Narendra Modi : ગુજરાતનો એ ભૂકંપ જેણે નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવી દીધા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
બીજી ઑક્ટોબર 2001. ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપના આંચકાએ જાણે ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલની ખુરશીના પાયા પણ હચમચાવી દીધા હતા.
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી નવસો કિલોમિટર દૂર દેશની રાજધાની દિલ્હીમાં આ ખુરશીને બચાવી લેવા માટે સોકટી ભરાઈ રહી હતી, પણ તે કેશુભાઈ પટેલને ફળવાની નહોતી.
નરેન્દ્ર મોદી એ વખતે ભાજપના મહામંત્રી હતા, તેમની પર વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો ફોન આવ્યો અને પૂછ્યું, 'ક્યાં છો?'
નરેન્દ્ર મોદીએ જવાબ વાળ્યો, 'હું સ્મશાનમાં છું.'
વાજપેયી હસ્યા અને કહ્યું કે 'તમે સ્મશાનમાં છો, હું હવે શું વાત કરું. પાછા ક્યારે આવશો?'
નરેન્દ્ર મોદી એ વખતે આજ તકના કૅમેરામૅન ગોપાલ બિષ્ટની અંતિમવિધિમાં હાજરી આપવા સ્મશાન પહોંચ્યા હતા, જેમનું કૉંગ્રેસ નેતા માધવરાવ સિંધિયા સાથે પ્લેન-અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
નરેન્દ્ર મોદી સ્મશાનેથી પાછા આવ્યા અને વાજપેયીએ તેમને ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ સોંપ્યું. આ ઘટનાક્રમનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં પણ કર્યો છે.

2001માં જ્યાં કેશુભાઈ પટેલ હતા, ત્યાં જ આજે નરેન્દ્ર મોદી?

ઇમેજ સ્રોત, Getty Images
કેશુભાઈ પટેલે એ વખતે પાર્ટીના નેતૃત્વ સમક્ષ રાજીનામાની સાથે પોતાની રાજકીય કારકિર્દી સોંપી દીધી અને એમના રાજકીય વનવાસના દિવસો ગણાવા લાગ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેન્દ્ર મોદીને એ આપદાએ ગુજરાતના મુખ્ય મંત્રીની ખુરશી સુધી પહોંચાડી દીધા હતા, પણ હવે તારીખિયામાં વીસ વર્ષ વીતી ગયાં છે.
26 મે 2021, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન થયા એ વાતને સાત વર્ષ થઈ ગયાં છે.
દેશના માથે કોરોના વાઇરસ મહામારીની આપદા છે અને સ્થિતિ બદથી બદતર થઈ એની માટે મોદી સરકારની ટીકા થઈ રહી છે.

કોરોના મહામારીમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી કે વધી?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
કોરોનાકાળમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ભારેખમ ઘટી હોવાનો અહેવાલો સતત આવી રહ્યા છે અને લોકપ્રિયતાનું રેટિંગ ઘટ્યું છે એટલું જ નહીં પણ તળિયે આવી ગયું છે.
કેટલાક વિશ્લેષકો માને છે કે નરેન્દ્ર મોદીની આજની સ્થિતિ કેશુભાઈ પટેલની 2001ની સ્થિતિ જેવી જ થઈ છે અને એક આપદા બાદ મુખ્ય મંત્રી બનેલા નરેન્દ્ર મોદીના કોરોનાકાળમાં વળતાં પાણી થયાં છે.
જોકે એક તરફ જ્યાં મે 2021 સુધીમાં દેશ અને વિશ્વના મીડિયામાં નરેન્દ્ર મોદીનું રેન્કિંગ ઘટ્યું હોવાની વાત થતી હતી, ત્યાં થોડા મહિનાઓ પહેલાં 2021ની શરૂઆતમાં કંઈક અલગ જ દાવો થતો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
જાન્યુઆરી 2021માં ભાજપે કરેલો દાવો કંઈક જુદો છે, અમેરિકન સંસ્થા મૉર્નિંગ ફર્મના રિપોર્ટના ટાંકતાં કહ્યું હતું કે આવા કપરા સમયમાં પણ નરેન્દ્ર મોદી વિશ્વના નં.1 નેતા છે.
ભાજપના અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાએ ટ્વીટ કર્યું હતું, "મોદીના નેતૃત્વવાળી સરકાર સત્તામાં આવી ત્યારથી સરકારમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દેશમાં યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે એવી શ્રદ્ધા પણ વધી છે."
તેઓ આ અમેરિકન સંસ્થાના રેટિંગ સંદર્ભે લખે છે, "એમનું (નરેન્દ્ર મોદીનું) સબળ નેતૃત્વ અને મહેનતથી દેશને માન થાય છે, એ વાતનો પુરાવો આ રેટિંગ છે."

કોરોનાનો વખત નરેન્દ્ર મોદીની અગ્નિપરીક્ષા
'મિસાયા મોદી' પુસ્તક લખનારાં તવલીન સિંઘ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે 'ઇતિહાસને આ દૃષ્ટિએ ન જોવો જોઈએ' અને સાથે જ તેઓ કેશુભાઈ પટેલની સ્થિતિ અને નરેન્દ્ર મોદીની સ્થિતિ વચ્ચેની તુલનાને વાજબી ગણતાં નથી.
નરેન્દ્ર મોદીની રાજકીય જીવનકથા 'ધ નમો સ્ટોરી: અ પૉલિટિકલ લાઇફ' નામે લખનારા ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પૂર્વ નિવાસી તંત્રી કિંગશુક નાગ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે સ્થિતિ સરખી છે પણ બંને વચ્ચે થોડો ફેર છે.
તેઓ કહે છે કે કેશુભાઈ પટેલ એટલા અસરકારક નહોતા જેટલા નરેન્દ્ર મોદી આજે છે અને કેશુભાઈ પટેલની નરેન્દ્ર મોદી જેટલી દૃઢ જાહેરછબિ પણ નહોતી.
નાગ ઉમેરે છે કે "કેશુભાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા, જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન છે અને નરેન્દ્ર મોદી શક્તિશાળી વ્યક્તિ છે, ઘણી બધી સત્તાઓ અને શક્તિઓ તેમણે પોતાના કાબૂમાં રાખી છે."
તવલીન સિંઘ તુલના નકારે છે પણ સ્વીકારે છે કે નરેન્દ્ર મોદીની સરકારની અભૂતપૂર્વ ટીકા થઈ રહી છે.
કોરોનાકાળમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારની કામગીરી અને એ બાદ થઈ રહેલી ટીકા સંદર્ભે તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી માટે આ અગ્નિપરીક્ષા હતી અને તેમાં તેઓ દઝાઈ ગયા છે. કારણકે સ્પષ્ટ દેખાય છે કે દેશ સામે જે સમસ્યા હતી, એને તેઓ સમજી ન શક્યા અને તેઓ માની બેઠા કે કઈ કર્યા વગર આ સ્થિતિનું નિરાકરણ લાવી શકશે પણ એવું નથી થયું."

'નરેન્દ્ર મોદીએ મહામારીને સારી રીતે સંભાળી'

ઇમેજ સ્રોત, Narendra Modi/Facebook
લેખક અને પત્રકાર શેષાદ્રી ચારી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તવલીન સિંઘની જેમ આ ઘટનાઓની તુલનાને નકારી કાઢે છે પણ તેઓ નરેન્દ્ર મોદી સરકારની કોરોનાકાળમાં કામગીરી અને એ દરમિયાન થયેલી ટીકા અંગે થોડો જુદો મત ધરાવે છે.
તેમનું નરેન્દ્ર મોદી સરકારની કામગીરી સંદર્ભે કહેવું છે કે 'સરકારે કોરોના મહામારીની સ્થિતિને ઘણી સારી રીતે સંભાળી છે, એમાં સુધારાને ચોક્કસ અવકાશ છે. દુનિયામાં કોઈને ખબર નહોતી કે આવી મહામારી આવશે અને અચાનક આવી પડી. આમ છતાં સરકારે જરૂરી કામગીરી કરી.'
તેઓ કહે છે કે કોરોના વાઇરસ અને મહામારીની આડમાં કેટલાક લોકો રાજનીતિ કરવા માગે છે, એ બહુ દુખની બાબત છે.
તેઓ ઉમેરે છે, "આ એવો વખત છે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ આગળ આવે. આર્થિક બાબતો, બજેટ સંદર્ભે ટીકા થાય તો હું એ વાત સમજી શકું છું."
"કોઈ ડૂબી રહ્યું છે અને તમે ઘાટ પર બેસીને કહો છો કે લોકો ડૂબી રહ્યા છે અને સરકાર કંઈ નથી કરી રહી, અત્યારની સ્થિતિ કંઈક આવી જ છે. શું આ યોગ્ય રીત છે?"

રાજકીય સ્થિતિએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શેષાદ્રી ચારી કહે છે કે 2001ની કેશુભાઈની ઘટના અને 2021માં નરેન્દ્ર મોદીની ઘટના એ બંને જુદી-જુદી વાતો છે.
ચારી કહે છે કે "એવું તો જરાય નથી કે ભૂકંપ ન આવ્યો હોત તો કેશુભાઈ ક્યારેય હટ્યા ન હોત અને નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા જ ન હોત."
ચારી માને છે કે કેશુભાઈએ ભૂકંપ વખતે સારી કામગીરી નથી કરી, એવું કહેવું યોગ્ય નથી.
શેષાદ્રી ચારી ઉમેરે છે કે "કેશુભાઈ ભૂકંપ વખતે સ્થિતિને સારી રીતે સંભાળી ન શક્યા, એટલે એમને હઠાવાયા એવું કહેવું પણ યોગ્ય નથી."
ચારીના મત પ્રમાણે એ વખતની રાજકીય સ્થિતિ જુદી હતી અને એટલે એ પ્રમાણે પગલાં લેવામાં આવ્યાં હતાં.
શેષાદ્રી ચારીની વાતની દિશામાં તાપસ કરવા ઇતિહાસનાં પાનાં ફંફોસીએ અને તથ્યોની તપાસ કરીએ તો એ વખતની રાજકીય ગતિવિધિનો અંદાજ આવે છે.

એ 14 વર્ષ જેણે કેશુભાઈની સામે નરેન્દ્ર મોદીને તૈયાર કર્યા

ઇમેજ સ્રોત, Sukhdev Bhachech
કેશુભાઈ પટેલની નારાજગી વચ્ચે નરેન્દ્ર મોદીએ સાતમી ઑક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે થપથ લીધા, જોકે એ માટેની તૈયારી 14 વર્ષ પહેલાં શરૂ થઈ ગઈ હતી.
વર્ષ 1987ની વાત છે, નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ભાજપે ગુજરાતના સંગઠનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક માણસોને ઉતારવાની નીતિ અપનાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીનું આગમન થયું ત્યારે બે વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાનો સૂરજ ચડતી કળાએ હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પૂર્વ નિવાસી તંત્રી અને લેખક કિંગશુક નાગ નરેન્દ્ર મોદીના રાજકીય જીવન પર લખેલા પુસ્તક 'ધ નમો સ્ટોરી: અ પૉલિટિકલ લાઇફ'માં લખે છે:
"જો નરેન્દ્ર મોદી પડદા પાછળ રહીને કામ કરતા ગુજરાત ભાજપના મહત્ત્વના નેતાઓમાંથી એક હતા તો પક્ષમાં એટલી જ મહત્ત્વની અન્ય એક વ્યક્તિ પણ હતી. એ નેતા એ વખતે ગુજરાતમાં ભાજપનો ચહેરો હતા - કેશુભાઈ પટેલ."

નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા - RSSની ત્રિપુટી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કેશુભાઈ પટેલના રાજકીય સામર્થ્યનો ચિતાર આપવા માટે નાગ તેમને 'યુદ્ધનો જૂનો ઘોડો' કહીને અલંકૃત કરે છે. કેશુભાઈ જનસંઘનો પાયો નખાયો એ વર્ષથી જ, એટલે કે 1952થી જનસંઘ સાથે જોડાયેલા હતા.
વર્ષ 1969માં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી લડેલા કેશુભાઈ વર્ષ 1975 સુધીમાં બાબુભાઈ જશભાઈ પટેલની સરકારના મંત્રાલયમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા હતા.
વર્ષ 1995માં ગુજરાતમાં જ નહીં ભારતભરમાં ભાજપની પહેલવહેલી સરકાર રચાઈ, 182માંથી 121 બેઠકની જીત બાદ ભાજપના પ્રથમ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ બન્યા હતા.
જોકે એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રીના દાવેદાર તરીકે દિલ્હીસ્થિત ભાજપના નેતૃત્વના ચોપડે બીજું પણ એક નામ હતું, શંકરસિંહ વાઘેલા.

ઇમેજ સ્રોત, Getty Images
'1995માં ભાજપ પટેલોના ખભે ચૂંટાઈ આવ્યો હતો', માધવસિંહ સોલંકીના વખતમાં કૉંગ્રેસવિમુખ થયેલો પટેલ સમાજ ભાજપને ફળ્યો હતો અને એટલે જ કદાચ ભાજપે પટેલ ચહેરા તરીકે કેશુભાઈની પસંદગી કરી.
વરિષ્ઠ પત્રકાર ડૉ. ધીમંત પુરોહિત નોંધે છે, "ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના ત્રણ સ્થપતિ - કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી. આ RSSનું બહુ ડેડલી કૉમ્બિનેશન હતું. જોકે, મહત્ત્વાકાંક્ષાએ ત્રણ સ્વયંસેવકોને ત્રણ જુદી દિશાઓમાં ફેંકી દીધા."
1995ની ચૂંટણી પહેલાં આ ત્રિપુટીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિશ્વ હિંદુ પરિષદમાંથી દોઢ લાખ કાર્યકરોને તાલીમ શિબિર માટે એકઠા કર્યા હતા. જેનું ફળ ચૂંટણીનાં પરિણામોમાં મળ્યું હતું.

નરેન્દ્ર મોદીના વધતા કદ સાથે ત્રિપુટી તૂટી

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય ત્રિકોણના ત્રીજા ખૂણે નરેન્દ્ર મોદીનું કદ પણ વધી રહ્યું હતું, 1991માં 11મી ડિસેમ્બરે કન્યાકુમારીથી ભાજપ નવા અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં એકતા યાત્રા કાઢવાનો હતો, જેનો અંતિમ મુકામ કાશ્મીરનો શ્રીનગર હતો અને ત્યાં પહોંચીને ત્રિરંગો ફરકાવવાની યોજના હતી.
એકતા યાત્રાના સંપૂર્ણ આયોજનની ધુરા નરેન્દ્ર મોદીને સોંપાઈ, આ એકતા યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદીએ સભાઓ ગજવી અને ભાષણોમાં શ્યામાપ્રસાદ મુખરજીની 'રાષ્ટ્રીય એકતા'ની વાત દોહરાવી.
એકતા યાત્રા નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીમાં માર્ગસ્તંભ પુરવાર થઈ, યાત્રા બાદ તેઓ ગુજરાત પરત ફર્યા ત્યારે તેમનું કદ વધી ચૂક્યું હતું અને તેમની આસપાસના લોકો પ્રમાણે તેઓ 'સ્વયંશાસિત થઈ ગયા' હતા.
જોકે સામે શંકરસિંહ વાઘેલાના દમામ પણ કંઈક ઓર જ હતા.
જેના કારણે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે ફાટ પડી, વાઘેલા તેમના કરતાં દસ વર્ષ સિનિયર હતા અને ભાજપમાં તેઓ મહત્ત્વના નેતા હતા.

ઇમેજ સ્રોત, PTI
શંકરસિંહ વાઘેલાએ પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વાતનો એકરાર કર્યો.
તેમણે કહ્યું, "એ વખતે કેશુભાઈ મુખ્ય મંત્રી હતા અને તેમના પીએને હઠાવીને નરેન્દ્ર મોદીએ ઍન્ટિ-ચેમ્બરનો કબજો લીધો હતો, એ રીતે તેમણે કેશુભાઈની સરકાર છતાં બધું કંટ્રોલમાં લઈ લીધું હતું."
"તેમણે મારા અને કેશુભાઈ વચ્ચે અંતર વધારવા માટે કેશુભાઈના કાન ભંભેરવાનું કામ પણ કર્યું હતું."
નરેન્દ્ર મોદી વિશે એ વખતના ભાજપના મહામંત્રી કે. ગોવિંદાચાર્ય કહે છે, "તેઓ કર્મઠ કાર્યકર હતા પણ તેઓ નાના પદથી માને એમ ન હતા. નરેન્દ્ર મોદી પોતાને કેશુભાઈ અને શંકરસિંહની સમકક્ષ જોવા માગતા હતા."

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતથી દૂર થયા

ઇમેજ સ્રોત, Narendramodi.in
નરેન્દ્ર મોદીને પક્ષમાં બઢતી તો મળી પણ એનાથી તેઓ ગુજરાતથી દૂર થઈ ગયા.
વાજપેયીના નેતૃત્વવાળી નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ - NDAની સરકાર રચાવવાને હજી વાર હતી પણ એ માટેની રામજરમત રમાઈ રહી હતી.
એકતા યાત્રા, ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત ઉપરાંત મોદીના ભાથામાં અનેક રાજકીય સિદ્ધિઓનાં તીર હતાં, તેમને 1995માં ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવી દેવાયા હતા.
ત્રણ વર્ષ પછી વાજપેયી વડા પ્રધાન બન્યા એ જ વર્ષે 1998માં નરેન્દ્ર મોદીને મહામંત્રી તરીકે બઢતી આપવામાં આવી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જોકે આ વખત દરમિયાન તેમની ગુજરાત પરથી નજર હટી નહોતી.
એ વખતે નરેન્દ્ર મોદીના સાથી રહેલા એક ભાજપ નેતાને ટાંકીને કિંગશુક નાગ લખે છે, "નરેન્દ્ર મોદી દિલ્હીમાં પાણી બહાર તરફડતી માછલી જેવા હતા."
નરેન્દ્ર મોદી દિલ્હીમાં હતા પણ તેમનું મન ગુજરાતમાં હતું, તેઓ ગુજરાત પરત આવવા માગતા હતા.
આ ઘટનાક્રમને ઝીણવટથી જોઈ ચૂકેલા વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "માત્ર મન જ નહીં, નરેન્દ્ર મોદીનાં કાન અને આંખો પણ અહીં જ હતાં એમ માની લો. કેશુભાઈની કૅબિનટમાં કેટલાક માણસો નરેન્દ્ર મોદીના હતા, કૅબિનેટની અંદર અને બહાર શું-શું થાય છે એ અંગે તેમને ખબર રહેતી હતી."

2001નો ભૂકંપ એટલે કેશુભાઈ પટેલ તથા નરેન્દ્ર મોદીની કારકિર્દીનો વળાંક

ઇમેજ સ્રોત, Getty Images
26 જાન્યુઆરી 2001, ભૂકંપે ગુજરાતની ધ્રૂજવી દીધું. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છમાં હતું પણ વિનાશ રાજ્યના મોટાભાગના પ્રાંતોમાં વેરાયો હતો.
આ ભૂકંપના આફ્ટર શૉક્સ ગુજરાતના રાજકારણમાં અનુભવાયા હતા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી હવે પલટાવાની વાર હતી.
ભૂકંપ બાદ લોકોની ભાજપ સામેની નારાજગી વધી રહી હતી, એ જ વર્ષે 20મી સપ્ટેમ્બરે પેટાચૂંટણીનાં પરિણામોથી આ વાત પુરવાર પણ થઈ ગઈ.
ભાજપ સાબરમતી વિધાનસભા અને સાબરકાંઠા લોકસભા બેઠકની પેટાચૂંટણી હાર્યો હતો. એ દિવસોમાં સાબરમતી બેઠક પરની હારને અડવાણીની હાર તરીકે જોવાતી હતી, જેથી આ હાર દેશભરના મીડિયામાં દેખાવા લાગી હતી.
કિંગશુક નાગ લખે છે કે આ પહેલાં વર્ષ 2000માં અમદાવાદ અને રાજકોટની સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની હાર થઈ, આ સાથે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25માંથી 23 જિલ્લા ગુમાવ્યા હતા.

ભૂકંપ બાદ ભ્રષ્ટાચારથી ખરડાતી છાપ

ઇમેજ સ્રોત, AFP
આ વચ્ચે કેશુભાઈ પટેલની છાપ પણ ખરડાઈ રહી હતી.
ભૂકંપ વખતે કચ્છથી અંદાજે 400 કિલોમિટર દૂર અમદાવાદમાં પણ બહુમાળી ઇમારત તૂટી પડી હતી, જે બાદ ઇમારતોના બાંધકામની ગુણવત્તા પર પણ સવાલો ઊઠવા લાગ્યા હતા.
આ સાથે જ કેશુભાઈ પટેલની સરકાર અને કૉન્ટ્રાક્ટરોની સંડોવણી અંગે બણબણાટ શરૂ થઈ ચૂક્યો હતો.
'સત્તા પક્ષ ભાજપના સાઇકલ કે ટુ-વ્હિલર લઈને ફરતા નેતા હવે મોટી ગાડીઓના માલિક થઈ ગયા છે', એ વખતે વહેતી થયેલી આવી વાતો ભાજપની સરકાર અને કેશુભાઈ પટેલ પ્રત્યેનો જનતાનો બદલાતો મિજાજની જરાતરા સમજણ આપે છે.
આ અંગે કિંગશુક નાગના પુસ્તક અને અન્ય અહેવાલોમાં ઉલ્લેખ જોવા મળે છે.
આ સ્થિતિ વચ્ચ ભૂકંપ બાદ સર્જાયેલા અસંતોષના માહોલથી દિલ્હીમાં બેઠેલા નેતા સાબદા થઈ ગયા હતા. તેમને ડર હતો કે જો સ્થિતિ આવી જ રહેશે, તો 2003માં યોજાનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ હારવાનો વારો આવશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં જ હતા.

ભાજપની હાર, કેશુભાઈની હાર

ઇમેજ સ્રોત, Getty Images
ભૂકંપ બાદનો અસંતોષ અને બે પેટાચૂંટણીઓમાં હાર બાદ ભાજપના દિલ્હીમાં બેઠેલા નેતા કેશુભાઈને હઠાવવાનું મન બનાવી ચૂક્યા હતા.
જોકે કેશુભાઈ ખુરશી છોડવાના મૂડમાં નહોતા, તેમણે 30 ધારાસભ્યો સાથેનો પત્ર પોતાની ખુરશી બચાવવા દિલ્હી મોકલ્યો હતો. જોકે પત્ર ફળ્યો ન હતો.
હરિ દેસાઈ કહે છે, "એ કેશુભાઈની હાર નહોતી, એ ભાજપની હાર હતી. જોકે ભાજપની હારને કેશુભાઈની હાર ગણાવવામાં આવી."
"ગુજરાતમાં શું થઈ રહ્યું છે એની નરેન્દ્ર મોદીને ખબર હતી અને એના પ્રતાપે અહીંના તંત્રને અને કેશુભાઈને કઈ રીતે બદનામ કરી શકાય, એનો પ્રયોગ ગુજરાતથી થયો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
એ વખતની ગતિવિધિઓને જોનારા શંકરસિંહ વાઘેલા કહે છે, "કેશુબાપામાં આવડત નથી એવું દેખાડવા માટે પેટાચૂંટણીઓમાં ભાજપની હાર થાય એવું એ લોકો ઇચ્છતા હતા અને કૉંગ્રેસના ઉમેદવારોને જિતાડવામાં મદદ કરી હતી."
તેમણે કહ્યું, "ભૂકંપ બાદની સ્થિતિને પહોંચી વળવામાં કેશુબાપા અસમર્થ રહ્યા એવું ચિત્ર પણ જાણીને ઊભું કરવામાં આવ્યું હતું."
હરિ દેસાઈ કહે છે, "નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા એ પછી એમને ભૂકંપમાં કામગીરી બદલ ઍવૉર્ડ મળ્યો, એના ખરા હકદાર કેશુભાઈ હતા."

કેશુભાઈ પટેલે જ નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો

ઇમેજ સ્રોત, Getty Images
કેશુભાઈ પટેલે પક્ષના નેતૃત્વને રાજીનામું સોંપી દીધું હતું અને નરેન્દ્ર મોદી માટે વાજપેયીએ દિલ્હી છોડીને ગુજરાત જવાનું ફરમાન કાઢ્યું હતું.
જેમના હાથમાંથી સત્તા આંચકી લેવામાં આવી હતી એ જ 'કેશુભાઈએ ધારાસભ્યોની બેઠકમાં નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.'
આ પ્રસ્તાવને સર્વસંમતિથી વધાવી લેવામાં આવ્યો અને સાતમી ઑક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે પહેલી વખત શપથ લીધા હતા.
હરિ દેસાઈ કહે છે, "નરેન્દ્ર મોદી સત્તામાં રહેશે કે જશે એતો આગામી ચૂંટણીઓનાં પરિણામો જ કહી શકશે. જોકે કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનાં પરિણામો બતાવે છે કે લોકપ્રિયતા પહેલાં જેવી સહેજ પણ નથી."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













