ચંદ્રયાન-3ના સફળ લૅન્ડિંગ બાદ ઇસરો ચંદ્રયાન-4માં અંતરિક્ષયાત્રી મોકલી શકશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, શ્રીકાંત બક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. સૌની નજર ભારતના ચંદ્રયાન-3 પર ટકેલી હતી, કારણ કે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં ઊતરવાનો પ્રયાસ ચંદ્ર વિશેની શોધમાં એક અગત્યનું પગલું છે.
એ વાત પણ સત્ય છે કે ચંદ્ર પર માનવ પહોંચ્યો તેને દાયકાઓ વીતી ગયા છે પરંતુ ચંદ્રયાન -3 ચંદ્ર પર લૅન્ડિંગમાં સફળતા બાદ ભારત માટે ચંદ્ર સુધી પહોંચવાના પોતાના મિશનમાં આગળ વધવાનો રસ્તો ખૂલશે.
ચંદ્રમા કે મંગળ પર કોઈ માનવ નિર્મિત ઉપગ્રહ મોકલવાની દિશામાં સૌથી મોટો પડકાર સંબંધિત ગ્રહ કે ઉપગ્રહની ગુરુત્વાકર્ષણ કક્ષામાં પ્રવેશ કરવાનો હોય છે.
શરૂઆતના અમેરિકા અને રશિયાના 14 અભિયાનોને ચંદ્ર પર મોકલવામાં અસફળતા મળી હતી તેના પરથી સમજી શકાય છે કે આ પડકાર કેટલો મોટો હોય છે.
આમ જોઈએ તો ભારતનું ચંદ્રયાન-1 અભિયાન સફળ રહ્યું. ઇસરોએ પોતાનાં પહેલા જ પ્રયાસમાં જ આ પડકારને પાર કરી લીધો.

પહેલા જ પ્રયાસમાં મળી ઇસરોને સફળતા

ઇમેજ સ્રોત, ANI
નાસા તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, અપોલો-11 મિશન મારફતે પહેલીવાર ચંદ્રમાની સપાટી પર માણસોના પગલાં પડ્યાં હતાં. તે પહેલાં પણ અમેરિકાએ અંતરિક્ષયાત્રીઓને આ મિશન માટે મોકલ્યા હતા.
25 ડિસેમ્બર, 1968માં ફ્રેન્ક બોરમૅન, બિલ એન્ડ્રેસ અને જિમ લોવેલને લઈને અપોલો-10 અંતરિક્ષ યાન ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ્યું અને પરત ફર્યું.
તેઓ ચંદ્રમા પર ઉતર્યા નહોતા એટલે તેમના આ પ્રયોગની જાણકારી વિશ્વને નહોતી મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અપોલો-11 મારફતે ફરીવાર અન્ય ત્રણ અંતરિક્ષયાત્રીઓ ને મોકલવામાં આવ્યા. જેમાં નીલ આર્મસ્ટ્રૉંગ, માઇકલ કૉલિંસ અને બઝ એલ્ડ્રિન સવાર હતા.
નીલ આર્મસ્ટ્રૉંગ 21 જુલાઈ, 1969ના રોજ ચંદ્રમાની સપાટી પર પગલું પાડનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
ત્યારબાદ થોડી મિનિટમાં બઝ એલ્ડ્રિને પણ ચંદ્રમાની સપાટી પર પગ મૂક્યો. આ દરમિયાન માઇકલ કૉલિંસ ચંદ્રમાની કક્ષામાં યાન ઉડાવતા રહ્યા.
14 નવેમ્બરના રોજ અપોલો-12 રૉકેટ મારફતે વધુ ત્રણ અંતરિક્ષયાત્રીઓને મોકલવામાં આવ્યા. ત્યારબાદ 7 ડિસેમ્બર, 1972ના રોજ અપોલો-17ને છેલ્લીવાર ત્રણ અંતરિક્ષ યાત્રીઓ સાથે ચંદ્રમા પર મોકલવામાં આવ્યું. ત્યારપછી માણસોને ચંદ્ર પર મોકલવાના પ્રયોગ બંધ કરી દેવામાં આવ્યા.
જોકે, આ સફળતાઓ સાથે નાસાને ઘણી અસફળતાઓનો પણ સામનો કરવાનો વારો આવ્યો.
21 ફેબ્રુઆરી, 1967ના રોજ નાસાનું અપોલો-1 મિશન પ્રક્ષેપણ માટે તૈયાર હતું પરંતુ રિહર્સલ પરીક્ષણ દરમિયાન તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં બે અંતરિક્ષયાત્રીઓ તથા ચાલકદળના 27 સભ્યોનાં મૃત્યુ થઈ ગયાં.
બીજી તરફ ઇસરો ઓછા ખર્ચે પોતાના પહેલા જ પ્રયાસમાં સફળ રહ્યું.

ચંદ્રયાન-3 બાદ શું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇસરો પોતાના ચંદ્રયાનનો પ્રયોગ માત્ર ચંદ્રમા પર રોવર અને લૅન્ડર મોકલવા માટે જ નથી કરી રહ્યું. તેનું લક્ષ્ય પણ અન્ય મિશનની જેમ ચંદ્ર પર માણસોને ઉતારવાનું છે. પરંતુ આ એટલું સરળ નથી.
ઇસરોના રૉકેટ અને ઍન્જિનની હાલની ક્ષમતા આ ધ્યેયને પૂર્ણ કરવા પર્યાપ્ત નથી. એટલે ઇસરો તમામ ચરણની સફળતા સાથે ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે.
ચંદ્રયાન-1માં ઑર્બિટર અને મૂન ઇમ્પેક્ટ પ્રોબ લૉન્ચ કરવામાં આવ્યું. ચંદ્રયાન-2માં ઑર્બિટર સાથે લૅન્ડર અને રોવર પણ મોકલવામાં આવ્યાં. જ્યારે કે ચંદ્રયાન-3માં માત્ર લૅન્ડર અને રોવર મોકલવામાં આવ્યું. આ પ્રયોગમાં ચંદ્રયાન-2માં ઉપયોગમાં લેવાયેલા ઑર્બિટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ચંદ્રયાન-3ના પ્રયોગના આધારે મળેલા પરિણામ પર ચંદ્રયાન-4નો પ્રયોગ પણ થશે. જો તે સફળ રહ્યાં તો પછીનું મિશન ચંદ્ર પર માણસોને મોકલવાનું રહેશે.
આ દિશામાં પ્રયોગો પણ ચાલી રહ્યા છે. ગગનયાન પણ આ જ પ્રયોગોનો ભાગ છે.
ઉલ્લેખનીય છે કે ભારતના પહેલા અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા, રશિયાના સોયૂઝ ટી-11 અંતરિક્ષ યાન મારફતે ત્રણ એપ્રિલ, 1984ના રોજ અંતરિક્ષમાં ગયા હતા. તેઓ આઠ દિવસો સુધી અંતરિક્ષમાં રહ્યા હતા.
હવે ઇસરો અન્ય દેશોની મદદથી નહીં પરંતુ પૂર્ણત: સ્વદેશી તકનીકથી માણસોને અંતરિક્ષમાં મોકલવા માટે ગગનયાનનો પ્રયોગ કરવાની તૈયારીમાં છે.
ગગનયાન પ્રયોગમાં ત્રણ અંતરિક્ષયાત્રીઓને પૃથ્વીથી 400 કિમીની ઊંચાઈ પર લઈ જવા અને તેમને ત્રણ દિવસો સુધી અંતરિક્ષમાં રાખવા અને પછી પરત લાવવાની પરિકલ્પના કરવામાં આવી છે.

અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા સૌથી મોટો પડકાર

ઇમેજ સ્રોત, ANI
ચંદ્રયાનના પ્રયોગોમાં હજુ સુધી ઉપયોગમાં લેવાયેલા ઑર્બિટર, લૅન્ડર અને રોવરને પૃથ્વી પર પરત લાવવામાં નથી આવ્યાં.
તેથી જો અંતરિક્ષયાત્રીઓને ચંદ્રમા પર મોકલવામાં આવે તો તેમને પૃથ્વી પર પરત લાવવા મોટો પડકાર રહેશે.
તેને માટે નાસાના મૉડલ અંતર્ગત ક્રૂ મૉડ્યૂલ બનાવવાની જરૂર છે. એટલું જ નહીં તેને માટે ઓછાંમાં ઓછું ચંદ્રમા સુધી પહોંચાડવા માટે શક્તિશાળી અને વિશાળ રૉકેટ પણ બનાવવા પડશે.
ચંદ્રમા પર ઉતરવા માટે માનવયુક્ત લૅન્ડર મોકલવામાં આવે અને તેને ધરતી પર પરત લાવવામાં આવે તો ચંદ્રમાની સપાટીથી થોડી ઊંચાઈ પર એક કમાન્ડ મૉડ્યૂલ પણ હોવું જોઈએ.
આ કમાન્ડ મૉડ્યૂલથી લૅન્ડર ચંદ્રમા પર ઉતરશે અને અંતરિક્ષયાત્રી ત્યાં શોધ કરીને આ લૅન્ડર મૉડ્યૂલમાં ચંદ્રમાની સપાટી પરથી કમાન્ડ મૉડ્યૂલમાં પરત ફરશે. પછી કમાન્ડ મૉડ્યૂલને પૃથ્વી પર પરત લાવી શકાય છે.
તમામ પ્રયોગ દસ દિવસની અંદર કરવાનો પડકાર પણ હશે. તેથી તેને માટે ઉચ્ચ કક્ષાની તકનીક ઉપરાંત વિશાળ રૉકેટની જરૂર પડશે. ચંદ્રમા પર કોઈ વાતાવરણ નથી. અંતરિક્ષમાં તાપમાન પણ ઘણું નીચું હોય છે. એટલે ત્યાં પણ રૉકેટ ચલાવવા માટે ક્રાયોજેનિક ઍન્જિન ડિઝાઇન કરવું પડશે.
આ તમામ સંસાધનોની પ્રાપ્તિ કરવી અને ચંદ્રયાન-3 અને ત્યારબાદના પ્રક્ષેપણોની સફળતા પર એ નિર્ભર કરશે કે ઇસરોને ચંદ્રમા પર માણસ મોકલવાની સફળતા મળે છે કે નહીં. જો ચંદ્રયાન-3 સફળ રહેશે તો ઇસરો ચંદ્રયાન-10 કે 11 સુધીમાં પોતાના અંતરિક્ષ મિશનને અને ચંદ્ર પર માણસો મોકલવાના પ્રયોગને કરવામાં સક્ષમ હશે.

ઇસરોને શક્તિશાળી રૉકેટની જરૂર છે

ઇમેજ સ્રોત, ANI
અપોલો-1ને ચાર દિવસમાં ચંદ્રમા પર લઈ જવાયું. ત્યાં અપોલો-11એ ઇગલ લૅન્ડરને ચંદ્ર પર ઉતાર્યું. અંતરિક્ષયાત્રીઓ દ્વારા ચંદ્રમા પર ઊતર્યા બાદ અને ત્યાં સંશોધન કર્યા બાદ લૅન્ડર ઑર્બિટર સુધી પહોંચવા અને તેને પરત પૃથ્વી પર લાવવા માટે ઘણાં બધાં ઈંધણની જરૂર પડી.
ભવિષ્યમાં ચંદ્રમા પર અંતરિક્ષયાત્રીઓને મોકલવા ઇસરોના મિશનમાં આટલા જ ઈંધણની જરૂર પડશે અને તે માટે વિશાળ રૉકેટ આવશ્યક છે. જોકે, હકિકત એ પણ છે કે ઈસરો ચંદ્રયાન-3ની સફળતા બાદ આ દિશામાં પણ આગળ વધશે.














