એ હત્યા જેના 50 દિવસમાં અતીકના 42 વર્ષના 'સામ્રાજ્ય'નો અંત આવી ગયો

અતીક અહમદ

ઇમેજ સ્રોત, ANI

ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક સમયે મોટું નામ ગણાતા ભૂતપૂર્વ નેતા અને બાહુબલી અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની 15 એપ્રિલના રોજ ત્રણ હથિયારધારી લોકોએ પ્રયાગરાજમાં કૅમેરા સામે ગોળીઓ મારી હત્યા કરી દીધી.

નોંધનીય છે કે અતીક અહમદ અને અશરફ અહમદને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ રહ્યા હતા અને એ સમયે મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમના પર હુમલો કરાયો હતો.

અતીક અહમદ અને અશરફ પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં જેલમાં હતા.

રાજુ પાલ હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યાના કેસમાં પૂછપરછ માટે તેઓને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલાં (ગુરુવારે) જ અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને તેમની સાથે હાજર તેના મિત્ર ગુલામ મોહમ્મદને ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝાંસીમાં થયેલા એક કથિત ઍન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા.

અતીકના પુત્ર અસદ પર પ્રયાગરાજ ખાતે 24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલ નામના ઍડ્વોકેટ અને તેમની સુરક્ષામાં તહેનાત બે પોલીસકર્મીની જાહેરમાં ક્રૂર હત્યા કરવાનો આરોપ હતો. જે બાદ તેમને વૉન્ટેડ જાહેર કરીને તેમના પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવેલું.

ઍડ્વોકેટ ઉમેશ પાલ રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા.

રાજુ પાલ હત્યાકાંડ બાદ ‘ઉમેશ પાલ અતીક અહમદના નિશાન પર આવી ગયા હતા.’

પરંતુ કદાચ આ હત્યાઓ કરાઈ ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે 15 વર્ષની ઉંમરે 1979માં હત્યાના પ્રથમ ગુનો નોંધાયા બાદ 42 વર્ષ સુધી વિસ્તરેલા અતીકના ‘સામ્રાજ્યનો અંત’ ઉમેશ પાલની હત્યાના માત્ર 50 દિવસમાં થઈ જશે.

જાણીએ એ હત્યા વિશે જે બાદ યુપીમાં બાહુબલી નેતા તરીકેનું માન ભોગવતા અતીક અને તેના પરિવારના દબદબાના અંતની શરૂઆત થઈ ગઈ.

બીબીસી ગુજરાતી
  • આ વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરમાં થયેલી હત્યા બાદ અતીક અને તેના ‘ગુનાના સામ્રાજ્ય’ના અંતની શરૂઆત થઈ હતી
  • પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઍડ્વોકેટ ઉમેશ પાલ અને પોલીસે આપેલા તેમના બે હથિયારધારી અંગરક્ષકોની સરાજાહેર હત્યા કરી નખાઈ હતી
  • પોલીસના દાવા અનુસાર અતીકના પુત્ર અસદ અને તેમના સાથીદાર ગુલામ મોહમ્મદ હુમલા વખતે સીસીટીવીમાં જાહેરમાં ફાયરિંગ કરતા દેખાયા હતા
  • વર્ષ 2005માં બસપાના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં અતીક અને તેમના ભાઈ અશરફ સાબરમતી જેલમાં બંધ હતા, બાદમાં તેમને ઉમેશ પાલની હત્યાના કેસમાં પૂછપરછ માટે પ્રયાગરાજ લવાયા હતા
  • આ દરમિયાન ગુરુવારે તેમના પુત્ર અસદ અને શનિવાર રાત્રે અતીક અને તેમના ભાઈનાં બે જુદી જુદી ઘટનાઓમાં મૃત્યુ થયાં હતાં
બીબીસી ગુજરાતી

શું હતો ઉમેશ પાલ મર્ડર કેસ?

ઉમેશા પાલ (ડાબે), રાજુ પાલ (જમણે)

ઇમેજ સ્રોત, PRABHAT VERMA AND PUJA PAL

ઇમેજ કૅપ્શન, ઉમેશા પાલ (ડાબે) અને રાજુ પાલ (જમણે)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2005માં બીએસપીના એક ધારાસભ્ય રાજુ પાલના હત્યાના કેસમાં ઉમેશ પાલ એ મુખ્ય સાક્ષી હતા.

આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ વિસ્તારમાં ધૂમગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરની બહાર જ તેમની અને તેમની સુરક્ષા માટે તહેનાત બે પોલીસકર્મીઓની હત્યા કરાઈ હતી.

આ હત્યા બાદ ઉમેશ પાલનાં પત્ની જયા પાલે અતીક અહમદ તેમના ભાઈ અશરફ, અસદ, ગુલામ અને અન્યો પર ગુનો નોંધાવ્યો હતો.

પોલીસના દાવા અનુસાર ઉમેશ પાલની હત્યા મામલે સીસીટીવીમાં અતીકના પુત્ર અસદ અને તેનો સાથીદાર ગુલામ મોહમ્મદ ખુલ્લેઆમ ફાયરિંગ કરતા દેખાયા હતા.

હત્યાના દિવસે ઉમેશ પાલ જ્યારે કોર્ટથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો હતો.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉમેશ પાલ જ્યારે પોતાના ઘર પાસે પહોંચ્યા કે તરત જ બદમાશોએ તેમની કાર પર ગોળીઓ ચલાવી. પછી જ્યારે ઉમેશ પાલ પોતાના ગનર સાથે ઘર તરફ ભાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર બે બૉમ્બ ફેંક્યા.

ઉમેશ પાલ અને તેમના બંને ગનરોને તરત જ હૉસ્પિટલ લઈ જવાયા જ્યાં સારવાર દરમિયાન ઉમેશ પાલ અને તેમના ગનર સંદીપ મિશ્રાનાં મૃત્યુ થયાં હતાં.

રાઘવેન્દ્રસિંહ નામના અન્ય એક ગનરનું બાદમાં લખનૌમાં ઇલાજ દરમિયાન મૃત્યુ થયું હતું.

અહીં નોંધનીય છે કે ઉમેશ પાલ વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેઓ પ્રયાગરાજની ફાફામઊ વિધાનસભાથી ચૂંટણી લડવા માગતા હતા.

ગ્રે લાઇન

ઉમેશ પાલ કોણ હતા?

ઉમેશ પાલ

ઇમેજ સ્રોત, ANI

ઉમેશ પાલ વર્ષ 2005માં બહુજન સમાજ પાર્ટીના (બસપા) ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ સમાચારમાં આવ્યા હતા, જ્યારે તેમને રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી બનાવ્યા હતા.

રાજુ પાલનાં પત્ની પૂજા પાલ અનુસાર જ્યારે વર્ષ 2006માં રાજુ પાલના મર્ડરની ટ્રાયલ શરૂ થઈ ત્યારે ઉમેશ પાલ ફરી ગયા હતા.

પૂજા પાલ પ્રમાણે જ્યારે રાજુ પાલ હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપાઈ ત્યારે સીબીઆઇએ ઉમેશ પાલને સાક્ષી ન બનાવ્યા.

તેથી હાલના કેસમાં ઉમેશ પાલ, રાજુ પાલની હત્યાના કેસમાં સાક્ષી નહોતા.

ઉમેશ પાલના ઇતિહાસ વિશે જાણકારી આપતાં પૂજા પાલ જણાવે છે કે, “ઉમેશ પાલ પોતાના મોટા ભાઈના ટેન્કર ચલાવતા. વર્ષ 2005માં તેમને પોલીસ દ્વારા મારા પતિની હત્યાના કેસમાં સાક્ષી બનાવાયા હતા. ઘટના નજરે જોનારા પ્રમાણે ઘટના બાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને પછી તેઓ તેમને (રાજુ પાલને) લઈને હૉસ્પિટલ ગયા હતા.”

ઉમેશ પાલ પ્રયાગરાજના ઘૂમનગંજ વિસ્તારના રહેવાસી હતા અને તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. રાજુ પાલનાં પત્ની અને ચૈલ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીનાં ધારાસભ્ય પૂજા પાલ પ્રમાણે તેઓ ઉમેશ પાલનાં ફોઈનાં દીકરી છે.

તેઓ કહે છે કે ઉમેશ પાલે એક પીસીઓ શરૂ કરી હતી. ઉમેશ પાલનાં માતા સરકારી નોકરીમાં હતાં.

પૂજા પાલ પ્રમાણે ઉમેશ પાલ વર્ષ 2006થી 2012 સુધી બસપામાં રહ્યા અને તે બાદ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

અતીક અહમદ સિવાય પ્રૉપર્ટી અને રાજકારણને કારણે ઉમેશ પાલની અન્ય પણ ઘણા લોકો સાથે દુશ્માનવટ હતી.

રાજુ પાલ હત્યાકાંડની કોર્ટ કાર્યવાહી વિશે પૂજા પાલ જણાવે છે કે, “કેસની સીબીઆઈ તપાસનો ઑર્ડર વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટમાં થયો હતો. જેમાં સીબીઆઈ કોર્ટ (પ્રથમ) દ્વારા આરોપ નક્કી કરાયા.”

ઉમેશ પાલ હત્યાકાંડમાં અત્યાર સુધી છ આરોપીઓનાં મૃત્યુ

અતીક અહમદ પોતે, તેનો દીકરો અસદ, તેનો સાથી અરબાઝ અને ગુલામ મોહમ્મદ, વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન અને ગુલામ હસન સામેલ

ઇમેજ સ્રોત, ANI

શનિવારે રાત્રે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અગાઉ અતીકના દીકરા અસદનું યૂપી પોલીસ સાથેના એક ઍન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ વર્ષે 24 ફેબ્રુઆરીના દિવસે થયેલી ઉમેશ પાલની હત્યાના મામલે હજી સુધી છ આરોપીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

તેમાં અતીક અહમદ પોતે, તેનો દીકરો અસદ, તેનો સાથી અરબાઝ અને ગુલામ મોહમ્મદ, વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન અને ગુલામ હસન સામેલ છે.

ઉમેશ પાલ જ્યારે કોર્ટમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ધોળાદિવસે હત્યા કરી દેવામાં આવી. એ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા હતા.

અખબાર ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર અતીકનાં પત્ની શાઇસ્તા પરવીન હાલ ફરાર છે. તેમના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. અતીકના બે દીકરા ઉમર અને અલી જેલમાં છે. તેમના બે સગીર દીકરાને બાલ સુરક્ષા ગૃહમાં પોલીસના કડક બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે.

વીડિયો કૅપ્શન, Atiq Ahmed LIVE: અતીક અહમદનું ઢીમ ઢાળી દેનારા ત્રણ વ્યક્તિ કોણ? તેમણે પોલીસને શું કહ્યું?

અહેવાલ અનુસાર ઉમેશ પાલની હત્યા બાદ આ મામલે પ્રથમ ઍન્કાઉન્ટર 27 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં જ થયું હતું. તેમાં અરબાજનું મૃત્યુ થયું હતું. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલને ગોળી મારનારા હુમલાખોરો જે ગાડીમાં આવ્યા હતા, તેને કથિત રીતે અરબાજ જ ચલાવી રહ્યો હતો.

ત્યારબાદ 6 માર્ચના દિવસે પોલીસે ઉસ્માનને એક ઍન્કાઉન્ટરમાં મારવાનો દાવો કર્યો હતો. અસદ અને ગુલામને 13 એપ્રિલના દિવસે ઝાંસીમાં પોલીસ સાથેના એક ઍન્કાઉન્ટરમાં ગોળી મારવામાં આવી હતી. આ સિવાય અતીકના બાકી સાથીદારો ગુડ્ડૂ મુસ્લિમ, અરમાન અને સાબિર ફરાર છે અને પોલીસે તેમના માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

અતીક અને અશરફ અહમદ પ્રયાગરાજની નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એ કહી ચૂક્યા છે કે તેમના જીવને ખતરો છે. દીકરા અસદના મૃત્યુના એક મહિલા પહેલાં જ અતીક અહમદે સુપ્રીમ કોર્ટમાં જેલમાં પોતાની સુરક્ષા વધારવા માટે અરજી આપી હતી.

રેડ લાઇન
રેડ લાઇન