અતીક અહમદ : અનેક કેસમાં સપડાયેલા બાહુબલીનાં પત્ની, ભાઈ અને દીકરાનાં કારસ્તાનોની કુંડળી

અતીક

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અતીક અહમદ અને ગંભીર આરોપોનો સામનો કરી રહેલા તેના પરિવારજનો
    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉમેશ પાલ હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) અતીક અહમદના દીકરા અસદ અને અન્ય એક શૂટર ગુલામ મોહમ્મદને ગુરૂવારે બપોરે ઝાંસીમાં થયેલી એક અથડામણમાં ઠાર કર્યા હતા. અસદના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ ઝાંસીમાં કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ 15 એપ્રિલની રાત્રે અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની પોલીસના કડક જાપ્તા હેઠળ હોવા છતાં અત્યંત નજીકથી ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસે ઉમેશ પાલની હત્યા સંબંધી પોતાની તપાસમાં આ ઘટનાને એક મોટી સિદ્ધિ ગણાવી છે, પરંતુ અતીક અહમદ અને તેના પરિવારના સભ્યોનો ગુનાહિત ઇતિહાસ શું છે તથા આ માહોલમાં તેમનો પરિવાર અનેક કેસ તેમજ આરોપોમાં કેવી રીતે ઘેરાયેલો છે?

બીબીસીએ દસ્તાવેજો, વકીલો તથા પોલીસ અધિકારીઓ મારફતે જાણવાનો પ્રયાસ કર્યો છે.

બીબીસી ગુજરાતી

અસદ અહમદ - અતીક અહમદનો ત્રીજો દીકરો

અસદ અહમદ

ઇમેજ સ્રોત, UP POLICE HANDOUT

સૌથી પહેલાં અસદ અહમદની વાત કરીએ. તે એસટીએફ સાથે ઝાંસીમાં થયેલી અથડામણમાં મૃત્યુ પામ્યો હતો.

અસદ અતીકનો ત્રીજો દીકરો હતો. અસદનો જન્મ સપ્ટેમ્બર, 2003માં થયો હતો અને તે 19 વર્ષનો હતો.

ઉત્તર પ્રદેશ પોલીસે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, અસદ સામે એક જ કેસ હતો અને તે ઉમેશ પાલની હત્યાનો હતો. તે આ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. ઉમેશ પાલની હત્યા સંબંધી સીસીટીવી ફૂટેજમાં અસદ ગોળીબાર કરતો જોવા મળે છે.

અસદે પ્રારંભિક શિક્ષણ પ્રયાગરાજમાં લીધું હતું અને પછી લખનઉની એક સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

અતિક અહમદના વકીલ વિજય મિશ્રાના જણાવ્યા મુજબ, અસદ વિદેશમાં કાયદાનો અભ્યાસ કરવા ઇચ્છતો હતો.

તેણે પાસપોર્ટની અરજી પણ કરી હતી, પરંતુ પોલીસના નેગેટિવ વેરિફિકેશનને કારણે તેનો પાસપોર્ટ બની શક્યો ન હતો અને તે પરદેશ અભ્યાસ કરવા જઈ શક્યો ન હતો.

બીબીસી ગુજરાતી

અતીક અહમદ સામે 100થી વધુ કેસ

અતિક અહમદ

ઇમેજ સ્રોત, FACEBOOK/SANSAD ATEEQ AHMAD YOUTH BRIDGE/BBC

અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે અને તેની સામે અદાલતમાં ચાલી રહેલા 50થી વધુ કેસમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અતીક અહમદ સામે 100થી વધુ કેસ નોંધાયેલા છે. પ્રયાગરાજ પ્રૉસિક્યૂશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, અતિક સામે 1996થી 50 કેસ પેન્ડિંગ છે.

ફરિયાદ પક્ષનું કહેવું છે કે અતીક અહમદ બહુજન સમાજ પાર્ટી(બસપા)ના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય આરોપી છે. એ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે.

પ્રયાગરાજની એમપીએમએલએ કોર્ટે 2006માં ઉમેશ પાલના અપહરણ બદલ આ વર્ષની 28 માર્ચે અતીકને દોષી ઠેરવ્યો હતો અને આજીવન કારાવાસની સજા કરી હતી.

રાજુ પાલ હત્યાકાંડમાં ઉમેશ પાલ શરૂઆતથી સાક્ષી હતા, પરંતુ પછી આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ તેમને સાક્ષી બનાવ્યા ન હતા.

બીબીસી ગુજરાતી

અતીકનાં પત્ની શાઈસ્તા પરવીન

અતિકનાં પત્ની શાઈસ્તા પરવીન

ઇમેજ સ્રોત, ANI

અતીક અહમદનાં પત્ની શાઈસ્તા પરવીન પણ ઉમેશ પાલ હત્યાકાંડમાં એક આરોપી છે.

શાઈસ્તા પરવીન સામે 2009માં પ્રયાગરાજના કર્નલગંજમાં છેતરપિંડીના ત્રણ કેસ નોંધાયા હતા. એ હાલ અદાલતમાં વિચારણા હેઠળ છે.

શાઈસ્તા પરવીન હાલ ફરાર છે. તેમણે આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ અદાલતે તે ફગાવી દીધી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં સુધરાઈની ચૂંટણી માટે બસપાએ તેમને ઉમેદવાર જાહેર કર્યાં હતાં, પરંતુ બસપાનાં વડાં માયાવતીએ થોડા દિવસ પહેલાં જ તે નિર્ણય રદ્દ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અતીક અહમદના પરિવારના એકેય સભ્યને બસપા ઉમેદવાર બનાવશે નહીં.

બીબીસી ગુજરાતી

અતીકના સૌથી મોટા દીકરા ઉમર અહમદ

અતિક અહમદનો મોટો પુત્ર ઉમર અહમદ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

ઇમેજ કૅપ્શન, અતીક અહમદનો મોટો પુત્ર ઉમર અહમદ તેના ચૂંટણી પ્રચારની કામગીરીમાં સક્રિય હતો.

અતીકનો સૌથી મોટો દીકરો ઉમર અહમદ લખનઉના વેપારી મોહિત જયસવાલના અપહરણના કેસના મુખ્ય આરોપીઓ પૈકીનો એક છે. તેણે ઑગસ્ટ, 2022માં લખનઉ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

2018માં મોહિત જયસવાલના અપહરણના કેસમાં અતીક અને ઉમર પર મૂકવામાં આવેલા આરોપમાં જણાવવામાં આવ્યું હતું કે મોહિતને લખનઉથી અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો અને તેની કંપની હડપવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

આ કેસની તપાસ સીબીઆઈએ સંભાળી ત્યારે ઉમરને આરોપી બનાવવામાં આવ્યો હતો.

ઉમરે કાયદાનો અભ્યાસ કર્યો છે. હાલ તે લખનઉ જેલમાં છે અને કેસ લખનઉમાં સીબીઆઈની કોર્ટમાં વિચારણા હેઠળ છે.

બીબીસી ગુજરાતી

અતિકના બીજા દીકરા અલી અહમદ

અતિક અહમદ

ઇમેજ સ્રોત, ANI

અતીકના બીજા દીકરા અલી અહમદ સામે પ્રયાગરાજમાં કુલ ચાર કેસ નોંધાયેલા છે. તેમની સામેનો મુખ્ય કેસ પ્રયાગરાજમાં ખંડણીની વસૂલાત માટે મારપીટ કરવાનો છે.

અલી પર પ્રયાગરાજમાં ઝીશાન નામના પ્રૉપર્ટી ડીલર પાસેથી ખંડણી વસૂલાત કરવાનો અને જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. તેની સામે ઉપદ્રવ કરવાનો અને હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો છે.

અલીએ પ્રયાગરાજમાં જુલાઈ, 2021માં આત્મસમર્પણ કર્યું હતું અને હાલ તે પ્રયાગરાજની નૈની જેલમાં છે.

બીબીસી ગુજરાતી

અતીકના સગીર વયના બે દીકરા

વીડિયો કૅપ્શન, અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની કૅમેરા સામે થઈ હત્યા, એ પછી શું થયું?

ઉમેશ પાલની હત્યા બાદ ફરાર થઈ ગયેલાં અતિકના પત્ની શાઈસ્તા પરવીને આક્ષેપ કર્યો છે કે તેના સગીર વયના બે દીકરાને ઘરેથી લઈ જઈને પોલીસે ક્યાંક ગોંધી રાખ્યા છે.

તેમણે તેમના બન્ને દીકરા માટે હેબિયસ કોર્પસની અરજી કરી છે અને તેમાં માગણી કરી છે કે પોલીસે બન્ને દીકરાને અદાલત સમક્ષ હાજર કરવા જોઈએ.

શાઈસ્તા પરવીને એવો આક્ષેપ પણ કર્યો છે કે 24 ફેબ્રુઆરીની સાંજે પોલીસ ટુકડીએ સાથે કોઈ મહિલા પોલીસ વિના તેમના ઘરમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને બન્ને દીકરાને લઈ ગઈ હતી.

એ બન્નેને કોઈ સ્થળે ગેરકાયદે રાખવામાં આવ્યા છે અને તેમના પર શારીરિક તથા માનસિક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે.

સગીર વયના એ બે છોકરા પૈકીનો એક બારમા ધોરણમાં અને બીજો નવમા ધોરણમાં અભ્યાસ કરે છે.

ઉમેશ પાલ (ડાબે) 2005માં યુપી ધારાસભ્ય રાજુ પાલ (જમણે)ની હત્યાના કેસના મુખ્ય સાક્ષી હતા

ઇમેજ સ્રોત, PRABHAT VERMA AND PUJA PAL

ઇમેજ કૅપ્શન, ઉમેશ પાલ (ડાબે) 2005માં યુપી ધારાસભ્ય રાજુ પાલ (જમણે)ની હત્યાના કેસના મુખ્ય સાક્ષી હતા

શાઈસ્તા પરવીનની માગણીના જવાબમાં ઘૂમનગંજ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર મૌર્યએ અદાલતને જણાવ્યું હતું કે, “એ બન્ને ચકિયા કસારી મસારી વિસ્તારમાં હોવાની માહિતી મળ્યા બાદ જિલ્લાની બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને બીજી માર્ચે તેમને રાજરૂપપુરના બાળ સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા હતા.”

પોલીસે શાઈસ્તા પરવીનના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા અને હાઈકોર્ટે અતીકના સગીર વયના બે દીકરાને અદાલત સમક્ષ હાજર કરવાની અરજી ફગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, એ બન્ને બાળ સંરક્ષણ કેન્દ્રમાં જ છે.

બીબીસી ગુજરાતી

અતીકના ભાઈ અશરફ ઉર્ફે ખાલીદ આઝમી

અતિકના ભાઈ અશરફ ઉર્ફે ખાલીદ આઝમી

ઇમેજ સ્રોત, ANI

અતીકના ભાઈ અશરફ ઉર્ફે ખાલીદ આઝમી સામે 52 કેસ નોંધાયેલા છે. તેમાં હત્યા, હત્યાના પ્રયાસ, ઉપદ્રવ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા કેસનો સમાવેશ થાય છે.

ઉમેશ પાલની હત્યાના કેસમાં અશરફને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે ઉમેશ પાલના અપહરણના બે કેસમાં અશરફ નિર્દોષ સાબિત થયો હતો.

એ કેસમાં અતીક અને બે અન્ય આરોપી દોષી સાબિત થયા હતા તથા અન્ય છ આરોપીને મુક્ત કરવામાં આવ્યા હતા.

બસપાના ધારાસભ્ય રાજુ પાલની 2005માં કરવામાં આવેલી હત્યાના કેસમાં પણ અશરફ એક આરોપી છે. તેનો કેસ લખનઉની સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યો છે.

અશરફને બરેલીની જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમને અદાલતમાં રજૂ કરવા માટે પ્રયાગરાજ લઈ જવામાં આવે છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી