મુલાયમસિંહ યાદવઃ રાજકારણના એ અઠંગ ખેલાડી જેમણે ઘણી સરકાર બનાવી અને પાડી

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
કહેવાય છે કે મુલાયમસિંહ યાદવની યુવાનીના દિવસોમાં જો એમનો હાથ એમના પ્રતિસ્પર્ધકની કમર સુધી પહોંચી જતો તો ભલે ને સામેવાળો ગમે તેટલો ઊંચો પડછંદ હોય, એની તાકાત નહોતી કે તે પોતાની જાતને એમની પકડમાંથી છોડાવી શકે.
આજે પણ એમના ગામના લોકો એમના 'ચરખા દાવ'ને નથી ભૂલ્યા, જ્યારે તેઓ પોતાના હાથનો ઉપયોગ કર્યા વિના જ પહેલવાનને હરાવી દેતા હતા.
મુલાયમસિંહ યાદવના કાકાના દીકરા ભાઈ પ્રૉફેસર રામગોપાલે એક વાર બીબીસીને જણાવેલું, "અખાડામાં જ્યારે મુલાયમની કુસ્તી એના અંતિમ ચરણમાં પહોંચતી ત્યારે અમે પોતાની આંખો બંધ કરી દેતા હતા. અમારી આંખો ત્યારે જ ખૂલતી જ્યારે ભીડમાંથી અવાજ આવતો, "થઈ ગઈ, થઈ ગઈ" અને અમને ખબર પડી જતી કે અમારા ભાઈએ સામેવાળા પહેલવાનને પટકી દીધો છે."
અધ્યાપક બન્યા પછી મુલાયમે કુસ્તી લડવાનું છોડી દીધું હતું. પરંતુ પોતાના જીવનના અંતિમ સમય સુધી તેઓ પોતાના ગામ સૈફઈમાં કુસ્તીસ્પર્ધા (દંગલ)નું આયોજન કરાવતા રહ્યા.
પરંતુ ઉત્તર પ્રદેશ પર ધ્યાન રાખનારા ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કુસ્તીના આ ગુણના લીધે જ, રાજકારણમાં એમની કશી પૃષ્ઠભૂમિ નહોતી છતાં, મુલાયમ રાજકારણના અખાડામાં પણ એટલા જ સફળ રહ્યા.
મુલાયમસિંહની પ્રતિભાને સૌથી પહેલાં પ્રજા સોશિયલિસ્ટ પાર્ટીના એક નેતા નાથુસિંહે ઓળખી હતી, જેમણે 1967ની ચૂંટણીમાં જસવંતનગર વિધાનસભા સીટ પર એમને ટિકિટ અપાવી હતી.
એ વખતે મુલાયમની ઉંમર માત્ર 28 વર્ષ હતી અને તેઓ રાજ્યના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરના ધારાસભ્ય બન્યા હતા. ધારાસભ્ય બન્યા પછી એમણે પોતાનો એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
1977માં જ્યારે રામનરેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં જનતા પાર્ટીની સરકાર બની ત્યારે મુલાયમસિંહને સહકારિતા મંત્રી બનાવાયા. એ વખતે એમની ઉંમર હતી માત્ર 38 વર્ષ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મુખ્યમંત્રીની રેસમાં અજિતસિંહને હરાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ચૌધરી ચરણસિંહ મુલાયમસિંહને પોતાના રાજકીય વારસ અને પોતાના પુત્ર અજિતસિંહને પોતાના કાયદેસરના વારસ ગણાવ્યા કરતા હતા.
પરંતુ જ્યારે પોતાના પિતા ગંભીર રીતે બીમાર પડ્યા પછી અજિતસિંહ અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે એમના સમર્થકોએ એમના પર દબાણ કર્યું કે તેઓ પાર્ટીના અધ્યક્ષ બની જાય.
ત્યાર બાદ મુલાયમસિંહ અને અજિતસિંહમાં પ્રતિસ્પર્ધા વધી. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનવાની તક મુલાયમસિંહને મળી.
5 ડિસેમ્બર, 1989એ એમને લખનૌના કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં મુખ્ય મંત્રી પદના સોગંદ લેવડાવાયા અને મુલાયમે ગળગળા સાદે કહેલું, "લોહિયાનું ગરીબના પુત્રને મુખ્ય મંત્રી બનાવવાનું જૂનું સપનું સાકાર થઈ ગયું છે."

'એક ચકલુંયે ફરકી નહીં શકે'

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય મંત્રી બનતાંની સાથે જ મુલાયમસિંહે ઉત્તર પ્રદેશમાં ઝડપથી આગળ વધી રહેલી ભારતીય જનતા પાર્ટીનો મજબૂતીથી સામનો કરવાનો નિર્ણય કર્યો.
એ જમાનામાં એમના દ્વારા કહેવાયેલા એક વાક્ય "બાબરી મસ્જિદ પર એક ચકલુંયે ફરકી નહીં શકે"-એ એમને મુસલમાનોની ઘણા નજીક લાવી લીધા.
એટલું જ નહીં, જ્યારે 2 નવેમ્બર, 1990એ કારસેવકોએ બાબરી મસ્જિદ તરફ આગળ વધવાની કોશિશ કરી તો એમના પર પહેલાં લાઠીચાર્જ, પછી ગોળીબાર થયા, જેમાં એક ડઝનથી વધારે કારસેવક મૃત્યુ પામ્યા. આ ઘટના પછી જ ભાજપના સમર્થકો મુલાયમસિંહને 'મૌલાના મુલાયમ' કહેવા લાગ્યા.
4 ઑક્ટોબર, 1992એ એમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી. એમને લાગ્યું કે તેઓ એકલા ભારતીય જનતા પાર્ટીના વધતા જતા ગ્રાફને અટકાવી નહીં શકે.
તેથી એમણે કાંશીરામની બહુજન સમાજ પાર્ટી સાથે ચૂંટણીલક્ષી જોડાણ કર્યું. કાંશીરામ સાથે એમની મુલાકાત દિલ્હીની અશોક હોટલમાં ઉદ્યોગપતિ જયંત મલ્હોત્રાએ કરાવી હતી.
1993માં થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એમની પાર્ટીને 260માંથી 109 અને બહુજન સમાજ પાર્ટીને 163માંથી 67 સીટ મળી હતી. ભારતીય જનતા પાર્ટીને 177 સીટથી સંતોષ માનવો પડ્યો હતો અને મુલાયમસિંહે કૉંગ્રેસ અને બીએસપીના સમર્થનથી રાજ્યમાં બીજી વાર મુખ્ય મંત્રી પદના સોગંદ લીધા હતા.

મુલાયમસિંહ યાદવની રાજકીય સફર
•1967માં પહેલી વાર ઉત્તર પ્રદેશના જસવંતનગરથી ધારાસભ્ય બન્યા
•1996 સુધી મુલાયમસિંહ યાદવ જસવંતનગરના ધારાસભ્ય રહ્યા
•1989માં તેઓ પહેલી વાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા
•1993માં બીજી વાર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા
•1996માં મુલાયમસિંહ યાદવ પહેલી વાર મૈનપુરીથી લોકસભાની ચૂંટણી લડ્યા
•1996થી 1998 સુધી તેઓ યુનાઇટેડ ફ્રન્ટની સરકારમાં સુરક્ષામંત્રી રહ્યા
•ત્યાર બાદ મુલાયમસિંહ યાદવ સંભલ અને કનોજથી પણ લોકસભાની ચૂંટણી જીત્યા
•2003માં ફરી એક વાર મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા
•મુલાયમસિંહ યાદવ 2007 સુધી યુપીના સીએમ રહ્યા
•દરમિયાનમાં, 2004માં તેઓ લાકસભાની ચૂંટણી પણ જીત્યા, પરંતુ પાછળથી રાજીનામું (ત્યાગપત્ર) આપી દીધું
•2009માં તેઓ મૈનપુરીથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા
•2014માં મુલાયમસિંહ યાદવ આઝમગઢ અને મૈનપુરી એમ બે જગ્યાએથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા
•પછીથી તેમણે મૈનપુરીની સીટ છોડી દીધી
•2019માં તેઓ ફરી એક વાર મૈનપુરીથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા

જ્યારે કાંશીરામે મુલાયમને ચાર કલાક રાહ જોવડાવી

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ ગઠબંધન બહુ દિવસ ના ચાલ્યું, કેમ કે બહુજન સમાજ પાર્ટીએ પોતાના ગઠબંધન સહયોગી સમક્ષ ઘણી બધી માગો મૂકી.
માયાવતી મુલાયમનાં કાર્યોને ઝીણવટથી જોતાં હતાં અને જ્યારે પણ એમને તક મળે ત્યારે એમને સાર્વજનિક રીતે શરમમાં મૂકવાનું ચૂકતાં નહીં. થોડા દિવસ પછી કાંશીરામે પણ મુલાયમસિંહ યાદવની અવગણના કરવાનું શરૂ કરી દીધું.
ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રહેલા ટીએસઆર સુબ્રમણ્યમે પોતાના પુસ્તક 'જર્નીઝ થ્રૂ બાબુડમ ઍન્ડ નેતાલૅન્ડ'માં લખ્યું છે, "એક વાર કાંશીરામ લખનૌ આવ્યા અને સર્કિટ હાઉસમાં રોકાયા. પહેલાંથી સમય લઈને મુલાયમસિંહ એમને મળવા ગયા. એ સમયે કાંશીરામ પોતાના રાજકીય સહયોગીઓની સાથે મંત્રણા કરી રહ્યા હતા. એમના સ્ટાફે મુલાયમને કહ્યું કે તેઓ બાજુના ઓરડામાં બેસીને કાંશીરામ કામમાંથી ફ્રી થાય એની રાહ જુએ."
"કાંશીરામની બેઠક બે કલાક સુધી ચાલી. જ્યારે કાંશીરામના સહયોગી બહાર નીકળ્યા ત્યારે મુલાયમે માન્યું કે હવે એમને અંદર બોલાવાશે. પરંતુ એવું કશું ના થયું. એક કલાક પછી જ્યારે મુલાયમે પૂછ્યું કે અંદર શું ચાલી રહ્યું છે, તો એમને જણાવાયું કે કાંશીરામ દાઢી કરે છે અને ત્યાર બાદ તેઓ સ્નાન કરશે. મુલાયમ બહાર રાહ જોતા રહ્યા. દરમિયાનમાં કાંશીરામ થોડું સૂઈ પણ ગયા. ચાર કલાક પછી તેઓ મુલાયમસિંહને મળવા બહાર આવ્યા."
"ત્યાં ઉપસ્થિત મારી ઓળખાણવાળા લોકોનું કહેવું છે કે એ વાતની તો ખબર નથી કે એ બેઠકમાં શું થયું પરંતુ એ સ્પષ્ટ હતું કે જ્યારે મુલાયમ ઓરડામાંથી બહાર નીકળ્યા ત્યારે એમનો ચહેરો લાલ હતો. કાંશીરામે પણ એવું યોગ્ય ના માન્યું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને બહાર એમની કાર સુધી વિદાય આપવા જાય."
એ જ સાંજે કાંશીરામે ભાજપના નેતા લાલજી ટંડનનો સંપર્ક કર્યો અને થોડા દિવસ પછી બહુજન સમાજ પાર્ટીએ સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું.
એની પહેલાં બીજી જૂને જ્યારે માયાવતી લખનૌ આવ્યાં ત્યારે મુલાયમના સમર્થકોએ રાજ્ય ગેસ્ટ હાઉસમાં માયાવતી પર હુમલો કર્યો અને એમને અપમાનિત કરવાની કોશિશ કરી.
ત્યાર બાદ આ બંને વચ્ચે જે અંતર ઊભું થયું એને બે દાયકા કરતાં પણ વધારે સમય સુધી પૂરી ના શકાયું.

મુલાયમસિંહ અને અમરસિંહની દોસ્તી

ઇમેજ સ્રોત, Getty Images
29 ઑગસ્ટ, 2003ના રોજ મુલાયમસિંહ યાદવે ત્રીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી પદના શપથ લીધા.
મુલાયમે અમરસિંહને રાજ્યસભાની ટિકિટ આપી દીધી અને પછીથી એમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવી દીધા. જેના કારણે પાર્ટીના ઘણા મોટા નેતાઓએ, જેમાં બેનીપ્રસાદ વર્મા પણ સામેલ હતા, મુલાયમસિંહ યાદવથી અંતર ઊભું કરી લીધું.
એક વાર બીબીસી સાથે વાત કરતાં બેનીપ્રસાદ વર્માએ કહેલું, "હું મુલાયમસિંહને ખૂબ પસંદ કરતો હતો. એક વાર, રામનરેશ યાદવને હઠાવાયા પછી, મેં ચરણસિંહને મુલાયમસિંહ યાદવને મુખ્ય મંત્રી બનાવવાની ભલામણ કરી હતી. પરંતુ ચરણસિંહ મારી સલાહથી હસીને બોલ્યા હતા, આટલા નાના કદના માણસને કોણ પોતાના નેતા માનશે. ત્યારે મેં એમને કહેલું, નેપોલિયન અને લાલબહાદુર શાસ્ત્રી પણ નાના કદના હતા. જ્યારે તેઓ નેતા બની શકે છે તો મુલાયમ કેમ નહીં. ચરણસિંહે મારા તર્કનો સ્વીકાર નહોતો કર્યો."

વડા પ્રધાન પદ પર આવતાં રહી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
મુલાયમસિંહ યાદવ 1996માં યુનાઇટેડ ફ્રન્ટની સરકારમાં સુરક્ષામંત્રી બન્યા. વડા પ્રધાનના પદ પરથી દેવેગૌડાએ રાજીનામું આપ્યા બાદ તેઓ ભારતના વડા પ્રધાન બનતાં બનતાં રહી ગયા.
શેખર ગુપ્તાએ ઇન્ડિયન એક્સપ્રેસના 22 સપ્ટેમ્બર, 2012ના અંકમાં 'મુલાયમ ઇઝ ધ મોસ્ટ પૉલિટિકલ' લેખમાં લખ્યું, "નેતૃત્વ માટે આંતરિક મતદાનમાં મુલાયમસિંહ યાદવે જીકે મૂપનારને 120-20ના તફાવતથી હરાવી દીધા હતા."
"પરંતુ એમના પ્રતિસ્પર્ધક બે યાદવો લાલુ અને શરદે એમના માર્ગમાં અડચણો ઊભી કરી અને એમાં ચંદ્રબાબુ નાયડુએ પણ એમને સાથ આપ્યો, જેના કારણે મુલાયમને વડા પ્રધાનનું પદ ના મળી શક્યું. જો એમને એ પદ મળ્યું હોત તો તેઓ ગુજરાલ કરતાં ઘણા વધારે સમય સુધી ગઠબંધનને જાળવી રાખત."

વિશ્વસનીયતા સામે સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રાજકારણમાં ક્યારેય મુલાયમસિંહને ભરોસાપાત્ર સહયોગી નથી મનાયા. ચંદ્રશેખર આખું જીવન એમના નેતા રહ્યા પરંતુ જ્યારે 1989માં વડા પ્રધાનની પસંદગીની વાત આવી ત્યારે એમણે વિશ્વનાથ પ્રતાપ સિંહને સમર્થન આપ્યું.
થોડા દિવસો પછી જ્યારે વીપી સિંહ પરનો એમનો મોહ ભાંગી ગયો ત્યારે એમણે ફરીથી ચંદ્રશેખરનો હાથ પકડી લીધો.
ઈ.સ. 2002માં જ્યારે એનડીએએ રાષ્ટ્રપતિ પદ માટે એપીજે અબ્દુલ કલામનું નામ રજૂ કર્યું ત્યારે વામપંથી દળોએ એમનો વિરોધ કરતાં કૅપ્ટન લક્ષ્મી સહેગલને એમની સામે ઉતાર્યાં.
મુલાયમે છેલ્લા સમયે વામપંથીઓને આપેલું સમર્થન છોડીને કલામની ઉમેદવારી પર પોતાની મહોર મારી દીધી.
ઈ.સ. 2008માં પણ જ્યારે પરમાણુ સમજૂતીના મુદ્દે લેફ્ટે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું ત્યારે મુલાયમે એમને સાથ ન આપતાં સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો, જેના કારણે મનમોહન સિંહની સરકાર બચી ગઈ.
2019ની સામાન્ય ચૂંટણીમાં પણ એમણે ઘણા રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી દીધા, જ્યારે એમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરી એક વાર વડા પ્રધાન બને.

સોનિયા ગાંધીને ના પાડવા પાછળની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
1998માં અટલ બહારી વાજપેયીની સરકાર પડી ગયા પછી મુલાયમસિંહે કૉંગ્રેસને કહ્યું તે તેઓ તેમને સમર્થન આપશે.
એમના આવા આશ્વાસન પછી જ સોનિયા ગાંધીએ કહેલું કે એમની પાસે 272 લોકોનું સમર્થન છે. પરંતુ પછીથી તેઓ એમાંથી ફરી ગયા અને સોનિયા ગાંધીની ઘણી નાલેશી થઈ.
લાલકૃષ્ણ અડવાણીએ આત્મકથા 'માય કન્ટ્રી, માય લાઇફ'માં આ પ્રકરણનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, "22 એપ્રિલની મોડી રાત્રે મારા પર જ્યોર્જ ફર્નાન્ડિઝનો ફોન આવ્યો. એમણે મને કહ્યું, લાલજી મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. સોનિયા ગાંધી સરકાર નહીં બનાવી શકે. એમણે કહ્યું કે વિપક્ષના એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ તમને મળવા માગે છે. પરંતુ આ બેઠક ન તો તમારા ઘરે થઈ શકે કે ન મારા ઘરે. આ બેઠક જયા જેટલીના સુજાનસિંહ પાર્કના ઘરે થશે. જયા તમને પોતાની કારમાં લેવા આવશે."
અડવાણીએ આગળ લખ્યું છે, "જ્યારે હું જયા જેટલીના ઘરે પહોંચ્યો તો ત્યાં ફર્નાન્ડિઝ અને મુલાયમસિંહ યાદવ પહેલાંથી જ હાજર હતા. ફર્નાન્ડિઝે કહ્યું, 'આપણા મિત્રનું વચન છે કે એમની પાર્ટીના 20 સભ્ય કોઈ પણ હાલતમાં સોનિયા ગાંધીને વડા પ્રધાન બનાવવાની ઝુંબેશને સમર્થન નહીં આપે.' મુલાયમસિંહ યાદવે ફર્નાન્ડિઝે કહેલી વાતનો પુનરુચ્ચાર કર્યો કે 'તમારે પણ મને એક વચન આપવું પડશે કે તમે ફરીથી સરકાર બનાવવાનો દાવો નહીં કરો. હું ઇચ્છું છું કે ફરીથી ચૂંટણી થાય.' એ માટે હું તરત જ સંમત થઈ ગયો."
બે લગ્ન કર્યાં હતાં મુલાયમસિંહ યાદવે

ઇમેજ સ્રોત, ANI
1957માં મુલાયમસિંહ યાદવનાં લગ્ન માલતીદેવી સાથે થયાં. 2003માં એમના દેહાવસાન પછી મુલાયમસિંહ યાદવે સાધના ગુપ્તા સાથે બીજાં લગ્ન કર્યાં. આ સંબંધને ઘણા દિવસો સુધી છૂપો રખાયો અને લગ્નમાં પણ ખૂબ નજીકના લોકો જ હાજર રહ્યા.
લોકોને આ લગ્ન વિશે પહેલી વાર ત્યારે ખબર પડી જ્યારે મુલાયમસિંહ યાદવે આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું કે એમને બીજી એક પત્ની છે.
જ્યારે મુલાયમે 2003માં સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યાં ત્યારે પહેલી પત્નીથી એમના પુત્ર અખિલેશ યાદવનાં માત્ર લગ્ન જ નહોતાં થઈ ચૂક્યાં, બલકે એમને એક બાળક પણ થઈ ચૂક્યું હતું.

પરિવારવાદ આગળ ધપાવવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
મુલાયમસિંહ યાદવ પર પરિવારવાદને આગળ ધપાવવાના આરોપ પણ થયા. 2014ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કુલ પાંચ સીટ મળી અને તે પાંચે પાંચ સાંસદ યાદવ પરિવારના સભ્ય હતા.
2012ની વિધાનસભા જીત્યા પછી એમણે પોતાના પુત્ર અખિલેશ યાદવને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. પરંતુ મુલાયમ દ્વારા સરકારને 'રિમોટ કન્ટ્રોલ'થી ચલાવવાના આરોપોની વચ્ચે અખિલેશ 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા.
ચૂંટણીના થોડાક દિવસો પહેલાં અખિલેશે એમને પાર્ટીના અધ્યક્ષપદેથી હઠાવી દીધા. મુલાયમે ચૂંટણીપ્રચારમાં ભાગ ન લીધો અને હારનાં માછલાં પોતાના પુત્રના માથે ધોતાં કહ્યું કે, "અખિલેશે મને અપમાનિત કર્યો છે. જો પુત્ર પિતા પ્રતિ વફાદાર ન હોય તો તે કોઈનો પણ ના થઈ શકે."
મુલાયમની ઇચ્છાની વિરુદ્ધ અખિલેશ માયાવતી સાથે મળીને 2019ની લોકસભાની ચૂંટણી લડ્યા. એક વર્ષ પહેલાં સુધી આ ગઠબંધનની કલ્પના પણ નહોતી કરી શકાતી.
એ જુદી વાત છે કે આ ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો અને થોડા દિવસોમાં જ આ ગઠબંધન પણ તૂટી ગયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













