ઉત્તર પ્રદેશ: અનેક ગાયોનાં હાડપિંજર મળવાનો મામલો, ગૌશાળા પર શું આરોપ લાગ્યા?

ગૌશાળાની અંદરની તસવીરો
ઇમેજ કૅપ્શન, ગૌશાળાની અંદરની તસવીરો
    • લેેખક, ગૌરવ ગુલમોહર
    • પદ, ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી, બીબીસી હિંદી માટે

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક ગૌશાળાની નજીક ગાયોનાં કેટલાંક હાડપિંજરો મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ગ્રામજનો અને ગૌશાળામાં કામ કરનાર લોકો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌથી 150 કિલોમીટર દૂર સુલતાનપુર જિલ્લાના પૈગુપુર ગામની ખુનશેખપુર ગૌશાળા પાસે ખુલ્લામાં ડઝનેક ગાયોનાં હાડપિંજરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોમાં વાઇરલ થયો હતો.

ગામમાં ડઝનેક મૃત ગાયોના આ વીડિયો વાઇરલ થયા પછી આ સવાલો ઊઠી રહ્યા છે કે આ મૃત ગાયો કોની હતી? કારણ કે ગ્રામજનોનો આરોપ છે કે આ ગાયો ગૌશાળાની છે અને ગૌશાળાના કર્મચારીઓની બેદરકારીને કારણે ગાયોનાં મોત થયાં છે.

ગ્રામજનોએ આપેલી માહિતી પ્રમાણે, ગૌશાળામાં ગાયો માટે ભોજન અને ચારાની યોગ્ય વ્યવસ્થા ન હતી. આ ઉપરાંત ગાયોના દેખરેખમાં પણ ખૂબ બેદરકારી રાખવામાં આવી હતી જેને કારણે ગાયોનાં મોત થયાં હતાં.

જોકે, ગ્રામના સરપંચ અને સ્થાનિક વહીવટીતંત્રે દાવો કર્યો છે કે ગાયો સ્થાનિક લોકોની હતી અને ગૌશાળાને બદનામ કરવાના ઇરાદા સાથે ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

શું છે સમગ્ર મામલો?

ગૌશાળાની અંદર લગભગ 200 ગાયો ટિનના શેડની નીચે સુકો ચારો ખાઈ રહી હતી
ઇમેજ કૅપ્શન, ગૌશાળાની અંદર લગભગ 200 ગાયો ટીનના શેડની નીચે સૂકો ચારો ખાઈ રહી હતી

ગ્રામજનોનો દાવો છે કે ગૌશાળાની આસપાસ થોડાક દિવસો પહેલાં ભયંકર ગંધ આવવા લાગી હતી.

આ પાછળનું કારણ જાણવા તેઓ જ્યારે ગયા તો ગૌશાળાની આપસપાસ કેટલીક ગાયોનાં હાડપિંજર જોવાં મળ્યાં જે ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્થાનિક રહેવાસી દેવેન્દ્ર પાંડેયે કહ્યું, "અમે તે જ્યાં જોયું તેનો વીડિયો બનાવ્યો." તેમણે દાવો કર્યો કે કેટલીક ગાયો અડધી મરેલી હતી અને કૂતરાં તેમને ખાઈ રહ્યાં હતાં.

તેમણે કહ્યું, "મારી પાસે જે વીડિયો છે જેમાં એક ગાય પોતાનો કાન હલાવી રહી છે. મેં જ્યારે આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો તો તે વાઇરલ થઈ ગયો. ત્યાર બાદ બીડીઓ, સેક્રેટરી અને સરપંચ આવ્યા અને તેમણે ટ્રેક્ટરની મદદથી ગાયોને માટીમાં દફનાવી દીધી."

દેવેન્દ્ર પાંડેય દાવો કરે છે કે ગૌશાળાની ગાયોને ચારો પણ મળતો ન હતો અને ગાયો ભૂખથી પીડાઈ રહી હતી.

ગામના બીજા કેટલાક લોકોએ પણ જણાવ્યું કે તેમણે ગૌશાળાની પાસે ડઝનેક ગાયોનાં હાડપિંજર જોયાં હતાં.

સ્થાનિક રહેવાસી હીરાલાલ મલ્લાહે બીબીસીને જણાવ્યું, "મરેલી બધી જ ગાયો ગૌશાળાની છે. ગૌશાળા પાસે કોઈ વ્યવસ્થા નથી. આ જ કારણે તેઓ ગાયોને મરવા માટે ખુલ્લામાં ફેંકી દે છે. સરકાર ઉપરથી પૈસા મોકલી રહી છે, પરંતુ અહીં ગાયો ભૂખથી મરી રહી છે."

જોકે, ગૌશાળાના સંચાલન સાથે સંકળાયેલા લોકો આ બધા જ આરોપોને નકારે છે.

તેમનો દાવો છે કે ગામની પાસે જે ગાયો મરી છે તે ગૌશાળાની નથી.

બીબીસીની ટીમે શું જોયું?

ખાડાઓને જોઇને અંદાજો લગાવી શકાય કે ખાડાઓ તાજેતરમાં જ ખોદવામા આવ્યા છે
ઇમેજ કૅપ્શન, ખાડાઓને જોઈને અંદાજ લગાવી શકાય કે ખાડાઓ તાજેતરમાં જ ખોદવામાં આવ્યા છે

ગૌશાળાની આસપાસ રહેતા લોકોનો આરોપ છે કે વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો ત્યારે વહીવટીતંત્રે ગાયોના આમતેમ પડેલા મૃતદેહોને માટીની નીચે દાટી દીધા અને જેસીબી વડે નવા ખાડા અને ગટરો ખોદી નાખી હતી.

અમે જ્યારે ખુનશેખપુર ગૌશાળા પહોંચ્યા તો કેટલાક લોકોએ બહાર જ રોકી લીધા. ગૌશાળામાં પોતાના મોઢા પર કપડું બાંધેલા કેટલાક કર્મચારીઓએ વારંવાર અમને પૂછ્યું કે તમે અહીં શું કામ આવ્યા છો. ત્યાં હાજર એક યુવાન અમારો વીડિયો બનાવવા લાગ્યો.

ગ્રામના સરપંચ થોડીક વાર બાદ ત્યાં આવ્યા અને ત્યાર બાદ અમને અંદર પ્રવેશ મળ્યો.

જોકે, આ દરમિયાન સરપંચ રવિજ્ઞાન શંકર સતત કોઈનો ફોન પર સંપર્ક કરી રહ્યા હતા અને ખૂબ જ સાવધાન રહીને અમારી સાથે વાત કરી રહ્યા હતા.

ગૌશાળાની અંદર લગભગ 200 ગાયો ટીનના શેડની નીચે સૂકો ચારો ખાઈ રહી હતી. લગભગ 10 બીમાર ગાયો બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી. પાંચ કર્મચારીઓ ગૌશાળામાં કામ કરતા જોવા મળી રહ્યા હતા.

ગૌશાળા અને સ્થાનિક વહીવટીતંત્રનો જવાબ

ફરિયાદી દેવેન્દ્ર પાંડેય
ઇમેજ કૅપ્શન, ફરિયાદી દેવેન્દ્ર પાંડેય

ગ્રામના સરપંચ રવિજ્ઞાન શંકરે ફરિયાદી દેવેન્દ્ર પાંડેય પર છબિ ખરાબ કરવા માટે વીડિયો વાઇરલ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું, "પંચાયતની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી જંગને કારણે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. દેવેન્દ્ર પાંડેય ગૌશાળાની ગાયોનો ચારો ચોરી કરીને લઈ જઈ રહ્યા હતા. વીડિયો બનાવીને ખોટી અફવા ફેલાવી રહ્યા છે. ગામમાં અમારી છબિ ખરાબ કરવા માટે કામ કરી રહ્યા છે. જે વીડિયો વાઇરલ થયો છે તે અહીંનો નથી."

જિલ્લા સૂચના કાર્યાલયે પણ એક પ્રેસનોટ જાહેર કરી હતી. પ્રેસનોટમાં કહેવામાં આવ્યું કે ગૌશાળાની બહાર ખુલ્લામાં ફેંકવામાં આવેલી મૃત ગાયો ગૌશાળાની નથી. ખુનશેખપુર ગૌશાળાથી લગભગ 300 મીટર દૂર મળી આવેલી મૃત ગાયો ગામવાળાની છે તેવું પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું.

અમે સુલતાનપુરના જિલ્લા અધિકારી કૃતિકા જ્યોત્સના પાસેથી આ મામલે જાણકારી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, તેમણે કહ્યું, “આ મામલે કાર્યવાહી થઈ ચૂકી હતી. મારું એ જ નિવેદન છે જે સૂચના કાર્યાયલની પ્રેસનોટમાં આપવામાં આવ્યું છે.”

પશુપાલન અધિકારી અખિલેશ તિવારીએ બીબીસીને કહ્યું, “સ્થાનિક વહીવટીતંત્રની માહિતી પ્રમાણે ગાયો ગૌશાળાની ન હતી. ગામના લોકો પોતાની મૃત ગાયોને ગૌશાળાની પાસે યાર્ડમાં નાખતા હતા. વહીવટીતંત્ર તપાસ કરી રહ્યું છે અને અત્યાર સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી.”

તેમણે કહ્યું, “હું મારા ડૉક્ટરોને ઍલર્ટ રાખું છું. ગૌશાળાની ગાયોને સિરિયલ નંબર વડે ટેગ કરવામાં આવે છે. ખુનશેખપુર ગૌશાળામાં ગાયોની સંખ્યા બરોબર છે. તે ગૌશાળાની ગાયો ન હતી. બાકી તે ગાયો કોની છે અને ક્યાંની છે તે વહીવટીતંત્ર જાણે.”

કેવા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે?

ગામવાળાએ ગૌશાળા પર ગાયોની સારસંભાળ રાખવામા બેદરકારીનો આરોપ લગાવ્યો છે
ઇમેજ કૅપ્શન, ગામવાળાએ ગૌશાળા પર ગાયોની સારસંભાળ રાખવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે

ગ્રામજનો અને ગૌશાળા વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે કેટલાક પ્રશ્નો એવા છે કે જેના જવાબ મળવાના બાકી છે.

અમે ગૌશાળામાં હાજર ગાયોને જોઈ તે ખૂબ જ નબળી દેખાઈ રહી હતી. એવું કેમ? ગૌશાળાના કર્મચારી કપડાથી પોતાનું મોઢું કેમ છુપાવી રહ્યા હતા?

પત્રકારોને જોઈને ગૌશાળાના લોકો સવાલો કેમ પૂછી રહ્યા હતા? અમને શરૂઆતમાં ગૌશાળાની અંદર જતાં રોકવામાં કેમ આવ્યા?

ગૌશાળાએ દાવો કર્યો કે મૃત ગાયો ગૌશાળાની નથી તેમ છતાં ગૌશાળાની દેખરેખ રાખનાર ઉદય પ્રકાશ ઉર્ફે પંજાબીસિંહને કેમ હટાવી દીધા?

ગ્રામજનોએ ગૌશાળા પર ગાયોની સારસંભાળ કરવામાં બેદરકારી કરવાનો આરોપ લગાવ્યો છે.

ગામની બહાર લીલા શાકભાજી વેચનાર રમા દેવી ખુનશેખપુર ગૌશાળાને જેલ ગણાવે છે.

રમા દેવીએ કહ્યું, “ગાયોને ખાવા માટે મળતું નથી તેથી ગાયો મરી રહી છે. જે જાનવરો બહાર ફરીને ચરી રહ્યાં છે તેઓ ઠીક છે. જે ગૌશાળાની અંદર છે તે જેલમાં છે. ગંધને કારણે લોકો પોતાના જાનવરને ચરાવવા માટે ગૌશાળા તરફ જતા નથી.”

રાજકીય ટીકા-ટિપ્પણી

ઉત્તર પ્રદેશમાં છ હજાર 889 પશુ આશ્રય સ્થળો સક્રિય છે
ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશમાં છ હજાર 889 પશુ આશ્રયસ્થળો સક્રિય છે

ખુનશેખપુર ગૌશાળાની પાસે મોટી સંખ્યામાં મૃત ગાયોનો મામલો સામે આવ્યા પછી જિલ્લાના સોશિયલ મીડિયાથી માંડીને રાજકીય વર્તુળોમાં ફરીથી રખડતા પશુઓને લઈને ફરીથી ચર્ચાએ જોર પકડ્યું છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી ગૌશાળામાં મૃત ગાયોના મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રઘુવીર યાદવે બીબીસીને કહ્યું, “ભાજપવાળા માટે ગાય માતા સમાન છે. ગાયો મરી રહી છે અને કોઈ પૈસા ખાઈ રહ્યું છે. ગાયોને ચારો-પાણી મળતું નથી. ગાયોનું આટલી મોટી સંખ્યામાં મરવું સીધી રીતે ભ્રષ્ટાચાર છે.”

ખુનશેખપુર ગૌશાળાનું ઉદ્ઘાટન ભાજપના પૂર્વ ધારાસભ્ય દેવમણિ દ્વિવેદીએ કર્યું હતું.

તેમણે બીબીસીને કહ્યું, “ગામના લોકો જિલ્લા અધિકારીઓને મળ્યા છે અને તેમણે તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. જ્યાં સુધી ગાયોની મરવાની વાત છે તો એક ગાયની સામાન્ય આયુ 12 વર્ષની હોય છે. લોકો અંતિમ સ્ટેજમાં ગાયોને છોડી દે છે. જોકે, આ મામલે બેદરકારીની શંકાથી ઇનકાર ન કરી શકાય.”

શું છે સરકારી યોજનાઓ?

સરકારી આંકડાઓ પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં છ હજાર 889 પશુ આશ્રયસ્થળો સક્રિય છે, જેમાં છ હજાર 346 ગામડાંમાં અને 543 શહેરી વિસ્તારોમાં છે. આ સ્થળો પર હાલમાં 11 લાખ 82 હજાર 949 પશુઓની સારસંભાળ રાખવામાં આવે છે.

મુખ્ય મંત્રી સહભાગિતા યોજના હેઠળ ગૌ-સેવકોને અલગઅલગ સ્થળોએ ગાયોની સેવા અને સારસંભાળ માટે દરેક ગાય લેખે રોજના 50 રૂપિયા આપવામાં આવે છે. ગત વર્ષ સુધી દરેક ગાય પેટે રોજના 30 રૂપિયા આપવામાં આવતા હતા.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે વધતી જતી મોંઘવારીને જોતા ગૌશાળામાં ગાયદીઠ 50 રૂપિયાની જોગવાઈને અપૂરતી ગણાવી.