નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત : ગાયોને માટે ગૌશાળાઓએ ગુજરાત સરકારની સહાયની આટલી રાહ કેમ જોવી પડી?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠાથી
સ્વયંસેવકો વગર હલનચલન ન કરી શકતી મૃત જેવી અવસ્થામાં પડેલી ગાયોનો સમૂહ છે. કેટલાક સ્વયંસેવકો આ ગાયોના શરીરના ઘાવ પર દવા લગાવી રહ્યા છે. આ દૃશ્ય છે બનાસકાંઠાની શ્રી રાજપુર ડીસા પાંજરાપોળનું.
આ ઉત્તર ગુજરાતની એક સૌથી મોટી પાંજરાપોળ છે. અહીં ગાયોના ઘાસચારા અને બીમાર ગાયોના ઉપચાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે.
પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને મૅનેજર છેલ્લા પાંચ મહિનાથી ગાયોને સરકાર તરફથી સહાયની જે બાંહેધરી આપવામાં આવી હતી તે મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ જેવી અનેક પાંજરાપોળો અને ગૌશાળા 500 કરોડ રૂપિયાની સરકારી સહાય માટે પાંચ મહિનાથી સંઘર્ષ કરી રહી હતી.
ગુજરાત મુલાકાત દરમિયાન અંબાજી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 કરોડની સહાયની આ યોજનાને લૉન્ચ કરી અને પીઆઈબી અનુસાર ગૌશાળાઓને ચેક પણ આપ્યા હતા.

સંક્ષિપ્તમાં: ગાયો માટે સહાયની રાજ્ય સરકારની યોજનાની જાહેરાત વડા પ્રધાને કેમ કરવી પડી?

- ગૌશાળાના સંચાલકોના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ દાન આવતું લગભગ બંધ થઈ ગયું છે. ગૌશાળા સંચાલકો આની પાછળ મુખ્ય ત્રણ કારણો જણાવે છે, નોટબંધી બાદ ઓછી થયેલી રોકડમાં લેવડદેવડ, કોરોના મહામારી સમયે લોકોને થયેલું આર્થિક નુકસાન અને ત્રીજું માર્ચ મહિનામાં રાજ્ય સરકારે કરેલી જાહેરાત કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ગૌશાળામાં દરેક ગાય માટે દિવસના 30 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગૌશાળાને સહાય માટે રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા 500 કરોડની ફાળવણી કરી હતી
- ગૌશાળા સંચાલકોના કહેવા પ્રમાણે, સરકારી જાહેરાતને કારણે દાતાઓના દાનમાં કમી આવી ગઈ છે જ્યારે બીજી બાજુ સરકારી સહાય હજુ મળી રહી નથી
- ગૌસેવકોના કહેવા પ્રમાણે, મે મહિનાથી આજ સુધી અમે સરકાર સાથે સાત જેટલી બેઠકો કરી છે અને મોટાભાગની બેઠકોમાં મુખ્ય મંત્રી ખુદહાજર રહ્યા છે. દરેક બેઠકમાં મુખ્ય મંત્રીએ વાયદાઓ આપ્યા હતા કે સરકાર જલ્દીથી સહાયની ચૂકવણી કરશે. પરંતુ જ્યાં સુધી અમે ભારે વિરોધ ન કર્યો અને ગાયોને સરકારી દફતરોમાં ન છોડી ત્યાં સુધી સરકારીની ઊંઘ ઊડી ન હતી.
- બનાસકાંઠાના માલગઢમાં આવેલી શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળાના સંચાલકનું કહેવું છે કે, તેમની ગૌશાળામાં હાલમાં 1200 જેટલી ગાયો છે, અને તેમની સંભાળ લેવા માટે અમારી પાસે 12 પરિવારો છે, જે અહીં જ રહે છે. તેમનો પગાર અને ભરણપોષણ અમારે કરવાનું હોય છે.
- યોજનાનું નામ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના છે, જેની જાહેરાત વડા પ્રધાન કરવાના છે. માર્ચ 2022માં બજેટમાં આ યોજનાની વાત સૌપ્રથમ વખત કરવામાં આવી હતી. આ યોજના પ્રમાણે ગૌશાળા અને પાંજરાપોળોને ખર્ચ કરી લેવાનો હતો અને તે ખર્ચની ભરપાઈ રાજ્ય સરકારે કરવાની હતી. પરંતુ પાંચ મહિના બાદ પણ તે રકમ હજી સુધી ગૌશાળા સુધી પહોંચી નથી
- પશુપાલનમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સરકારી વહીવટની કેટલીક ભૂલોને કારણે આ યોજનાના અમલીકરણમાં વિલંબ થયો છે. જો કે હવે આ યોજનાનું અમલીકરણ થઈ જશે, તેવી જાહેરાત કરવામાં આવી છે
- ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે ગૌશાળાને સહાય આપવાનો મુદ્દો સ્થાનિક મુદ્દો છે અને તેને વડા પ્રધાન સાથે સંબંધ નથી. વડા પ્રધાને 29 હજાર કરોડનાં અન્ય કાર્યોનું પણ લોકાર્પણ કર્યું છે.


ગોપાલકો કેમ મેદાનમાં આવ્યા?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
ગૌસેવા આયોગ અનુસાર, ગુજરાતમાં કુલ 731 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ નોંધાયેલી છે. જ્યારે ભરત શ્રી અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવાના કહેવા પ્રમાણે, ગુજરાત રાજ્યમાં આશરે 1,750 જેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે અને તેમાં કુલ 4,42,000 જેટલું ગૌધન છે.
ઘણી ગૌશાળામાં મોટાભાગે દૂધ ન આપતી બીમાર ગાયોને રાખવામાં આવે છે. જોકે દાયકાઓથી ગુજરાતની ધરતી પર આ ગૌશાળાઓ દાતાઓના દાનથી ચાલતી આવી છે.
ગૌશાળાના સંચાલકોના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ દાન આવતું લગભગ બંધ થઈ ગયું છે. ગૌશાળા સંચાલકો આની પાછળ મુખ્ય ત્રણ કારણો જણાવે છે, નોટબંધી બાદ ઓછી થયેલી રોકડમાં લેવડદેવડ, કોરોના મહામારી સમયે લોકોને થયેલું આર્થિક નુકસાન અને ત્રીજું માર્ચ મહિનામાં રાજ્ય સરકારે કરેલી જાહેરાત કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ગૌશાળામાં દરેક ગાય માટે દિવસના 30 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગૌશાળાને સહાય માટે રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા 500 કરોડની ફાળવણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રી રાજપુર ડીસા પાંજરાપોળના મૅનેજર જગદીશ સોલંકી કહે છે, "દાતાઓ હવે અમને કહી રહ્યા છે કે હવે તો તમને સરકાર રૂપિયા 500 કરોડ આપી રહી છે તો દાતાઓના દાનની શું જરૂર છે. આમ અમને મળતા દાનમાં 60 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે."
ગૌશાળા સંચાલકોના કહેવા પ્રમાણે, "સરકારી જાહેરાતને કારણે દાતાઓના દાનમાં કમી આવી ગઈ છે જ્યારે બીજી બાજુ સરકારી સહાય હજુ મળી રહી નથી."
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો માટે પરિસ્થિતિ વણસતા તેઓ રાજમાર્ગો પર આવી ગયા હતા જેને કારણે આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરવી પડી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગૌસેવક કિશોર શાસ્ત્રી કહે છે, "મે મહિનાથી આજ સુધી અમે સરકાર સાથે સાત જેટલી બેઠકો કરી છે અને મોટાભાગની બેઠકોમાં મુખ્ય મંત્રી ખુદ હાજર રહ્યા છે. દરેક બેઠકમાં મુખ્ય મંત્રીએ વાયદાઓ આપ્યા હતા કે સરકાર જલ્દીથી સહાયની ચૂકવણી કરશે. પરંતુ જ્યાં સુધી અમે ભારે વિરોધ ન કર્યો અને ગાયોને સરકારી દફતરોમાં ન છોડી ત્યાં સુધી સરકારની ઊંઘ ઊડી ન હતી."
કિશોર શાસ્ત્રી અનેક ગૌસેવા સંગઠનો સાથે જોડાયેલા છે, અને પરમ ધર્મસંસદ 108ના પ્રવક્તા છે.
ગોપાલકોના આ વિરોધ પ્રદર્શનોને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌસેવકો માટે રૂપિયા 500 કરોડની માર્ચ મહીનાની સ્કીમના વહેલા અમલીકરણની બાંહેધરી આપવી પડી છે.

ગોપાલકોનો પક્ષ

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
ગૌશાળામાં મોટાભાગનો ખર્ચ ઘાસચારા પાછળ થાય છે. વધતી જતી મોંઘવારી ને કારણે એક સમયે ત્રણ રૂપિયે કિલો મળતું લીલું ઘાસ આજે 20 રૂપિયે મળતું થયું છે. સૂકા ઘાસચારાનો ભાવ કિલોના પાંચ રૂપિયાથી વધીને 12 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત ગૌશાળાઓ માંદી ગાયોની સારવાર અને સ્ટાફના પગાર પાછળ પણ ઘણો ખર્ચ થાય છે.
બનાસકાંઠાના માલગઢમાં આવેલી શ્રી રામાબાપુ કૈલાશધામ ગૌશાળાના સંચાલક શાંતીલાલ કાછવા કહે છે કે, "અમારી ગૌશાળામાં હાલમાં 1200 જેટલી ગાયો છે, અને તેમની સંભાળ લેવા માટે અમારી પાસે 12 પરિવારો છે, જે અહીં જ રહે છે. તેમનો પગાર અને ભરણપોષણ અમારે કરવાનું હોય છે. તેમનો પગાર મહિને દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે. મેં છેલ્લા ત્રણ મહિનાથી મારા સ્ટાફનો પગાર કર્યો નથી."
એક તરફ દાનની આવકમાં ઘટાડો અને બીજી તરફ સરકારી સહાયનાં ઠાલાં વચનોથી ગૌશાળા ચલાવવામાં ભારે તકલીફોને સામનો કરી રહેલા ગૌસેવકો અને ગૌશાળા સંચાલકો ગુસ્સે ભરાયા અને સરકારની મૌખિક બાંહેધરીના અમલના કોઈ અણસાર ન દેખાયા તો તેમણે ગૌશાળાઓના દરવાજા ખોલી નાખ્યા અને ગાયોને સરકારી ઇમારતો અને જાહેરસ્થળો પર હંકારી ગયા.
બનાસકાંઠાની એક મોટી પાંજરાપોળના ટ્રસ્ટી અને ધારાશાસ્ત્રી ગંગારામ પોપટ બીબીસી સાથે વાત કરતા કહે છે, "તો અમે શું કરીએ, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ક્યાં રહ્યો છે. આ વિલંબને કારણે જ લોકોમાં ભારે ગુસ્સો હતો."
જગદીશ સોલંકી કહે છે, "અમારી પાસે હાલમાં 9000 ગાયો છે, અને તેમને દરરોજ એક ટન ઘાસચારો જોઈએ. હાલમાં અમારી ગૌશાળા માથે અઢી કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. આ તમામ દેવું ઘાસચારાનું જ છે."
જગદીશ સોલંકી ગૌશાળાના સરકાર સામેના સંઘર્ષ પાછળનો એક મુખ્ય ચહેરો રહ્યા છે. તેમણે કહ્યું કે, "અમે અંબાજી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જઈને અમારી સમસ્યાની વાત કરવાનું આયોજન કર્યું હતું, તેના બીજા જ દિવસે આ સમાધાનનની વાત આવી ગઈ હતી."
જોકે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસનું કહેવું છે કે ગૌશાળાને સહાય આપવાનો મુદ્દો સ્થાનિક મુદ્દો છે અને તેને વડા પ્રધાન સાથે સંબંધ નથી. વડા પ્રધાને 29 હજાર કરોડનાં અન્ય કાર્યોનું પણ લોકાર્પણ કર્યું છે. ગૌપાલકોના વિરોધપ્રદર્શનને કારણે અંબાજીમાં ચેક અપાયા એવું કહી શકાય નહીં.

રાજ્યની યોજનાની જાહેરાત વડાપ્રધાને કેમ કરવી પડી?

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
આ યોજનાનું નામ 'મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના' છે, જેની જાહેરાત વડા પ્રધાને કરી છે. માર્ચ 2022માં બજેટમાં આ યોજનાની વાત સૌપ્રથમ કરવામાં આવી હતી. આ યોજના પ્રમાણે ગૌશાળા અને પાંજરાપોળોને ખર્ચ કરી લેવાનો હતો અને તે ખર્ચની ભરપાઈ રાજ્ય સરકારે કરવાની હતી. પરંતુ પાંચ મહિના બાદ પણ તે રકમ હજી સુધી ગૌશાળા સુધી પહોંચી નથી.
આ જાહેરાત પછી યોજનાનું અમલીકરણ ન થતાં અને ગૌશાળાઓને સહાય નહીં પહોંચવાના કારણે ઘણી ગૌશાળાઓએ દેવાળું ફૂંક્યું અને દેવાદાર થઈ ચૂકી છે. આ સ્થિતિમાં પણ સરકારે તેમની વાત ન સાંભળી તો ન છૂટકે બનાસકાંઠાની અનેક ગૌશાળાઓએ પોતાની ગાયો સરકારી દફ્તરો અને જાહેરરસ્તાઓ પર છોડી દીધી હતી.
ગૌશાળાઓના આ વિરોધ પ્રદર્શન બાદ પશુપાલનમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે "સરકારી વહીવટની કેટલીક ભૂલોને કારણે આ યોજનાના અમલીકરણમાં વિલંબ થયો છે. જોકે હવે આ યોજનાનું અમલીકરણ થઈ જશે, તેવી જાહેરાત કરવામાં આવી છે."
જગદીશ સોલંકી કહે છે કે, "અમે તો સરકારને એવું પણ કહી દીધું હતું કે ભલે અત્યારે 90 ટકાથી વધુ ગૌરક્ષકો તમારા મતદારો હોય, પરંતુ આવનારા સમયમાં અમે બધા તમારી વિરુદ્ધમાં મતદાન કરીશું."
આ પ્રકારની અનેક રજુઆતો બાદ આખરે નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરવી પડી હતી.

2002 પછીની સ્થિતિ

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના એ ઘણાં વર્ષો બાદ જાહેર થયેલી એવી પ્રથમ યોજના છે કે જેમાં સરકારે ગાય દીઠ 30 રૂપિયા સહાય સ્વરૂપે આપવાની જાહેરાત કરી હતી પરંતુ ઘણા સમય સુધી આ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ.
ગૌશાળાઓને સરકારી સહાય અંગે કિશોર શાસ્ત્રી કહે છે, "વાસ્તવમાં, 2002થી ગુજરાત સરકાર પાસે એવી કોઈ યોજના ન હતી કે જેમાં ગૌવંશને સીધો ફાયદો થાય. 2021ના દુષ્કાળ સમયે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જૂન અને જુલાઈના મહિનામાં ગાય દીઠ 25 રૂપિયાની સહાય આપી હતી એટલું જ."
તેઓ કહે છે કે, "2002માં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં ગાય દીઠ 8 રૂપિયાની સહાયની યોજના અમલમાં હતી જે પછીથી બંધ કરી દેવામાં આવી હતી."

રવેચીમાં રાજ્યની સૌથી મોટી ગૌશાળા

ઇમેજ સ્રોત, PAVAN JAISWAL
ગૌસેવા આયોગ પ્રમાણે, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 63 ગૌશાળા છે. સૌથી મોટી ગૌશાળા વાંકાનેરની શ્રી અંધ અપંગ ગૌઆશ્રમ ટ્રસ્ટમાં 772 ગૌવંશ છે. જ્યારે જિલ્લામાં 12 પાંજરાપોળ છે અને સૌથી મોટી પાંજરાપોળમાં શ્રી રાજકોટ મહાજન પાંજરાપોળમાં 3,795 પશુ છે. જિલ્લાની બીજી સૌથીમોટી પાંજરાપોળ મોરબી મહાજન પાંજરાપોળમાં 2018 પશુ છે.
ગૌસેવા આયોગની નોંધ પ્રમાણે, રવેચીની શ્રી રવૈચી દેવસ્થાન ગૌશાળા રાજ્યની સૌથી મોટી ગૌશાળા છે અને આ ગૌશાળામાં 5,200 કરતા વધુ ગૌવંશ છે. રાજ્યની બીજી સૌથી મોટી ગૌશાળા ભાભરની ગૌશાળામાં 3370 ગૌવંશ છે.
ડીસા પાંજરાપોળમાં 3833 પશુધન અને ભચાઉ પાંજરાપોળમાં 3,800 પશુ છે.
ભચાઉ, નખત્રાણાની ગૌશાળામાં 1500 કરતા વધુ ગૌવંશ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













