ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા દેખાવ પછી યોગી આદિત્યનાથનું રાજકીય ભવિષ્ય કઈ દિશામાં?

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિંદી

ઉત્તર પ્રદેશમાં ભાજપને 2019ની સામાન્ય ચૂંટણીમાં જે જોરદાર સફળતા મળી તેનું 2024ની ચૂંટણીમાં પુનરાવર્તન થઈ શક્યું નથી.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ ભાજપ કરતાં વધુ લોકસભા બેઠકો જીતી અને ઘણી મહત્ત્વની બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

યુપીમાં ભાજપના આ નબળા પ્રદર્શનને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી પર તેની કેવી અસર થશે?

આ વર્ષે લોકસભાની ચૂંટણી અગાઉ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા બાદ યોગીને કેટલાંક રાજકીય વર્તુળોમાં ભવિષ્યના રાષ્ટ્રીય નેતા તરીકે જોવામાં આવતા હતા. પરંતુ હવે એવી ચર્ચા ચાલે છે કે ગત ચૂંટણીની સરખામણીએ રાજ્યમાં ભારે નુકસાન થયું તેના કારણે યોગીને ભોગવવું પડશે કે કેમ?

ગોરખપુરમઠના મહંત અને ત્યાંના ભૂતપૂર્વ સાંસદ રહી ચુકેલા યોગી આદિત્યનાથના ભવિષ્ય વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ.

બીબીસી ગુજરાતી

કઈ રીતે મુખ્યમંત્રી બન્યા?

વાત 17 માર્ચ 2017ની છે. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યાના છ દિવસ સુધી રાજ્યના નવા મુખ્ય મંત્રી કોણ હશે તે નક્કી નહોતું.

મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે ટેલિકૉમ મંત્રી મનોજ સિંહા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્ય મુખ્ય મંત્રીપદની રેસમાં સૌથી આગળ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અનેક પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવતું હતું કે મનોજ સિંહા મુખ્ય મંત્રીપદ સંભાળવા લખનઉ જવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે કેશવપ્રસાદ મૌર્યને ખબર પડી કે તેમનો દાવો સફળ નહીં થાય, તો તેમની તબિયત બગડી. તેઓ દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા.

તે સમયે પડદા પાછળની ઘણી ગતિવિધિઓ પછી યોગી આદિત્યનાથ દિલ્હીથી ગોરખપુર પરત આવ્યા હતા. તેમના ફોન પર તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહની રિંગ આવી. તેમણે યોગીને પૂછ્યું કે તમે અત્યારે ક્યાં છો? યોગીએ જવાબ આપ્યો કે તેઓ ગોરખપુરમાં છે.

અમિત શાહે તેમને તાત્કાલિક દિલ્હી આવી જવાનો નિર્દેશ કર્યો. યોગીએ પોતાની અસમર્થતા વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં દિલ્હી માટે કોઈ ફ્લાઈટ કે ટ્રેન ઉપલબ્ધ નથી.

બીજા દિવસે સવારે જ્યારે યોગી આદિત્યનાથ સ્પેશિયલ પ્લેન મારફતે દિલ્હી પહોંચ્યા ત્યારે તેમને ઍરપૉર્ટથી અમિત શાહના નિવાસસ્થાને લઈ જવાને બદલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે લઈ જવામાં આવ્યા.

અમિત શાહ યોગીને મળવા ત્યાં પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે યોગીને ઔપચારિક રીતે જણાવ્યું કે તેમણે યુપીના મુખ્ય મંત્રી બનવાનું છે.

યોગીના નામ પર કેવી રીતે પસંદગી ઢોળાઈ?

યોગી આદિત્યનાથ અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

મેં તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક 'ઍટ ધ હાર્ટ ઑફ પાવર, ધ ચીફ મિનિસ્ટર્સ ઑફ ઉત્તર પ્રદેશ'ના લેખક અને ઈન્ડિયન ઍક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવને પૂછ્યું કે યોગીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા પાછળનું કારણ શું હતું?

તેઓ જણાવે છે, "પાંચ નામો પર વ્યાપક વિચારણા કરવામાં આવી હતી. તેમાં યોગી આદિત્યનાથ, કેશવપ્રસાદ મૌર્ય, લક્ષ્મીકાંત વાજપેયી, મનોજ સિંહા અને દિનેશ શર્મા સામેલ હતા. તેમણે 2014ની સંસદીય ચૂંટણી પછી તેમનો સામાજિક આધાર નોંધપાત્ર રીતે વધાર્યો હતો. આ દૃષ્ટિએ OBC હોવાને કારણે પ્રદેશ પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યનો દાવો સૌથી મજબૂત હતો."

પરંતુ વિચાર-વિમર્શ બાદ ભાજપે યોગીની પસંદગી કરી.

શ્યામલાલ કહે છે, "મને લાગે છે કે તેમણે જ્યારે ઘણાં સમીકરણો ચકાસ્યા ત્યારે યોગી આદિત્યનાથ એક સ્વાભાવિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા કારણ કે તેઓ એક સાધુ હતા. બીજું, તે સમયે ભાજપમાં કટ્ટર હિન્દુત્વ તરફ આગળ વધવાના જે પ્રયાસો થઈ રહ્યા હતા તેના તેઓ એક પ્રતીક હતા. વૈચારિક રીતે આરએસએસ પણ તેમની સાથે હતું."

સાંસદોના જૂથમાંથી નામ દૂર કરાયું

જો કે યોગીની નજીકના લોકોને થોડા દિવસો પહેલાં જ આ વાતના અણસાર મળી ગયા હતા. ચોથી માર્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ગોરખપુરની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ યોગીને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તરફથી પૉર્ટ ઑફ સ્પેનની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું હતું.

યોગીનું જીવનચરિત્ર લખનારા પ્રવીણકુમાર તેમના પુસ્તકમાં લખે છે, "ભારતીય સાંસદોનું એક જૂથ ન્યૂયૉર્ક થઈને ત્રિનિદાદની રાજધાની પૉર્ટ ઑફ સ્પેન જઈ રહ્યું હતું. યોગીના પાસપોર્ટ પર ત્રિનિદાદના વિઝા મુકવામાં આવ્યા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનું નામ પ્રવાસ કરનારા સાંસદોની યાદીમાંથી હઠાવી લેવાયું છે. જાણવા મળ્યું કે વડા પ્રધાન કાર્યાલયની સૂચના પર આમ કરવામાં આવ્યું છે."

મુખ્ય મંત્રી બન્યાના ઘણા દિવસો બાદ યોગીએ સ્વીકાર્યું કે છેલ્લી ઘડીએ તેમનું નામ હઠાવવામાં આવતા તેઓ નિરાશ થયા હતા, પરંતુ પાછળથી તેમને સાચું કારણ જાણવા મળ્યું.

ત્યાં સુધી નરેન્દ્ર મોદી રાજ્યોમાં હંમેશા લૉ-પ્રોફાઇલ મુખ્ય મંત્રીઓને પસંદ કરતા હતા. યોગીના નામ પર મહોર મારવી એ તેમના માટે થોડી અસામાન્ય હતી કારણ કે મોદીની જેમ યોગી પણ જનાધાર ધરાવતા હિન્દુત્વવાદી નેતા છે. પરંતુ તેમની ઉંમર અને હિન્દુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આરએસએસએ તેમના નામને મંજૂરી આપી હતી.

'દેશમાં મોદી, યુપીમાં યોગી'

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યોગી આદિત્યનાથ

તેમણે ‘દેશમાં મોદી, યુપીમાં યોગી’ ના નારા સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રી બનતાની સાથે જ તેમણે ઉત્તર પ્રદેશ સચિવાલય એનેક્સીને ભગવા રંગે રંગાવી નાખ્યું.

ત્યાર પછી તેમણે એક વટહુકમ બહાર પાડ્યો, જે મુજબ દરેક આંતર-ધાર્મિક લગ્ન અને ધર્મ પરિવર્તન માટે ઓછામાં ઓછા બે મહિના અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જરૂરી બની ગઈ.

તેમણે તાત્કાલિક એવા ઘણા ઝડપી નિર્ણયો લીધા જેનાથી તેમની હિન્દુત્વની છબી સતત મજબૂત બનતી ગઈ.

16 ઑક્ટોબર, 2018ના રોજ તેમણે અલ્હાબાદ જિલ્લાનું નામ બદલીને પ્રયાગરાજ રાખ્યું. ત્રણ અઠવાડિયા પછી ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા રાખવામાં આવ્યું.

બિજનૌરમાં આપેલા ભાષણમાં તેમણે જાહેરાત કરી કે, 'હવે કોઈ જોધાબાઈ અકબર સાથે નહીં જાય.'

યોગી સરકારે બીજો એક નવો પ્રયોગ પણ કર્યો. તેમણે સીએએના વિરોધમાં ભાગ લેનારા લોકોને સરકારી સંપત્તિને થયેલાં નુકસાન માટે દંડ ફટકાર્યો હતો.

'યોગી આદિત્યનાથ, રિલિજન, પોલિટિક્સ એન્ડ પાવર, ધ અનટોલ્ડ સ્ટોરી' માં શરત પ્રધાન અને અતુલ ચંદ્રા લખે છે, "માર્ચ 2019માં લખનઉ પોલીસે 57 પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે પ્રદર્શનકારીઓના નામ, ફોટા અને સરનામા જાહેરમાં હોર્ડિંગ પર લગાવવાનું શરૂ કર્યું. તેમનાં આ તમામ કાર્યોએ તેમને આરએસએસમાં લોકપ્રિય બનાવી દીધા.

જોકે, અલ્હાબાદ હાઈકોર્ટને તેમનો નિર્ણય અયોગ્ય લાગ્યો અને માર્ચ 2020માં આ હોર્ડિંગ્સ હટાવવાનો આદેશ આપતાં કોર્ટે કહ્યું કે 'આવા પોસ્ટરો લગાવવા એ નાગરિકોના ગોપનીયતાના અધિકારનો ભંગ છે તથા વિરોધ કરવાનો લોકોનો બંધારણીય અધિકાર છે.'

યોગીને હઠાવવાનું નિષ્ફળ અભિયાન

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં એક સમય એવો આવ્યો જ્યારે કેન્દ્રએ તેમને હઠાવવાનું લગભગ નક્કી કરી લીધું હતું, પરંતુ તેઓ તેને રોકવામાં સફળ થયા.

શ્યામલાલ યાદવ કહે છે, "યોગીને હઠાવવામાં આવશે તે લગભગ નિશ્ચિત હતું. વિધાનસભાની ચૂંટણીમાં માત્ર નવ મહિના બાકી હતા. નાયબ મુખ્ય મંત્રી મૌર્ય સાથે તેમના સંઘર્ષના અહેવાલો આવ્યા હતા. પરંતુ પછી સંઘના નેતાઓની દરમિયાનગીરીને કારણે યોગી અચાનક મૌર્યના ઘરે પહોંચ્યા. ત્યાં સુધીમાં યોગીની લોકપ્રિયતા ભાજપ કરતા પણ આગળ વધી ગઈ હતી અને તેમને અન્ય રાજ્યોમાંથી પણ પ્રચાર માટે બોલાવવામાં આવી રહ્યા હતા."

શ્યામલાલ કહે છે, "પાર્ટીના ટોચના નેતાઓને વિચારણા પછી લાગ્યું કે યોગીને હઠાવવાનો આ યોગ્ય સમય નથી. આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગીની લખનઉમાં મુલાકાત થઈ. યોગીએ મોદી સાથે પોતાની એક તસવીર ટ્વીટ કરી જેમાં પીએમનો હાથ તેમના ખભા પર છે, તેમણે લખ્યું, 'અમે સંકલ્પ લઈને નીકળ્યા છીએ, પોતાનું તન અને મન અર્પણ કરીને, જીદ છે કે સૂરજ ઊગાડવો છે, આપણે અંબરની ઉપર જવું છે."

તે પછી 2022ની ચૂંટણી યોગીના નેતૃત્વમાં લડવામાં આવી હતી જેમાં ભાજપનો 'ભવ્ય' વિજય થયો હતો.

'બુલડોઝર અને ઍન્કાઉન્ટર'

યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં યોગીના નેતૃત્વમાં જીત મેળવી. મુખ્ય મંત્રી તરીકે તેમણે 'કાયદો અને વ્યવસ્થા અને ગુનેગારો સામે આકરી કાર્યવાહી'ને પોતાની ઓળખ બનાવી.

તેના અંતર્ગત અલ્હાબાદના અતીક અહેમદ, ગાઝીપુરના મુખ્તાર અંસારી અને ભદોઈના વિજય મિશ્રાને નિશાન બનાવવામાં આવ્યા. રાજ્યના શબ્દભંડોળમાં 'બુલડોઝર' અને 'ઍનકાઉન્ટર' નવા કીવર્ડ તરીકે ઉભરી આવ્યા. તેમની સરકારે રામપુરના સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા આઝમ ખાન સામે પણ કાર્યવાહી કરી હતી.

બુલડોઝર યોગીની ઓળખ સાથે જોડાઈ ગયું અને ભાજપ શાસિત ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ તેમના પગલે ચાલ્યા.

શ્યામલાલ યાદવ કહે છે, "ચૌધરી ચરણસિંહના સમયથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ અને મુસ્લિમોનું ગઠબંધન ખૂબ જ મજબૂત હતું. પરંતુ 2013માં મુઝફ્ફરનગર રમખાણોને કારણે તે તૂટી ગયું. યોગીએ સીએએ વિરોધીઓની સંપત્તિ જપ્ત કરવાની વાત કરી. તેનાથી તેમના પોતાના સમર્થકોમાં ઘણો વધારો થયો. તેમનાં આ પગલાં પક્ષના મતદારોની વધુ નજીક લઈ ગયાં અને તેનાથી તેમને ચૂંટણીમાં ફાયદો થયો.

ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં તેઓ એવા પ્રથમ મુખ્ય મંત્રી બન્યા જેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ તો પૂરો કર્યો, સાથે સાથે આગામી મુદત માટે તેઓ ફરીથી મુખ્ય મંત્રી પણ બન્યા.

ભાજપમાં તેમનું કદ વધ્યું અને તેમને રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે જોવામાં આવ્યા. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રચારક તરીકેની ભૂમિકા ભજવી હતી, પણ પરિણામ અપેક્ષા મુજબ આવ્યું ન હતું.

કેન્દ્રીય નેતૃત્વ સાથે વિવાદ

યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

એવી ચર્ચા થવા લાગી કે પાર્ટીના ટોચના નેતાઓ અને યોગી આદિત્યનાથ વચ્ચેના સંબંધોમાં ખેંચતાણ ફરી જોવા મળી છે.

મેં રાજકીય વિશ્લેષક અભયકુમાર દુબેને પૂછ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપનાં નબળાં પ્રદર્શન માટે યોગી આદિત્યનાથને કેટલી હદે જવાબદાર ગણી શકાય?

તેમણે કહ્યું, "યોગી આદિત્યનાથની ભૂમિકાની સમીક્ષા ત્યારે જ થઈ શકે જ્યારે તેમની પાસે થોડી જવાબદારી હોય. આ લોકસભા ચૂંટણી સંપૂર્ણપણે ભાજપના હાઈકમાન્ડ દ્વારા નિયંત્રિત હતી. ચૂંટણીની સમગ્ર જવાબદારી અમિત શાહના હાથમાં હતી. તમામ ટિકિટો પણ તેમની ઇચ્છા મુજબ આપવામાં આવી હતી. દરેક મતવિસ્તારનું સંચાલન અમિત શાહ પોતે કરતા હતા."

દુબે કહે છે, "યોગીનું એકમાત્ર કામ એક સ્ટાર પ્રચારક તરીકે આખા યુપીમાં ફરવાનું અને ધાર્મિક આધાર પર ધ્રુવીકરણ થઈ શકે તેવાં ભાષણો આપવાનું હતું. આ કામ તેમણે ખૂબ જ સારી રીતે કર્યું. તેમને આપવામાં આવેલી જવાબદારી તેમણે પૂરી રીતે નિભાવી હતી તેથી તેમને આ હાર માટે જવાબદાર ગણાવી શકાય નહીં. જો કોઈ આ હારની જવાબદારી યોગી પર નાખવાની કોશિશ કરી રહ્યું હોય તો તે એક ષડયંત્ર ગણાય."

શું યોગીને દરકિનાર કરવામાં આવશે?

કેન્દ્રમાં સરકાર રચવા છતાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનાં પરિણામોને પચાવવાં ભાજપના નેતૃત્વ માટે મુશ્કેલ બની ગયાં. ખાસ કરીને જ્યારે ભાજપે ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ અને દિલ્હી જેવા યુપીને અડીને આવેલાં રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

2019ની સંસદની ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા બાદ કેટલાંક વર્તુળોમાં યોગી આદિત્યનાથ માટે રાષ્ટ્રીય ભૂમિકાની શક્યતાની ચર્ચા થવા લાગી અને તેમને આગામી પેઢીના ભાજપના નેતા તરીકે જોવામાં આવી રહ્યા હતા. પરંતુ શું તાજેતરની લોકસભા ચૂંટણીનાં પરિણામોને કારણે આ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે?

અભયકુમાર દુબેનું કહેવું છે કે, "અનુપ્રિયા પટેલે યોગી વિરુદ્ધ જે પત્ર લખ્યો છે, તે જે રીતે મીડિયાને આપવામાં આવ્યો છે તે એ વાતનો પુરાવો છે કે તે કોઈના ઇશારે કરવામાં આવ્યું છે. યોગી આદિત્યનાથ વિશે એવું કહેવામાં આવતું હતું કે તેમના શાસનમાં મહિલાઓ ખૂબ જ સુરક્ષા અનુભવવા લાગી છે, આવી સ્થિતિમાં નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરો દ્વારા એક સમાચાર બહાર પાડવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઉત્તર પ્રદેશ કેટલું આગળ છે."

અભય દુબે કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના જાહેર કરાયેલા પત્રનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં તેમણે લખ્યું હતું કે 'ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત લોકોને રોજગાર આપવાના મામલે ભેદભાવ કરી રહી છે.'

દુબે કહે છે, "આવા સમાચાર એટલે જાહેર કરાય છે જેથી યોગી જેનો રાજકીય શ્રેય લે છે તે વાતોને ધ્વસ્ત કરી શકાય. જ્યાં સુધી બુલડોઝર અથવા ઍન્કાઉન્ટર મૉડલ સુસંગત રહેશે ત્યાં સુધી તેમની શાખને આંચ નહીં આવે."

અભય દુબે કહે છે કે ભાજપ હંમેશા યોગી વિશે આકલન કરતી રહે છે. આજે ફરી એ આકલનની પ્રક્રિયા ચાલી રહી છે.

તેઓ કહે છે, "આજે હાઈકમાન્ડમાં તેમની વિરુદ્ધ ઘણી નકારાત્મકતા છે. તેઓ સ્વીકારી રહ્યા છે કે ચૂંટણી જીતવામાં તેમને જે મદદ કરવી જોઈએ તે તેમણે કરી નથી. તેઓ ભાજપનાં વર્તુળમાં અટવાઈ ગયા છે. ભાજપ ન તેમને કાઢી શકે છે, ન તેમને સ્વીકારી શકે છે."

આગામી દિવસોમાં ભાજપ અને યોગી આદિત્યનાથ વચ્ચેના સંબંધો સુધરશે કે પછી તેમની વચ્ચે તણાવ વધશે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.