'હું મૃતદેહ નહીં લઉં, STFએ ખોટું નથી કર્યું', ઍન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અસદના સાથીનાં માતા

ગુલામનાં માતા ખુશનુદા અને ભાઈ રાહિલ

ઇમેજ સ્રોત, ANI_HindiNews/Twitter

ઇમેજ કૅપ્શન, ગુલામનાં માતા ખુશનુદા અને ભાઈ રાહિલ

“તમે કોઈને મારીને ખોટું કર્યું અને હવે જ્યારે તમારી વાત આવી તો અમે એ વાતને ખોટી કઈ રીતે ઠેરવીએ? હું મૃતદેહ નહીં લઉં. અમારા હિસાબે યુપી એસટીએફે ખોટું નથી કર્યું. તેની પત્નીનો તેના પર હક છે, હું તેને ના ન પાડી શકું. હું મારી જવાબદારી લઉં છું. હું મૃતદેહ નહીં લઉં.”

ગુરુવારે બપોરે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના એક ઍન્કાઉન્ટરમાં અસદ અહમદ સાથે તેના સાથીદાર ગુલામ મોહમ્મદના મૃત્યુ બાદ તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડતાં ગુલામનાં માતા ખુશનુદાએ આ વાત કહી હતી.

નોંધનીય છે કે અસદ અને ગુલામ બંને ઉત્તર પ્રદેશના વકીલ ઉમેશ પાલની હત્યા કેસમાં વૉન્ટેડ આરોપી હતા.

પોલીસ દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર ઝાંસી પાસે થયેલા ઍન્કાઉન્ટરમાં બંને મોટરસાઇકલ પર અવરજવર કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને આત્મસમર્પણ માટે કહેતાં થયેલા ઘર્ષણ અને ગોળીબારમાં તેમનાં મૃત્યુ થયાં હતાં.

પોલીસે આપેલી જાણકારી અનુસાર અસદ અહમદ અને ગુલામ મોહમ્મદના મૃતદેહો પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યાં હતાં.

અસદ અહમદ સાથે મૃત્યુ પામેલ ગુલામ મોહમ્મદ પર ‘શૂટર’ હોવાનો આરોપ હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર અસદ અહમદ અને ગુલામ મોહમ્મદ હથિયારો સાથે આ કેસના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ બાહુબલી નેતા અતીક અહમદને પોલીસ જાપ્તામાંથી છોડાવવાનું કાવતરું રચી રહ્યા હતા.

ગ્રે લાઇન

માતા-ભાઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

ગુલામનાં માતા અને ભાઈ

ઇમેજ સ્રોત, ANI_HindiNews

સમાચાર એજન્સી એએનઆઇ હિંદી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુલામનાં માતાએ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે જેટલા પણ ગંદાં કામ કરનારા છે તેઓ જીવનભર યાદ રાખશે.

તેમના પુત્ર અતીક માટે કામ કરતા હોવાની વાત અંગે પ્રશ્ન પુછાતાં માતા ખુશનુદાએ કહ્યું કે, “એ સારો છોકરો હતો. બે-ત્રણ મહિનાથી તેને કોણ લઈ ગયું, કોણે તેને ફોસલાવ્યો એ ખબર નથી. અમે કોઈનું નામેય ન લઈ શકીએ. પરંતુ તેને કોઈ ફોસલાવીને લઈ ગયું છે. આ એટલું ખરાબ કૃત્ય હતું કે તેના જીવન સાથે રમત રમાઈ ગઈ અને અમારું જીવન ખરાબ થઈ ગયું.”

જ્યારે તેમને દીકરાના મૃતદેહને ન લઈ જવાના તેમના નિર્ણય અંગે પુછાયું તો તેમણે કહ્યું કે, “અમે નહીં લઈએ. એની પત્ની અમારાથી અલગ છે. એને અમે રોકી ન શકીએ. પરંતુ અમે નહીં લઈએ.”

ગુલામનાં માતા સાથે ગુલામના ભાઈ રોહિલ પણ હતા, જેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતાં પોતાનાં માતાની મૃતદેહ ન સ્વીકારવાની વાત પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “સરકાર તરફથી કરાયેલી ઍન્કાઉન્ટરની કાર્યવાહી બરોબર છે. તેણે ખૂબ જઘન્ય કાર્ય કર્યું છે, જેનું અમે સમર્થન નથી કરતા. અમે તેનો મૃતદેહ લેવા નહીં જઈએ. અમે થાનાધ્યક્ષને પોતાની વાત જણાવી દીધી છે. જો કોઈ આ પ્રકારનું કાર્ય કરે તો તમે તેનું સમર્થન કઈ રીતે કરી શકો?”

બીબીસી ગુજરાતી
  • અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને તેના સાથીદાર ગુલામ મોહમ્મદનાં ગુરુવારે પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયાં હતાં
  • ગુલામ મોહમ્મદનાં માતા અને ભાઈએ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી
  • બંનેએ કહ્યું હતું કે, ‘તેણે જઘન્ય કામ કર્યું છે’
  • અસદ અહમદ અને ગુલામ મોહમ્મદ પર વકીલ ઉમેશ પાલની હત્યાનો આરોપ હતો, પોલીસના સકંજાથી દૂર રહેલા આ આરોપીઓ પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું
બીબીસી ગુજરાતી

પોલીસે કઈ રીતે કર્યું ઍન્કાઉન્ટર?

અસદ અહમદ

ઇમેજ સ્રોત, UP POLICE HANDOUT

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુપી પોલીસના સ્પેશિયલ ડીજી, લૉ ઍન્ડ ઑર્ડર, પ્રશાંત કુમારે પત્રકારપરિષદમાં તેમની ટીમે 'ઍન્કાઉન્ટર ' કર્યું એ અંગે જણાવ્યું છે.

પોલીસનો દાવો છે કે બપોરે મળેલી સૂચના બાદ તેમણે પગલાં લીધાં હતાં.

પ્રશાંત કુમારે કહ્યું, "આજે લગભગ સાડા બારથી એકની વચ્ચે સૂચનાના આધારે કેટલાક લોકોને ઇન્ટરસેપ્ટ કર્યા હતા. એ દરમિયાન બન્ને તરફથી ગોળીઓ ચાલી. ઑપરેશનમાં બન્ને તરફથી ગોળીઓ ચાલી અને અમારી એસટીએફની ટીમ હતી."

"આ અથડામણમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરનારા બે લોકો ઘાયલ થયા અને બાદમાં એમનાં મૃત્યુ થઈ ગયાં. મૃતકોની ઓળખ અસદ અહમદ અને ગુલામના રૂપે થઈ છે."

તેમણે ઉમેર્યું, "આ યુપી પોલીસ અને એસટીએફ માટે જરૂરી કેસ હતો કેમ કે એક કેસમાં પોલીસે જેને સુરક્ષા પ્રદાન કરી હતી એવા સાક્ષીની હત્યા કરી દેવાઈ હતી."

ઑપરેશન અંગે વિગતો આપતાં ગુરુવારે બપોરે પ્રશાંતકુમાર અને યુપી એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું કે, “યુપી એસટીએફ 24 ફેબ્રુઆરીના રોઝ થયેલા શૂટઆઉટના વૉન્ટેડ આરોપીઓને ટ્રેક કરીને ઇન્ટેલિજન્સ એકઠી કરી રહી હતી. પોલીસને માહિતી મળી કે અસદ અને ગુલામ અતીક અહમદ અને તેના ભાઈ અશરફને સાબરમતી (ગુજરાત)થી બરેલી (યુપી)ની જેલમાં લાવનાર પોલીસ જાપ્તા પર હુમલો કરી તેને પોલીસ સંકજામાંથી છોડાવવા માટે તૈયારી કરી રહ્યા હતા.”

આ દરમિયાન એસટીએફની ટીમને અસદ અને ગુલામ ઝાંસીમાં હોવાની માહિતી મળી.

તેમણે કહ્યું કે, “ટીમને બંને આરોપીઓ હથિયાર સાથે બાઇક પર અવરજવર કરી રહ્યા હોવાની વાત જાણવા મળી. એસટીએફની ટીમ બંને આરોપીઓને પરીછા તટબંધ રોડ પાસે બપોરના 12.45થી એક વાગ્યા વચ્ચે ટ્રેક કરવામાં સફળ રહી. તેમનો પીછો કરતી વખતે તેમને આત્મસમર્પણ કરવા જણાવાયું. જોકે, બંનેએ ફાયરિંગ કરવાનું અને સ્થળ પરથી ભાગવાની કોશિશ કરવાનું શરૂ કરી દીધું. પ્રતિક્રિયાના ભાગસ્વરૂપે એસટીએફની ટીમે પણ ફાયરિંગ કર્યું. બંનેને ગોળીઓ વાગી અને સ્થળ પર જ તેમનાં મૃત્યુ થયાં. એસટીએફને આરોપીઓના મૃતદેહો પાસેથી વિદેશી બનાવટની 7.62 બોરની પિસ્તોલ અને .455 બોરની રિવોલ્વર મળી આવી.”

બીબીસી ગુજરાતી

ઉમેશ પાલ મર્ડર કેસ

ઉમેશ પાલ (ડાબે), રાજુ પાલ (જમણે)

ઇમેજ સ્રોત, PRABHAT VERMA AND PUJA PAL

24 ફેબ્રુઆરી 2023ના રોજ ઉમેશ પાલ પર કોર્ટમાંથી પાછા ફરતી વખતે હુમલો થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ઉમેશ પાલ જ્યારે પોતાના ઘર પાસે પહોંચ્યા એ જ સમયે બદમાશોએ પહેલાં તો તેમની કાર પર ગોળીઓ ચલાવી.

પછી જ્યારે ઉમેશ પોતાના ગનર સાતે ઘર તરફ ભાગ્યા ત્યારે બદમાશોએ તેમના પર બે બૉમ્બ ઝીંક્યા.

ઘટના સમયે ઉમેશ પાલ અને તેમના બે ગનરનાં મૃત્યુ થયાં હતાં.

ઉમેશ પાલ વર્ષ 2005માં બીએસપીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ સમાચારોમાં છવાઈ ગયા જ્યારે તેમને રાજુ પાલની હત્યા મામલામાં મુખ્ય સાક્ષી બનાવાયા.

આ હત્યા બાદ ઉમેશ પાલનાં પત્ની જયા પાલે અતીક અહમદ તેમના ભાઈ અશરફ, અસદ, ગુલામ અને અન્યો પર ગુનો નોંધાવ્યો હતો.

આ ઍન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપતાં જયા પાલે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને પોલીસતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન