મુખ્તાર અંસારી : યુપીના વધુ એક બાહુબલીને સજા થવા સુધીની કહાણી

મુખ્તાર અંસારી
    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા, પૂર્વાંચલથી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગૅંગસ્ટર અને પૂર્વ સાંસદ અતીક અહમદની નાટકીય રીતે થયેલી હત્યા બાદ યુપીના વધુ એક બાહુબલી ચર્ચામાં છે.

ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના મામલે ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા મુખ્તાર અંસારી અને તેમના મોટા ભાઈ તથા ગાઝીપુરમાંથી બસપાના સાંસદ અફઝાલ અંસારીને ઉત્તર પ્રદેશની એક કોર્ટે સજા સંભળાવી છે. ગાઝીપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે અપહરણ અને હત્યાના મામલે મુખ્તાર અંસારીને દસ વર્ષની સજા સંભળાવી છે, તો તેમના ભાઈ અફઝાલને ચાર વર્ષની સજા કરાઈ છે. ત્યારે હવે અફઝાલનું સંસદનું સભ્યપદ પણ જઈ શકે છે. કેમ કે બે વર્ષથી વધુ સજા થતાં સભ્યપદ રદ થવાની કાયદામાં જોગવાઈ છે.

મુખ્તાર અંસારી પર વર્ષ 1996માં વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારી અને કોલસાવેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ અને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સામેલ થવાના કેસ નોંધાયો હતો. વર્ષ 2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા કરી દેવાઈ હતી અને એ વખતે જેલમાં બંધ હોવા છતાં મુખ્તાર અંસારીનું નામે આ હત્યાકેસમાં નોંધવામાં આવ્યું હતું.

મુખ્તાર અંસારી પૂર્વાંચલ મઉથી સતત પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા છે. પરંતુ તેમની કહાણીમાં ઘણાં પાસાં છે જેમાં સૌથી મોખરે છે તેમના જીવનનું માફિયા નેતા તરીકેનું ચૅપ્ટર.

2017માં રજૂ કરેલા તેમના પોતાના ચૂંટણી શપથપત્રો અનુસાર, તેમની પર હાલ વિવિધ કોર્ટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હથિયારના માધ્યમથી રમખાણો કરાવવા, ગુનાહિત ષડ્યંત્ર, ગુનાહિત ધમકીઓ આપવા, સંપત્તિ હડપવા માટે છેતરપિંડી કરવી, સરકારી કામમાં અડચણ ઊભી કરીને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના 16 કેસ છે.

એક સમયે તેમની સામે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) અને ગૅન્ગસ્ટર ઍક્ટ અંતર્ગત 30થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

1996માં બહુજન સમાજ પાર્ટી (બસપા)ની ટિકિટ પર જીતીને પહેલીવાર વિધાનસભા પહોંચેલા મુખ્તારે 2002, 2007, 2012 અને પછી 2017માં પણ મઉ સદરથી જીત હાંસલ કરી હતી. તેમાંથી અંતિમ ત્રણ ચૂંટણી તેમણે દેશની અલગ-અલગ જેલમાં રહીને લડી હતી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

મુખ્તાર અંસારી અને તેમના ભાઈ અફઝાલની 'ગુનાહિત કરમકુંડળી'

બીબીસી ગુજરાતી
  • મુખ્તાર અંસારીને 10 અને તેમના ભાઈ બીએસપી સાંસદ અફઝાલ અંસારીને ચાર વર્ષની સજા ફટકારાઈ.
  • મુખ્તાર અંસારીને શનિવારે ગાઝીપુર અદાલતે ગાઝીપુરના મોહમ્મદાબાદ પોલીસસ્ટેશનના હિસ્ટ્રી શીટર મુખ્તાર અંસારી સામે અનેક કેસ દાખલ છે.
  • મુખ્તારને અન્ય બે કેસમાં સાત અને પાંચ વર્ષની સજા થઈ ચૂકી છે.
  • અંસારી 2005થી જેલમાં છે, ત્યારે તેમણે કોમી હિંસાના એક કેસમાં યુપીના મઉમાં સરન્ડર કર્યું હતું. આ હિંસામાં સાત લોકોનાં મોત થયાં હતાં.
  • મુખ્તાર અંસારીના ભાઈ બહુજન સમાજ પાર્ટીના સાંસદ અફઝાલ અંસારીનું લોકસભા સભ્યપદ જઈ શકે છે.
  • અફઝાલ અંસારી જામીન પર જેલની બહાર હતા.
  • મુખ્તાર ચોથા કેસમાં દોષિત સાબિત થયા છે તો અફઝલ અંસારી આ પ્રથમ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
બીબીસી ગુજરાતી

ગાઝીપુરમાંથી અંસારીનો આરંભ

પૂર્વાંચલના માફિયા

ગુનેગારો, અફીણ અને આઈએએસ ઑફિસર પેદા કરનારું ગાઝીપુર હંમેશાથી પૂર્વાંચલના ગૅન્ગવૉરની ધરી રહ્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મુખ્તાર અંસારીના રાજકીય અને ગુનાહિત સમીકરણોમાં ગાઝીપુરનું મહત્ત્વ વર્ણવતા વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક કહે છે કે, “80 અને 90ના દાયકામાં ચરમસીમા પર રહેલા બ્રિજેશ સિંહ અને મુખ્તારનો ઐતિહાસિક ગૅંગવૉર અહીં ગાઝીપુરમાંથી શરૂ થઈ હતી.”

નદીની બે ધારા વચ્ચે આવેલા પ્રદેશ એટલે કે દોઆબની ફળદ્રુપ જમીન પર આવેલું ગાઝીપુર ખાસ શહેર છે. રાજકીય રીતે એક લાખથી વધુ ભૂમિહાર વસતી ધરાવતું ગાઝીપુર ઉત્તર પ્રદેશમાં ભૂમિહારના સૌથી મોટા પૉકેટમાંથી એક માનવામાં આવે છે. કેટલાક જૂના સ્થાનિક પત્રકારો સામાન્ય ભાષામાં ગાઝીપુરને ‘ભૂમિહારનું વૅટિકન’ પણ કહે છે.

દેશના સૌથી પછાત વિસ્તારોમાં આવતા ગાઝીપુરમાં ઉદ્યોગના નામે અહીં કંઈ ખાસ નથી. અફીણનું કામ થાય છે અને હૉકી ખૂબ સારી રીતે રમાય છે.

ગાઝીપુરનો એક મહત્ત્વપૂર્ણ વિરોધાભાસ એ છે કે ગુનેગારો અને પૂર્વાંચલના ગૅંગવોરનું હબ હોવા છતાં, આ જિલ્લામાંથી દર વર્ષે ઘણા યુવકો આઈએએસ-આઈપીએસ પણ બને છે.

પાઠક કહ્યું હતું કે, "મુખ્તાર અંસારી અને તેમના પરિવારનો રાજકીય પ્રભાવ ગાઝીપુરથી લઈને મઉ, જૌનપુર, બલિયા અને બનારસ સુધી ફેલાયેલો છે. માત્ર 8-10 ટકા મુસલમાનની વસતી ધરાવતા ગાઝીપુરમાં હંમેશાં અંસારી પરિવાર હિન્દુ વોટબૅન્કના આધારે ચૂંટણી જીતતો આવ્યો છે."

બીબીસી ગુજરાતી

ગાઝીપુરના ‘પ્રથમ રાજકીય પરિવાર’ તરીકે ઓળખાતા અંસારી પરિવારમાં આ જિલ્લા અને તેની સાથે જોડાયેલા અનેક વિરોધાભાસની ઝલક સ્પષ્ટ દેખાય છે.

ઉદાહરણ તરીકે છેલ્લાં 15 વર્ષોથી જેલમાં બંધ મુખ્તાર અંસારીના દાદા દેશની આઝાદીના સંઘર્ષોમાં ગાંધીજીનો સાથ આપનારા નેતા તરીકે ઓળખાય છે અને 1926-27માં કૉંગ્રેસના અધ્યક્ષ રહેલા ડૉક્ટર મુખ્તાર અહમદ અંસારી હતા.

મુખ્તાર અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947ના યુદ્ધમાં તેમની શહાદત બદલ મહાવીર ચક્રથી નવાઝવામાં આવ્યા હતા.

ગાઝીપુરમાં સારી છબિ ધરાવતા અને કૉમ્યુનિસ્ટ બૅકગ્રાઉન્ડમાંથી આવતા મુખ્તારના પિતા સુભાનઉલ્લા અંસારી સ્થાનિક રાજનીતિમાં સક્રિય હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સંબંધમાં મુખ્તાર અંસારીના કાકા છે.

મુખ્તાર અંસારીના નાના અને દાદાની તસવીર
ઇમેજ કૅપ્શન, મુખ્તાર અંસારીના નાના અને દાદાની તસવીર

મુખ્તારના મોટા ભાઈ અફઝાલ અંસારી ગાઝીપુરના મોહમ્મદાબાદ વિધાનસભાથી સતત 5 વખત (1985થી 1996 સુધી) ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2004માં ગાઝીપુરથી જ સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે.

મુખ્તારના બીજા ભાઈ સિબકાતુલ્લા અંસારી પણ 2007 અને 2012ની ચૂંટણીમાં મોહમ્મદાબાદથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

મુખ્તાર અંસારીને બે પુત્ર છે. તેમના મોટા પુત્ર અબ્બાસ અંસારી શૉટ-ગન શૂટિંગમાં ચૅમ્પિયન રહી ચૂક્યા છે.

2017ની ચૂંટણીમાં મઉ જિલ્લાની જ ઘોસી વિધાનસભા બેઠકથી અબ્બાસે બસપાની ટિકિટ પર પોતાની પહેલી ચૂંટણી લડી હતી અને 7 હજાર વોટથી હારી ગયા હતા.

મુખ્તારના નાના દીકરા ઉમર અંસારી ભારતની બહાર અભ્યાસ કરે છે, પરંતુ ગઈ વિધાનસભા ચૂંટણીમાં તેઓ પણ પહેલીવાર રાજનીતિમાં ઉતર્યા હતા અને તેમના પિતાના પક્ષમાં મઉમાં તેમણે ચૂંટણીપ્રચાર કર્યો હતો.

તેમના આ પરિવાર અને મુખ્તાર અંસારીની માફિયા નેતા તરીકેની ઓળખ, ગાઝીપુરના વિરોધાભાસનું જ એક સ્વરૂપ છે.

બીબીસી ગુજરાતી

કૃષ્ણાનંદ રાયની હત્યાનો મામલો

અંસારી પરિવારની બેઠકમાં લાગેલી પારિવારિક નેતાઓની તસવીરો

1985થી અંસારી પરિવાર પાસે રહેલી ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક 17 વર્ષ પછી 2002ની ચૂંટણીમાં તેમની પાસેથી ભાજપના કૃષ્ણાનંદ રાયે છીનવી લીધી હતી. જોકે તેઓ ધારાસભ્ય તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં, ત્રણ વર્ષ પછી તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

પૂર્વાંચલમાં આગની જેમ ફેલાયેલા આ હત્યાકાંડના સમાચારને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર પવન સિંહ કહે છે કે, "તેઓ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને પાછા આવી રહ્યા હતા, ત્યારે જ તેમની બુલેટ પ્રૂફ ટાટા સૂમો ગાડીને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી હતી અને તેની પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલા માટે સ્પૉટ એવો માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ગાડી ડાબે-જમણે વાળવાનો કોઈ સ્કૉપ ન હતો."

"કૃષ્ણાનંદ સાથે અન્ય છ લોકો પણ ગાડીમાં હતા. એકે-47થી અંદાજે 500 ગોળીઓ ચલાવવામાં આવી, સાતેસાત લોકો માર્યા ગયા હતા."

આ હત્યાકાંડને કવર કરનારા બીજા વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક વધુમાં કહે છે કે, "કોઈ પણ પૂરબિયા (પૂર્વ યુપીના સ્થાનિક)તમને કહેશે કે આ 500 ગોળીઓ મારવા માટે નહીં, પરંતુ સંદેશ આપવા માટે ચલાવવામાં આવી હતી. હત્યારાઓ વર્ચસ્વનો સંદેશ આપવા માગતા હતા કે જુઓ તમારા વિધાનસભા વિસ્તારમાં તમારી જાતિ પ્રભુત્વવાળા વિસ્તારમાં તમારા ગઢમાં, તમારા કેહવાતા ‘સેફ ઝોન’ માં ઘૂસીને તમને મારી નાખ્યા છે.”

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, "ગાઝીપુરની પોતાની જૂની પારિવારિક બેઠક ગુમાવ્યા બાદ મુખ્તાર અંસારી નારાજ થયા હતા. કૃષ્ણાનંદ હત્યાકાંડ સમયે જેલમાં બંધ હોવા છતાં મુખ્તાર અંસારીનું આ હત્યાકાંડમાં નામ આવ્યું હતું."

આ હત્યાકાંડના બીજા એક પ્રભાવ વિશે વર્ણવતા પવન કહે છે કે, "ગાઝીપુરના સાંસદ અને વર્તમાન સરકારમાં મંત્રી મનોજ સિન્હાનું આખું રાજકારણ આ હત્યાકાંડ બાદ મજબૂત રીતે ઊભું હતું. મનોજ આ મામલામાં મુખ્તાર વિરુદ્ધ સાક્ષી છે. કૃષ્ણાનંદ ભૂમિહાર હતા અને તેમના પિતરાઈ ભાઈ સિન્હાએ ‘તેમને ન્યાય અપાવવા માટે ડર્યા વિના સંઘર્ષ કર્યો’ એવા એકમાત્ર નેતા તરીકે તેમના માટે મત માગીને ઘણી ચૂંટણીઓ જીતી છે."

બીબીસી ગુજરાતી

ગાઝીપુરમાં અંસારીનો આવાસ

અફઝલ અંસારી, અબ્બાસ અંસારી અને ઉમર અંસારી

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC

ઇમેજ કૅપ્શન, અફઝાલ અંસારી, અબ્બાસ અંસારી અને ઉમર અંસારી

ગાઝીપુરના યુસૂફપુર વિસ્તારમાં સ્થિત મુખ્તાર અંસારીના પૈતૃક નિવાસને ‘બડકા ફાટક’ અથવા ‘મોટા દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે.

કસબા જેવા આ નાના શહેરમાં ‘બડકા ફાટક’ નું સરનામું બધાને ખબર છે.

જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે મુખ્તાર બાંદા જેલમાં હતા, પરંતુ તેમના મોટા ભાઈ અફઝલ અંસારી અને પુત્ર અબ્બાસ અંસારીએ બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેના થોડા જ કલાકોમાં મુખ્તારનાં માતાનું નિધન થઈ ગયું હતું.

મુખ્તાર અંસારીના ઘરની બહારનો ‘મોટો દરવાજો’ દિવસભર મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે.

વરંડામાં પાર્ક કરેલાં મોટાં વાહનોના કાફલાની સામે એક વિશાળ બેઠકમાં સ્થાનિક લોકો અંસારી બંધુઓને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા.

બેઠકમાં પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ ડૉક્ટર મુખ્તાર અહમદ અંસારીથી લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સુધીના તમામ રાજકીય ચહેરાઓ અને પરિવારમાં મૃત્યુ પામેલા પૂર્વજોની તસવીરો લગાવવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી

રાજકીય અવસરવાદનું પાનું

અફઝાલ અંસારી

ઇમેજ સ્રોત, PRIYANKA DUBEY/BBC

ઇમેજ કૅપ્શન, અફઝાલ અંસારી

અફઝાલે તેમની રાજકીય કારકિર્દી કૉમ્યુનિસ્ટ પાર્ટીથી શરૂ કરી હતી, ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં ગયા, પછી તેઓએ કોમી એકતા દળ નામની પોતાની પાર્ટી બનાવી અને 2017માં બસપામાં જોડાયા હતા.

બીજી તરફ મુખ્તાર બસપાથી શરૂ કર્યા બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદ 2012માં પારિવારિક પાર્ટી કોમી એકતા દળમાંથી ઊભા રહ્યા હતા

અને 2017માં પાર્ટીનું બસપામાં વિલય થવાની સાથે જ તેઓ પણ બસપામાં સામેલ થઈ ગયા.

અહીં રસપ્રદ વાત એ છે કે ક્યારેય મુખ્તાર અંસારીને ‘ગરીબોના મસીહા’ ગણાવનારાં બસપા સુપ્રીમો માયાવતીએ એપ્રિલ 2010માં અંસારી બંધુઓને ‘ગુનાઓમાં સંડોવાયેલા’ કહીને બસપામાંથી કાઢી મૂક્યા હતા.

2017ની ચૂંટણી પહેલાં તેમણે અંસારી બંધુઓની પાર્ટી 'કોમી એકતાદળ'ને BSPમાં ભળીને કહ્યું કે 'કોર્ટમાં તેમની સામે કોઈ દોષ સાબિત થયો નથી'.

જેલમાં બંધ તેમના નાના ભાઈ મુખ્તાર વિશે વાત કરતાં અફઝાલ જણાવ્યું હતું કે, "મુખ્તાર અમારાથી દસ વર્ષ નાના છે. શાળા પૂરી કર્યા પછી તે અહીં ગાઝીપુરની કૉલેજમાં ભણતા હતા."

"તે કૉલેજમાં રાજપૂત-ભૂમિહારોનું વર્ચસ્વ હતું. ત્યાં તેમણે સાધુ સિંહ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી."

"તેની સાથે મિત્રતા કરવા માટે તેઓ તેમની અંગત દુશ્મનાવટમાં સામેલ થઈ ગયા અને કેટલીક નિંદાનો સામનો કરવો પડ્યો હતો."

સાંસદ અફઝાલ અંસારી કહ્યું હતું કે, "તેમની (મુખ્તાર) સાથે આખા પરિવારને બદનક્ષીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુખ્તાર સામેના આ તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત છે."

"તે 15 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. જો તેમણે ખરેખર કંઈ ખોટું કર્યું હોય, તો પછી પોલીસ તમારી છે, સરકાર તમારી છે, CBI તમારી છે, હજુ સુધી એક પણ ગુનો કેમ સાબિત થયો નથી?"

મુખ્તારના રાજકીય પ્રભાવ વિશે વાત કરતાં તેઓ ઉમેર્યું હતું કે, "મુખ્તાર મઉથી ચૂંટણી લડતા અને જીતતા હતા."

"રાજકીય રીતે મુખ્તારનો દરજ્જો અમારા કરતા મોટો છે. તેમનો ગ્લેમર કોશેન્ટ મોટો છે."

"આજે અમે ગાઝીપુરની બહાર ગમે ત્યાં જઈએ છીએ, ત્યારે લોકો અમને તેમના નામથી ઓળખે છે."

અફઝાલ અંસારીએ કહ્યું હતું કે, "ગાઝીપુરના માત્ર 8 ટકા મુસ્લિમો જ અમને જીતાડી શકતા નથી, અહીંના હિંદુઓ અમને જીતાડે છે."

"છેવટે, અમે પણ દરેક સુખ-દુખમાં તેમની સાથે ઊભા રહીએ છીએ, આ બધા અમારા પોતાના લોકો છે, તેથી જ અમને તેમના મત પર વિશ્વાસ રહે છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી