી પર નજર રાખવામાં હવે આ ટેકનૉલૉજી ખૂબ કારગત સાબિત થાય છે.

તેનાથી એવી ટેકનૉલૉજીના વિકાસમાં મદદ મળી જેના ઉપયોગથી આજે પૃથ્વીની દેખરેખ નિયમિતપણે થઈ રહી છે.

જયારે આ ઉપગ્રહની કામગીરી 2011માં પૂર્ણ થઈ ત્યારથી તે ધીમે ધીમે પૃથ્વી તરફ આવી રહ્યો છે અને હવે બુધવારે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.

યુરોપિયન સ્પેસ એજન્સી (ઈએસએ) કહે છે કે આ બે ટનના ઉપગ્રહનો મોટા ભાગનો હિસ્સો નીચે આવતા જ બળી જશે.

આ ઉપગ્રહ જયારે હાઇ-સ્પીડમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે તીવ્ર ગરમી ઉત્પન્ન થશે અને તેનાથી ઉપગ્રહનો મોટો હિસ્સો બળી જશે. પરંતુ એવું બની શકે કે આ તેના અમુક મજબૂત હિસ્સાઓ તે આ ગરમી ખમી લે. પરંતુ આ બચેલા હિસ્સાના ટુકડાઓ વસ્તીવાળા વિસ્તારોમાં અથડાવાની અને નુકસાન પહોંચાડવાની શક્યતા ઓછી છે.

તે વિશ્વમાં લગભગ ગમે ત્યાં પડી શકે છે પરંતુ પૃથ્વીની મોટાભાગની સપાટી સમુદ્રથી ઢંકાયેલી હોવાથી, જે પણ કાટમાળ સપાટી પર પડે છે તે સમુદ્રમાં ખોવાઈ જવાની સંભાવના વધુ હોય છે.

ઈએસએના અર્થ ઑબ્ઝર્વેશન ગ્રાઉન્ડ સેગમેન્ટ વિભાગના મિર્કો અલ્બાનીએ જણાવ્યું હતું કે, "અને તે નોંધવા જેવી વાત છે કે જે તત્ત્વો વાતાવરણમાં ફરી પ્રવેશી શકે છે (અને સપાટી પર પહોંચી શકે છે) તેમાંથી કોઈ પણ રેડિયોધર્મી અથવા ઝેરી તત્ત્વો નથી."

ઉપગ્રહોના "ગ્રાન્ડફાધર" તરીકે કેમ ઓળખાય છે?

ઈઆરએસ ઉપગ્રહો

ઇમેજ સ્રોત, AIRBUS

ઇમેજ કૅપ્શન, જર્મનીની ડોર્નિયર કંપની (હવે એરબસ) એ ઈઆરએસ ઉપગ્રહોની એસેમ્બલીનું નેતૃત્વ કર્યું હતું

યુરોપિયન સ્પેસ એજન્સીએ 1990ના દાયકામાં બે સરખા જેવા અર્થ રિમોટ સેન્સિંગ (ઈઆરએસ) ઉપગ્રહો લૉન્ચ કર્યા હતા. તે ઉપગ્રહો તે સમયના અત્યાધુનિક રીતે પૃથ્વીનું અવલોકન કરતા ઉપગ્રહ હતા.

તેમાં જમીન પર, મહાસાગરોમાં અને હવામાં થતા ફેરફારોને ટ્રૅક કરવા માટે સાધનો હતાં.

આ ઉપગ્રહોએ પૂરનું નિરીક્ષણ કર્યું. આ ઉપગ્રહોએ ખંડીય અને મહાસાગર-સપાટીનું તાપમાન માપ્યું, બરફનાં ક્ષેત્રોની હિલચાલ શોધી કાઢી અને ધરતીકંપ દરમિયાન જમીનની અંદરના ફેરફારોની માહિતી પણ મેળવી.

અને ઈઆરએસ-2એ, ખાસ કરીને, પૃથ્વીનું રક્ષણ કરતા ઓઝોન સ્તરનું મૂલ્યાંકન કરવાની નવી ક્ષમતા રજૂ કરી હતી.

આ ઉપગ્રહોની જોડીને "યુરોપમાં પૃથ્વી નિરીક્ષણના દાદા" તરીકે વર્ણવવામાં આવી હતી.

ડૉ રાલ્ફ કોર્ડે, ઍરબસ અર્થ ઑબ્ઝર્વેશન બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજરે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કર, "ચોક્કસપણે, ટેકનૉલૉજીના સંદર્ભમાં, તમે ઈઆરએસથી યુરોપના કૉપરનિકસ/સેન્ટીનેલ ઉપગ્રહો સુધી સીધી રેખા દોરી શકો છો જે આજે ગ્રહનું નિરીક્ષણ કરે છે. ઈઆરએસથી તેની શરૂઆત થઈ હતી."

ઉપગ્રહ ક્યારે અને ક્યાં પડશે?

 ઈઆરએસ ઉપગ્રહ

ઇમેજ સ્રોત, HEO

ઇમેજ કૅપ્શન, ઓસ્ટ્રેલિયન ટ્રેકિંગ કંપની એચઈઓ ઈઆરએસ ઉપગ્રહને ટ્રેક કરી રહી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈઆરએસ-2, આ બે ઉપગ્રહમાંથી પાછો આવનાર પ્રથમ ઉપગ્રહ છે. ઍન્જિનિયરોએ 2011માં તેના અંતિમ બળતણ ભંડારનો ઉપયોગ કરીને મૂળરૂપે પૃથ્વીથી 780 કિમી દૂર સ્થિત ઉપગ્રહની ઊંચાઈ 570 કિમી સુધી ઘટાડી હતી. અપેક્ષા એવી હતી કે પૃથ્વીનું ઉપલું વાતાવરણ આ ઉપગ્રહને 15 વર્ષમાં નીચે સુધી ખેંચી લાવશે.

આ આગાહી બુધવારે સાંજે (જીએમટી સમય અનુસાર) સાચી પડશે.

ઉપગ્રહ ચોક્કસ ક્યારે અને ક્યાં પાછો આવશે તે કહેવું મુશ્કેલ છે. પૃથ્વીનાં ઉપરના વાતાવરણની ઘનતા પર ઘણું નિર્ભર રહેશે, જેના પર સૂર્યની પ્રવૃત્તિની અસર છે.

નિશ્ચિતપણે કહી શકાય કે પુનઃપ્રવેશ ઉત્તર અને દક્ષિણ વચ્ચે 82 ડિગ્રીએ થશે. કારણ કે પૃથ્વીની આસપાસ ઉપગ્રહની ભ્રમણકક્ષાની આ હદ હતી.

યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશ ભંગાર નિષ્ણાતો ગણતરી કરે છે ઈઆરએસ-2ના કાટમાળનો બહુ ઓછો જથ્થો પૃથ્વીની સપાટી પર ટકી રહેશે.

ઉપગ્રહના એવા ટુકડાઓ જે પૃથ્વીને અસર કરી શકે તે આંતરિક પેનલિંગ અને કેટલાક ધાતુના ભાગો, જેમાં બળતણ અને દબાણ ટાંકીઓનો સમાવેશ કરી શકે છે.

ઉપગ્રહનો કોઈ એક ભાગ જેની વાતાવરણમાં ટકી રહેવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે એ સિન્થેટિક ઍપરચર રડાર સિસ્ટમ માટેનો ઍન્ટેના છે, જે યુકેમાં બનાવવામાં આવ્યો હતો. ઍન્ટેનામાં કાર્બન-ફાઇબર બાંધકામ છે જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે.

ત્યારે, ઈએસઆર-1ને પણ નીચે લાવવાના પ્રયત્નો કરાયા હતા. પરંતુ આવું કરતી વખતે તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો.

આ અત્યારે પૃથ્વીથી 700 કિલોમીટર ઊપર ભ્રમણ કરી રહ્યું છે. તેને નીચે આવીને નષ્ટ થવામાં 100 થી વધુ વર્ષોનો સમય લાગી શકે છે.

અવકાશમા ભંગારની સમસ્યાઓ

ઈઆરએસ પ્રોગ્રામ

ઇમેજ સ્રોત, ESA

ઇમેજ કૅપ્શન, આબોહવા મોનિટરિંગ ઈઆરએસ પ્રોગ્રામની દેન છે

જ્યારે ઈઆરએસ-2 લૉન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે અવકાશ ભંગાર ઘટાડવા માટેના નિયમો હળવા હતા. ઑપરેશન સમાપ્ત થયાનાં 25 વર્ષની અંદર બિનજરૂરી અવકાશયાનને ઘરે લાવવું સ્વીકાર્ય માનવામાં આવતું હતું.

ઈએસએનું નવું ઝીરો ડેબ્રિસ ચાર્ટર ભલામણ કરે છે કે નિકાલની છૂટનો સમયગાળો હવે પાંચ વર્ષથી વધારે ન હોય. ઈએસએ દ્વારા તેના ભાવિ ઉપગ્રહોને જરૂરી બળતણ અને ક્ષમતા સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે જેથી તેઓ ટૂંકા ક્રમમાં પોતાની જાતને ડી-ઑર્બિટ કરી શકે.

આ પાછળનું કારણ ખૂબ જ દેખીતું છે. હાલમાં ભ્રમણકક્ષામાં અનેક ઉપગ્રહો છોડવામાં આવ્યા છે. આ કારણે ઉપગ્રહોની એકબીજા સાથે અથડાવવાની શક્યતા વધી જાય છે.

ઍન્જિનયરો ઈઆરએસ-1ની ઊંચાઈ ઓછી કરે તે પહેલાં જ ઉપગ્રહ નિષ્ફળ બન્યો.

ઈઆરએસ-1 હજી પણ પૃથ્વીથી 700 કિલોમીટર દૂર છે. આમ, આ ઉપગ્રહને આ ઊંચાઈથી કુદરતી રીતે નીચે પડતાં લગભગ 100 વર્ષ લાગશે.

અમેરિકાની કંપની સ્પેસ ઍક્સના હાલમાં 5,400 ઉપગ્રહો ભ્રમણ કક્ષામાં કાર્યરત છે. કંપનીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે 100 જેટલા ઉપગ્રહોને નીચે લાવશે. કારણ કે આ ઉપગ્રહોમાં અમુક ખામીઓ છે અને ભવિષ્યમાં તે ખરાબ થવાની શક્યતા વધારે છે. કોઈપણ સમસ્યા કાર્યને વધુ મુશ્કેલ બનાવે તે પહેલાં કંપની તે અવકાશયાનને દૂર કરવા માગે છે.

અવકાશના ઉપયોગ માટે એક હિમાયતી જૂથ સિક્યૉર વર્લ્ડ ફાઉન્ડેશન અને અવકાશના ભંગાર પર નજર રાખતી યુએસ કંપની લીઓલ લૅબ્સે ગયા અઠવાડિયે નિરર્થક ઑર્બિટલ હાર્ડવેરને દૂર કરવાની જરૂરિયાત પર એક મહત્ત્વપૂર્ણ જાહેરનામું રજૂ કર્યું હતું.

તેમણે કહ્યું, "પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ત્યજાયેલા પદાર્થોનું સંચય અવિરતપણે ચાલુ રહે છે, સદીના પ્રારંભથી અવકાશમાં લાંબા સમયથી કાર્યરત ઉપગ્રહોમાંથી 28 ટકા ભ્રમણકક્ષામાં છોડી દેવામાં આવ્યા હતા."

"અનિયંત્રિત સમૂહના આ ક્લસ્ટરો સૌથી વધારે ભંગાર પેદા કરવાની સંભાવના ધરાવે છે. નવા તહેનાત કરાયેલા હજારો ઉપગ્રહો જે વૈશ્વિક અવકાશ અર્થતંત્રને બળતણ આપી રહ્યા છે. જોકે, આ ભંગાર નવા તહેનાત કરાયેલ હજારો ઉપગ્રહો માટે સમસ્ચા બની શકે છે."