યોગી આદિત્યનાથ એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની મજબૂતી છે કે મજબૂરી?

ઇમેજ સ્રોત, X/YOGI
- લેેખક, વિકાસ ત્રિવેદી
- પદ, બીબીસી સંવાદદાતા
2021નું વર્ષ પૂરું થયું હતું અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ થવાનો હતો. યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અણબનાવ ચાલતો હોવાની અટકળો થઈ રહી હતી.
ત્યાર બાદ 21 નવેમ્બર 2021ના રોજ બે તસવીરો સામે આવી. એક તસવીરમાં મોદી યોગીને કંઈક કહેતા હોય એવું જોવા મળતું હતું. બીજીમાં કૅમેરા તરફ પીઠ રાખીને મોદી યોગીના ખભા પર હાથ રાખતા જોવા મળ્યા હતા.
યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ તસવીરો શૅર કરીને લખવામાં આવ્યું, - "અમે નીકળી પડ્યા છીએ એક સંકલ્પ લઈને, પોતાનું તન અને મન અર્પણ કરીને, જિદ્દ છે એક સૂરજને ઉગાડવો છે, અંબરથી પણ ઊંચે જવું છે... "
ત્યાર પછી અઢી વર્ષમાં યોગી ફરી યુપીના સીએમ બન્યા અને મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા. પરંતુ 'અંબર કરતાં ઊંચે જવું' અને 'નવા સૂરજનો ઉદય' કરવાની જે વાત મોદી અને યોગીની તસવીરો સાથે લખવામાં આવી હતી તે માત્ર કવિની કલ્પના જ બનીને રહી ગઈ.
2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં 312 બેઠકો જીતનાર ભાજપ 2022માં માત્ર 255 બેઠકો જ જીતી શક્યો.
2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં 62 બેઠકો જીતનાર ભાજપ 2024માં ઘટીને 33 બેઠકો પર આવી ગયો.
ઉત્તર પ્રદેશમાં ભાજપ નબળો પડ્યો છે અને હવે યોગી આદિત્યનાથ અને કેશવપ્રસાદ મૌર્યના તાજેતરનાં નિવેદનોએ તેની સમસ્યા વધારી દીધી છે.
યોગી અને કેશવપ્રસાદ મૌર્ય

ઇમેજ સ્રોત, Getty Images
હવે એવા સવાલો થઈ રહ્યા છે કે 2024ની ચૂંટણી પછી યોગી આદિત્યનાથ એ મોદી અને અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ માટે મજબૂતી બની ગયા છે કે તેમની મજબૂરી? યોગી આદિત્યનાથ સામે શું પડકારો છે કે પછી તેઓ પોતે કોઈના માટે પડકાર છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યોગી આદિત્યનાથની વિરોધથી લઈને ભાજપના સ્ટાર પ્રચારક બનવા સુધીની સફર કેવી છે?
નરેન્દ્ર મોદી અને અમિત શાહ પછી કદાચ યોગી આદિત્યનાથ એવા નેતા છે જેમણે છેલ્લી ચૂંટણીમાં ઘણાં રાજ્યોમાં પ્રચારમાં જોતરાયા હતા.
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં યોગી આદિત્યનાથનું નામ શરૂઆતનાં નામોમાં સામેલ છે.
પરંતુ ભાજપમાં યોગીએ બનાવેલા આ સ્થાનની શરૂઆત એક બળવાથી શરૂ થઈ હતી.
થોડાં વર્ષો પાછળ જઈએ. કાળા ચશ્મા અને ચુસ્ત કપડાં પહેરતા અજયસિંહ બિષ્ટ, એટલે કે યોગી આદિત્યનાથના કૉલેજના દિવસો.
શરત પ્રધાન અને અતુલ ચંદ્ર પોતાના પુસ્તક 'યોગી આદિત્યનાથ'માં લખે છે, "અજયસિંહ બિષ્ટના એક બનેવી તેમને ડાબેરી પક્ષની વિદ્યાર્થી પાંખમાં સામેલ કરવા માંગતા હતા, પરંતુ અજય એબીવીપીમાં જોડાયા. સખત મહેનત કરી, પરંતુ જ્યારે ABVPએ અજયને ઉમેદવાર ન બનાવ્યા ત્યારે વિરોધનો પહેલો તિખારો જોવા મળ્યો."
અજય બિષ્ટ, ઉર્ફે યોગી એબીવીપી સામે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા પણ જીતી ન શક્યા. ચૂંટણીના રાજકારણમાં યોગી આદિત્યનાથની આ પ્રથમ અને એકમાત્ર હાર છે.
26 વર્ષની ઉંમરે પહેલીવાર સાંસદ બનવાથી લઈને બીજી વખત યુપીના મુખ્ય મંત્રી બનવા સુધી, યોગી આદિત્યનાથ પોતે ક્યારેય ચૂંટણી હાર્યા નથી.
યોગી સામે ટક્કર

ઇમેજ સ્રોત, X/Yogi
ભાજપમાં જો યોગીની વાત સાંભળવામાં નહીં આવે તો તેની અસર ચૂંટણી પરિણામોમાં પણ જોવા મળી.
જાણકારોના મતે ભાજપમાં જ રહીને પાર્ટીના નેતાઓ સાથે યોગીનું ઘર્ષણ રહ્યું છે. તેઓ પોતાના લોકોની યાદી લીડરશિપ સામે મૂકશે અને ચૂંટણીની ટિકિટ માંગશે. યોગીએ ઘણી વખત ભાજપ વિરુદ્ધ બળવાખોર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને પ્રચાર પણ કર્યો. પરંતુ સમય જતાં યોગીનું વલણ નરમ પડ્યું.
યોગી અને ભાજપના મોટા નેતાઓ વચ્ચેનો આ 'ટકરાવ' લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ફરી એકવાર ધીમે ધીમે બહાર આવી રહ્યો છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે મે 2024માં આ ટક્કરની વાત કરી હતી.
કેજરીવાલે એક ચૂંટણી સભામાં દાવો કર્યો હતો કે, ''આ ચૂંટણી જો જીતી ગયા તો હું લખીને આપું છું - બે મહિનાની અંદર આ લોકો ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને બદલી નાખશે. યોગી આદિત્યનાથની રાજનીતિ ખતમ કરશે. તેમને પણ માર્ગમાંથી દૂર કરશે."
જો કે, ઘણા નિષ્ણાતોએ બીબીસીને કહ્યું કે યુપીની પેટાચૂંટણી સુધી આવું કંઈ થવાની કોઈ આશા નથી. ભાજપ આટલું મોટું જોખમ નહીં ઉઠાવે.
પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે યુપીથી લઈને દિલ્હી સુધી યોગી માટે તેમના પોતાના ધારાસભ્યો, નેતાઓ અને સહયોગીઓ કેમ પડકારરૂપ દેખાય છે?

યોગીથી તેમના સહયોગી કેમ નારાજ છે?
ભાજપના સાથી પક્ષ અપના દળ (સોનેલાલ)નાં નેતા અને એનડીએ સરકારમાં મંત્રી અનુપ્રિયા પટેલે પણ યોગી આદિત્યનાથ સામે જાહેરમાં પોતાની ફરિયાદ કરી હતી.
અનુપ્રિયાએ કહ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત લોકોને રોજગાર આપવાના મામલે ભેદભાવ કરી રહી છે.
યોગી આદિત્યનાથના રાજકારણમાં બુલડોઝરનું વિશેષ મહત્વ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન યોગીની રેલીઓમાં ઘણી જગ્યાએ બુલડોઝર પણ પાર્ક કરવામાં આવ્યાં હતાં.
તેના વિશે નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદે 16મી જુલાઈએ કહ્યું કે, બેઘર અને ગરીબ લોકો વિરુદ્ધ બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે તો એકજૂથ થઈને આ લોકો આપણને ચૂંટણીમાં હરાવી દેશે.
જાણકારોનું કહેવું છે કે દિલ્હીના પ્રોત્સાહન વગર આ બધું શક્ય નથી. યોગી વિરુદ્ધ વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
યોગીના ધારાસભ્યો અને નેતાઓની 'વેદના'

ઇમેજ સ્રોત, Getty Images
યોગી સરકારમાં મંત્રી-નેતા અને અધિકારીઓ વચ્ચેની લડાઈને એક ઘટના પરથી સમજીએ.
યોગી સરકારના એક મંત્રી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. એક શહેરના મેયરે મંત્રીને કહ્યું કે ઑનલાઈન જોડાયેલા અધિકારીઓએ પોતાના કૅમેરા પણ ઓપન કર્યા નથી, કોઈ શિસ્ત જ નથી.
તેના પર મંત્રીએ કહ્યું, તમે તમારું કામ જણાવો. કામ થઈ જશે. અધિકારીઓને છોડી દો.
આ કોઈ એકલદોકલ ઘટના નથી.
લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી આવા ઘણા અહેવાલો બહાર આવ્યા જેમાં ભાજપના નેતાઓએ કહ્યું કે અધિકારીઓનું જ ચાલે છે અને પાર્ટીના કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે.
શું ખરેખર આવું છે? આ વાત સમજવા માટે બીબીસીએ યોગી સરકારના બે ધારાસભ્યો સાથે વાત કરી.
પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાજપના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, “ગઈ લોકસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી વખતે જ રાજ્ય ભાજપના આંતરિક મતભેદો બહાર આવ્યા હતા. તે સમયે યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય નેતૃત્વની વચ્ચે ઉમેદવારો પર સર્વસંમતિ અંગે ઘણો સમય અનિશ્ચિતતા રહી હતી."
ઉત્તર પ્રદેશમાં ભાજપના ટોચના નેતૃત્વમાં કેટલાક અણબનાવ ચાલે છે તે મામલે ભાજપની ટિકિટ પર બે વખત ચૂંટણી જીતી ચૂકેલા એક વરિષ્ઠ ધારાસભ્યે બીબીસીને કહ્યું, "છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ઘણા ધારાસભ્યોમાં એ બાબતે અસંતોષ વધ્યો છે કે અધિકારીઓને વધારે મહત્ત્વ અપાય છે. જેમ કે પોતાના મતવિસ્તારમાં પણ ધારાસભ્યોએ અધિકારીઓના ચક્કર લગાવવા પડે છે, આમ છતાં સામાન્ય લોકોના કામ પૂરા થતા નથી."
શું યોગીએ અધિકારીઓને ખરેખર ઘણી છૂટ આપી દીધી છે?

ઇમેજ સ્રોત, ANI
યુપી સરકારના એક અધિકારીએ બીબીસીને કહ્યું, "પહેલાંની સરકારોમાં જો કોઈ ધારાસભ્ય અથવા સાંસદ ફરિયાદ લઈને લખનઉ પહોંચી જાય તો ખતરો હતો. ટ્રાન્સફર પણ ઝડપથી કરવામાં આવી હતી. પરંતુ યોગી સરકારમાં એવું નથી."
અધિકારીએ કહ્યું, "હવે એવું થઈ ગયું છે કે જો કોઈ ધારાસભ્ય અડચણ ઊભી કરતા હોય તો બીડીઓને પોતાનું કામ કરવાનો અધિકાર છે. કોઈ ફરિયાદ હોય અને મામલો ગંભીર ન હોય તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે."
જો આવું બધું કરવાથી યોગી આદિત્યનાથ સામે પડકારો પેદા થાય તો તેઓ આવું કેમ કરી રહ્યા છે?
યુપી વહીવટીતંત્રના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, "યોગીને કામ થાય તેનાથી મતલબ છે. અધિકારી વ્યસ્ત દેખાવા જોઈએ. દરેક કામના આંકડા જોઈએ, કામ કરતી વખતે તસવીરો મોકલો, વીડિયો કોલ કરો. અખિલેશની કામ કરવાની પદ્ધતિ એવી હતી કે કામ કરો, પરિણામોમાં તે દેખાશે. યોગીજીનું એવું છે કે જનતાને પણ લાગવું જોઈએ કે કામ થાય છે."
કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબેનું 'ઍન્કાઉન્ટર' હોય, 2020માં હાથરસ ગેંગરેપ-હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને હટાવવાની માંગ હોય કે પછી કુંભ મેળા દરમિયાન હેલિકૉપ્ટરમાંથી યુપી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ફૂલવર્ષા કરતા હોય. આવી અનેક ઘટનાઓ પરથી તમે યોગી અને અધિકારીઓ વચ્ચેના સંબંધોને સમજી શકો છો.
શાંતનુ ગુપ્તાએ 'ધ મોન્ક હૂ ટ્રાન્સફોર્મ્ડ ઉત્તર પ્રદેશ' પુસ્તક લખ્યું છે. તેમણે બીબીસી હિન્દીને કહ્યું, "કોઈ શાસક બહુ સખત હોય ત્યારે તેની આસપાસ એક છબિ બને છે. સુધારો લાવવો મુશ્કેલ છે. એવું કહી દેવાય છે કે નોકરશાહી છે. અધિકારી કામ નહીં કરે તો કોણ કરશે? અગાઉ દર ત્રણ મહિને અધિકારીઓની બદલી થઈ જતી હતી. હવે અમને વધુ સમય મળે છે. અધિકારીઓ પર નજર રાખવામાં આવે છે. તેમને સવારે 7.30 વાગ્યે યોગીનો ફોન આવી જાય છે."
શું યોગી મોદી મૉડલને અપનાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
એસ. જયશંકર, આર કે સિંહ, હરદીપ પુરી, અશ્વિની વૈષ્ણવ, અર્જુન મેઘવાલ જેવા ઘણા મોટાં નામો છે જેઓ અગાઉ સિનિયર ઑફિસર હતા અને બાદમાં તેમને મોદી કૅબિનેટમાં જગ્યા મળી.
અધિકારીઓ પર આધાર રાખવાનું આ મૉડલ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સીએમ તરીકે અપનાવ્યું હતું. મોદી ગુજરાતમાંથી અનેક અધિકારીઓને દિલ્હી પણ લાવ્યા હતા.
આવી સ્થિતિમાં શું યોગી આદિત્યનાથ મોદીની રીત-રસમ અપનાવી રહ્યા છે?
અલ્હાબાદ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. પંકજ કુમારે કહ્યું, "મોદી જ્યારે સીએમ બન્યા, ત્યારે તેમને લાગ્યું કે મંત્રીઓ પર આધાર રાખવાને બદલે બે-ચાર ચુનંદા અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવાનું વધુ સારું રહેશે. ત્યારથી આ બ્યૂરૉક્રસી કેન્દ્રિત રાજકીય વ્યવસ્થા શરૂ થઈ. આ અગાઉ રાજકીય કાર્યકરો કેન્દ્રમાં રહેતા હતા."
પરંતુ આવી વ્યવસ્થામાં અધિકારીઓ અને કાર્યકરો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાય ખરી?
તેના જવાબમાં ડૉ. પંકજ કુમાર કહે છે, “અધિકારીઓ બેફામ બની જાય છે. કાર્યકર્તા હાંસિયામાં ધકેલાઈ જાય છે. આ ચૂંટણીઓમાં ભાજપના કાર્યકરો ઘરે બેઠા રહ્યા તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે અધિકારીઓનો ભ્રષ્ટાચાર બંધ થયો નથી. પરંતુ કાર્યકરોને ખાવા માટે એક રોટલી પણ ન મળી. કાર્યકરોના આક્ષેપો બિલકુલ સાચા છે. જ્યારે અધિકારીઓ કેન્દ્રિત મોડલ હશે ત્યારે તેમાં કાર્યકરની ઉપેક્ષા થવાની છે."
હિંદુસ્તાન અખબારના સંપાદક રહી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર નવીન જોશીએ કહ્યું, "અંદરના લોકો કહે છે કે ભ્રષ્ટાચાર વધ્યો છે. દરેક લાંચ લેનાર કહે છે કે યોગીજીનો દંડો ચાલે છે તેથી ભાવ વધી ગયા છે."
યુપી ભાજપના ઘણા નેતાઓએ કાર્યકર્તાઓની અવગણના અંગે આવી જ વાત કહી છે.
તો પછી મોદી અને શાહ ભૂતકાળમાં જે વલણ અપનાવી ચૂક્યા છે તે હવે કેમ નથી અપનાવતા?
યોગીને હટાવવા ભાજપ માટે આસાન કેમ નથી?
છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ શાસિત રાજ્યો અને આ મુખ્ય મંત્રીઓના નામો યાદ કરો.
- મધ્ય પ્રદેશ: શિવરાજ સિંહ ચૌહાણ
- હરિયાણા: મનોહર લાલ ખટ્ટર
- ઉત્તરાખંડ: ત્રિવેન્દ્ર સિંહ રાવત અને તીરથ સિંહ રાવત
- ગુજરાત: વિજય રૂપાણી
- ત્રિપુરા: બિપ્લબ દેવ
ચૂંટણી પહેલાં કે પછી ભાજપે પોતાના મોટા ચહેરાઓને મુખ્ય મંત્રીની ખુરશી પરથી હટાવી દીધા છે.
અન્ય પક્ષોની જેમ ભાજપના હાઈકમાન્ડને ક્યારેય એવો ડર નથી લાગતો કે પાર્ટી તૂટી શકે છે. આ કારણે ભાજપ એવા નેતાઓને પણ મુખ્ય મંત્રી બનાવી શકે છે, જેમના નામ પણ કોઈ જાણતું ન હતું.
પરંતુ યુપીના કિસ્સામાં આવું નથી થતું. તેની પાછળ કારણ શું છે?
પ્રોફેસર ડૉ. પંકજ કુમારે કહ્યું કે, "યોગી આદિત્યનાથ એ ભાજપની મજબૂરી અને મજબૂતી બંને છે. તમે યોગીને હટાવશો તો તેઓ ચૂપ નહીં રહે અને ભાજપને જ નુકસાન પહોંચાડશે. તેઓ મજબૂત છે કારણ કે અન્ય રાજ્યોમાં પણ મોદી પછી જો કોઈની સૌથી વધુ માંગ હોય તો તે યોગી છે. યોગીએ ફાયર બ્રાન્ડ હિંદુ નેતાની છબી ખૂબ સારી રીતે બનાવી છે."
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, “બીજું કારણ છે નાથ સંપ્રદાય જે દેશભરમાં ફેલાયેલો છે અને યોગી તેના મહંત છે. ભાજપ તેની ઉપયોગિતા સમજે છે."
નાથ સંપ્રદાય, જાતિ અને યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, FB/Yogi Adityanath
"હિન્દુ ધ્યાવે દેહુરા, મુસ્લિમ મસીત... જોગી ધ્યાવે પરમ પદ, જહાં દેહુરા ના મસીત."
યોગી આદિત્યનાથ જે ગોરખપુર મંદિરના મહંત પણ છે, તેની બહાર આ પંક્તિ લખેલી છે.
તેનો અર્થ છે - હિન્દુઓ મંદિરોમાં ધ્યાન કરે છે અને મુસ્લિમો મસ્જિદોમાં ધ્યાન કરે છે. પરંતુ યોગીઓ પરમપદનું ધ્યાન કરે છે, તેઓ તેને મંદિરો કે મસ્જિદોમાં શોધતા નથી.
આ છબીના મૂળ નાથ સંપ્રદાય સાથે યોગીના સંબંધોથી શરૂ થાય છે.
યોગી આદિત્યનાથે ફેબ્રુઆરી 1994માં તેમના ગુરુ મહંત અવૈદ્યનાથ પાસેથી નાથ સંપ્રદાયના સૌથી પ્રખ્યાત મઠ ગોરખનાથ મંદિરના અનુગામી તરીકે દીક્ષા લીધી હતી.
આ મઠના અનુયાયીઓની સંખ્યા બહુ મોટી છે.
નવીન જોશીએ બીબીસીને કહ્યું, "અન્ય નેતાઓ અને યોગી આદિત્યનાથમાં તફાવત એ છે કે ગોરખમઠને કારણે યોગી પાસે વિશાળ વ્યક્તિગત આધાર છે. મુખ્ય મંત્રી બન્યા બાદ યોગીએ પોતાની હિન્દુ યુવા વાહિનીને શાંત કરી હતી. હવે તે ફરીથી સક્રિય થઈ રહી છે. યોગી પોતાનું વલણ દેખાડવા માટે તેનો ઉપયોગ કરી શકે છે."
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોએ બીબીસીને કહ્યું, "ગોરખનાથ મઠના મહંતને હટાવવાથી હિન્દુત્વનો ખોટો સંકેત જશે. રાજનીતિ જ જ્યારે હિંદુત્વની છે ત્યારે તમારે મોટા મઠોનું ધ્યાન રાખવાનું છે. યોગીની પોતાની છબી પણ હિન્દુત્વની છે."
નવીન જોશીએ કહ્યું, “યોગી યુવાન છે. યોગી પાસે રાજકીય પ્રભાવ ઉપરાંત ધાર્મિક પ્રભાવ પણ છે. ભાજપે ખુદ અન્ય રાજ્યોમાં યોગીનો ઉપયોગ કર્યો છે. યોગીની માંગ ઉત્તર-પૂર્વમાંથી પણ આવી હતી. યોગી 2024ના ચૂંટણી પરિણામોથી નબળા પડ્યા છે એ વાત સાચી છે."
યોગી આદિત્યનાથ ઠાકુર જાતિમાંથી આવે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઠાકુરોમાં યોગીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તર ભારતમાં તેમની સંખ્યા ઠીકઠાક મોટી છે. ભાજપને તે ગુમાવવાનો પણ ડર છે. આ કારણોથી યોગીને દૂર કરવા સરળ નથી.
મોદી-શાહ અને ભાજપ સામે શું પડકાર છે?

ઇમેજ સ્રોત, FB
એવા સંજોગોમાં જ્યાં યોગીનું કદ વધવાની શક્યતાઓ હોય અને પક્ષને પણ નબળો પડતો બચાવવો હોય તેવી સ્થિતિમાં મોદી અને શાહની આગેવાની હેઠળની ભાજપ સામે કયા પડકારો છે?
ભાજપ પર નજર રાખતા સૂત્રોએ બીબીસીને કહ્યું, "મોદી, શાહ અને યોગી ત્રણેય માટે એક સમાન પડકાર આવી રહ્યો છે. આ એવો સમય છે જ્યાં ભાજપ નબળો પડતો દેખાય છે. લોકસભાની ચૂંટણીએ પણ આ વાત સ્પષ્ટ કરી દીધી છે. પાર્ટી નબળી પડશે તો જેની લોકપ્રિયતામાં વધુ હોય તેને પણ નુકસાન જશે.
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, “યોગી આદિત્યનાથ એ મોદી કરતા અમિત શાહ માટે મોટો પડકાર છે. મોદીએ હવે તેમના અનુગામી તૈયાર કરવાના છે. એ વાત સાચી છે કે અમિત શાહની આ દેશમાં એટલી અપીલ નથી. તેઓ જાતિની બાબતમાં પણ પાછળ છે."
સંઘથી અંતર અને નિકટતા
પાછલાં વર્ષોમાં ઘણી વખત મોદી સંઘથી દૂર થયા છે એવી વાતો કહેવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં 10 વર્ષમાં પહેલીવાર નરેન્દ્ર મોદીએ નાગપુરમાં રાત્રિ રોકાણ કર્યું હતું.
પ્રોફેસર પંકજ કુમારે કહ્યું કે, "અમિત શાહમાંથી મોદીને હટાવી દઈએ તો તેમની પોતાની કોઈ આભા નથી, પરંતુ યોગીનો પ્રભાવ છે."
લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શક્યો નથી. આ ચૂંટણી પરિણામ એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ 400 બેઠકો પાર કરવાના નારા સાથે મેદાનમાં ઉતર્યું હતું."
વરિષ્ઠ પત્રકાર નવીન જોશીએ કહ્યું કે, "ભાજપને એકલા હાથે બહુમતી ન મળવાને કારણે મોદી નબળા પડી ગયા છે. આખી વ્યૂહરચના શાહની હતી તેથી તેઓ પણ નબળા પડી ગયા છે. જો યુપીમાં વધુ સીટો આવી હોત તો યોગી પણ શક્તિશાળી તરીકે ઊભરી આવ્યા હોત. યોગીની આકાંક્ષા વડા પ્રધાન બનવાની અથવા મોદી પછી નંબર ટુ બનવાની છે. યોગીને જો સતત આગળ વધવા દેવામાં આવશે તો ભવિષ્યમાં તેઓ એક પડકાર બની જશે."
નવીન જોશી કહે છે, "મોદી અને શાહની સ્થિતિ અત્યારે એવી છે કે તેઓ ન તો યોગીને પચાવી શકે છે, ન તેમને હટાવી શકે છે. મોદી અને શાહના ગળામાં યોગી ફાંદાની જેમ અટવાઈ ગયા છે."
ભાજપની મૂંઝવણ

ઇમેજ સ્રોત, X/SHANTANUG_
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે અનેક ઇતિહાસ રચ્યા છે. પરંતુ સતત 10 વર્ષ સત્તામાં રહ્યા બાદ પક્ષ હવે ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે.
ભાજપને કવર કરી રહેલા એક વરિષ્ઠ પત્રકારે બીબીસીને કહ્યું, "સપાની મજબૂતાઈ ભાજપ માટે એક પડકાર છે. ચંદ્રશેખર આઝાદ પણ જીત્યા છે. આગળ જતાં જાટવ મતો પણ ચંદ્રશેખરને મળી છે. બીજું, રાહુલ ગાંધીનો ગ્રાફ અચાનક ઉપર ગયો છે. સંસદ ટીવી પર રાહુલના વ્યુ મોદી કરતા 20 ગણા વધારે છે. ગૂગલ સર્ચ ડેટામાં પણ રાહુલ ગાંધી આગળ છે."
તેમણે કહ્યું, “ભાજપ માટે બંગાળ સરકી ગયું છે. આસામ સરકી રહ્યું છે. યુપીમાં સમસ્યા છે. મહારાષ્ટ્રમાં લોકોનો ઝોક ઉદ્ધવ તરફ છે. હરિયાણામાં કૉંગ્રેસને જ ફાયદો થશે."
પરંતુ આ ચૂંટણી પહેલાં યુપીમાં જે અટકળો થઈ રહી છે તેના કારણે શું સંગઠન અને સરકાર બંને નબળા પડી શકે છે?
યોગી આદિત્યનાથ પર પુસ્તક લખનાર શાંતનુ કહે છે, “થોડી ઘણી ખટપટ દરેક જગ્યાએ હોય છે. ભાજપમાં કોઈપણ વ્યક્તિ મુખ્ય મંત્રી બનવાનું વિચારી શકે છે. સપામાં અખિલેશ સિવાય કોઈ વિચારી શકતું નથી. જ્યારે શક્યતા હોય ત્યારે મહત્વાકાંક્ષા પણ હોય છે. 2014માં નરેન્દ્ર મોદીને બધું એક થાળીમાં પીરસવામાં નહોતું આવ્યું. ભરપૂર લોબિંગ કરવામાં આવ્યું હતું."
યોગી વિરુદ્ધ કેશવપ્રસાદ મૌર્યની અટકળોમાં ભાજપ શું કરશે?
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, "કેશવપ્રસાદ મૌર્યને હટાવવા હવે આસાન નથી. તેઓ ઓબીસીમાંથી આવે છે. મૌર્યને હટાવવામાં આવશે તો એવું કહેવાશે કે ભાજપ પછાત વર્ગનો વિરોધી છે. એવી જ રીતે બંધારણ વિરોધીની વાતો ચાલે છે. યોગીએ દરરોજ સાવધાની રાખવી પડશે."
વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તાએ બીબીસી હિન્દી પોડકાસ્ટમાં કહ્યું, "યોગી આદિત્યનાથ કરતાં પણ ભાજપ માટે મોટો પડકાર એ છે કે શું તે મુખ્યમંત્રી બદલવાની હિંમત કરી શકે છે? યુપીમાં સત્તા પરિવર્તન જેવું કંઈ નહીં થાય."
યોગી સામે કયા પડકારો છે?
યોગી આદિત્યનાથની સામે માત્ર પક્ષને લગતા પડકારો છે એવું નથી.
યોગી આદિત્યનાથ સામે તેમની કામ કરવાની પદ્ધતિ, પત્રકારો સામે થયેલી કાર્યવાહી, 'બુલડોઝર બાબા' તરીકેની છબી અને મુસ્લિમો પ્રત્યે તેમના વલણને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
પરંતુ આજકાલ યોગી સામે તેમના જ લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
પત્રકાર નવીન જોશી કહે છે કે, "બે બાબતોએ યોગીને નુકસાન પહોંચાડ્યું છે. યોગીએ જે ગુનેગારોને મારી નાખ્યા અથવા જેલમાં ધકેલી દીધા તેમાંથી ઘણા લોકો દલિતો, પછાત વર્ગો અને લઘુમતીમાંથી આવ્યા હતા. કાયદા પ્રમાણે આ લોકો ગુનેગાર હતા, પરંતુ મતદારોમાં તેઓ લોકપ્રિય હતા. તેમનો પ્રભાવ હતો. જે રીતે બુલડોઝરનો ઉપયોગ થયો તેનાથી પણ નુકસાન થયું હતું."
તેમણે કહ્યું, "યોગીનું એવું છે કે તેઓ નકામી વાત નથી કરતા. તેઓ કહે છે - આ કામ કરીને દેખાડો, આ થશે કે નહીં? બેઠકોમાં તેમનું આ પ્રકારનું વર્તન હોય છે. 2024 પછી તેઓ નબળા પડી ગયા છે તેથી આ નારાજગી બહાર આવી રહી છે.
કેન્દ્રમાં જે રીતે મોદીની સાથે શાહને જોવામાં આવે છે, તે રીતે યુપીમાં યોગીની સાથે કોઈ જોવા મળતું નથી.
શાંતનુ ગુપ્તાએ કહ્યું, “નરેન્દ્ર મોદી કે અમિત શાહની જેમ યોગી પરંપરાગત રીતે સંગઠનમાંથી નથી આવતા. યોગીએ સંગઠનમાં આવી કોઈ ભૂમિકા ભજવી નથી. યોગી આ બધું હવે કરી રહ્યા છે."
થોડા દિવસો પહેલા લખનઉના અકબરનગરમાં લોકોનાં ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યાં હતાં. વહીવટીતંત્રે કહ્યું કે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
નવીન જોશીએ કહ્યું, "યોગી દબાણમાં છે. આને બે વાત પરથી સમજો. પંત નગરમાં મકાનો તોડી પાડવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. શિક્ષકો પર ડિજિટલ હાજરી લાદવાનો નિર્ણય પણ પાછો ખેંચી લેવામાં આવ્યો."
યોગી માટે હવે આગળ શું?

ઇમેજ સ્રોત, ANI
આવા પડકારો વચ્ચે યોગી આદિત્યનાથ માટે આગળની રાજકીય સફર કેવી હોઈ શકે?
શાંતનુ ગુપ્તા કહે છે, "મને નથી લાગતું કે ભાજપ આવા લોકપ્રિય નેતાને હટાવીને કોઈ આત્મઘાતી પગલું ભરે. શક્ય છે કે કેટલાક ફેરફારો કરવામાં આવે. આટલો મોટો પક્ષ છે, કેન્દ્રમાં સરકાર છે, કેટલીક ઈચ્છાઓને મેનેજ કરી લેવાશે. યોગી જાણે છે કે તમે પાર્ટીની મદદથી જ સરકાર બનાવી શકો છો, તો તેઓ પોતાનામાં પણ થોડા ફેરફાર કરશે."
ઑગસ્ટ 2024માં યુપીની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. 2022માં આ 10 બેઠકોમાંથી સપાને પાંચ અને ભાજપને ત્રણ બેઠકો મળી હતી.
આ બેઠકો છે- ફુલપુર, કટેહરી, કરહલ, મિલ્કીપુર, મીરાપુર, ગાઝિયાબાદ, મજવાન, સિસામાઉ, ખેર, કુંડારકી.
પ્રોફેસર પંકજ કુમાર કહે છે, "યોગીની સફળતાનો ઘણો આધાર હવે આગામી પેટાચૂંટણી પર રહેશે. અમિત શાહ પણ વિચારી રહ્યા છે કે યોગીને કેવી રીતે હટાવવા. તેમને યોગ્ય તક નથી મળી રહી. અમિત શાહમાં સંચાલનની આવડત હશે, પરંતુ જનતાની નજરમાં શાહ યોગ્ય વ્યક્તિ નથી."
અખિલેશના ઉદયને કારણે પડકાર વધ્યો

ઇમેજ સ્રોત, ANI
આ ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સપા પણ મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે.
પત્રકાર નવીન જોશી કહે છે, "જો યોગી આ ચૂંટણીમાં પોતાની ખુરશી બચાવી શકશે તો તેઓ શક્તિશાળી બનીને ઊભરી આવશે. સપા અને કૉંગ્રેસે આ ચૂંટણીઓમાં જે અસર દેખાડી છે, ત્યાં સુધી તેઓ આ માહોલ જાળવી રાખે તેવું થવું મુશ્કેલ છે. તેની સરખામણીમાં યોગી ભાજપની અંદર વધુ પ્રભાવશાળી બનશે. મોદી કરતાં શાહ માટે યોગી વધુ પડકારરૂપ બની જશે."
તેમણે કહ્યું, “યોગીએ ક્યારેય પક્ષની આંતરિક બાબતોને લઈને જાહેરમાં, ઇશારામાં પણ કંઈ નથી કહ્યું. મૌર્ય જે રીતે બોલે છે તેમ યોગી નથી બોલતા. આ બાબત તેમના પક્ષમાં જાય છે.
યુપી અને બિહારમાં ચૂંટણી દરમિયાન એવા ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં મતદાતાઓ એવું કહેતા જોવા મળ્યા હતા કે 'દિલ્હીમાં મોદી, યુપીમાં યોગી'.
અનેક ચૂંટણીઓ કવર કરનારા એક વરિષ્ઠ પત્રકારે કહ્યું છે, "એક વર્ષ પહેલાં એવી વાત ઘડવામાં આવી કે પ્રથમ મોદી, પછી યોગી. પરંતુ હવે જો મોદી પર મુશ્કેલી આવી હોય તો યોગી પર પણ મુશ્કેલી આવશે.
ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, "યુપીમાં ભાજપની અંદર ભાગલા સ્પષ્ટ દેખાય છે. બંને ડેપ્યુટી મુખ્ય મંત્રીઓ યોગીની સાથે નથી. તેઓ મિટિંગમાં પણ હાજરી નથી આપતા. ઘણા ધારાસભ્યોમાં યોગીની હવે બહુ સારી છબી નથી રહી. યોગીના કારણે પાર્ટી નીચે જઈ રહી છે. યોગીને હટાવશો તો વધુ નુકસાન થઈ શકે છે."
અનેક પ્રશ્નો સાથેનું ઉત્તર પ્રદેશ
મે 2019માં ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ દાવો કર્યો હતો કે 2002નાં રમખાણો બાદ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીને હટાવવા માંગતા હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણીએ આવું થવા દીધું ન હતું.
વર્ષો વીતી ગયાં અને 2013માં પીએમ પદની રેસમાં અડવાણી મોદી કરતાં પાછળ રહી ગયા.
ત્યારબાદ 2014માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારે અડવાણીને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા હતા.
2017માં યુપીના મુખ્ય મંત્રી કોણ હશે તે વિશે મનોજ સિંહા, કેશવપ્રસાદ મૌર્યના નામ સંભળાતા હતા, ત્યારે મોદી અને શાહના નેતૃત્વમાં યોગી આદિત્યનાથે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ વર્ષો દરમિયાન ઘણા લોકો મોદી પછી યોગીને એ કદના નેતા માનતા થયા છે.
રાજકારણમાં ઘણી વખત ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. આ સાધારણ વાત કદાચ કેટલાય નેતાઓની ચિંતા વધારી શકે છે.












