ઍન્કાઉન્ટરને ભારતમાં લોકપ્રિય સમર્થન મળવું કેટલું ખતરનાક?

ઇમેજ સ્રોત, UP POLICE HANDOUT
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીએફએ જુલાઈ 2020માં ગૅંગ્સ્ટર વિકાસ દુબેના ઍન્કાઉન્ટરની કહાણી જણાવી હતી.
એસટીએફએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી પોલીસ દુબેને ગાડીમાં લઈ જઈ રહી હતી, ત્યારે જ રસ્તા પર અચાનક પશુ આવી ગયાં.
એસટીએફનું કહેવું હતું કે આ પશુઓને બચાવવાની કોશિશમાં કાર પલટાઈ ગઈ અને આ વાતનો લાભ લઈને વિકાસ દુબે પોલીસ પાસેથી બંદૂક છીનવીને ભાગવા લાગ્યા હતા.
એસટીએફએ જણાવ્યું હતું કે આ દરમિયાન બંને તરફથી ગોળીબાર પણ થયો હતો અ વિકાસ દુબેનું મૃત્યુ થયું હતું.
વિકાસ દુબેના મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશ પોલીસ અને સરકાર પર એવો કટાક્ષ કરાય છે કે ત્યાં ગમે ત્યારે ગાડી પલટાઈ શકે છે.
પાછલા મહિને જ હિંદી ન્યૂઝ ચેનલ આજ તકે એક પ્રોગ્રામમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને એન્કરે સવાલ પૂછ્યો હતો કે, “તો તમારી રીત આવી જ રહેશે, લૉ ઍન્ડ ઑર્ડરમાં અને કાયદામાં ગાડી આવી જ રીતે પલટશે?”
આ પ્રશ્નના જવાબમાં યોગી આદિત્યનાથે હસતાં હસતાં કહ્યું હતું કે, “પ્રદેશમાં 24 કરોડ જનતાની સુરક્ષા અને સન્માન માટે કાયદાનો રાજ કેવી સ્થાપિત થશે, આ એજન્સીઓ નક્કી કરશે અને તેના અનુસાર, આગળ વધારશું.”

ઇમેજ સ્રોત, Getty Images
એન્કરે પૂછ્યું, શું નિર્દેશ છે તમારો? ગાડી પલટશે? જવાબમાં યોગીએ કહ્યું, “જુઓ, અકસ્માત થઈ શકે છે. તેમાં બેમત છે? અકસ્માત ગમે તે વ્યક્તિ સાથે થઈ શકે. શું વાત કરો છો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગીના આ જવાબને સાંભળીને દર્શકો ખડખડાટ હસવા લાગ્યા હતા અને જોરથી તાળી પણ પાડી. આ મહિને જ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં અતીક અહમદનું નામ લેતાં કહ્યું હતું કે, “આ માફિયાને માટીમાં ભેળવી દઈશું.”
ગુરુવારે ગૅંગસ્ટરે અતીક અહમદના 19 વર્ષીય દીકરા અસદ અહમદ અને તેના સહયોગી ગુલામ હસનનાં ઝાંસીમાં યુપી પોલીસે કથિત ઍન્કાઉન્ટરમાં મૃત્યુ નિપજાવ્યાં, તો યોગી આદિત્યનાથનાં આ જૂનાં નિવેદનોની ચર્ચા સોશિયલ મીડિયામાં થવા લાગી.
માર્ચ 2017માં યોગી મુખ્ય મંત્રી બન્યા એ બાદ ઉત્તર પ્રદેશમાં 183 ઍન્કાઉન્ટર થયાં છે.

‘ઍન્કાઉન્ટર’ પર ઊઠ્યા સવાલ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા છે. તેમણે શુક્રવારે ઇંદૌરમાં પત્રકારો સાથે વાત કરતાં ઉત્તર પ્રદેશને ફેક ઍન્કાઉન્ટર અને કસ્ટોડિયલ ડેથ મામલે નંબર વન ગણાવ્યું.
તેમણે કહ્યું, “અમે વિકાસ કરીએ છીએ. જ્યારે એક અધિકારીએ મુખ્ય મંત્રીજીને કહ્યું કે મેટ્રોનું કામ આગળ વધારવામાં આવે તો તેમણે કહ્યું કે, ‘વિકાસથી મત નથી મળતા.’ વિકાસથી મત નથી માગતા એટલે તો આ ઍન્કાઉન્ટર થઈ રહ્યાં છે.”
ગુરુવારે અખિલેશ યાદવે કહ્યું હતું કે, “બનાવટી ઍન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગી રહી છે. ભાજપીઓ ન્યાયાલયમાં વિશ્વાસ જ નથી રાખતા.”
ઍન્કાઉન્ટર પર એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીની ઓવૈસીએ પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ભાજપ ધર્મના નામે ઍન્કાઉન્ટર કરી રહ્યું છે.
ઓવૈસીએ કહ્યું, “શું ભાજપ એ લોકોને પણ ગોળી મારશે જેમણે જુનૈદ અને નાસિરને માર્યા. જુનૈદ અને નાસિરને મારનારાનું તમે ઍન્કાઉન્ટર નહીં કરો કારણ કે તમે ધર્મના નામે ઍન્કાઉન્ટર કરો છો. મારો એમના હત્યારાઓને. નહીં મારો, અત્યાર સુધી એક એક પકડાયો છે, નવ ગાયબ છે. નહીં કરો.”
તેમણે કહ્યું, “આ કાયદાની અવગણના થઈ રહી છે. તમે બંધારણનું ઍન્કાઉન્ટર કરવા માગો છો, તમે કમજોરને કમજોર કરવા માગો છો. તો પછી કોર્ટ શા માટે છે... સીઆરપીસી, આઇપીસી શા માટે છે, જજ શા માટે છે.”
બહુજન સમાજ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ કથિત ઍન્કાઉન્ટરની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગ કરી છે.

ઇમેજ સ્રોત, @KPMAURYA1
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ અખિલેશ યાદવના નિવેદન પર પલટવાર કર્યો છે.
ભાજપ ઉત્તર પ્રદેશ ટ્વિટર હૅન્ડલથી લખાયું, “તુષ્ટીકરણના રાજકારણમાં અંધ બની ચૂકેલા અખિલેશ યાદવજીને ગુનેગારોના ઍન્કાઉન્ટરથી અત્યંત પીડા થઈ રહી છે. તેઓ તેમના માટે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. તેમને પીડા થાય જ ને, તેમણે આ અપરાધીઓને ખૂબ લાડકોડથી પાળેલા. ભાજપ સરકારમાં તેમનો ખાતમો થઈ રહ્યો છે.”
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યે પોલીસની ટીમને અભિનંદન પાઠવતાં આને એક ઐતિહાસિક કાર્યવાહી ગણાવી છે. તેમણે કહ્યું, “એસટીએફને અભિનંદન પાઠવું છું. શ્રી ઉમેશ પાલ ઍડ્વોકેટ અને પોલીસજવાનોના હત્યારાઓના આવા જ હાલ થવાના હતા!”
સાથે જ તેમણે કહ્યું, “સમાજવાદી પાર્ટીનું ચરિત્ર ઉત્તર પ્રદેશની જનતા જાણે છે. તેથી સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશની જનતાએ વિદાય આપી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ તેમણે ખિલવી દીધું.”
ઍન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતાં ટીએમસીનાં સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, “અજય બિષ્ટનું બીજું નામ છે મિસ્ટર ઠોક દો. જ્યારે તેઓ સંસદમાં હતા, ત્યારે પણ પોલીસ અને કાનૂની એજન્સીઓને કહેતા ઠોક દો એટલે કે ખતમ કરી દો. કાયદાનું પાલન નહીં કરવાનું. તેમના શાસનકાળ દરમિયાન ઍન્કાઉન્ટરમાં હત્યા થતી રહી છે અને તેની સંખ્યા વધી રહી છે.”

- અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને તેના એક સાથીદારનું ઉત્તર પ્રદેશ પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયાં બાદ કેટલાક વર્ગોમાંથી આવી રહેલી પ્રતિક્રિયાઓને કારણે એક અઘરો સવાલ ઊભો થયો છે
- આ સવાલ છે કે શું ભારતમાં ઍન્કાઉન્ટરને પૉપ્યુલર સપૉર્ટ મળી રહ્યું છે?
- ભારતના જાણીતા વકીલો માને છે કે ઍન્કાઉન્ટરને લોકપ્રિય સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે અને આ વાતને તેઓ ખતરનાક ગણાવે છે
- સમાજની સાથોસાથ આ વાત ન્યાયતંત્ર માટે પણ ખતરનાક હોવાનો મત તેઓ વ્યક્ત કરે છે

એસટીએફનો જવાબ

ઇમેજ સ્રોત, FACEBOOK/SANSAD ATEEQ AHMAD YOUTH BRIDGE/BBC
‘ઍન્કાઉન્ટર’ અંગે ઊઠી રહેલા સવાલો વચ્ચે યુપી એસટીએફના એડીજી અમિતાભ યશે ન્યૂઝ ચેનલ આજતક સાથે વાત કરતાં સવાલોના જવાબ આપ્યા.
તેમણે કહ્યું, “દોઢ મહિનાથી સમગ્ર એસટીએફ પોતાની પૂરી તાકત સાથે આ ગૅંગ પાછળ લાગેલી હતી. ઘણી વાર તક મિસ થઈ, ઘણી વાર અમે તેમની ખૂબ નજીક પહોંચ્યા, પરંતુ અંતે અમે તેમને ટ્રેક કરી લીધા. અમે પડકાર્યા અને તેમને આત્મસમર્પણ કરવાનું કહ્યું. તેમણે ફાયરિંગ કર્યું અને તેનું પરિણામ ભોગવ્યું.”
અમિતાભ યશે કહ્યું, “આજ સુધી એસટીએફનું કોઈ પણ ઍન્કાઉન્ટર ખોટું સાબિત નથી થયું અને આ વખતે પણ ખોટં સાબિત થવાની કોઈ સંભાવના નથી. અમે હંમેશાં કાયદાની મર્યાદામાં રહીને કામ કરીએ છીએ. અમે જાણીએ છીએ કે વિવાદ થશે, કારણ કે માફિયા ગૅંગ પણ વિવાદ ઊભો કરે છે. તેઓ લીગલ સિસ્ટમનો પોતાના લાભ માટે ઉપયોગ કરે છે. એસટીએફ વિરુદ્ધ આ ગૅંગોએ ઘણી વખત રિટ પણ દાખલ કરી છે, પરંતુ એસટીએફ હંમેશાં નિષ્કલંક રહી છે.”
ભારતીય કાયદાની વાત કરીએ તો તેમાં ઍન્કાઉન્ટરને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત નથી કરાયું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રાષ્ટ્રીય માનવાધિકાર કમિશનની ગાઇડલાઇન્સ પોલીસના અસીમિત બળપ્રયોગ વિરુદ્ધ છે.
કાયદાના જાણકાર આવા મામલા ઉઠાવતાં રહ્યા છે, જેમાં પીડિતોને ન્યાય નથી મળ્યો.
પરંતુ ભારતનાં રાજકારણ અને સમાજનો એક વર્ગ ન્યાયિક વ્યવસ્થાથી અલગ અપાતી સજાને પ્રોત્સાહિત કરતો દેખાય છે.
આ પ્રવૃત્તિથી ઘણી વાર કાયદો બિનઅસરકારક બનવાની સ્થિતિ પેદા થવા લાગે છે.
2011માં સુપ્રીમ કોર્ટે નકલી ઍન્કાઉન્ટરને લઈને કહ્યું હતું કે જે પોલીસકર્મીઓ આ કૃત્યમાં સામેલ હોય, તેને મોતની સજા થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના તત્કાલીન જજ જસ્ટિસ માર્કંડેય કાત્જૂ અને જસ્ટિસ સી. કે. પ્રસાદની બેન્ચે કહ્યું હતું કે પોલીસકર્મી કાયદાના રક્ષક હોય છે અને તેમની પાસેથી કાયદાના રક્ષણની અપેક્ષા કરાય છે ના કે કૉન્ટ્રેક્ટ કિલરની જેમ મારી નાખવાની.

જસ્ટિસ કાત્જૂના અધ્યક્ષપણાવાળી બેન્ચે આ ટિપ્પણી રાજસ્થાનના બે સિનિયર આઇપીએસ ઑફિસર અરવિંદ જૈન અને એસ. પી. અરશદને સરેન્ડર કરવાનો નિર્દેશ આપતાં કરી હતી.
તેમના પર વર્ષ 2006માં 23 ઑક્ટોબરના રોજ કથિત ગૅંગસ્ટર દારાસિંહને નકલી ઍન્કાઉન્ટરમાં મારી નાખવાનો આરોપ હતો.
જસ્ટિસ કાત્જૂએ કહ્યું હતું કે, “જો કોઈ સામાન્ય વ્યક્તિ અપરાધ કરે તો દંડ સામાન્ય હોવો જોઈએ પરંતુ જો ગુનો પોલીસવાળો આચરે તો તેને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે તેમનું આ કૃત્ય તેમની ફરજ કરતાં બિલકુલ વિપરીત હતું.”

ગત વર્ષે 26 જુલાઈના રોજ લોકસભામાં પોલીસ ઍન્કાઉન્ટ અંગેના આંકડા રજૂ કરાયા હતા.
આ ડેટા અનુસાર, 2020-21માં કુલ 82 પોલીસ ઍન્કાઉન્ટર થયાં હતાં, જે વર્ષ 2021-22માં વધીને 151 થઈ ગયાં.
2000થી 2017 વચ્ચે એનએચઆરસીએ ઍન્કાઉન્ટરના 1,782 મામલા નકલી હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રીય માનવાધિકાર કમિશનના વાર્ષિક રિપોર્ટ અનુસાર, 2018-19માં પોલીસ ઍન્કાઉન્ટરમાં 164 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
એનએચઆરસીના રિપોર્ટ અનુસાર 2013-14થી 2018-19 સુધી એટલે કે પાંચ વર્ષોમાં પોલીસ ઍન્કાઉન્ટરોમાં ક્રમશ: 137, 188, 179, 169 અને 164 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ રિપોર્ટ અનુસાર, પોલીસ ઍન્કાઉન્ટરથી આ પાંચ વર્ષોમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશમાં થયાં હતાં.

પોલીસ ઍન્કાઉન્ટરને લઈને કાયદો શું છે?

ઇમેજ સ્રોત, ANI
સુપ્રીમ કોર્ટના જાણીતા સિનિયર વકીલ દુષ્યંત દવેએ બીબીસી હિંદીને કહ્યું કે ભારતમાં ઍન્કાઉન્ટરને સામાજિક રીતે કાયદેસર ઠેરવવાની કોશિશ કરાઈ રહી છે અને એ અત્યંત ખતરનાક છે.
દુષ્યંત દવેએ કહ્યું, “જ્યારે આતંકવાદી હુમલો થાય છે, તો એ સ્થિતિમાં ઍન્કાઉન્ટરને યોગ્ય ગણાવી શકાય. અન્ય કોઈ પણ સ્થિતિમાં ઍન્કાઉન્ટરને યોગ્ય ન ઠેરવી શકાય અને આ બધાં ઍન્કાઉન્ટર રાજકારણથી પ્રેરિત હોય છે.”

દવે કહે છે કે, “ન્યાયતંત્ર અને માનવાધિકાર આયોગો ઊંઘમાંથી જાગવા જોઈએ. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો આપણે જાગ્યા નહીં, તો સ્થિતિ હજુ વધુ બગડશે. જો આને ન રોકાયું તો હાલની સરકાર અન્ય કોઈ વર્ગને નિશાને લઈ રહી છે અને આ પછીની સરકાર કોઈ અન્ય વર્ગને નિશાને લેશે. ઍન્કાઉન્ટર આપણા પોલીસતંત્રની નિષ્ક્રિયતા અને ન્યાયતંત્ર પર ઘટતા જતા વિશ્વાસનું પ્રમાણ છે.”
શું ઍન્કાઉન્ટરને ભારતીય સમાજમાં પૉપ્યુલર સપૉર્ટ મળી રહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં દુષ્યંત દવે કહે છે કે, “આ અત્યંત ખતરનાક સ્થિતિ છે અને આવનારા સમયમાં આ બધું ન રોકાયું તો પોલીસદમન વધશે.”
જાણીતા વકીલ અને સ્પેશિયલ પ્રૉસિક્યૂટર રહેલા ઉજ્જવલ નિકમ કહે છે કે ઍન્કાઉન્ટરને સામાજિક રીતે કાયદેસર હોવાનો દરજ્જો અને લોકપ્રિય સમર્થન મળે, એ વાત ન્યાયતંત્ર માટે ખતરનાક હશે.
નિકમ કહે છે કે, “સામાન્ય લોકોમાં એ ભાવના છે કે ગુનેગારો સજા નથી મળતી અને ન્યાયિક જટિલતામાં મામલો ગૂંચવાઈ જાય છે. આવી સ્થિતિમાં ગુનેગારોને સીધા જ મારી નાખવા જોઈએ. આપણી જવાબદારી છે કે આપણે ન્યાય સુનિશ્ચિત કરીએ, નહીં તો ઍન્કાઉન્ટરને લઈને લોકપ્રિય સમર્થન વધશે.”
ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઇપીસીના સેક્શન 100 અનુસાર, હુમલાખોરથી જીવનો ખતરોની સ્થિતિમાં આત્મરક્ષણનો અધિકાર છે.
આઇપીસીના સેક્શન 97 અતંર્ગત આત્મરક્ષણ હેઠળ બળપ્રયોગ કરી શકાય છે, પરંતુ માત્ર આવું એ જ સ્થિતિમાં કરી શકાય જ્યારે એવું લાગે કે હુમલાખોરના હુમલામાં મૃત્યુ નીપજી શકે છે.
આવી સ્થિતિમાં પોલીસની કાર્યવાહીને કાનૂની કવચ મળેલ છે.
આ સિવાય કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર એટલે કે સીઆરપીસીના સેક્શન 46 અંતર્ગત આરોપીની ધરપકડ સમયે જો એ જીવલેણ હુમલો કરવાનો હોય તો પોલીસ બળપ્રયોગ કરી શકે છે.
જો આવી કોઈ સ્થિતિ ન હોય અને પોલીસ અમુક વ્યક્તિને ઍન્કાઉન્ટરના નામે મારે, તો તેના મૃત્યુની જવાબદારી પોલીસની હશે.
એ મામલાની તપાસ થશે અને તપાસના આધારે નિર્ણય લેવાશે.














