અતીક અને તેના ભાઈની ગોળી મારીને હત્યા કરનારા ત્રણેય કોણ છે?

પોલીસે હુમલાખોરને પકડ્યો

ઇમેજ સ્રોત, ANI

અતીક અહમદ હત્યાકાંડમાં પોલીસે હજી સુધી હુમલાખોરોના નામ નથી જાહેર કર્યા. જોકે, પોલીસે કહ્યું છે કે, આ મામલે તેમણે ત્રણ લોકોને પકડ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.

ઉત્તર પ્રદેશના અગ્રણી હિન્દી અખબારોમાંથી એક દૈનિક જાગરણે પોતાની વેબસાઈટ પર આપેલા સમાચારમાં એ હુમલાખોરોનું કથિત કબૂલાતનામું છાપ્યું છે. અન્ય અખબારોએ પણ આ ત્રણ હુમલાખોરો વિશે સમાચાર આપ્યા છે.

દૈનિક જાગરણના સમાચાર અનુસાર, અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ પર ગોળી ચલાવનારા આરોપીઓએ પોલીસની સામે કથિતપણે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું છે, “માફિયા અતીકનો સંબંધ પાકિસ્તાન સાથે હતો. તેણે અને તેની ગૅંગમાં સામેલ સભ્યોએ તમામ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન હડપવા માટે હત્યા કરતો હતો અને વિરોધમાં જુબાની આપનારા લોકોને પણ નહોતો છોડતો. તેનો ભાઈ અશરફ પણ આમ જ કરતો હતો, એટલે અમે બન્નેને મારી નાખ્યા.”

દૈનિક જાગરણના આ સમાચાર અનુસાર ગોળી ચલાવનારા ત્રણેય આરોપીઓ અલગ-અલગ કેસમાં અગાઉ પણ જેલમાં જઈ ચૂક્યા છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓ ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

બીબીસી ગુજરાતી

જેલમાં થઈ ત્રણેય હુમલાખોરોની દોસ્તી

અતીક અહમદ અને અશરફ

ઇમેજ સ્રોત, ANI

આ ત્રણેય હુમલાખોરો ગુનાઇત ભૂતકાળ ધરાવતા અપરાધી હોવાનું દૈનિક ‘હિંદુસ્તાન’ના સમાચારમાં કહેવામાં આવ્યું છે.

અખબારે લખ્યું છે કે હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. ત્રણમાંથી એક હમીરપુર, એક કાસગંજ અને એક બાંદાના રહેવાસી છે.

અખબારે પોલીસ સૂત્રોના હવાલેથી કહ્યું છે કે ત્રણેયનું માનવું છે કે નાના-નાના ગુનામાં જેલમાં જવાથી તેમનું નામ નહોતું થઈ રહ્યું, એટલે તેઓ કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેયને ખબર પડી કે અતીક અને અશરફ અહમદને પોલીસ જાપ્તા હેઠળ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્રણેય પોતાનું નામ મોટું કરવાના ઇરાદાથી હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

અખબાર લખે છે કે ત્રણેય આરોપીઓએ હત્યાનું ષડ્યંત્ર ઘડ્યું હતું અને હુમલો કરતાં પહેલાં શુક્રવારે હૉસ્પિટલ પહોંચીને રૅકી કરી હતી. ત્યારબાદ શનિવારે ત્રણેય આરોપીઓએ પત્રકારનો સ્વાંગ રચીને અતીક અને અશરફ અહમદને નજીકથી ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

‘હિંદુસ્તાન’ના સમાચાર અનુસાર ત્રણેય હુમલાખોરોના પરિવારજનોની પણ અટકાયત કરી લેવામાં આવી છે. હુમલાખોરો પાસેથી ત્રણ પિસ્તોલ મળી આવી છે.

શનિવારે ઘટના બાદ પોલીસે પણ તેની પ્રાથમિક જાણકારીના આધારે જણાવ્યું હતું કે હુમલાખોરો પાસેથી કેટલાક હથિયાર મળ્યા છે.

શનિવારની રાત્રે પોલીસ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદને લઈને પોલીસ મેડિકલ ચેક-અપ કરાવવા માટે કાલ્વિન હૉસ્પિટલ પહોંચી હતી. બન્નેને પાંચ દિવસના રિમાન્ડ પર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસના સુરક્ષા ઘેરામાં ઘૂસીને હુમલાખોરોએ તેમના પર ઘણી વખત ગોળીબાર કર્યો હતો.

બીબીસી ગુજરાતી

અતીક અહમદના ગુનાહિત રેકૉર્ડ

  • અતીક અહમદના ગુનાહિત ઇતિહાસમાં 100 થી વધુ કેસ નોંધાયેલા છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 1979માં પહેલીવાર હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે અતીક અહમદ સગીર હતા.
  • 1992માં અલ્હાબાદ પોલીસે જણાવ્યું હતું કે, બિહારમાં પણ અતીક વિરુદ્ધ હત્યા, અપહરણ વગેરેના લગભગ ચાર ડઝન કેસ નોંધાયેલા છે.
  • પ્રયાગરાજના પ્રોસિક્યુશન અધિકારીઓના જણાવ્યા અનુસાર, અતીક અહમદ સામે 1996થી 50 કેસ પૅન્ડિંગ છે.
  • બીએસપી ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય આરોપી કેસની તપાસ હવે સીબીઆઈ પાસે છે
  • 28 માર્ચે, પ્રયાગરાજની MPMLA કોર્ટે અતીક અહમદને 2006માં ઉમેશ પાલનું અપહરણ કરવા બદલ દોષી ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
બીબીસી ગુજરાતી

હુમલાખોરના પિતાએ શું કહ્યું?

લવલેશ તિવારીના પિતા યજ્ઞકુમાર ત્રિવેદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હુમલાખોર લવલેશ તિવારીના પિતા યજ્ઞકુમાર ત્રિવેદી

ન્યૂઝ એજન્સી અનુસાર, હુમલાખોરોની ઓળખ લવલેશ અને સની સિંહ તરીકે થઈ છે. મીડિયા સાથે વાત કરતા લવલેશના પિતા યજ્ઞ તિવારીએ કહ્યું કે, “અમે ટીવી પર આ ઘટના જોઈ. અમે લવલેશની હરકતોથી વાકેફ નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા પણ નથી.”

તેઓએ કહ્યું કે, “તેઓ ક્યારેય અહીં રહ્યા ન હતા અને ન તો તે અમારા પારિવારિક બાબતોમાં સામેલ રહ્યા. તેણે અમને કશું કહ્યું નથી. તે પાંચ-છ દિવસ પહેલા અહીં આવ્યો હતો.”

તેઓએ ઉમેર્યુ હતું કે, “અમે તેની સાથે વર્ષોથી વાતચીત કરતા નથી. તેની સામે પહેલાથી જ કેસ નોંધાયેલા છે. આ કેસમાં તેને જેલની સજા થઈ હતી. તે કામ કરતો નથી. તે ડ્રગ એડિક્ટ હતો. અમારા ચાર બાળકો છે. આ વિશે અમારે કંઈ કહેવું નથી.”

સનીના ભાઈ પિન્ટુએ એએનઆઈને જણાવ્યું કે, “સની અહીં-તહીં ભટકતો રહેતો હતો અને કોઈ કામ કરતો નહોતો. અમે અલગ રહીએ છીએ અને ખબર નથી કે તે કેવી રીતે ગુનેગાર બની ગયો. અમને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી.”

બીબીસી ગુજરાતી

ઉમેશ પાલ હત્યાકાંડમાં અત્યાર સુધી છ આરોપીઓનાં મૃત્યુ

અતીક અહમદ

ઇમેજ સ્રોત, ANI

શનિવારે રાત્રે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અગાઉ અતીકના દીકરા અસદનું યૂપી પોલીસ સાથેના એક ઍન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ વર્ષે 24 ફેબ્રુઆરીના દિવસે થયેલી ઉમેશ પાલની હત્યાના મામલે હજી સુધી છ આરોપીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

તેમાં અતીક અહમદ પોતે, તેનો દીકરો અસદ, તેનો સાથી અરબાઝ અને ગુલામ મોહમ્મદ, વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન અને ગુલામ હસન સામેલ છે.

ઉમેશ પાલ જ્યારે કોર્ટમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ધોળાદિવસે હત્યા કરી દેવામાં આવી. એ હુમલામાં બે પોલીસકર્મીઓ પણ મૃત્યુ પામ્યા હતા.

અખબાર ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ અનુસાર અતીકનાં પત્ની શાઇસ્તા પરવીન હાલ ફરાર છે. તેમના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. અતીકના બે દીકરા ઉમર અને અલી જેલમાં છે. તેમના બે સગીર દીકરાને બાલ સુરક્ષા ગૃહમાં પોલીસના કડક બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યા છે.

વીડિયો કૅપ્શન, અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની કૅમેરા સામે થઈ હત્યા, એ પછી શું થયું?

અહેવાલ અનુસાર ઉમેશ પાલની હત્યા બાદ આ મામલે પ્રથમ ઍન્કાઉન્ટર 27 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં જ થયું હતું. તેમાં અરબાજનું મૃત્યુ થયું હતું. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલને ગોળી મારનારા હુમલાખોરો જે ગાડીમાં આવ્યા હતા, તેને કથિત રીતે અરબાજ જ ચલાવી રહ્યો હતો.

ત્યારબાદ 6 માર્ચના દિવસે પોલીસે ઉસ્માનને એક ઍન્કાઉન્ટરમાં મારવાનો દાવો કર્યો હતો. અસદ અને ગુલામને 13 એપ્રિલના દિવસે ઝાંસીમાં પોલીસ સાથેના એક ઍન્કાઉન્ટરમાં ગોળી મારવામાં આવી હતી. આ સિવાય અતીકના બાકી સાથીદારો ગુડ્ડૂ મુસ્લિમ, અરમાન અને સાબિર ફરાર છે અને પોલીસે તેમના માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

અતીક અને અશરફ અહમદ પ્રયાગરાજની નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એ કહી ચૂક્યા છે કે તેમના જીવને ખતરો છે. દીકરા અસદના મૃત્યુના એક મહિલા પહેલાં જ અતીક અહમદે સુપ્રીમ કોર્ટમાં જેલમાં પોતાની સુરક્ષા વધારવા માટે અરજી આપી હતી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી