'ગાય-ભેંસનો તબેલો કરવાને બદલે તું ગધેડા લઈને આવ્યો', ગુજરાતી યુવાન જે ગધેડીના દૂધના ધંધામાં કરે છે કમાણી

ગધેડાનો તબેલો
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગધેડો એવું પ્રાણી છે કે જેને ખૂબ ઉતારી પાડવામાં આવ્યા છે. ગધ્ધામજૂરી, ગધ્ધાવૈતરું, ગધ્ધાપચીસી વગેરે શબ્દો તો સાંભળ્યા જ હશે. ગધેડી ફુલેકે ચઢી કે ગધેડો નવડાવ્યે ઘોડો ન થાય. જે ગધેડાનું નામ આ રીતે રોજબરોજની વાતચીતમાં વપરાય છે તે હવે ગધેડા હવે લોકો માટે રોજગારનું સાધન બન્યા છે.

ગધેડીનું દૂધ હજારો રૂપિયે લીટર વેચાય છે. પાટણ જિલ્લાના મણુંદ ગામમાં ધીરેન સોલંકી નામના યુવકે ગધેડાનો તબેલો શરૂ કર્યો છે. તેમનું કહેવું છે કે ગધેડીના દૂધથી તેમને સારી એવી કમાણી થઈ રહી છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "મેં જ્યારે આ ગધેડાનો તબેલો શરૂ કર્યો ત્યારે બધાએ મને એવું જ કહ્યું હતું કે ગાય-ભેંસનો તબેલો કરવો હતો કે સારો કોઈ બિઝનેસ શરૂ કરવો હતો કંઈ નહીં ને તું ગધેડા લઈને આવ્યો, પણ મેં લોકોની વાતો પર ધ્યાન આપ્યું નહોતું. મને ખબર હતી કે આ ધંધામાં સારો નફો છે."

મણુંદ ગામમાં જશો તો ગામને નાકે સંખ્યાબંધ ગધેડા જોવા મળશે. ધીરેનના પિતા શિક્ષક છે. પરિવારમાં કોઈએ ક્યારેય પશુપાલન કે ખેતીવાડી કરી નથી. દોઢ વર્ષ અગાઉ 20 ગધેડાથી તેમણે કારોબાર શરૂ કર્યો હતો આજે તેમની પાસે 53 ગધેડા છે. તેઓ ગધેડીના દૂધનો કારોબાર કરે છે. જે કૉસ્મેટિક અને બ્યુટી પ્રૉડક્ટસ બનાવતી કંપનીઓને કામમાં આવે છે. ગધેડીના દૂધનો ઉપયોગ સૌંદર્ય સાધનો તેમજ દવા બનાવવામાં ઉપયોગી થાય છે.

તબેલામાં બેઠા બેઠા ધીરેન બીબીસીને જણાવે છે કે, "10 જેટલા ગધેડાથી આ ધંધો શરૂ કરી શકાય. જેના માટે ઓછામાં ઓછા પંદરેક લાખ રૂપિયા હોવા જોઈએ."

(આ અહેવાલ બીબીસી ગુજરાતી પર સૌપ્રથમ જાન્યુઆરી 2024માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

ગૂગલથી મળ્યો ધંધો શરૂ કરવાનો આઇડિયા

ગધેડા

ધીરેન સોલંકીએ પીટીસીનો અભ્યાસ કર્યો છે તેમજ સી-ટેટ અને ગુજરાત ટૅટની પરીક્ષા પાસ કરી છે.

આટલા અભ્યાસ પછી ગધેડાના તબેલાનો નુસખો તમને ક્યાંથી સૂઝ્યો?

સવાલના જવાબમાં ધીરેન કહે છે કે, "હું સરકારી નોકરીની તૈયારી કરતો હતો. સરકારી પરીક્ષાની કોઈ તારીખ ફાઇનલ હોતી નથી. પરીક્ષા અપાય જાય તો પછી ભરતી થતી નહોતી."

"તેથી મેં નાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું. મેં ઘણા બિઝનેસ આઇડીયા વિચાર્યા હતા. ગધેડાના તબેલાનો આ વ્યવસાય એવો હતો જેમાં દેશમાં ઉત્તરનાં રાજ્યોમાં ખાસ હરીફાઈ નથી. તેથી મેં આમાં ઝંપલાવ્યું છે."

આ ધંધામાં કઈ રીતે આગળ વધવું એમાં ઇન્ટરનેટ ધીરેનને ખૂબ મદદરૂપ રહ્યું.

તેમનું કહેવું છે કે, "ગધેડીના દૂધનો વેપાર પણ ઇન્ટરનેટ દ્વારા જ થાય છે."

ધીરેન કહે છે કે, "આ બિઝનેસ વિશે મને ખાસ કંઈ જાણકારી હતી નહીં. ગૂગલ પર સર્ચ કરતાં મને એના વિશે માહિતી અને માર્ગદર્શન મળ્યાં છે."

"વેચાણ કેવી રીતે કરવું એ પણ મને ઇન્ટરનેટ દ્વારા જ જાણ થઈ છે. આ સિવાય અમને અમારા ગામના ગધેડાની લે-વેચ કરતા એક કાકાની પણ મદદ મળી હતી. તેમણે મને સમજાવ્યું કે કેટલા ગધેડા રાખવા માટે કેટલી જગ્યા જોઈએ."

ગાય-ભેંસની જેમ ગધેડીનું દૂધ લેવા લોકો આવે છે?

શું ગાય-ભેંસની જેમ ગધેડીના દૂધની પણ ડેરી હોય છે? ગાય, ભેંસ અને બકરીના દૂધની જેમ જ ગધેડીના દૂધનો કારોબાર હોય છે?

આ સવાલના જવાબમાં ધીરેન કહે છે કે, "ના, એવું નથી. દૂધની ડેરી કે દૂધમંડળીની જેમ ગધેડીના દૂધનો કારોબાર હોતો નથી. કોઈ ડોલચું લઈને અડધો લીટર દૂધ લેવા આવતું નથી."

"દૂધ એવું નથી કે કોઈ ડેરીમાં ભરાવાતું હોય. ગધેડીનું દૂધ કૉસ્મેટિક પ્રૉડક્ટ્સમાં અને ફાર્માસ્યુટિકલ્સમાં વપરાય છે. ગધેડીનું દૂધ જે અઢી હજારથી લઈને સાત હજાર સુધી લીટરના ભાવે વેચાય છે."

"હું જે ગધેડીનું દૂધ વેચું છું તે અહીંથી તમિલનાડુ, હેદરાબાદ, કર્ણાટક વગેરે રાજ્યોમાં વેચાય છે. અને દૂધનો પાઉડર વિદેશમાં જાય છે. મારું દૂધ ગુજરાતમાં વેચાતું જ નથી." ગધેડીનું દૂધ કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે.

ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ, ક્રીમ, મૉઇશ્ચરાઇઝરની બજારમાં માગ છે

ગધેડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઍનિમલ જિનેટિક્સ અને સંવર્ધન વિભાગના અધ્યક્ષ પ્રૉફેસર ડી. એન. રાંક કહે છે કે, "ગધેડીના દૂધનો વેપાર ભારતમાં એટલો નથી જેટલો યુરોપ અને અમેરિકામાં શરૂ થઈ ચૂક્યો છે."

એક ગધેડી દિવસમાં અડધો લીટર જેટલું દૂધ આપે છે. ધીરેન કહે છે કે, "મેં મારા ફાર્મ પર જ એક ડીપ ફ્રીજ રાખ્યું છે જેમાં માઇનસ ચાર ડીગ્રી સુધીમાં દૂધ સાચવીએ છીએ. એ રીતે આ દૂધનો 90 દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે."

વાડામાં 10-15 ગધેડા ગધેડી બાંધી દો એટલે આ વ્યવસાય શરૂ થઈ જાય છે એવું નથી. આનું માર્કેટ ગુજરાતની બહાર દક્ષિણનાં રાજ્યોમાં તેમજ વિદેશમાં છે.

ધીરેન કહે છે કે "ગધેડીના દૂધના વેચાણ માટેનું નેટવર્ક સમજવું પડે છે અને વેચાણ ઑનલાઇન કરવાનું હોય છે."

ધીરેન સોલંકીએ એક વેબસાઇટ તૈયાર કરી છે અને તમામ વ્યવહાર એના થકી જ થાય છે.

પશુપાલન અને તબેલામાં કેટલીક સબસીડીઓ ઉપલબ્ધ હોય છે. આમાં કોઈ એવી જોગવાઈ છે?

આ સવાલના જવાબમાં ધીરેન સોલંકીનું કહેવું છે કે, "કોઈ લાઇસન્સ – પરવાનો અથવા સબસીડી તો ઉપલબ્ધ નથી."

"આમાં જે જીએસટી(ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) નંબર છે તે જ તમારું લાઇસન્સ છે. તમારા તબેલાના જીએસટી નંબરની નોંધણી થઈ ગઈ હોય તો વેચાણ શરૂ કરી શકાય છે."

ધીરેનનું માનવું છે કે ગધેડીના દૂધનું જે પ્રકારે માર્કેટ છે એની સમજ જોઈએ એટલી વિકસી નથી. તેથી તેના વેપારની સરકિટ તૈયાર થઈ શકી નથી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ હિસાર (હરિયાણા)માં આવેલું રાષ્ટ્રીય અશ્વ સંશોધન કેન્દ્ર જલદી ગધેડીના દૂધની ડેરી શરૂ કરવા જઈ રહ્યું છે.

બીબીસીના સંવાદદાતા મોહમ્મદ શાહીદને NRCE ના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર મુક્તિ સાધન બસુએ જણાવ્યું હતું કે, "ભારતમાં ગધેડીના દૂધ માટે હજી ઘણું રિસર્ચ કરવાનું બાકી છે કારણ કે લોકોને તેના ફાયદા અંગે વધારે માહિતી નથી."

"જ્યારે યુરોપમાં આ વિશે લોકો ખૂબ જાણે છે, નોકરી કરતી મહિલાઓ પોતાના નવજાત બાળક માટે ગધેડીના પેશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરે છે. હવે તો અમેરિકાએ પણ તેની મંજૂરી આપી દીધી છે."

ડૉક્ટર મુક્તિ સાધન બસુએ જણાવ્યું હતું કે, "ગધેડીના દૂધના બે મહત્ત્વના લાભ છે, પ્રથમ એ કે તે મહિલાના દૂધ જેવું હોય છે. બીજું કે તેમાં ઍન્ટિ-ઍજિંગ, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને રિજેનેરેટિંગ કમ્પાઉન્ડ્સ હોય છે. જે ત્વચાને પોષણ આપવાની સાથે તેને મુલાયમ બનાવવામાં કામ આવે છે."

તેઓ કહે છે, "તેમાં લેક્ટૉઝ, વિટામિન એ, બી-1, બી-2, બી-6, વિટામિન ડી અને વિટામિન ઈ પણ હોય છે."

"ગધેડીના દૂધમાંથી બનેલા સાબુ, ક્રીમ, મૉઇશ્ચરાઇઝરની બજારમાં માગ છે અને આજે ભારતમાં અનેક મહિલાઓ ગધેડીના દૂધમાંથી બનેલાં ઉત્પાદનોનો ઉપયોગ કરી રહી છે."

સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનને પોતાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઘણાં બધાં પશુઓના દૂધને મહત્ત્વ આપવામાં આવતું નથી. જેમાં ગધેડી અને ઘોડીનું દૂધ પણ સામેલ છે.

સંગઠનનું કહેવું છે કે ગધેડી અને ઘોડીના દૂધમાં પ્રોટીન એવું છે કે જે લોકોને ગાયના દૂધથી ઍલર્જી હોય તેમના માટે આ ખૂબ સારું છે.

ઉપરાંત સંગઠન લખે છે કે આ દૂધ માનવના દૂધ જેવું છે, જેમાં પ્રોટીન અને ચરબીની માત્રા ઓછી હોય છે પરંતુ લેક્ટૉસ વધારે હોય છે.

તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ જલદી જ ફાટી જાય છે પરંતુ તેનું પનીર બની શકતું નથી.

ભારતમાં ગધેડાની સ્થિતિ

ગધેડા

ગધેડીના દૂધનો ભાવ જ્યારે હજાર રૂપિયે લીટરથી વધારે છે ત્યારે ગધેડાની સંખ્યા ઘટીને એક લાખ વીસ હજાર સુધી આવી ગઈ છે.

ગધેડાની સંખ્યામાં 2012ની સરખામણીએ 61 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2012માં પશુઓની ગણતરીમાં જ્યાં ગધેડાની સંખ્યા 3.2 લાખ હતી ત્યાં 2019ની ગણતરીમાં તે 1.2 લાખ થઈ ગઈ છે.

આ વિગત આંત્રપ્રેન્યૉર્શિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન ડૉન્કી ફાર્મિંગના સપ્ટેમ્બર 2022ના એક રિપોર્ટમાં રજૂ થઈ છે.

ગધેડાની ઓછી થતી સંખ્યા સાથે દૂધની માગ વધી તો તેની કિંમત ખૂબ ઉપર જશે.