ઢોર નિયંત્રણ બિલ : ગુજરાત સરકાર માલધારીઓ સામે કેમ ઝૂકી ગઈ?

માલધારી આંદોલન
ઇમેજ કૅપ્શન, માલધારી આંદોલન
    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

નવી સરકાર રચાય તે પહેલાં ગુજરાત વિધાનસભાનું છેલ્લું સત્ર બુધવારથી શરૂ થયું છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાના છેલ્લા સત્રના પહેલા જ દિવસે સરકારે માર્ચમાં લાવેલું ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવાની તૈયારી બતાવી છે.

ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બીબીસી તરફથી વાત કરતા ભાર્ગવ પરીખ સાથે પુષ્ટિ કરતા કહ્યું કે રખડતાં ઢોર અંગેનો કાયદો વિધાનસભામાં સર્વાનુમતે પરત લેવાયો છે. આ બિલ રાજ્યપાલને મોકલી આપવામાં આવશે.

જોઈએ હાઈકોર્ટની ટકોરને પગલે લાવવામાં આવેલા અને હવે પાછા ખેંચવામાં આવેલા આ બિલનો સંપૂર્ણ ઘટનાક્રમ.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રખડતાં પશુ સંદર્ભે એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.ત્યારે સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે તેને નાથવા માટે બજેટસત્રમાં કાયદો લાવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા 31 માર્ચ, 2022 ના રોજ બજેટ સત્રના છેલ્લા દિવસે "ધ ગુજરાત કેટલ કંટ્રોલ (કીપિંગ ઍન્ડ મૂવિંગ) ઇન અર્બન એરિયાઝ બિલ, 2022" પસાર કરવામાં આવ્યું હતું.

તે સમયે ગુજરાતના શહેરી વિકાસમંત્રી વિનોદભાઈ મોરડિયાએ વિધાનસભામાં કહ્યું હતું કે 'શહેરીવિસ્તારોમાં ગાય, બળદ, સાંઢ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતાં જોવાં મળે છે. જેના કારણે રસ્તાઓ અને જાહેરસ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે, જેને નાથવા માટે આ બિલ રજૂ કરવામાં આવે છે.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

બિલ ઉપર ચર્ચા વખતે ગુજરાતના ભૂતપૂર્વ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે દંડની રકમને ખૂબ જ વધુ ગણાવી હતી અને તેને ઘટાડવાનો આગ્રહ કર્યો હતો. વિધાનસભામાં વિપક્ષ એટલે કે કૉંગ્રેસ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

કૉંગ્રેસના ધારાસભ્ય તથા માલધારી સમાજના આગેવાન રઘુ દેસાઈએ વિધાનસભામાં કહ્યું હતું, "ગુજરાતમાં લગભગ 70 લાખ માલધારી છે, જેમાંથી 70 ટકા નિરક્ષર તથા ગરીબ છે. આ બિલ માલ રાખવાના તેમના મૂળભૂત અધિકાર ઉપર તરાપ સમાન છે. આ બિલ તેમને ખદેડી મૂકવાનું કાવતરું છે. અમે શાંતિપૂર્વક નહીં બેસી રહીએ અને આ કાયદા વિરુદ્ધ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરીશું."

ચર્ચા દરમિયાન ભાજપે આ બિલનો બચાવ કરતાં કહ્યું હતું કે તેનો હેતુ રઝળતાં ઢોરને નિયંત્રિત કરવાનો છે અને કાયદાનું પાલન કરતા માલધારીઓને તેનાથી કોઈ મુશ્કેલી નહીં થાય.

પરંતુ ગત એપ્રિલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે કહ્યુ હતું, "ગાય રાખવા માટે લાઇસન્સ લેવું પડે એ યોગ્ય નથી. કદાચ એમની ગાય રોડ પર આવી જાય એના માટે તેને જેલ કે દંડની જોગવાઈ એ પણ યોગ્ય નથી. મેં મુખ્યમંત્રીને ફેરવિચારણા કરીને કાયદો રદ્દ કરવાની ભલામણ કરી છે. આગામી સત્રમાં આ કાયદો રદ્દ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે."

ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ બાદમાં જાહેરાત કરી હતી કે સીએમ ભૂપેન્દ્ર પટેલે બિલનો અમલ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

આ બિલ પાછું ખેંચ્યા બાદ ગુજરાત ભાજપનું કહેવું છે કે "લોકોની સુવિધા અને સલામતી અમારી પ્રાથમિકતા છે. કોર્ટનો ઑર્ડર અમે ફૉલો કરતા હતા. અમે કાયદાની પ્રક્રિયાને અવરોધતા નથી."

આમ આખરે છ મહિનામાં આ બિલ પાછું ખેંચવાનો નિર્ણય લેવાયો છે. આ બિલ પાછળની રાજનીતિ સમજીએ એ પહેલાં તેના એ પાસાઓની વાત જેનો વિરોધ થઈ રહ્યો હતો.

line

બિલમાં શેનોવિરોધ થઈ રહ્યો હતો?

કિરણ દેસાઈ: "ગાયોનું લાઇસન્સ લેવું ખોટું હતું, સજાની જોગવાઈઓ આકરી હતી, દંડની જોગવાઈઓ હતી, ઢોરના તબેલા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હતું જે એકદમ અવ્યવહારૂ હતું."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિરણ દેસાઈ: "ગાયોનું લાઇસન્સ લેવું ખોટું હતું, સજાની જોગવાઈઓ આકરી હતી, દંડની જોગવાઈઓ હતી, ઢોરના તબેલા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હતું જે એકદમ અવ્યવહારૂ હતું."

બિલની જોગવાઈઓ સામે વિરોધ અંગે અમે અમદાવાદના વેજલપુરમાં રહેતા માલધારી સમાજના યુવા આગેવાન કિરણ દેસાઈ સાથે વાત કરી.

કિરણ દેસાઈ કહે છે, "ગાયોનું લાઇસન્સ લેવું ખોટું હતું, સજાની જોગવાઈઓ આકરી હતી, દંડની જોગવાઈઓ હતી, ઢોરના તબેલા માટે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હતું જે એકદમ અવ્યવહારુ હતું."

આ કાયદાને અન્યાયી ગણાવતા કિરણ દેસાઈ કહે છે, "આઠ મહાનગપાલિકા ઉપરાંત 156 નગરપાલિકાના હદવિસ્તારમાં આ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી હતી. આ નગરપાલિકામાં ઘણાં ગામડાં પણ આવી જતાં હતાં. ધારોકે તમે કડી તાલુકાના એક ગામમાં રહો છો અને ખેતરે ગાયને લઈ જવા નિકળ્યા છો અને એ દરમિયાન ગાય કોઈને વગાડે તો પણ આ કાયદો તમારા પર લાગુ પડતો હતો. ઘણાં ગામડાંમાં આ કાયદો લાગુ પડતો હતો. આમ આ કાયદા હેઠળ આવનારા સમયમાં મોટા ભાગનાં ગામોમાં ફરિયાદો નોંધાવાની સંભાવનાઓ હતી."

પશુપાલકોની કઈ સમસ્યાથી વહીવટીતંત્ર અજાણ છે? આ પ્રશ્નના જવાબમાં કિરણ દેસાઈ કહે છે, "શહેરમાં ગાય પકડે તો છોડતા નથી. અડધા અમદાવાદમાં અમલવારી ચાલુ છે. વાછડી ઘરે અને ગાય ડબ્બામાં એવી સ્થિતિ સર્જાય છે. ગાયને દોવી પડે નહિતર રોગી થઈ જાય. આવી રીતે ડબ્બામાં પુરાયેલી ઘણી ગાયો મરી પણ જાય છે."

તેઓ આગળ કહે છે, "ગાય અને ભેંસ વચ્ચેનો સ્વભાવગત તફાવત તેઓ નથી જાણતા. જેમકે ભેંસને મચ્છર-માખી કરડે તો કંઈ ન થાય પણ ગાય માખી-મચ્છરથી પરેશાન થઈ જાય. આમ ગાયને બાંધી ન રખાય."

કિરણ દેસાઈ અનુસાર, એકલા અમદાવાદમાં જ ઘર્ષણ થતાં આઠ લોકોને પાસા હેઠળ જેલ પડી હતી. જેમાં 45 દિવસ સુધી જામીન મળતા નથી.

નવા બિલ મુજબ, મ્યુનિસિપલ વિસ્તારોમાં પ્રાણીઓની નોંધણી અને ટેગિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યાં હતાં.

પશુપાલન સમુદાયના નેતાઓના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારોમાં કોઈપણ પ્રાણીઓના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રોવિન્શિઅલ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ 1948 અને ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ, 1963માં પૂરતી જોગવાઈઓ હતી. આવું જ કંઈક ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું.

લાઇન

બિલની જોગવાઈઓ

લાઇન
  • કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે
  • લાઇસન્સ બધાને દેખાય તેમ રાખવું પડશે તથા જવાબદાર અધિકારી ગમાણનું નિરીક્ષણ કરી શકશે
  • દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે
  • ટૅગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે
  • પશુ રસ્તા કે જાહેરસ્થળોએ રઝળે નહીં, તે જોવાની જવાબદારી માલિકની રહેશે
  • ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ
  • ઢોર પકડવા માટેની ટુકડી ઉપર હુમલો કરનારને અથવા તો તેમની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂ. 50 હજારના દંડની જોગવાઈ
  • પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે રૂ. દસ હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર
  • મૃત પશુનો જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવો

બિલના વિરોધનો ઘટનાક્રમ

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રસ્તા તથા જાહેરસ્થળો પર ઢોર અને પશુ રઝળવા મુદ્દે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં રસ્તા તથા જાહેરસ્થળો પર ઢોર અને પશુ રઝળવા મુદ્દે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી

ગુજરાતના માલધારી સમાજમાં આ બિલની જોગવાઈઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કરવામાં આવ્યો હતો.

સેંકડો પશુપાલકોએ 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર નજીક 'મહાપંચાયત' યોજી હતી અને આ બિલને રદ કરવાની માગ કરી હતી.

તેમાં માલધારીઓને ખેડૂતનો દરજ્જો આપવો અને પશુઓ માટે ચરાણની જમીન આપવી સહિતની માગણીઓ કરી હતી.

માલધારી એકતા સમિતિના નેજા હેઠળ બિલની હોળી કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈના કહેવા પ્રમાણે. "રખડતાં-રઝળતાં ઢોરોને કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે કે અકસ્માતો થાય તેની અમને પણ ચિંતા છે. ઢોરની સામે કાર્યવાહી થાય તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સરકારે આવા કાયદા લાવતાં પહેલાં વ્યવહારુ સમસ્યાનો વિચાર કરવો જોઈએ."

"2021માં 38 ગામડાં અમદાવાદ શહેરમાં ભેળવી દેવામાં આવ્યાં. ગામડું તો હતું ત્યાં જ છે, શહેર આગળ આવી ગયું અને ગામડાંને ગળી ગયું. આ 38 ગામડાંના માત્ર માલધારી જ નહીં, અન્ય સમાજના પશુપાલકો હજુ ત્યાં જ રહે છે. નવો કાયદો તથા તેની જોગવાઈઓની તેમની ઉપર પણ અસર થશે. રાતોરાત તેઓ ક્યાંથી નવી વ્યવસ્થા કરે."

ગુજરાતમાં માલધારી સંગઠનોએ 21 સપ્ટેમ્બરથી દૂધનું વિતરણ અટકાવી દેવાની અને રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ન ખેંચાય ત્યાં સુધી દુધનો સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાત માલધારી મહાપંચાયતના કન્વીનર નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી તમામ માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. ઓઢવના માલધારી સમાજે જણાવ્યું હતું કે તે દૂધ નહીં વેચે પરંતુ તેની ખીર બનાવશે અને એક દિવસ માટે વિસ્તારના લોકોને વહેંચશે.

રાજકોટમાં દૂધની ડેરીઓ બંધ રાખીને માલધારી સમાજના આગેવાનો દ્વારા રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને દૂધનું વિતરણ કરાયું હતું. સુરતમાં માલધારીઓએ હડતાળના ભાગરૂપે દૂધ તાપી નદીમાં ઢોળી દીધું હતું.

રાજ્યભરમાં દેખાવો થયા હતા અને 21 સપ્ટેમ્બરે જ ગુજરાત સરકારે બિલ પાછું ખેંચી લેવાનો પ્રસ્તાવ વિધાનસભામાં કર્યો.

line

રખડતાં ઢોરની સમસ્યાઓનો ઉકેલ શું?

ગુજરાતના માલધારી સમાજમાં આ બિલની જોગવાઈઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે

ઇમેજ સ્રોત, YAWAR NAZIR

ઇમેજ કૅપ્શન, ગુજરાતના માલધારી સમાજમાં આ બિલની જોગવાઈઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેને 'કાળો કાયદો' ગણાવીને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે

અમે માલધારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી જેમાં તેમણે કેટલીક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોર્યું હતું. તેમનું કહેવું હતું કે શહેરોમાં નવા ટાઉન પ્લાનિંગમાં બાગ-બગીચા બધી વ્યવસ્થા થાય છે તો પશુધનને ધ્યાનમાં લઈને કેટલ હાઊસ (પશુવાડા)ની જોગવાઈઓ પણ કરવી જોઈએ.

પહેલાં અમદાવાદ કોટ વિસ્તારમાં હતું, પછી પાલડી,મકરબા જેવાં ગામો શહેરમાં ભળ્યાં અને ગૌચર વેચી નાખ્યા. મુંબઈમાં આરે કૉલોની જેવી કૉલોની બનાવવામાં આવે તો માલધારીઓ તેમના પશુધનને શહેરથી દૂર લઈ જઈ શકે.

માલધારીઓનું કહેવું છે કે અમદાવાદ માત્ર કોટ વિસ્તાર પૂરતું મર્યાદિત હતું ત્યારથી આ શહેરમાં માલધારીઓ વસતા હતા. શહેરના વિસ્તરણના ભાગરૂપે જે તે વખતે તેમને બહાર કાઢવા માટે ઓઢવ, અમરાઈવાડી અને જસોદાનગરમાં માલધારીઓને માટે કૉલોની ઊભી કરવામાં આવી હતી. આ ત્રણેય વિસ્તારો શહેરની હદથી દૂર હતી અને એવું માનવામાં આવતું હતું કે તે વિસ્તારો સુધી શહેર ક્યારેય વિસ્તરશે નહીં. અલબત્ત, આજે તો આ ત્રણેય વિસ્તારો શહેરની મધ્યમાં આવી ગયા છે.

આવી જ સમસ્યા સુરતની છે.

આ જટિલ સમસ્યાનો ઉકેલ શું? પ્રશ્નના જવાબમાં કિરણ દેસાઈ કહે છે, "રાજારજવાડાના સમયથી એવો નિયમ હતો કે 40 ગાય હોય ત્યાં 100 એકર ચરિયાણની જગ્યા હોવી જોઈએ. દરેક ગામમાં કેટલ ઝોન બનાવવું પડે તો જ આ સમસ્યાનું નિવારણ આવશે."

"વાડા અને રહેવાની વ્યવસ્થા બંને કરી આપવામાં આવે. મફત ભલે ન આપે, સહાયથી આપે. માલધારીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને પછી તેમના પર લાલ આંખ કરો."

"જો તમને ગાયોની એલર્જી હોય તો માલધારીની વસાહત બાજુ વિકાસ ન કરો. ગૌચર ખવાઈ ગયાં તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો."

line

બિલ લાવવા અને પાછું ખેંચવા પાછળનું ભાજપનું ગણિત

બનાસકાંઠાના ડીસામાં માલધારી આંદોલન
ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાના ડીસામાં માલધારી આંદોલન

ગુજરાત સરકાર માલધારીઓ સામે કેમ ઝૂકી ગઈ? પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ બિલ લાવવા અને પાછું ખેંચવા પાછળનું ભાજપનું ગણિત સમજાવે છે.

તેઓ કહે છે, "જ્ઞાતિઓમાં વિભાજનનું રાજકારણ ઢોર નિયંત્રણ કાયદામાં સમાયેલું હતું. બાકીની જ્ઞાતિમાં એવો સંદેશ આપવો કે અમે તો પગલાં લેવા માગીએ છીએ કે પરંતુ મજબૂરીવશ લઈ શકતા નથી."

"આમ કરીને ભાજપ પોતાની વોટબૅન્કને મજબૂત કરવા માગતો હતો. આમ, ઉપરછલ્લું ભલે એવું કહેવાતું હોય કે સરકાર માલધારીઓ સામે ઝૂકી પરંતુ સરવાળે ભાજપને આનાથી ફાયદો જ થયો છે."

ત્યારે દિલીપ ગોહિલ અનુસાર આ બિલ લાવવા પાછળ રાજકારણનો જ હેતુ હતો. તેમનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ સામે રોષ છેજ પરંતુ શહેરોની વોટબૅન્કને મજબૂત કરવાનો ઇરાદો હતો.

જોકે ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ બીબીસી સાથે વાત કરતા કહે છે, "મત મેળવવાનો આધાર અમારી અન્ય કામગીરીઓ છે, આનાથી મતને અસર થાય કે ન થાય તે અમે ચિંતા નથી કરતા. લોકોની સલામતી માટે અમે નિર્ણય લેતા હોઈએ છીએ."

"લોકોની સુવિધા અને સલામતી અમારી પ્રાથમિકતા છે. કોર્ટનો ઑર્ડર અમે ફૉલો કરતા હતા. અમે કાયદાની પ્રક્રિયાને અવરોધતા નથી."

પૂરક માહિતી: જયદિપ વસંત

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન